"ઊંચા ઘરનું સાસરું"
- નીરવ પટેલ ''શ્યામ''
મનહરભાઈએ પોતાની દીકરીને ખુબ જ લાડ પ્રેમથી ઉછેરી હતી. તેમની દીકરી પારુલ પણ ખુબ જ કહ્યાગરી. દેખાવમાં તો કોઈ અભિનેત્રીથી ઓછી નહિ, છતાં પણ પિતાની માન-મર્યાદા ખાતર આજસુધી કોઈ ખોટું પગલું ભર્યું નહોતું. ભણવામાં પણ ખુબ જ હોશિયાર.પરંતુ બાપની પરિસ્થિતિ એટલી સારી નહોતી કે તે તેને આગળ ભણાવી શકે. બાર ધોરણ ભણ્યા બાદ તેના માટે છોકરા જોવાનું શરૂ કરી દીધું.
મનહરભાઈના દૂરના સંબંધી પારુલ માટે એક માંગુ લઈને આવ્યા. શહેરમાં સારું ઘર, જમીન અને તમામ સુખ સાહેબી ભરેલા ઘરમાં બે છોકરા જેમાં મોટો છોકરો કંપનીમાં મેનેજર, પગાર પણ સારો, શહેરની બાજુમાં જ કરોડોની જમીન, જે છોકરાની વાત લઈને આવ્યા હતા તે છોકરો હાલ તો કઈ કામ નહોતો કરતો પરંતુ થોડા જ સમયમાં તે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો છે એમ જણાવ્યું હતું. છોકરાનું નામ હતું પંકજ. દેખાવમાં સારો.
મનહરભાઈને તો આખી વાત ગળે ઉતરી ગઈ તેઓ તો પારુલ માટે આ ઘર સારું છે અને તે ત્યાં રાજ કરશે એમ માની લીધું. ઘરમાં બીજા લોકોને પણ આ વાત ગમી. પારુલ તો તેના પિતાના ઈશારે ચાલનારી દીકરી હતી તેને તો તેમને વિચાર્યું હશે એ યોગ્ય જ હશે એમ માની અને હા કરી દીધી.
હાનો જવાબ મળતા જ તરત સગાઈ અને ઘડિયા લગ્ન પણ ગોઠવાઈ ગયા. વાત આવ્યાના બે મહિનામાં તો પારુલ સાસરે ચાલી ગઈ. ખુબ જ ધૂમધામથી લગ્ન થયા, મનહરભાઈ પાસે ભલે દીકરીને સારું ભણાવવા માટે પૈસા નહોતા પરંતુ લગ્ન કરવા માટે તેમને પોતાનું ખેતર પણ ગીરવે મૂકી દીધું.
પહેલા દિવસે જ પારુલને સાસરે તો સારું લાગવા લાગ્યું. સાસુ થોડા અભિમાની પણ પારુલ પ્રત્યે તેમને વધારે માન હતું કારણ કે મોટા દીકરાની વહુ તેની સાથે સારું રાખતી નહિ. પારુલ તો દિલ જીતવામાં પહેલેથી જ માહેર હતી, વળી કામમાં પણ એક્કો. એટલે કોઈ કહેવત તો તેનામાં આવી જ નહિ.
પંકજ શરૂઆતમાં થોડા દિવસ તો બરાબર જ લાગ્યો પરંતુ પછી પારુલને માલુમ થયું કે તે દારૂ પણ પીવે છે. ઘણીવાર તે રાત્રે ઘરમાં દારૂ પી અને આવતો, પારુલ જયારે તેને પૂછતી ત્યારે તે કહેતો કે: "મિત્રો એ બળજબરી પીવડાવ્યો, આજે આ પ્રસંગ હતો, મિત્રનો જન્મ દિવસ હતો." ગમેતેમ બહાના કાઢી અને તે પારુલને સમજાવી દેતો, પારુલ પણ ભોળી તેની બધી વાતો માની જતી. પરંતુ હવે તો પંકજનું આ વર્તન રોજીંદુ બનવા લાગ્યું. હવે તો પારુલના બોલવા ઉપર તે ગુસ્સે પણ થઇ જતો, ક્યારેક હાથ ઉઠાવવાના પણ પ્રયત્નો કરતો. પારુલ સામે પંકજનું આ એક નવું જ રૂપ હતું.
