મારો શું વાંક ?
પ્રકરણ - 27
જાવેદનાં પરિવારને ઘરે પહોંચતા-પંહોચતા સાત વાગી ચૂક્યા હતા. બધાં છોકરાંઓ થાકીને ગાડીમાં જ સૂઈ ગયા હતા. ઘરે પહોંચીને નાનકડી સૂઈ ગયેલી અફસાનાને તેડીને રહેમત ઓરડામાં સૂવડાવવા ગઈ.
શકુરમિયાં સુમીતને રોકીને બોલ્યા... સુમીત ! જમી કરીને રહેમતને દાનીશ વિશે વાત કરવાની છે... તારું અયાં રેવું જરૂરી છે... કારણકે તું અને જાવેદ જ રહેમતને આ વિશે સારી રીતે સમજાવી શકશો.
સુમીત બોલ્યો... ભલે કાકા ! રહેમતબેન હારે દાનીશ વિશે વાત કરીને પછી જ જઈશ.
પાંચેય છોકરાંઓ એવા તો થાક્યા તા કે એકેય જમવા ના ઉઠ્યા... જમી પરવારીને રહેમત અને શબાનાએ બધુ કામ પતાવ્યું ત્યાં જાવેદે મોટેથી બૂમ પાડી.. શબાના... રહેમત... અયાં બાર ફળિયામાં આવો એક જરૂરી વાત કરવી છે. બેય જણી વિચારમાં પડી ગઈ કે અત્યારે શું જરૂરી વાત કરવી હશે?
શકુરમિયાં, જાવેદ અને સુમીત એક ખાટલામાં બેઠા હતા. એમની સામે પડેલા ખાટલામાં રહેમત અને શબાના ગોઠવાયા. હવાની ઠંડી-ઠંડી લહેરકીઓ ચાલતી હતી... રહેમતની આંખો ઘેરાઈ રહી તી... બગાસું ખાતાં-ખાતાં એ બોલી.... અબ્બા ! શું વાત કરવી છે કહો અને પાછું બીજું બગાસું ખાધું.
ત્યાં જાવેદ સૂનકારને ચીરતાં અવાજે બોલ્યો... બેટા ! મારી વાત ધ્યાનથી સાંભળ... તારાં આવનારા જીવનને લઈને વાત કરવી છે.
રહેમત અકળાઈને બોલી.... હા ભાઈ ! જે કહેવું હોય એ સીધેસીધું કહોને... આમ ગોળ-ગોળ વાત કેમ કરો છો.
જાવેદ બોલ્યો.... તો સાંભળ રહેમત ! તારાં માટે દાનીશનું માંગુ આવ્યું છે. એ લોકોએ સામેથી આ વાત કરી છે અને દાનીશ માટે તારો હાથ માંગ્યો છે. દાનીશ તને પસંદ કરે છે... એને કોઈ ફરક નથી પડતો કે તારાં લગન થયેલા છે અને તું બે છોકરાંવની માં છે. એ તને તારાં છોકરાંવ સાથે સ્વીકારવા માંગે છે... બેટા ! દાનીશ તારાં સાથે નિકાહ કરવા માંગે છે.... જાવેદ વગર રોકાયે એકશ્વાસે આ બધું બોલી ગયો.
રહેમત આ સાંભળીને સુન્ન થઈ ગઈ અને ફળિયામાં શાંતિ છવાઈ ગઈ... ફક્ત તમરાઓ અને ગરોળીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો તો... અને રહેમતનાં કાનોને પણ.. શબાના પણ આંખો ફાડીને ચૂપચાપ ઘડીક રહેમત સામું જોઈ રહી તો ઘડીક જાવેદ સામું જોવા લાગી.
ભેદી સૂનકારને ચીરતાં જાડા અવાજ સાથે શકુરમિયાં બોલ્યા... રહેમત.... મારી દીકરી ! દાનીશ હારો છોકરો છે અને બેટા... હજી તારી ઉંમરેય કેટલી નાની છે... દરિયા જેવું અફાટ જીવન તારી હામે પડ્યું છે... એ આમ એકલાં નો નીકળે મારી દીકરી... તનેય ઈરફાનની જેમ તારું જીવન જીવવાનો અને એમાં આગળ વધવાનો અધિકાર છે.
