Devil Return-2.0 - 5 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 5

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 5

ડેવિલ રિટર્ન 2.0

ભાગ-5

ફાધર વિલિયમ દ્વારા અર્જુનને રાધાનગરમાં એક પછી એક હત્યાઓ માટે જવાબદાર વેમ્પાયર ફેમિલીની સંપૂર્ણ વિતક સાંભળવા મળે છે. જે મુજબ નાથનની વેમ્પાયર બનેલી સાતેય સંતાનોને ફાધર એડવીન મૃતયદંડ ની જગ્યાએ બીજી કોઈ સજા આપવાની વાત કરે છે.

"ફાધર, તો શું એ વેમ્પાયર ફેમિલીને ફાધર એડવીને કોઈ સજા આપી કે પછી ત્યાં મોજુદ જનમેદનીને સમજાવવા એ આવું બોલ્યાં હતાં. ?"ધીરજ ખૂટતાં અર્જુને ફાધર વિલિયમને ઉદ્દેશીને કહ્યું.

"અર્જુન, ફાધર એડવીન પોતાની વાત પર કાયમ રહ્યાં અને એ સાતેય વેમ્પાયર ભાઈ-બહેનોને મૃત્યુદંડની જગ્યાએ મૃત્યુદંડ સમાન જ એક અન્ય સજા આપી જે મુજબ એ સાતેય ભાઈ-બહેનો ને યુરોપનાં છેવાડે આવેલાં વેલ્સકી નામનાં ટાપુ પર મોકલવાની વાત કરી. "

"વેલ્સકી એક નિર્જન ટાપુ હતો જ્યાં મનુષ્ય તો શું કોઈ પશુ-પક્ષીનો પણ પત્તો નહોતો.. આ ઉપરાંત ત્યાનું ઠંડુંગાર વાતાવરણ એ ટાપુને નર્ક સમાન બનાવતું હતું. હવે વેમ્પાયર ફેમિલીનાં સાતેય ભાઈ-બહેનોએ ના છૂટકે આ સજા મંજુર તો કરી લીધી પણ ક્રિસે જતાં-જતાં ફાધર એડવીન જોડે વિનંતી કરી કે એ લોકોને ફાધર એડવીનની સજા તો કબૂલ છે પણ ક્યારેય એ લોકો ઈચ્છે તો બીજી જગ્યાએ આવી શકે એવું કંઈક કરવું. "

"જવાબમાં ફાધર એડવીને ક્રિસ ને કહ્યું કે એ લોકો ત્યારે જ અન્ય જમીન પર પગ મૂકી શકશે જ્યારે એમને કોઈ સામે ચાલીને બોલાવશે.. આ માટે ફાધર એડવીને ક્રિસનાં હાથમાં એક ઘંટડી મૂકીને કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ ઘંટડી વગાડશે તો જ ક્રિસ એનાં રક્તપિશાચ ભાઈ-બહેનો સાથે એ જગ્યાએ એક મહિના સુધી જઈ શકશે. "

"કહેવાય છે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો એ પાયમોન ની સાથે નર્કનાં રાજા લ્યુસિફરની યાચના કરી વેલ્સકી ટાપુ પર પોતાનાં જીવન-નિર્વાહ નો પ્રબંધ કરી દીધો. ક્રિસ ઇચ્છત તો ફાધર એડવીન ની શરત નો ભંગ કરી ગમે ત્યાં પોતાનાં ભાઈ-બહેનો સાથે પહોંચી જાત પણ ક્રિસ વેમ્પાયર બન્યાં પછી પણ પોતાનાં વચનનો પાકો હતો. ક્રિસે પાયમોન ની મદદ વડે એક ભવ્ય જહાજ બનાડાવ્યું જેથી કરીને ભવિષ્યમાં એને સમુદ્ર માર્ગે દુનિયાનાં કોઈપણ ભાગમાં જવામાં સરળતા રહે. "

"ક્રિસે લાકડાંનાં એક બોક્સમાં મૂકી ફાધર વિલિયમે આપેલી ઘંટડી એટલાન્ટિક સમુદ્રનાં પાણીમાં નાંખી દીધી.. વર્ષો સુધી વેલ્સકી ટાપુ પર જ કોઈ ઘંટડી બોલાવી પોતાને બોલાવે એની આશ ક્રિસ અને એનાં ભાઈ-બહેનો સેવતાં રહ્યાં.. આખરે વેલ્સકી ટાપુ પર આવ્યાં નાં પંદર વર્ષ બાદ આફ્રિકાનાં એક પ્રદેશમાંથી ક્રિસને ઘંટડીનાં સુર રૂપે ત્યાં આવવાનો સંદેશો મળ્યો. "

