Operation Chariot Part Two in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | ઓપરેશન ચેરિયટ : ભાગ ૨

Featured Books
Categories
Share

ઓપરેશન ચેરિયટ : ભાગ ૨

(ગતાંકથી આગળ...)

18 માર્ચ, 1942 ના, એટલે કે હુમલાના બરાબર દસ દિવસ અગાઉ લેફ્ટ. કર્નલ ન્યુમાને પહેલીવાર તેના સૈનિકોને ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી. દરેકને તેનો રોલ સમજાવી દેવામાં આવ્યો અને આખરી વારનું રીહર્સલ કરાવવામાં આવ્યું. નક્કી થયેલો ફાઇનલ પ્લાન કંઈક આવો હતો. વળાવિયાં જહાજો સાથે નીકળેલો કાફલો સેન્ટ નઝાઇર પોર્ટ તરફ હંકારે. ખુલ્લા સમુદ્રમાં આવીને વળાવિયાં જહાજો અને સબમરીન થોભી જાય અને બાકીનો કાફલો જર્મન ધ્વજ લહેરાવતો આગળ વધે. સેન્ટ નઝાઇર પોર્ટમાં દાખલ થઈને તેઓ પોતપોતાને ફાળવાયેલ લક્ષ્ય તરફ આગળ વધે. જર્મનોનું ધ્યાન ભટકાવવા બ્રિટનનું 'રોયલ એરફોર્સ' એ દરમિયાન શહેર પર હવાઈ આક્રમણ શરૂ કરી દે. જર્મનો બ્રિટીશ વિમાનોના હુમલાથી બચવા સુરક્ષિત જગ્યા શોધતા હોય એ દરમિયાન 'કેમ્પબેલ્ટાઉન' નોર્મન્ડી સૂકી ગોદી તરફ આગળ વધે અને ગોદીમાં પાણીની આવ-જા જેના દ્વારા થાય એ દક્ષિણી કેસન સાથે અત્યંત જોરથી ભટકાય. તેમાં બેઠેલા સૈનિકો તરત શિપ છોડીને આસપાસ આવેલા લક્ષ્યાંકોને ફૂંકી દે. પાછળ આવતી મોટર ગન બોટ અને મોટર ટોરપીડો બોટના સૈનિકો ઉતરીને પોતપોતાને ફાળવાયેલ ઓબ્જેક્ટિવ તરફ આગળ વધે. પોર્ટના વિવિધ પ્રવેશદ્વારો અને તેમાં લાંગરેલા જહાજોનો ટોરપીડોથી નાશ કરે. દુશ્મનની તોપો, ઉત્તરી કેસન, પમ્પિંગ હાઉસ, વિન્ડિંગ સ્ટેશન વગેરેનાં ફુરચા કાઢી આક્રમણખોર સૈનિકો પોર્ટના 'ઓલ્ડ મોલ' વિસ્તારમાં પહોંચે અને ત્યાંથી મોટર લૉન્ચમાં બેસી તાબડતોબ ખુલ્લા સમુદ્રમાં ચાલ્યા જાય. ત્યાં તેમને અગાઉથી રાહ જોતા વળાવીયા જહાજો ઉગારી લે. બચેલો કાફલો ઇંગ્લેન્ડનો રીટર્ન પ્રવાસ ખેડે. મિશન સમાપ્ત!