ત્યાં જાવેદ ખાટલા ઉપરથી ઊભો થઈને રહેમતની બાજુમાં બેસીને તેનાં માથે હાથ રાખીને બોલ્યો.... બેટા ! અમે તો આજ છીએ ને કાલે ના હોઈએ... તો તારી ચિંતા અમને ના થાય? આગળ જઈને તારું ધ્યાન કોણ રાખે... આ તારી આપા શબાના મારુ ધ્યાન રાખે છે અને હું એનું ધ્યાન રાખું છું. અમ્મા-અબ્બા એકબીજાનું ધ્યાન રાખતા તા... આવો સંગાથ હારે હોય તો આપણાં અડધા દુ:ખ ઓછાં થઈ જાય છે. તારાં જીવનમાંય આવો કોઈકનો સંગાથ હોય એવું અમે ઇચ્છીએ છીએ... અને અલ્લાહે દાનીશનાં રૂપમાં તારાં સાટું એ સંગાથ મોકલ્યો છે.
શબાના રહેમતનાં માથે હાથ રાખીને બોલી... હા નાનકી ! તારાં ભાઈ એકદમ હાચું કે છે. તું ભલે અમને કાઇં કે તી ના હોય પણ અમને તારું એકલાપણું દેખાય છે.. દાનીશ હમજદાર છોકરો છે... એ તને ખુશ રાખશે... અને જીવનમાં એકવાર આપણાં હારે કાઇંક ખોટું થઈ ગયું હોય તો એ જુનાં બારણાંને કાયમ માટે તાળું મારીને બીજા નવા ખુલેલા દ્વાર કે બારણાંને આવકારવો જોઈએ... એ જ આ સંસારનો નિયમ છે. નાનકી ! તારે તારાં જીવનની નવેસરથી દાનીશ હારે શરૂઆત કરવી જોઈએ.
ખાટલામાં બેઠો સુમીત બોલ્યો.... રહેમતબેન ! દાનીશને હું વરસોથી ઓળખું છું. એ એકદમ ઈમાનદાર માણસ છે.. સમયે એની સાથે પણ ખેલ ખેલ્યો છે. જે છોકરી સાથે એ લગન કરવા માંગતો હતો તેની સાથે નાત-જાતનાં અને અમીરી-ગરીબીનાં ભેદને કારણે તેનાં લગન ના થઈ શક્યા.. એ વાતને વરસો વીતી ગયા છે. એક અરસા પછી એને તમારી અંદર પોતાનો જીવનસાથી દેખાયો છે. કદાચ તમને બંનેને મેળાવવા સાટું જ નસીબે આ ખેલ ખેલ્યો હોય. રહેમતબેન આ જીવન ખૂબ સુંદર છે... જૂનું બધું જ કૂવામાં ફેંકીને ભૂલીને આવી રહેલા નવા જીવનનું સ્વાગત કરો. તમે જાવેદભાઈ પછી હમેશાં મારી સલાહ લો છો ને.... તો આ તમારાં મોટાં ભાઈની સલાહ છે કે આ નવા બંધનમાં બંધાઈ જાવ.
રહેમત ઘડીકભેર નાનું બાળક જેને કાઇં સમજ ના પડતી હોય અને એકધારું સામે જોઈ રહેતું હોય તેમ રહેમત તાકી-તાકીને બધા સામે જોઈ રહી. એનાં હદયનાં ધબકારા વધી ગયા હતા અને જાણેકે ફડકાટ સાથે હદય ધબકી રહ્યું હોય એવું તે મહેસૂસ કરી રહી હતી.
લગનનું માંગુ? હવે કેવા લગન? મારાં લગન તો ક્યારનાં થઈ ચૂક્યા છે... શાંતિને ચીરતાં રહેમતનાં તીખા વેણે જાણેકે તમરાઓનાં અવાજને જાણેકે ઘડીકભેર શાંત કરી દીધો હોય એમ રહેમતનો અવાજ જ બધાંનાં કાને અથડાતો હતો.
જાવેદ હળવેકથી બોલ્યો... બેટા ! બીજા લગન.... અમે બધાં તને ખુશ જોવા માંગીએ છીએ...
રહેમત ઉશ્કેરાટ સાથે બોલી.... નાની ઉંમરે એક લગન કરીને આવી હાલત થઈ ગઈ છે... લગન નામ માત્રથી જેને હવે ડર લાગી રહ્યો છે એને તમે બીજા લગન કરવાનું કહો છો... અને કોણે કીધું.... હું ખુશ નથી? મારા છોકરાંઓમાં જ મારી ખુશી છે... અને એ બેય જણાં એમની માં હારે ખુશ છે. મારા છોકરાંવને બીજા બાપની અને મારે બીજા ધણીની બિલકુલ જરૂરત નથી.