"સંદેશો મળતાં જ ક્રિસ પોતાનાં યુવાન થઈ ચુકેલાં ભાઈ-બહેનો સાથે જે દિશામાંથી સંદેશો આવ્યો હતો એ તરફ જહાજમાં બેસી ચાલી નીકળ્યો. પંદર વર્ષો સુધી રક્તની જે તરસ વેમ્પાયર ફેમિલીને હતી એ આફ્રિકાનાં દરિયાકિનારાંનાં ડઝનેક ગામોનાં માસુમ લોકોનાં લોહી વડે શાંત થઈ. આખરે મહિના સુધી આતંક મચાવ્યાં બાદ એ સાતેય ભાઈ-બહેનો ઘંટડી વગાડનાર વ્યક્તિની હત્યા કરી એ ઘંટડી આફ્રિકાનાં કિનારે સમુદ્રમાં નાંખી પાછાં વેલ્સકી ટાપુ આવી પહોંચ્યાં. "

"આ જ રીતે સમય-સમયે દુનિયાનાં અલગ-અલગ દેશમાં કોઈકને કોઈકનાં હાથમાં એ ઘંટડી આવી ચડતી અને જેવું કોઈ એ ઘંટડી વગાડતું એ સાથે જ વેમ્પાયર ફેમિલીને ત્યાં પહોંચવાનું વગર માંગે આમંત્રણ મળી હતું. પછી એ ઘંટડી હોય એ પ્રદેશમાં ભારે ખુવારી થતી. "

આટલું કહી ફાધર વિલિયમ જેવાં અટકયાં એ સાથે અત્યાર સુધી શાંત બેસીને એમની વાત સાંભળી રહેલો અર્જુન બોલી પડ્યો.

"તો તમારો કહેવાનો મતલબ એવો છે કે કોઈએ એ ઘંટડી વગાડી વેમ્પાયર પરિવારને રાધાનગરમાં આવવાનું કહેણ મોકલાવ્યું.. ?"

"હા અર્જુન.. કેમકે એ સિવાય આ વેમ્પાયર પરિવાર અહીં આવી ના શકે. "અર્જુનનાં સવાલનો જવાબ આપતાં ફાધર વિલિયમે કહ્યું.

"તમે કહ્યું કે એ લોકો જહાજમાં પ્રવાસ કરે છે તો પછી કેમ એવું કોઈ જહાજ રાધાનગરનાં દરિયાકિનારે કોઈની પણ નજરે ના ચડ્યું.. ?"અર્જુન બીજાં સવાલ સાથે મોજુદ હતો.

"એવું કેમ બન્યું એ હું નથી જાણતો પણ રાધાનગરમાં થઈ રહેલી ઘટનાઓ પાછળ નક્કી વેમ્પાયર પરિવારનો જ હાથ છે.. ચારસો વર્ષ પછી આજે એ લોકો પહેલાં કરતાં વધુ ચાલાક અને શક્તિશાળી બની ગયાં હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે એમનો મુકાબલો કરવો કોઈકાળે સરળ નથી. "ફાધર વિલિયમનાં અવાજમાં આછેરો ડર મોજુદ હતો.

"આમ છતાં હું એ રક્તપિશાચોને ખતમ કરીને જ રહીશ.. રાધાનગરમાં રહેતી દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી મારી ઉપર છે. હવે કોઈકાળે કોઈ માસુમનું લોહી રેડાય એ મને પોષાય એમ નથી. "અર્જુનનાં અવાજમાં મક્કમતા હતી.

"પણ તું એ શક્તિશાળી જીવોનો સામનો કઈ રીતે કરીશ.. ?"ફાધર વિલિયમે અર્જુનની તરફ જોઈને કહ્યું.

"જે રીતે ફાધર એડવીને કર્યો હતો.. "અર્જુન હસતાં-હસતાં સહજતાથી બોલ્યો.

અર્જુનની વાત સાંભળી ફાધર વિલિયમનાં ચહેરા પર પણ સ્મિત પથરાઈ ચૂક્યું.. એમને અર્જુનનાં માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું.

"અર્જુન માય ચાઈલ્ડ, લોર્ડ જીસસ વિલ હેલ્પ યુ.. "

"Thanks ફાધર.. હવે હું રજા લઉં.. "ફાધર ની સામે નતમસ્તક થઈ ત્યાંથી જવાની સહમતી માંગતાં અર્જુન બોલ્યો.