કાગળ પરની યોજના ભલે ચકાચક દેખાતી હોય, છતાં હકીકતમાં હતી નહીં. આટલી સંખ્યામાં હુમલાખોરો બેધડક રીતે પોતાના પ્રદેશમાં ઘૂસી આવે, ભયંકર હદે પાયમાલી સર્જે; અને જર્મનો તેમને હેમખેમ જવા દે? અશક્ય! મામાનું ઘર થોડી હતું કે બ્રિટીશરો પોતાની મનમાની ચલાવે! (બાય ધ વે, બ્રિટીશરો માટે મામાનું ઘર એટલે ભારત, અને મામા એટલે ભારતના સત્તાપ્રેમી, દેશદ્રોહી શાસકો અને નેતાઓ!!) સામેલ થયેલો પ્રત્યેક જવાન જાણતો હતો કે તેની જિંદગી હવે થોડા કલાકોની છે! પછી તો મોત સામે કોઈનું કંઈ ચાલવાનું નથી. બેશક, મોતને કોઈ રોકી ન શકે, પણ અહીં જીવવાની પડી કોને હતી? બધા જવાનો થેલામાં કફન સાથે લઈને નીકળ્યા હતા. તેમનું એક જ લક્ષ્ય હતું, કોઈ પણ ભોગે મિશન સફળ થવું જોઈએ, બસ! પછી ગમે તેટલી ભયંકર મોતને હસતે-હસતે સ્વીકારવા તેઓ તૈયાર હતા.

આખરે એ ઘડી આવી પહોંચી. 26 માર્ચ, 1942ના દિવસે બપોરે 2 વાગ્યે બ્રિટનના ફાલમાઉથ બંદરેથી કાફલો નીકળ્યો. બધી મોટરલોન્ચ વહેલી રવાના થઈ ગઈ હતી, જેથી લાંબી જાન જોઈને કોઈને શક ન પડે કે તેઓ સેન્ટ નઝાઇરમાં વગર વરઘોડે ફટાકડાં ફોડવાં જઈ રહ્યા હતા! 26મી માર્ચનો દિવસ સુપેરે, કોઈ પણ નવાજૂની વગર વીતી ગયો.

અડચણોની શરૂઆત 27ની સવારથી જ થઈ ગઈ, જે છેક હુમલાના અંત સુધી ચાલવાની હતી. વાત એમ બની કે, સવારે 7:20 એ 'ટીનેડલ' નામની ડિસ્ટ્રોયરે એક જર્મન સબમરીન દીઠી. વાતાવરણ સાફ હતું એટલે ભ્રમ થવાનો તો સવાલ જ પેદા નહોતો થતો. તાબડતોબ સબમરીન પર ડેપ્થ ચાર્જ ફેંકવામાં આવ્યા. જર્મન સબમરીને ઊંડી ડૂબકી મારી લીધી. બ્રિટીશરોએ માની લીધું કે તે ડૂબી ગઈ હતી, છતાં કમાન્ડર રેઇડરને શંકા પડી કે તે સબમરીને જરૂર જર્મનોને સાવધ કર્યા હોવા જોઈએ. (યુદ્ધ પછી જાણવા મળ્યું કે કમાન્ડર રેઇડર સાચો હતો.) હવે શું કરવું? પાછું વળી જવું? કેમ કે સચેત થયેલા દુશ્મન સામે લડવું એ તો મૂર્ખાઈ હતી. કમાન્ડર રેઇડરે દિશા બદલવાની સૂચના આપી, પણ પાછા ફરવા માટે નહીં, બીજા રસ્તે હંકારીને જર્મનોને હાથતાળી આપવા માટે. આટલું અગત્યનું મિશન અડધે ન જ મૂકાય! બપોર સુધી તેઓ ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. વળી નવી મોકાણ ઉભી થઇ. માછીમારી કરતા કેટલાક ફ્રેન્ચ ટ્રોલર બ્રિટીશ જહાજોનો પીછો કરવા માંડ્યા. આ ટ્રોલર ફ્રાન્સની વીશી સરકારને હસ્તક હતા. વીશી સરકાર હિટલરની પીઠ્ઠુ હતી, તેથી ઘણીવાર જર્મન જાસૂસો માછીમારના સ્વાંગમાં ટ્રોલર પર ચડી સમુદ્રી અવરજવર પર નજર રાખતા. આવા જ બે ટ્રોલર કાફલાની એકદમ નજીક આવી

પહોંચ્યાં. બ્રિટીશ સૈનિકોએ તેમને ઉભા રાખ્યા, તલાશી લીધી અને તેમાં રહેલા માછીમારોને બ્રિટીશ ડ્રિસ્ટોયર જહાજમાં બેસાડી, થોડી વિચારણા પછી બંને ટ્રોલરોને ડૂબાડી દીધા. એક ખતરો ઓછો થયો, પણ અંગ્રેજોનો ‘ઇસ્તકબાલ’ કરવા તૈયાર ઉભેલા ખતરાઓની ક્યાં કમી હતી!