પારુલે જયારે તેના પિતાને આ વાત કરી ત્યારે તેના પિતાએ જણાવ્યું કે: "જો બેટા, આવું તો થતું જ રહેવાનું, આજના છોકરાઓને આવા સામાન્ય વ્યસન તો હોય જ, અને ધીમે ધીમે એ પણ ભૂલી જશે, એ કોઈ ધંધો શરૂ કરશે એટલે પછી એમાં જ મન પરોવાયેલું રહેશે."
પારુલને તેના પિતાની વાત ગળે ઉતરતી નહોતી, પરંતુ તેમની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો પણ તેની પાસે હતો નહિ. પંકજને પારુલે નવો ધંધો ક્યારથી શરૂ કરવાનો છે તેના વિશે ઘણીવાર પૂછ્યું પરંતુ પંકજ એના માટે કંઈજ વિચારતો નહિ. શહેરમાં આવેલી પોતાની થોડી જમીન વેચી અને જે પૈસા આવ્યા હતા તેમાં જ બધી સુખ સુવિધાઓ મળતી હતી, માટે કામ કરવાની એક રીતે તો તેને કોઈ જરૂર જ લાગતી નહોતી. આલીશાન ઘર હતું, ફરવા માટે ગાડી હતી, મહિનામાં 5-6 વાર તો હોટેલમાં જમવા જવાનું થતું, ઘરમાં કોઈ સામાનની ખોટ નહિ, છતાં પણ પારુલના મનમાં હતું કે પંકજ આમ નવરો બેસી રહે તેના કરતા કોઈ કામ ધંધો કરે તો સારું. પરંતુ પંકજના પેટનું પાણીય નહોતું હાલતું. તેને તો કામ કાર્ય વગર જ જિંદગી જીવવમાં અનેરો આનંદ આવતો હતો.
દિવસો વીતતા ગયા અને પારુલના સારા દિવસો શરૂ થઇ ગયા. થોડા જ મહિનાઓ બાદ એક ફૂલ જેવી દીકરીને તેને જન્મ આપ્યો. પંકજ પણ એ દીકરીને જોઈને ખુશ રહેતો. દીકરીના માથે હાથ મૂકી અને તેને હવે દારૂને હાથ નહિ લગાવવાનું પણ પારુલને વચન આપ્યું, પરંતુ કેટલા દિવસ? દીકરી મોટી થતી ગઈ અને પંકજનું વ્યસન પાછું શરૂ થઇ ગયું. પારુલને પહેલા તો એમ લાગ્યું હતું કે પંકજ હવે બદલાઈ ગયો છે પરંતુ પંકજ તો પોતાના શોખ બહાર જઈને પુરા કરતો. થોડા સમય સુધી તો તેને પણ ઘરમાં પોતાનું બદલાયેલું નવું રૂપ જ બતાવ્યું. પરંતુ બે વર્ષ બાદ પાછો તે તેના અસલ રૂપ રંગમાં આવી ગયો. ઘરમાં જ દારૂ પીવાનું શરૂ. પારુલ હવે બંધાઈ ચુકી હતી તેની પાસે એમાંથી બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો નહોતો.
ચોથા વર્ષે પારુલ બીજીવાર ગર્ભવતી બની, આ વખતે તેને એક દીકરાને જન્મ આપ્યો. બે બાળકો બાદ તો હવે પંકજ બદલાશે તેવી ઈચ્છા પારુલના મનમાં હતી પરંતુ કઈ થયું નહિ. દીકરો પણ મોટો થતો ગયો પરંતુ પંકજ દારૂની લતમાં વધારે ઊંડો ઉતરતો ગયો. પારુલે તેના સાસુ સસરાને પણ આ વાત કરી પરંતુ તેમની સમજાવટની પણ કોઈ અસર નહિ. હવે તો ઘણીવાર તે પારુલને મારતો પણ.