જાવેદ હવે ઊંચા સ્વરે બોલ્યો.... પણ રહેમત ! વાતને જરાક ઊંડું વિચારીને સમજ... આમ જિંદગીથી નિરાશાવાદી ના થવાય.. તું થોડોક સમય લે અને આ વિશે વિચારીને જવાબ આપ... આમ તરત નિર્ણય ઉપર ના પહોંચી જા... બેટા ! જિંદગી વારેઘડીએ આવો સારો મોકો નથી આપતી.
રહેમત જાવેદની આંખોમાં આંખ પરોવીને બોલી... ભાઈ ! તમારાં બધાંની ચિંતા મારા માટે વાજબી છે એ હું સારી રીતે સમજુ છું... પણ લગનમાં પ્રેમ હોવો પણ જરૂરી છે ને.... હવે તમે કહેશો કે એ તો લગન પછી આપો આપ થઈ જાશે. જેમ મને પણ થઈ ગયો તો ઈરફાન સાથે.... જે એને ક્યારેય ના થયો મારા સાથે...
હવે હું જો દાનીશ હારે લગન કરી લઉં તો એને તો મારા હારે લાગણી થઈ ગઈ છે પણ મને એનાં હારે લાગણી નથી થઈ અને જો કદાચ લગન પણ થઈ જાય તો પણ એનાં હારે મને કોઈ પ્રકારની લાગણી નહીં જ થાય એની હું સો ટકા ગેરંટી આપું છું... દાનીશ ખૂબ સારા વ્યક્તિ છે... હું શા માટે એમની લાગણીઓ જોડે રમત રમું.... તો મારાં અને ઇરફાનમાં ફરક શું રહયો? નિકાહ કરીને એમને ન્યાય ના આપી શકું તો અલ્લાહ પણ મને માફ ના કરે.
મેં એક વખત લગન કરી લીધા છે અને નિકાહ પછી એ વ્યક્તિ સાથે આજીવનની લાગણી બાંધી લીધી છે... જે ઇરફાને ક્યારેય મારાં સાથે નથી બાંધી..... એ અલગ વાત છે. જો કે એ વાતને પણ હું મારાં બાળકો ખાતર ધીરે-ધીરે ભૂલાવી રહી છું. હવે મને બીજી વખત લગનનાં બંધનમાં બંધાવાનો બિલકુલ રસ નથી અને ભવિષ્યમાં ક્યારેય રહેશે પણ નહીં.
અબ્બા ! જાવેદ ભાઈ ! આ મારો આખરી નિર્ણય છે. તમે મને સમય લેવાનું કહો છો.... પણ મારો જવાબ અત્યારે પણ ના છે, એક વરસ પછી પણ ના રહેશે અને હમેશાં ના રહેશે.
બધાં નિસાસા સાથે રહેમત સામું જોઈ રહ્યા. જાવેદ જાણેકે કાકલૂદી કરી રહ્યો હોય એમ બોલ્યો.... રહેમત ! આવું ના કર તારાં જીવન હારે... એને આમ નપાવટ ઇરફાનયાની પાછળ ના વેડફ.
શકુરમિયાં રહેમત ઉપર ગુસ્સો કરીને બોલ્યા.... ઓલાં ઇરફાનયાને લાત માર, ફેંકી કાઢ તારાં જીવનમાંથી એ નાલાયકને.... એક વાર વિચાર તો ખરી એણે તારાં હારે હું કર્યું... ફેંક સાલાને તારાં જીવન માંથી.... કહીને શકુરમિયાં રીતસરના રડવા મંડ્યા.
રહેમત શકુરમિયાંનાં પગ પાસે બેસી ગઈ અને બોલવા માંડી.... અબ્બા ! તમેય આમ રડીને મને ઢીલી પાડી રહ્યા છો અને તમારી વાત મનાવવા મજબૂર કરી રહ્યા છો... જેમ મારાં માં –બાપે જલ્દી લગન કરવાની ઇચ્છા ના હોવા છતાં જબરદસ્તી મારાં નિકાહ કરાવી દીધા.... એવી રીતે અબ્બા... તમે મારાં હારે જબરદસ્તી ના કરો... હવે તમે બધાંય મને નહીં સમજો તો હું ક્યાં જાઈશ... કહીને રહેમતે શકુરમિયાંનાં પગ પકડી લીધા.
રહેમત જુસ્સા સાથે બોલી.... આ મારો અંતિમ નિર્ણય છે... હું દાનીશ સાથે લગન નહીં કરી શકું... રાતનાં અગિયાર વાગી ચૂક્યા હતા.
રહેમત પોતાનાં ઓરડામાં ગઈ અને પોતાનો ફોન લઈને પાછી બધાં પાસે આવી અને બધાની વચ્ચે જ દાનીશને ફોન લગાડ્યો.
