Once Upon a Time - 134 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 134

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 134

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 134

1999ના અંત સુધીમાં ભારતમાં ક્રિકેટ પર રમાતા સટ્ટાનું ટર્ન ઓવર 2000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. ઘણા બુકીઓ દાઉદ અને છોટા શકીલના આશ્રિત બનીને દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક હિસ્સો ‘પ્રોટેક્શન મની’ તરીકે દાઉદ ગેંગને પોતાની કમાણીનો અમુક હિસ્સો ‘પ્રોટેક્શન મની’ તરીકે પહોંચાડી દેતા થઈ ગયા હતા. એ જ રીતે ઘણા બુકીઓ છોટા રાજનના આશ્રિત બની ગયા હતા.

રાજને ‘હીરા-પન્ના’ શોપિંગ સેન્ટરની દુકાનો ધરાવતા, હીરાના વેપારી અશરફ પટેલની હત્યા કરાવ્યા બાદ એવું નિવેદન કર્યું હતું કે અશરફ પટેલ દેશદ્રોહી હતો અને ભારતની ટીમને પાકિસ્તાનની ટીમ સામે હરાવવા માટે દાઉદના કહેવાથી સેટિંગ કરતો હતો એટલે મેં તેની હત્યા કરાવી હતી. પણ પોલીસનું માનવુંક હતું કે વાસ્તવમાં ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલા અશરફ પટેલની હત્યા પાછળ રાજનનો ઈરાદો દાઉદ સાથે સંકળાયેલા બુકીઓ અને ભારતીય ક્રિકેટરોમાં ધાક બેસાડવાનો અને એ રીતે દાઉદ ગેંગની કમાણીનો એક રસ્તો બંધ કરવાનો હતો.

માત્ર ક્રિકેટના જુગારમાં જ નહીં, જીવનના જુગારમાં પણ એકબીજાને હરાવવા માટે રાજન અને દાઉદ ધમપછાડા કરી રહ્યા હતા. સપ્ટેમ્બર, 2000ના પહેલાં પખવાડિયામાં દાઉદે બેંગકોકમાં રાજનની હત્યાની કોશિશ કરાવી એ પછી રાજને દાઉદને વળતો ઘા મારવા માટે ઘણાં આયોજન કર્યાં હતા. એમાં તેણે પોતાનું ભેજું દોડાવ્યું હતું. દાઉદને ખતમ કરવા માટે રાજને ઈન્ટરનેટની મદદ લીધી હતી. અને એ રીતે વિદેશની ધરતી સુધી પહોંચી ગયેલી મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગ વોર હાઈ ટેક બની ગઈ હતી!

દાઉદ અને છોટા શકીલે છોટા રાજન પર બેંગકોકમાં હુમલો કરાવ્યો અને રોહિત વર્માને મારી નખાવ્યો એથી ઉશ્કેરાઈને રાજને દાઉદ અને શકીલને ખતમ કરવા માટે જુદી-જુદી કેટલીય યોજનાઓ અમલમાં મૂકી હતી. એમાંથી એક યોજના અંતર્ગત રાજને ઈન્ટરનેટ પર ખુલ્લી ઑફર મૂકી કે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ જેવી દેશદ્રોહી પ્રવૃત્તિ કરનાર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને જે કોઈ મારી નાખશે તેને હું એક મિલિયન ડોલરનું ઈનામ આપીશ!

મજાની વાત એ હતી કે છોટા રાજનને એવો આઈજડિયા આડકતરી રીતે છોટા શકીલે જ આપ્યો હતો! બેંગકોકમાં છોટા રાજન પર હુમલો થયો એમાં રાજન બચી ગયો એ પછી છોટા શકીલે નવી વેબસાઈટ ઊભી કરી હતી અને છોટા રાજન તથા તેની ગેંગના અન્ય મહત્વના માણસો વિશે માહિતી આપનારને એક લાખ ડોલરનું ઈનામ આપવાની ઑફર તેણે વેબસાઈટ પર મૂકી હતી. ‘ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ સાઈટ ડોટ યાહૂ ડોટ કોમ/અર્ન લેક ડોલર્સ’ નામની વેબસાઈટમાં શકીલે એ ઑફર મૂકી હતી.

છોટા શકીલે રાજન પર તેની ગેંગના મહત્વના ગુંડાઓ વિશે માહિતી આપનારને એક લાખ ડોલર એટલે કે આશરે રૂપિયા ચાલીસ લાખથી વધુ રકમની ઑફર આપી એ પછી છોટા રાજને ‘ડબલ્યુડબલ્યુડબલ્યુ ડોટ સાઈટ ડોટ યાહૂ ડોટ કોમ/સેવ ઈન્ડિયા ફોમ આઈએસઆઈ’ નામની વેબસાઈટ ઊભી કરીને વળતો ઘા માર્યો.