સાંજ સુધી ફરી બધું સમુસૂતરું ચાલ્યું, પણ 6:30 વાગ્યે એક મોટર લૉન્ચનું એન્જીન ખોટકાયું. રેઇડરે એક ટોરપીડો મોટર લોન્ચને ત્યાં મૂકી, જેથી સમારકામ થાય બાદ બંને બોટ સાથે આગળ વધે અને કાફલામાં પાછી જોડાઈ જાય. પણ, આખરે એ લોટર લૉન્ચનું એન્જીન સાજું થાય એમ ન લાગતાં તેમાંના સૈનિકોને બીજી બોટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. 'કેમ્પબેલ્ટાઉન'નો વરઘોડો (અલબત્ત, વર વગરનો) પાછો આગળ ચાલ્યો.

આખરે, 27 માર્ચના, રાતે દસ વાગ્યે તેઓ નક્કી કરેલી સાંકેતિક જગ્યાએ પહોંચ્યા. વળાવિયાં જહાજોએ અહીં રાહ જોવાની હતી. 'કેમ્પબેલ્ટાઉન' અને સત્તર અન્ય જહાજોનો રસાલો આગળ વધ્યો. મધરાતે તેઓ સેન્ટ નઝાઇરની એન્ટી એરક્રાફ્ટ ગનના આકાશી ફાયરને જોઈ રહ્યા હતા. યોજના અનુસાર 'રોયલ એરફોર્સે' હુમલો શરૂ કરી દીધો હતો, જેના જવાબમાં જર્મન એન્ટી એરક્રાફ્ટ ગન બ્રિટીશ વિમાનો પર ધાણીફૂટ ગોળા ઝીંકી રહી હતી. અહીં 'COC'ના કમાન્ડરો ભૂલ કરી બેઠા. વધુ પડતી ગુપ્તતા જાળવવાના ચક્કરમાં તેમણે એરફોર્સને વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિણામે, બ્રિટીશ વિમાનો લક્ષ્યવિહોણી રીતે ધડબડાટી બોલાવીને થોડીવારમાં પાછાં ફરી ગયાં. જર્મન નેવલ ફ્લેક બ્રિગેડનો કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મેકે કંઈ બાટલીમાં દૂધ પીતો બાળક ન હતો. તે સમજી ગયો કે બ્રિટીશરોની નિષ્ફળ એર રેઇડ કોઈ બીજા, વધુ મોટા પાયાના હુમલાને છાવરવા માટે હતી. રહી રહીને તેના મગજમાં ચમકારો થયો કે ક્યાંક બ્રિટીશરો દરિયાઈ માર્ગે તો... ?

હા, અસલી આતશબાજી માટે બ્રિટીશરો આવી પહોંચ્યા હતા; અને દરિયાઈ માર્ગે જ, વટભેર ઘણે અંદર સુધી દાખલ પણ થઈ ચૂક્યા હતા. બધું નક્કી કરેલા સમય અનુસાર થઈ રહ્યું હતું. અંગ્રેજ સૈનિકો પણ જુસ્સાથી થનગની રહ્યા હતા. જે લક્ષ્ય માટે તેમણે આટઆટલા દિવસ લગી સખત પરિશ્રમ કર્યો હતો તે હવે બસ, થોડે જ દૂર હતું. અચાનક 'કેમ્પબેલ્ટાઉન' ખોટકાયું અને પાણી છીછરું હોવાને લીધે પટની રેતીમાં ખૂંપી ગયું. માંડ તેને બહાર કાઢવામાં આવ્યું કે થોડું આગળ ચાલીને ફરી ખૂંપી ગયું. ફરી ભારે જહેમત ઉઠાવવામાં આવી. આખરે, સૈનિકો તેને બહાર કાઢવામાં સફળ થયા. કટોકટીની ક્ષણોમાં આવતી તકલીફો ન્યુમાન અને રેઇડરના ધબકારા ખતરનાક રીતે વધારી મૂકતી હતી.