પારુલ કેટલું સહન કરતી? એક દિવસ તે પોતાના બંને બાળકોને લઈને પોતાના પિયર ચાલી ગઈ. તેના પિતાએ પણ તેને સમજાવી પરંતુ હવે વાત એટલી આગળ વધી હતી કે તે પાછી જવા માંગતી જ નહોતી, તેના સાસરેથી પણ કેટલાક સમજુ લોકો આવ્યા અને સમાધાન કરી પારુલને પાછી લઇ ગયા. સમાધાન થયા બાદ થોડા દિવસ તો બધું બરાબર ચાલુ પણ થોડા જ દિવસમાં હતી એજ પરિસ્થિતિ.
પારુલ પોતાના બાળકોના કારણે, ના મૃત્યુને વ્હાલું કરી શકતી, ના તેના સાસરે સુખેથી રહી શકતી. બે ત્રણ વાર તે પોતાના પિતાના ઘરે રિસાઈને આવી ગઈ પરંતુ સમાજના અગ્રણીઓની સમજાવટથી તેને પાછું જ જવું પડતું. બધા જ લોકો જાણતા હતા કે વાંક પંકજનો જ છે છતાં પણ તેને કઈ કહેવાની કોઈની હિમ્મત નહોતી કારણ કે તે દારૂના નશામાં શું બોલતો તેનું તેને ખુદને પણ ભાન નહોતું રહેતું. જ્યાં સુધી નશામાં ના હોય બધી વાતે તૈયાર થતો, નશો કરતો ત્યારે બધું બાષ્પીભવન.
દીકરી અને દીકરો બંને મોટા થઇ રહ્યા હતા. એક દિવસ તો હદ થઇ ગઈ. પંકજ દારૂના નશામાં ઘરે આવ્યો હશે અને તેને પારુલના ચારિત્ર્ય ઉપર જ શંકા કરીને અપશબ્દો કહ્યા જે પારુલ પણ સહન ના કરી શકી. એ દિવસે પંકજે પારુલને ખુબ જ માર માર્યો, તેની દીકરી અને દીકરો પણ તેની મમ્મીને મારથી બચાવવા માટે વચ્ચે પડ્યા તો તેમને પણ પંકજે હડસેલીને દૂર ફેંકી દીધા. પોતાના બાળકો ઉપર પણ હાથ ઉઠાવતો પંકજને જોઈને પારુલથી સહન ના થયું, તે રાત્રે જ બાળકોને લઈને ઘરની બહાર નીકળી ગઈ.
ક્યાં જશે? શું કરશે? તેની એને ખુદને પણ ખબર નહોતી છતાં પણ તે રાત્રે રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડ પહોંચી ગઈ. આખી રાત બસ સ્ટેન્ડમાં વિતાવી અને સવારે પોતાના પિયર જવા માટે નીકળી ગઈ. તેના પિતાને આખી વાત કરી હવે તો તેના પિતા પણ સમજી ચુક્યા હતા કે દીકરી સહન કરી શકે એમ નથી. હવે તો પારુલે પણ ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતું કે "આ વખતે કોઈ પાક્કો નિર્ણય કરો, હવે હું એ ઘરમાં પાછી નથી જવાની અને જો આ વખતે મને એ ઘરમાં મોકલી છે તો હું અને મારા બાળકો ત્યાં જઈને ઝેર ખાઈ આત્મહત્યા કરી લઈશું."
પારુલની આ વાતથી હવે મનહરભાઈ પણ ગભરાવવા લાગ્યા. તેમના જ કોઈ સંબંધીએ કોર્ટમાં કેસ કરવાની સલાહ આપી. એક વકીલ પાસે જઈને કેસ દાખલ કરાવ્યો. પરંતુ કોર્ટમાં જ્યાં પહેલાથી જ કરોડો કેસો પેન્ડિંગ પડી રહ્યા છે ત્યાં પારુલના કેસનો નિકાલ ક્યારે આવે?
કોર્ટમાં કેસ કર્યાને 4 વર્ષ પછી પણ તારીખ ઉપર તારીખો મળતી રહે છે, પારુલ તેના પિતા સાથે કોર્ટના ઘક્કા ખાધા કરે છે, પંકજ તો ક્યારેક જ કોર્ટમાં આવે પરંતુ તેનો વકીલ આવી આગળની તારીખ લેતો રહે છે. કેસનો નિકાલ ક્યારે આવશે તે પારુલને પણ ખબર નથી......!!!!
- નીરવ પટેલ "શ્યામ"