છોટા રાજને દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલની હત્યા કરનારને એક મિલિયન ડોલર એટલે આશરે રૂપિયા ચાર કરોડથી વધુ રકમની ઑફર આપી. છોટા રાજને એ ઑફરમાં દાઉદ અને શકીલ ઉપરાંત મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના મુખ્ય આરોપી ટાઈગર મેમણ, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને નૂરા કાસકર, તથા રાજનના જ એક સમયના ખાસ વફાદાર ગુરુ સાટમના માથાં સામે પણ જુદી-જુદી તગડી રકમ ચૂકવવાની લાલચ આપી હતી.

એ ઉપરાંત છોટા રાજનની વેબસાઈટમાં નેપાળમાં કાઠમંડુ સ્થિત પાકિસ્તાની એમ્બસીમાં ફરજ બજાવતા કેટલાક પાકિસ્તાની અધિકારીઓની હત્યા માટે પણ સુપારીની ઑફર કરવામાં આવી હતી. એ અધિકારીઓ ભારત અને નેપાળ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને કાઠમંડુથી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-814 હાઈજેક કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એવું રાજનની વેબસાઈટમાં કહેવાયું હતું. નેપાળની પાકિસ્તાન એમ્બેસીના અધિકારીઓ સિવાય પાકિસ્તાની એરફોર્સના એક વિંગ કમાન્ડર (જેણે ભૂતકાળમાં લાહોરમાં આઈએસઆઈનું સુકાન સંભાળ્યું હતું) તથા ભારત વિરોધ પ્રવૃત્તિ કરનાર કેટલાક નેપાળી પત્રકારોના નામની સોપારીની પણ ઑફર એ વેબસાઈટમાં મુકાઈ હતી.

છોટા રાજનની એ વેબસાઈટમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ઊડીને આંખે વળગે એ રીતે દર્શાવાયો હતો અને રાજનને, ભારતને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈથી બચાવવા માગતો, દેશપ્રેમી ડૉન દર્શાવવામાં આવ્યો હતો. તો સામે છોટા શકીલની વેબસાઈટમાં છોટા રાજનને કોમવાદી તથા ઈન્ડિયન ઈન્ટેલીજન્સ એજન્સીઝ આઈબી (ઈન્ટેલીજન્સ બ્યૂરો) અને રૉ (રિસર્ચ એન્ડ એનૅલિસિસ વિંગ-RAW) સાથે સાંઠગાંઠ ધરાવનારો ગુંડો દર્શાવાયો હતો. એની સામે રાજને પોતાની વેબસાઈટમાં ખુલાસો કર્યો હતો કે આ અફવા કેટલાક બદમાશ પત્રકારોએ ફેલાવી છે, જેઓ દાઉદ જેવા દેશદ્રોહીના પેરોલ પર છે. રાજને પોતાની વેબસાઈટમાં એવું પણ કહ્યું હતું કે જે મરદનો બચ્ચો દાઉદ કે શકીલને ખતમ કરી નાખે તે મને સેવ ઈન્ડિયા ફ્રોમ આઈએસઆઈ એટ યાહુ ડોટ કોમ) પર ઈ-મેઈલ કરીને માહિતી આપે એ જગ્યાએ હું મારા વચન પ્રમાણે પૈસા પહોંચતા કરી દઈશ.

મુંબઈ પોલીસે છોટા શકીલ અને છોટા રાજનની વેબસાઈટની નોંધ લીધી. પણ મુંબઈ પોલીસ એ બંને વેબસાઈટની નોંધ લેવાથી આગળ બીજું કશું કરી શકે એમ નહોતી. પોતાની એ લાચારી છાવરવા માટે મુંબઈ પોલીસે કહ્યું કે આ બંને વેબસાઈટ છોટા શકીલ અને છોટા રાજને શરૂ કરાવી છે એવું અમે ખાતરીપૂર્વક કહી શકીએ નહીં. કારણ કે છોટા શકીલ કે છોટા રાજન કામ કરાવ્યા પછી ઑફર પ્રમાણે આટલી મોટી રકમ ચૂકવી જ દેશે એવું ધારીને કોઈ માઈનો લાલ દાઉદ કે શકીલ કે રાજનને મારવા તૈયાર થઈ જાય એવું માનવું બહુ મુશ્કેલ છે. બીજી બાજુ મુંબઈ પોલીસે એ વેબસાઈટને જામ કરવાની તકલીફ પણ લીધી નહીં!

(ક્રમશ:)