કાફલો હવે ઘણો નજીક આવી ચૂક્યો હતો. રડારમાં પણ તેમની હાજરી સ્પષ્ટ વર્તાતી હતી. જર્મનો મૂંઝાયા, કારણ કે આગંતુક જહાજોએ તો જર્મન ધ્વજ લહેરાવ્યો હતો. મધરાતના 1:20 થયા હશે. કેપ્ટન મેકેએ કાફલાને થોભવાનો આદેશ આપ્યો. બ્રિટીશ સૈનિકો છેક અહીં સુધી કંઈ એક જર્મન ઓફિસરનો આદેશ માનવા નહોતા આવ્યા! તેમણે આગળ વધવાનું જારી રાખ્યું. બે મિનિટ પછી જર્મનોએ ફ્લેશલાઈટ દ્વારા ફરી મેસેજ પાઠવ્યો. બ્રિટીશરો દ્વારા જર્મનોને તેમની જ ભાષામાં જણાવવામાં આવ્યું, 'હુકમ અનુસાર બંદરમાં પ્રવેશી રહ્યા છીએ!' જવાબમાં કેટલીક ફ્લેશલાઈટ બંધ થઈ. કેપ્ટન મેકેને હવે વિશ્વાસ બેસે એમ ન હતો. તેણે નાની તોપ દ્વારા હુમલો શરૂ કરાવ્યો. બ્રિટીશ જહાજોએ સામો હુમલો કરવાને બદલે વળી મેસેજ ટ્રાન્સફર કર્યો, 'ફ્રેન્ડલી ફાયર (લશ્કર દ્વારા પોતાના સાથીદારો પર જ કરાતો હુમલો) દ્વારા અમારા જહાજોને નુકસાન થઈ રહ્યું છે.' આ તે વળી કેવું? એક તો ઘૂસણખોરી, ઉપરથી સીનાજોરી! કેપ્ટન મેકે હવે ગિન્નાયો. તેણે બધી તોપોને સામટો હલ્લો કરવાનો આદેશ આપ્યો. બીજી ક્ષણે તો અનેક તોપો એકસાથે, અનેક દિશાઓમાંથી ધણધણી ઉઠી. હવે દેખાવ કરવાનો કોઈ મતલબ નથી એવું જાણી, 'કેમ્પબેલ્ટાઉન'ના કમાન્ડર બેટીએ જર્મન ધ્વજ ઉતારી બ્રિટીશ ધ્વજ ચડાવવાનો આદેશ આપ્યો. ઓળખ છતી થઈ જ ગઈ હતી, તો પછી અસલી દુશ્મન બનીને જ શા માટે ન લડવું?!

બ્રિટીશ જહાજોએ વળતો હુમલો શરૂ કર્યો. અંધારાને લીધે જર્મનોને લક્ષ્ય શોધવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી, જ્યારે બીજી તરફ, સતત ગોલંદાજીની ઓથે બ્રિટીશ જહાજો 'કેમ્પબેલ્ટાઉન'ને બરાબર કવર આપી શકતાં હતાં. હુમલો શરૂ થયો એ વખતે કાફલો હજુ પૂર્વ જેટી પાસે પહોંચ્યો હતો. ત્યાં જમણી તરફ લાંગરેલાં જર્મન જહાજ 'સ્પરબ્રેકરે' બાજુમાંથી પસાર થતાં બ્રિટીશ જહાજો પર તોપમારો શરૂ કર્યો. એક મોટર ગન બોટના તોપચીએ સામો, વધુ તીવ્ર પ્રહાર કર્યો અને 'સ્પરબ્રેકર'ની તોપોને હેસિયત બતાવી ‘બ્રેક’ કરી દીધી. અન્ય બ્રિટીશ જહાજો પણ બરાબરનાં મચી પડીને દુશ્મન પર હલ્લો બોલાવી રહ્યાં હતાં.

