ભારદ્વાજનું વૈમાનિક શાસ્ત્ર : મોડર્ન એવિયેશન પણ જેની સામે પાણી ભરે..!
ઇ.સ. ૧૮૭૫ની સાલમાં આપણા ગુજરાતનાં જ એક અતિપ્રાચીન મંદિરમાંથી પુરાતત્વશાસ્ત્રીઓને આજથી ૧૦૦૦ વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ મળી આવ્યો! ભારદ્વાજ ઋષિની કલમે લખાયેલ આ ‘વૈમાનિક શાસ્ત્ર’ (જેને પ્રાચીન ભારતમાં ‘બૃહદવિમાન શાસ્ત્ર’ તરીકે પણ ઓળખવામાં આવતું એ) સંશોધકો માટે ચર્ચાનો વિષય બન્યું. એમાં એવા પ્રકારનાં વિમાનની બનાવટ અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે, જેનાં વિશે આધુનિક વિજ્ઞાન સાવ અજાણ છે! આ વિષયે વિગતવાર ચર્ચા કરતાં પહેલા ભારદ્વાજ ઋષિનો પરિચય મેળવી લઈએ. ઋષિ બૃહસ્પતિનાં પુત્ર અને આયુર્વેદ, યંત્ર સર્વસ્વ જેવા પુષ્કળ સંસ્કૃત સાહિત્યોનાં રચયિતા ઋષિ ભારદ્વાજનો ઉલ્લેખ ઘણી પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. એવું કહેવાય છે કે, રામ-લક્ષ્મણ અને જાનકીએ વનવાસ દરમિયાન એક વખત ઋષિ ભારદ્વાજનાં આશ્રમમાં વસવાટ કર્યો હતો.
માન્યતા છે કે, મહાભારતનાં યુધ્ધ પહેલા (૩૩૦૦ ઇસવીસન પૂર્વે) ઋષિ ભારદ્વાજે વૈમાનિક શાસ્ત્રની રચના કરી હતી. એમની કળાત્મકતા અને વિમાન અંગેનાં લખાણોએ દુનિયાભરનાં મોટા મોટા એવિયેશન એન્જિનિયર્સને અચંબિત કરી મૂક્યા છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે ઋષિ ભારદ્વાજ દ્વારા આલેખાયેલા વિમાનોની રચના આજનાં એરોપ્લેન કરતાં ક્યાંય વધુ જટિલ છે. વાસ્તવમાં એમણે વિમાનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે :
(૧) પૃથ્વી પર એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરી શકે એવા વિમાનો.
(૨) એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર પ્રવાસ કરી શકે એવા વિમાનો.
(૩) એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં પહોંચી શકે એવા વિમાનો.
વૈમાનિક શાસ્ત્રનો અનુવાદ
ભારદ્વાજ ઋષિનાં લખાણોને ત્યારબાદ ઘણા લેખકો અને અનુવાદકો (પાણિની, કૌટિલ્ય, દયાનંદ સરસ્વતી વગેરે..) દ્વારા ચકાસવામાં આવ્યા. ૧૯૭૩ની સાલમાં, ટી.કે.એલપ્પા અને પંડિત સુબ્રય શાસ્ત્રીની મદદ વડે જી.આર.જોસ્યેર નામનાં એક અંગ્રેજ વ્યક્તિએ એનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો. મૈસુર શહેરમાં આવેલી ‘ઇન્ટરનેશનલ એકેડમી ઓફ સંસ્કૃત ઇન્વેસ્ટિગેશન’નાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા જી.આર.જોસ્યેરે વૈમાનિક શાસ્ત્રનાં પૂર્ણ અભ્યાસ બાદ, એમાં જણાવવામાં આવેલા પાંચ મુદ્દા અલગ તારવ્યા :
(૧) એરોપ્લેનનું નિર્માણ, કાપકૂપ, તેને આગ કેવી રીતે લગાડવી અને તેનો નાશ કેવી રીતે કરવો.
(૨) એરોપ્લેનને સ્થગિત કેવી રીતે કરવું.
(૩) એરોપ્લેનને અદ્રશ્ય કરી શકવાની તકનિક
(૪) દુશ્મન સૈન્યનું વિમાન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ ખાતરીપૂર્વક કહી શકવું.
(૫) શત્રુનાં વિમાનને સંપૂર્ણતઃ તોડી પાડવાની તકનિક.
વૈમાનિક શાસ્ત્રમાં હવા, પાણી અને જમીન પર ઉડી શકે એવા પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત, આવા વિમાનોને અગ્નિ, પાણી તથા માનવીય અનિયંત્રણથી બચાવવા માટે જરૂરી એવી સાધન-સામગ્રી વિશે પણ જણાવાયું છે. તૂટી ન શકે એવા વિમાન (અભેદ્ય), જેનાં પર અગ્નિની કોઇ અસર ન થાય એવા વિમાન (અદાહ્ય) અને જેને વિશ્વની કોઇ ધાતુ વડે ભેદી ન શકાય તેવા વિમાન (અછેદ્ય) વિશેનાં વર્ણનો ઘણા વિસ્તારપૂર્વક લખાયા છે! તેમાં આર્કિટેક્ચર, ડિઝાઇન તેમજ માસ-મેન્યુફેક્ચરિંગ (જથ્થાબંધ ઉત્પાદન) માટે જરૂરી એવા કુલ ૪૧ કૃત્રિમ ભાગ તથા ૧૬ પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરી, કુદરતી-આફતો તેમજ દુશ્મન સૈન્યનો સામનો કરી શકે એવા વિમાનો બનાવવાની ટેકનિક અપાઈ છે!