"સારું તું જઈ શકે છે પણ જતાં-જતાં હું તને એવી માહિતી આપું જે આગળ જતાં અવશ્ય તારાં કામ આવશે. "ફાધર વિલિયમ બોલ્યાં.

"આપ જણાવી શકો છો એ માહિતી શું છે એ.. "અર્જુન બોલ્યો.

"મૃત વેમ્પાયર ને મોટો ખાડો કરી ઉલ્ટા જમીનમાં દાટી દઈને એની ઉપર લસણ, મીઠું કે લીંબુ નાંખી ખાડો પુરી દેવામાં આવે તો વેમ્પાયર પુનઃ જીવિત નથી થઈ શકતાં. "ફાધર વિલિયમે કહ્યું.

"આપનો ખુબ ખુબ આભાર.. "ફાધર વિલિયમે આપેલી ઉપયોગી માહિતી લઈને અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને ઘરની તરફ ચાલી નીકળ્યો જ્યાં એની પત્ની પીનલ એની રાહ જોઈ રહી હતી.

*****

અર્જુન ફાધર વિલિયમ જોડેથી એ સવાલોનાં જવાબ મેળવીને નીકળ્યો હતો જેનાં થકી એ રાધાનગરનાં લોકોની ખુશખુશાલ જિંદગીને બરબાદ થતી રોકવામાં સફળ રહેવાનો હતો.

"આવી ગયાં મહાશય.. ?"અર્જુનનાં ઘરે પહોંચતાં જ પીનલ દરવાજે ઉભાં-ઉભાં બોલી.

"શું થયું મોહતરમા.. કેમ આમ ગુસ્સે છો.. ?"પીનલ ને નારાજ જોઈને અર્જુન બોલ્યો.

"પહેલાં ઘરમાં આવો પછી બધું સમજાઈ જશે.. "આટલું કહી પીનલ ઘરમાં પ્રવેશી.. પીનલ ની પાછળ-પાછળ અર્જુન પણ ઘરમાં પ્રવેશ્યો.

"આ જોવો.. "બેડરૂમમાં સુઈ રહેલાં અભિમન્યુ તરફ આંગળી કરી પીનલ ચિંતાતુર સ્વરે બોલી.. અભિમન્યુ નાં માથે ભીનાં પોતાં મૂકેલાં હતાં અને પગથી લઈને માથા સુધી એનું શરીર ઢાંકેલું હતું.

અભિમન્યુ ને આ હાલતમાં જોઈ અર્જુનનાં પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવું એનાં ચહેરાનાં ભાવ પરથી લાગી રહ્યું હતું. પોતાનાં પ્રાણથી વધુ અધિક મહત્વનાં વ્હાલસોયાં પુત્રને આ હાલતમાં જોઈ અર્જુન ચિંતિત મુખમુદ્રા સાથે અભિમન્યુ સૂતો હતો એ પલંગ તરફ અગ્રેસર થયો અને અભિમન્યુનાં કપાળે હાથ મૂકી પીનલ તરફ જોતાં બોલ્યો.

"શું થયું આને.. ?"

"કાલ રાતથી બિચારાને તાવ આવી રહ્યો હતો.. આજે સવારે તો અભિનું આખું શરીર તાવથી ગરમ થઈ ગયું અને એ ધ્રુજવા લાગ્યો.. ઊંઘમાં જ એ તમને યાદ કરી રહ્યો હતો માટે મેં ડોકટર ને કોલ લગાવ્યાં પહેલાં તમને કોલ કર્યો પણ તમે.. "અર્જુનને પ્રત્યુત્તર આપતાં પીનલ બોલી.

પીનલનાં આમ બોલતાં જ અર્જુનને યાદ આવ્યું કે આ કારણથી જ પીનલ એને સતત કોલ કરતી હતી પણ એ કામમાં હોવાથી પીનલનો કોલ રિસીવ ના કરી શક્યો. આ યાદ આવતાં જ અર્જુન અભિમન્યુનાં માથે મુકેલું પોતું મીઠાં વાળા પાણીમાં ડૂબાવી પુનઃ અભિમન્યુનાં માથે મૂક્યાં બાદ પીનલ ની તરફ જોઈ દિલગીર સ્વરે બોલ્યો.

"પીનુ, સોરી યાર.. પણ ગઈકાલે એવું બન્યું કે હું ઈચ્છવા છતાં તારો કોલ રિસીવ ના કરી શક્યો.. "

"તો શું કાલે પણ શહેરમાં એ રક્તપિશાચોની ટુકડીએ હુમલો કર્યો.. ?"અર્જુનની વાત સાંભળી પીનલ બોલી.