દરમિયાન, 'કેમ્પબેલ્ટાઉન' ક્યાં હતું? નોર્મન્ડી ડોક તરફ પૂરઝડપે આગળ વધી રહ્યું હતું. હુમલો તો તેના પર પણ ભીષણ થઈ રહ્યો હતો. થોડીવારે એક ગોળો બ્રિજ પર પટકાયો અને ત્યાં ઉભેલા બે સૈનિકો શહીદ થઈ ગયા. સદનસીબે, 'કેમ્પબેલ્ટાઉન'ને ખાસ નુકસાન ન થયું. આ બધું ચાલતું હતું એ વખતે ડિટોનેટરમાં 8 કલાકનો ટાઈમ સેટ કરી, તેને એક્ટિવ કરી દેવામાં આવ્યું હતું. 'કેમ્પબેલ્ટાઉન' અને તેને રક્ષણ આપતી મોટર ગન બોટ ઝડપથી આગળ વધ્યાં. નોર્મન્ડી સૂકી ગોદી નજીક આવી કે મોટર ગન બોટ વળાંક લઈને દૂર હટી ગઈ અને 'કેમ્પબેલ્ટાઉન' સીધું જઈને પ્રચંડ અવાજ સાથે ડોકના દક્ષિણી કેસન સાથે અથડાયું; અને એવું અથડાયું કે 36 ફીટ સુધી તેનો મોરો તૂટી ગયો. જહાજ કેસનમાં 12 ઇંચ જેટલું ખૂંપી, તેની સાથે ચપોચપ જડાઈ ગયું. બ્રિજના અને જહાજની કંટ્રોલિંગ સિસ્ટમના ફુરચેફુરચા નીકળી ગયાં. આગળનો ભાગ અડધા જેટલો અધ્ધર થઈ ગયો. જોકે, આ બધું યોજના અનુસારનું હતું. ખરો સરપ્રાઈઝ જર્મનોને બીજા દિવસે મળવાનો હતો. શરૂઆતી તબક્કામાં જ મુખ્ય લક્ષ્ય પાર પાડવામાં કમાન્ડો ટુકડી સફળ થઈ. 'કેમ્પબેલ્ટાઉન'માં જીવતા રહેલા 73 સૈનિકો અને 80 કમાન્ડોએ તરત નીચે ઉતરવા માંડ્યું. જોરદાર અથડામણને લીધે જર્મનોનું ધ્યાન 'કેમ્પબેલ્ટાઉન' અને તેમાંથી ઉતરતા સૈનિકો પર પડ્યું; અને વધુ ખીજમાં તેમણે ભીષણ ગોળીબાર શરૂ કર્યો. તૂતક પર રહેલા ઘણાખરા સૈનિકો ઘાયલ થયા. આમ છતાં, સામી લડત આપી તેમણે ઉતરવાનું જારી રાખ્યું.