ફોનની રિંગ વાગતા દાનીશે ફોન જોયો તો રહેમતનું નામ દેખાઈ રહ્યું તું .... દાનીશની માં પણ ત્યાં હાજર જ હતી..
દાનીશ બોલ્યો... અમ્મી ! રહેમતનો ફોન છે... લાગે છે એનાં ઘરવાળાઓએ એની સાથે વાત કરી લીધી છે... આટલી રાતે ફોન આવતા અને એ પણ રહેમતનો.. એ જાણીને દાનીશની અમ્મીને થોડીક ફડક બેસી ગઈ અને એ મનોમન દુવા કરવા લાગ્યા કે મારાં દીકરા સાથે સારું થાય અને સારા ખબર મળે.
દાનીશે ફોન ઉપાડયો... હેલ્લો... સામેથી રહેમતનો સાવ સૂકકીભઠ્ઠ લાગણીથી તરબતોળ અવાજમાં જવાબ આવ્યો.... હું રહેમત બોલું છું...
દાનીશ બોલ્યો... હા રહેમત મેડમ ! કહો....
થોડીકવાર રહેમત ચૂપ રહી પછી બોલી.... જુઓ દાનીશ ! તમને તો એકથી એક છોકરી મળી જાશે... રહેમતને અધચ્ચે અટકાવતાં દાનીશ બોલ્યો... પણ મને તો ફક્ત તમે જ ગમો છો..... હું તમને પ્રેમ કરવા લાગ્યો છું અને નિકાહ કરવા માંગુ છું.
સામેથી રહેમતનો મક્કમ અવાજ આવ્યો... પણ હું હવે બીજા લગ્ન કરવા જ નથી માંગતી.... જુઓ દાનીશ ! તમે ખૂબ સારા વ્યક્તિ છો... તમે મારાં માટે જે ફીલ કરી રહ્યા છો એ હું તમારાં માટે ફીલ નથી કરતી... હું ફક્ત મને મૂકીને જતાં રહેલા મારાં પતિ ઇરફાનને જ પ્રેમ કરતી હતી... જે પણ હવે ઓસરી ગયો છે.... મારાં અંદર હવે પ્રેમ લેવા કે આપવા જેવુ કશું બચ્યું જ નથી.... મારું જીવન હવે ફક્ત મારાં બાળકો જ છે બીજું કઈ જ નહીં.
રહેમત ધીરેકથી બોલી.... દાનીશ ! તમે ખૂબ ઉમદા વ્યક્તિ છો.... આજનાં જમાનામાં આવું કોણ વિચારે છે જે તમે મારાં માટે વિચાર્યું....
દાનીશ.... તમે મારાં માટે જે પ્રપોઝલ મોકલ્યું છે એને હું એકસેપ્ટ નહીં કરી શકું.... પ્લીઝ, મને માફ કરી દે જો.... આ સંબંધ મને મંજૂર નથી... કારણકે હું તમને ન્યાય નહીં કરી શકું... એટલે મારો જવાબ ના છે કહીને રહેમતે ફોન મૂકી દીધો.
દાનીશનાં અમ્મી બેડ ઉપર જ બેઠા હતા... ફોન મૂકીને દાનીશે સીધું જ એની માં નાં ખોળામાં માથું મૂકી દીધું... અને દાનીશ જાણેકે દબાયેલા ડૂસકે રડી રહ્યો હોય અને કહી રહ્યો હોય કે.... અમ્મી ! મારું બીજી વખત દિલ તૂટી ગયું.... એવું એની અમ્મી મનોમન મહેસૂસ કરવા લાગી... એની અમ્મીને હવે કાઇં કહેવાની જરૂર નહોતી એ બધુ જ સમજી ગઈ હતી.
દાનીશનાં માથા ઉપર હાથ ફેરવીને એની અમ્મી બોલી.... બેટા ! એને સમજ... એ એક માં છે.... હું એની જગ્યાએ હોત તો હું પણ કદાચ આવું જ કરત....
દાનીશે થોડુક માથું ઊંચું કર્યું અને એની અમ્મી સામે જોયું... અને પાછો એની અમ્મીનાં ખોળામાં માથું મૂકીને જાણે કહી રહ્યો હોય કે .... અમ્મી !ફરીથી મને તારી કૂખમાં તારાં ગર્ભ તરીકે સમાવી લે... કારણકે તારી કૂખ જ એક એવી જગ્યા છે જ્યાં ક્યારેય કોઈ તકલીફ નથી મળતી... મળે છે તો ફક્ત અને ફક્ત સુરક્ષા અને નિ:સ્વાર્થ પ્રેમ...
***