"હા પીનુ.. એ ટુકડીની એક મહિલા વેમ્પાયરને ઠેકાણે લગાવ્યાં બાદ હું એવું સમજતો હતો કે અમને મોટી સફળતા હાથ લાગી પણ હકીકતમાં અમારી સફળતા ક્ષણભંગુર હતી. "આટલું કહી અર્જુને પહેલાં લેબ પર ટ્રીસા નાં મૃતદેહ ને લઈ જવાં વેમ્પાયર ફેમિલી દ્વારા થયેલાં હુમલાની અને પછી ફાધર વિલિયમ જોડેથી વેમ્પાયર ફેમિલી વિશે જે કંઈપણ માહિતી પ્રાપ્ત થઈ હતી એ વિશે રજેરજ પીનલ ને કહી સંભળાવ્યું.

અર્જુને વેમ્પાયર વિશે જે કંઈપણ કહ્યું એ સાંભળ્યાં બાદ તો પીનલ અચરજમાં મુકાઈ ગઈ. રાધાનગરનાં લોકો પર આ વેમ્પાયર ફેમિલી મહામુસીબત લઈને આવી છે એ પીનલને સમજાઈ ચૂક્યું હતું. પોતાનો પતિ રાધાનગરનાં હજારો લોકોની સુરક્ષા માટે પોતાની પૂરતી મહેનત કરી રહ્યો હોવાનું જાણ્યાં બાદ પીનલે અર્જુનનાં ખભે હાથ મૂકીને કહ્યું.

"અર્જુન, તું મારી કે અભિમન્યુની ચિંતા ના કર.. અભિમન્યુ ને ડોકટર મેઘા ઘરે આવીને ચેક કરી જરૂરી દવા આપીને ગયાં છે.. એમને કહ્યું છે કે અભિને એકાદ દિવસમાં સારું થઈ જશે. તારે આખી રાતનો ઉજાગરો હશે માટે તું સ્નાન કરીને થોડો નાસ્તો કરીને સુઈ જા. હું અભિ જોડે હાજર છું.. ખબર નહીં આજની રાત કયો નવો આંચકો લઈને આવે.. "

"Thanks પીનુ.. તારાં જેવી સમજદાર પત્ની મળી એ બદલ ઈશ્વરનો જેટલો આભાર માનું એ ઓછો છે.. લવ યુ.. "પીનલ નાં લલાટ પર ચુંબન કરી અર્જુન બોલ્યો અને પછી સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશ્યો.

કાર્યનિષ્ઠ અને પોતાની ફરજને વફાદાર વ્યક્તિ કેટકેટલો ભોગ આપતો હોય છે એ વાત અર્જુનને જોઈ સાફ-સાફ સમજાઈ રહી હતી. સામાં પક્ષે પીનલ હતી જે ગમે તેવાં સંજોગોમાં પોતાનાં પતિનાં પડખે અડીખમ ઉભાં રહેવાને એક પત્ની તરીકે પોતાની ફરજ સમજતી હતી.

અર્જુન સ્નાન કર્યાં બાદ થોડો નાસ્તો કરીને સુવા માટે બીજાં બેડરૂમમાં આવ્યો.. લાઈટ ઓફ કરીને અર્જુને જેવી આંખ બંધ કરી એ સાથે જ એની આંખો સામે પોતે લેબમાં જોયેલું દ્રશ્ય ઉભરી આવ્યું અને સાથે-સાથે પીનલનાં હમણાં કહેલાં શબ્દો.

"ખબર નહીં આજની રાત કયો નવો આંચકો લઈને આવે છે. "

ત્રણ-ચાર કલાક તો સૂવું જરૂરી હતું કેમકે જો પોતે નહીં સુવે તો રાતે પુરી સ્ફૂર્તિ સાથે વેમ્પાયર ફેમિલી સામે મુકાબલો નહીં કરી શકે એટલે અર્જુને આંખો મીંચી અને બીજાં વિચારો ખંખેરી સુવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

આજની રાત શું નવું લઈને આવવાની હતી એ વાત તો સમયની ગર્તામાં છુપાયેલું હતું.

*****

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર ફેમિલી સાથે અર્જુનનો મુકાબલો થતાં શું થશે? કેમ એ લોકો રહેતાં હતાં એ જહાજ કોઈની નજરે નહોતું ચડ્યું.? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***