જહાજમાંથી ઉતરેલા 12 કમાન્ડો સૈનિકોએ ગોદીની પાસે જ ગોઠવેલી, અને તેમના પર ક્યારનોય તોપમારો કરી રહેલી એક હળવી તોપને તેના તોપચીઓ સમેત ચૂપ કરાવી દીધી, કાયમ માટે! તેઓ હવે પાસેનાં બંકર તરફ વળ્યા, જ્યાં વધુ એક 37 મિલીમીટરની તોપ ગરજી રહી હતી. તેને નષ્ટ કરવા જતાં ચાર કમાન્ડો ઘાયલ થયા, છતાં તેમણે બંકર કબજે કર્યું. એ વિસ્તારમાં બ્રિટીશ સૈનિકોનું પ્રભુત્વ સ્થપાયું. હવે ત્યાં કોઈ ખતરો ન રહ્યો, એટલે ચંટ નામનો એક કમાન્ડો સરદાર અને તેના ચાર જવાનો આગળ વધ્યા, થોડે દૂર આવેલા પમ્પ હાઉસનાં પગથિયાં સડસડાટ ઉતરી ગયા. તેમનું કામ ગોદીમાં પાણી ભરવાં-ખાલી કરવાં માટે વપરાતા પમ્પ હાઉસને નષ્ટ કરવાનું હતું. અંદર જઈ તેમણે પમ્પ પાસે 68 કિલોગ્રામ જેટલો દારૂગોળો ગોઠવ્યો અને 90 સેકન્ડનો ડિટોનેશન ટાઈમ સેટ કરીને બહાર આવીને પમ્પ હાઉસની ઉપર ઉભા રહ્યા. લેફ્ટનન્ટ કર્નલ મોન્ટેગોમેરી તેમની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. તેણે તરત ચંટ અને તેના જવાનોને વધુ દૂર ચાલ્યા જવાનો આદેશ આપ્યો. થોડી જ સેકંડો પછી જોરદાર ધડાકો થયો. ચંટ અને તેના જવાનો જ્યાં ઉભા હતા એ જગ્યા પર અત્યારે વિશાળ ગાબડું પડી ચૂક્યું હતું. મોન્ટેગોમેરીની સૂઝને લીધે પાંચ જવાનોનો ચમત્કારિક બચાવ થયો. થોડી વાર પછી એ પાંચ જવાનો ફરી નીચે ગયા અને બચેલી સામગ્રીને હથોડીથી તોડી સાવ નષ્ટ કરી નાખી.

લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર સ્મોલી અને ચાર જવાનોએ દક્ષિણી કેસન પાસે આવેલા વિન્ડિંગ હાઉસનો ખાત્મો બોલાવવાનો હતો. આ વિન્ડિંગ હાઉસ લોક ગેટને ખોલ-બંધ કરવામાં વપરાતું હતું. અફસોસ! આજ પછી તે જર્મનોને કશો ઉપયોગમાં આવી શકવાનું ન હતું. સ્મોલી અને તેના જવાનોએ ત્યાં કિલોગ્રામના હિસાબે બૉમ્બ ગોઠવ્યા અને તેનો ધડાકો પણ પમ્પ હાઉસમાં થયેલા ધડાકાની લગભગ સાથે જ થયો.

આ દરમિયાન, બીજા સૈનિકો પણ મોટરબોટમાંથી ઉતરીને તાબડતોબ પોતપોતાને ફાળવાયેલ કામ પાર પાડવા તરફ આગળ વધી રહ્યા હતા. સતત અને સખત તોપમારામાં લેન્ડિંગ કરવું અત્યંત કપરું હતું. કેટલીક મોટર લૉન્ચ તો તેના જવાનોને લેન્ડિંગ કરાવ્યા વગર જ નાશ પામી, તો કેટલીકને જવાનો સાથે જ પાછી ફરવાની ફરજ પડી.

બે ડીમોલીશન પાર્ટીને ઉત્તરી કેસન પાસે આવેલું વિન્ડિંગ હાઉસ અને આસપાસનાં નાનાં-મોટાં લક્ષ્યો નાબૂદ કરવાનું કામ સોંપાયું હતું. 12મી કમાન્ડો બટાલિયનના લેફ્ટનન્ટ પુરડોન અને લેફ્ટનન્ટ બ્રેટ પોતપોતાની ટુકડી લઈને તે તરફ ધસી ગયા. તેમને દસ અન્ય જવાનોનો સાથ મળ્યો. પ્રાથમિક પ્રવેશદ્વાર વટાવીને તેઓ જર્મન તોપો અને મશીનગનોને નષ્ટ કરતાં કરતાં આગળ વધ્યા. આ દરમિયાન, લેફ્ટ. બ્રેટ ગોળીબારમાં ઘાયલ થયો, તેથી તેની જગ્યા લેફ્ટ. બર્ટનશો અને તેના સૈનિકોએ લીધી. પુરડોનના સૈનિકોએ ઉત્તરી કેસન પાસે આવેલા વિન્ડિંગ હાઉસને અડફેટે લીધું, અને ત્યાં દારૂગોળો ગોઠવ્યો. આ દરમિયાન, તેમને રોકવા આવતા જર્મન સૈનિકોના ગોળીબારને લીધે કેટલાક બ્રિટીશ કમાન્ડો જખમી બન્યા. છતાં, આખરે વિન્ડિંગ હાઉસનો નાશ કરવામાં બ્રિટીશ જવાનો સફળ રહ્યા.