સ્વાભાવિક રીતે અહીં એવો સવાલ ઉદભવે કે આવડા મોટા વિમાનોને કઈ જગ્યાએ સંગ્રહી શકાતાં હશે?! અત્યારનાં આધુનિક એરોપ્લેન માટે તો એરપોર્ટ બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રાચીન વિમાનો માટે આવા કોઇ સ્થળ નક્કી કરાયા હશે કે કેમ? જી બિલકુલ. આવી જગ્યાને એ સમયે નામ આપવામાં આવતું હતું : વિમાન-ગૃહ! વિમાનોમાં પીળાશ પડતાં સફેદ રંગનું ઇંધણ ઉપયોગમાં લેવાતાં હોવાનો પણ ઉલ્લેખ મળી આવ્યો છે. કેટલાક લેખકોનું માનવું છે કે, આ ઇંધણ એ બીજું કંઈ નહીં પરંતુ ગેસોલીનનો જ એક પ્રકાર હોઇ શકે! જ્યારે અન્ય કેટલાકનું કહેવું છે કે, ઇંધણમાં માત્ર ગેસોલીન જ નહીં, પારો (મરક્યુરી)નું પણ મિશ્રણ ભળેલું હોવું જોઇએ.
વિમાન ચલાવનાર પાઇલોટ વિશે પણ વૈમાનિક શાસ્ત્ર ઘણું બધું જણાવે છે. વિમાનનાં સંતુલિત ઉડ્ડયન માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સૂર્યશક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો, આપદા વખતે શું સાવધાની વર્તવી, શત્રુ સામે બચાવ કેવી રીતે કરવો અને કુદરતી આફતો જેમકે, વાવાઝોડું અને વીજળીથી વિમાનનું રક્ષણ કઈ રીતે કરવું એ તમામ બાબતોને ખૂબ ઉંડાણપૂર્વક અહીં સમજાવવામાં આવી છે! એમાંના ‘વસ્ત્રાધિકરણ’ પ્રકરણમાં ઉડ્ડયન દરમિયાન પાઇલોટ અને મુસાફરોએ કેવા પ્રકારનાં વસ્ત્રો પહેરવા એનાં વિશેનું વર્ણન છે. એવી જ રીતે, ‘આહારાધિકરણ’ પ્રકરણમાં પાઇલોટની તંદુરસ્તી અને આહાર-વિહાર અંગેની સારી-ખરાબ આદતો અંગેનાં સૂચનો કરવામાં આવ્યા છે!
આજનાં પાઇલોટને કંઈ સીધેસીધા કોકપિટમાં બેસાડી દેવામાં નથી આવતાં! વર્ષોની ટ્રેનિંગ બાદ એમને ઘણી બધી પરીક્ષાઓમાંથી નિર્વિધ્ન પસાર થવું પડે છે, ત્યારે છેક તેઓ મોટી મોટી નેશનલ-ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં પાઇલોટ બનવાની લાયકાત મેળવે છે. પૌરાણિક કાળમાં પણ આવા પ્રકારની આકરી પરીક્ષાઓ લેવામાં આવતી, જેમાં ઉતીર્ણ થયા બાદ જ વ્યક્તિને વિમાન ચલાવવાની મંજૂરી મળી શકતી એ વાતનો નિર્દેશ વૈમાનિક શાસ્ત્રમાં થયો છે. આજની ભાષામાં જેને ‘ટેક ઓફ્ફ’, ‘લેન્ડિંગ’ કહે છે એવા પ્રકારની કુલ ૩૨ વિદ્યાઓ પર વિજય મેળવ્યા પછી વ્યક્તિને વિમાન ચલાવવા યોગ્ય ગણવામાં આવતો! આ ૩૨ વિદ્યાઓમાં ચાલુ વિમાને યુધ્ધ લડવાની કળાઓ પણ સામેલ હતી. ‘શત્રુવિમાન કંપનક્રિયા’ તેમજ ‘શત્રુવિમાન નાશનક્રિયા’નાં વર્ણનો એટલી હદ્દે રોચક અને રોમાંચક છે કે, પાંપણ પણ ફરકવાનું બંધ કરી દે!! આજસુધી જ્યારે પણ વિમાન કે પછી એરોપ્લેનનાં પૌરાણિક અસ્તિત્વ વિશે વાત નીકળી ત્યારે દરેક વખતે રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા ‘પુષ્પક’ વિમાનનો જ ઉલ્લેખ થયો. પરંતુ એ સિવાય પણ આપણા પૂર્વજો પાસે એવા પ્રકારનાં કેટલાય વિમાનો મૌજૂદ હતાં જેની વાતો શરૂ કરીએ તો આખી એક લઘુનવલકથાનાં પ્રકરણો તૈયાર થઈ શકે! પરંતુ આજનાં દિવસ માટે આટલું કાફી છે. આગામી ત્રણ હપ્તા સુધી ચાલનારી આપણી આ વિમાન સીરિઝમાં આવતાં અઠવાડિયે આપણે ‘વૈમાનિક શાસ્ત્ર’માં જણાવવામાં આવેલ માંત્રિક, તાંત્રિક, ગૂઢ, દ્રશ્ય, અદ્રશ્ય, વિમુખ, પરોક્ષ, અપરોક્ષ જેવી કુલ બત્રીસેય વિદ્યાઓનું જ્ઞાન મેળવીશું. ગેટ રેડી ટુ ટેક ઓફ્ફ..!!
bhattparakh@yahoo.com