અંગત ડાયરી
============
શીર્ષક :ઘન, પ્રવાહી અને વાયુ
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ
પ્રાથમિકમાં ભણતાં ત્યારે વિજ્ઞાનના શિક્ષકે શીખવ્યું હતું કે પદાર્થના ત્રણ સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ આ ત્રણ સ્વરૂપો બધે જ દેખાવા લાગ્યા. ઉંમરના મુખ્ય ત્રણ સ્વરૂપો - બાળપણ એટલે સોસાયટીની તમામ શેરીઓને ખુંદી વળતો વાયુ, યુવાની એટલે જેમ નદીમાં વહેતું પ્રવાહી સ્વરૂપ બે કાંઠાની વચ્ચે જ વહે તેમ, અમુક નક્કી માર્ગ પર જ રોજની અવર જવર, ઘરેથી ઘંધે કે ઓફિસે અને ઓફિસેથી ઘરે વહ્યા કરવું અને વૃદ્ધા વસ્થા એટલે જેમ પથ્થર કે પર્વત હાલ્યા ચાલ્યા વિના ઉભા હોય તેમ, દિવસો સુધી એક જ રૂમ અને એક જ પથારીમાં પડ્યા રેહવું.
વખત જતા એ પણ સમજાયું કે સ્વભાવના પણ આ જ ત્રણ સ્વરૂપો હોય છે: કેટલાક બહિર્મુખી વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં વાયુની જેમ છવાય જાય (પછી એ સુગંધ પણ હોઈ શકે અને દુર્ગંધ પણ). આવા લોકો હાજર થાય એટલે વાતાવરણને એમના રંગે રંગી જ નાંખે, બદલી જ નાખે. કેટલાક સરળ પ્રવાહી જેવા સ્વભાવના લોકો, જે ગ્રુપને મળે એ ગ્રુપ જેવા થઇ જાય. ગ્રુપ હસે તો એ પણ હસે અને હસાવે, ગ્રુપ સીરીયસ તો એ પણ સીરીયસ. ગ્રુપનો જેવો આકાર તેવો આવા લોકોનો વ્યવહાર હોય. કેટલાક જડ જેવા (ઘન સ્વરૂપના), ખુબ જ અંતર્મુખી વ્યક્તિત્વો, પોતાની ભીતરી મનોદશા છોડી જ ન શકે. ગ્રુપ હસતું હોય અને આ ભાઈ સાહેબ ગંભીર બેસે, મોટે ભાગે વડીલો, મોટા માણસો, સાહેબો, બોસ, મેનેજર કક્ષાના મોટી જવાબદારી વાળા લોકો ઘન કે વાયુ સ્વરૂપના હોય છે, કાં સૌએ એની જેમ કરવાનું અને કાં એ સૌથી નોખું વર્તે એવા. અને સામાન્ય લોકો મોટે ભાગે પ્રવાહી સ્વરૂપના હોય છે.
અમને તો એવું પણ લાગે છે કે અમુક ઘટનાઓ પણ માણસના માનસમાં ફેરફાર કરી નાખતી હોય છે. જેમ કે જે વ્યક્તિની સગાઇ થાય એ વ્યક્તિ એના ગોલ્ડન પીરીયડ દરમિયાન ‘વાયુ’ની જેમ હવામાં ઉડતો હોય અને જેના જીવનમાં છૂટાછેડા કે વૈધવ્યની દુર્ઘટના બને એ ‘પથ્થર’ની જેમ સુષ્ક, નિષ્ક્રિય અને નિર્જીવ ‘ઘન’ સ્વરૂપમાં ફેરવાય જાય છે. જેમ પદાર્થને ઠંડો પાડતાં જઈએ તેમ વાયુમાંથી પ્રવાહીમાં અને તેમાંથી ઘનમાં એ રૂપાંતરિત થાય અને ગરમ કરતા એથી ઉલટું થાય છે તેમ જ માણસનું મન, હૃદય, સ્વભાવ પણ બાહ્ય જગત તરફથી મળતી ગરમી કે ઠંડી મુજબ રૂપાંતરિત થયા કરતા હોય છે.
ઓશો રાજીનીશજી નું એક વાક્ય છે : તૈરો મત, બહો.
જીંદગી સાથે બહુ ઝઝૂમવા કરતા, એ જે દિશામાં જઈ રહી હોય એ દિશામાં શ્રદ્ધા પૂર્વક વહેતા રહેવું એ જ મજા છે. ઝઝૂમવું જ હોય તો બાહ્ય અસરોથી મુક્ત થવા ઝઝૂમવું. વાયુની જેમ ફેલાઈ જવાની લ્હાયમાં વિખેરાઈ જવાને બદલે, ઈશ્વર જેવા વિરાટ સાગર તરફ જતી નદીની જેમ વહેતા જઈએ. દુર્ઘટનાઓ કે દુર્વ્યવ્હારો કે જીવનની નાની મોટી ભૂલોનો ડૂમો છાતીમાં ભરવાને બદલે જો ભૂલ કરી હોય તો ‘પસ્તાવાનું વિપુલ ઝરણું’ શ્રદ્ધાપૂર્વક સ્વજન સમક્ષ વ્યક્ત કરીને અને નિર્દોષ દંડાયા હોઈએ તો ક્ષમાદાનની ‘સરવાણી જેવા’ પ્રવાહી અશ્રુબુંદો વહાવી છાતીનો ડૂમો વહી જવા દઈએ તો આવનારા દિવસોમાં અનેક નવા દ્રશ્યો આપણા જીવન માટે ઈશ્વરે નક્કી કરી રાખ્યા છે એ માણી શકીએ.
મને તો આપનું સ્મિત, હસતો ચહેરો અને વિનર જેવી ખુમારી જ ગમે છે – કદાચ ઈશ્વરને પણ. આપણી આસપાસ કોઈ વાયુની જેમ વિખેરાઈ જવા કે બરફની થીજી જવાની પરિસ્થિતિમાં હોય તો એક અંતિમ વખત એને મળવાનો હૂંફાળો સમય કાઢીએ તો કેવુ!
હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)