ગાર્ડ રેલમાં દારૂગોળો લગાવી રહેલા લેફ્ટ. બર્ટનશો અને તેની ટુકડી પર પોર્ટમાં લાંગરેલા જહાજો દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. બર્ટનશોને સખત દાઝ ચડી. જર્મનોને બરાબરનો સબક શીખવવા અને પેલાં જહાજોને નષ્ટ કરવા તે પોતાના કેટલાક સૈનિકો સાથે પિસ્તોલ લઈ દીવાલની ઓથે આગળ વધ્યો. ઘાયલ હોવા છતાં ઝનૂનપૂર્વક જર્મનો પર ગોળીબાર કરતે કરતે તે બોલી રહ્યો હતો, '... ત્યાં હંમેશા ઇંગ્લેન્ડ રહેશે જ...' ડઘાયેલા જર્મન સૈનિકો પાછા હટ્યા, પણ તેમના ગોળીબારમાં લેફ્ટનન્ટ બર્ટનશો અને એક કોર્પોરેલ શહીદ થયા.

સતત તોપમારો થવા છતાં લેફ્ટ. કર્નલ ન્યુમાન અને તેની ટુકડી જૂના પ્રવેશદ્વાર પાસે પહોંચી શકી હતી. તે અને તેના જવાનો કોઈ એવી ઈમારત શોધી રહ્યા હતા, જેને હંગામી હેડક્વાર્ટર તરીકે વાપરી શકાય. એક બિલ્ડીંગ મળી પણ ખરી. યોગાનુયોગે, એ બિલ્ડીંગમાં જર્મન યુનિટનું પણ હેડક્વાર્ટર હતું. ન્યુમાનનો ઈરાદો ત્યાં જર્મન સૈનિકોને બાન પકડવાનો હતો. છતાં, સખત ફાયરિંગને લીધે તેમ શક્ય ન બન્યું.

પોર્ટની સરખામણીએ સમુદ્રમાં સ્થિતિ વધુ કપરી હતી. મહા પ્રયત્ને કેટલીક બ્રિટીશ મોટર લોન્ચ પોતપોતાના સૈનિકોને ઉતારીને અને નક્કી કરેલા લક્ષ્યાંકો પર ટાઈમ ડિલે ટોરપીડો દાગીને પાછી ફરી રહી હતી. જર્મનો તેમને સાવ સહી સલામત જવા દે એવા તો ન હતા. મોટાભાગની મોટર લૉન્ચ અને અન્ય બોટ તોપમારાનો શિકાર બની કાં તો આગમાં લપેટાઈ જતી, કાં તો ડૂબી જતી. બચવા માટે દરિયામાં કૂદકો મારતા સૈનિકો આખરે જર્મનો દ્વારા બાન પકડાવાના હતા, કેટલાક બદનસીબો પોતાના શસ્ત્રોના વજનને લીધે જ ડૂબી જવાના હતા.

પોર્ટ પર તો બ્રિટીશ કમાન્ડો હજુ ધડબડાતી બોલાવી જ રહ્યા હતા. પ્રીત્ચર્ડ અને તેની ટીમના ભાગે પોર્ટને જોડતા પુલો ઉડાડવાનું કામ આવ્યું હતું. કોઈ કારણોસર એ અધૂરું રહ્યું અને તેમણે પાસે જ લંગર નાખીને પડેલાં જહાજોમાં દારૂગોળો લગાવી, તેમને ઉડાડીને સંતોષ માનવો પડ્યો. આ કામગીરી દરમિયાન પ્રીત્ચર્ડે શહીદી વહોરી.

આક્રમણ શરૂ થયાના એક કલાકમાં જ બ્રિટીશરોએ સખત જાનહાનિ વેઠી હતી. આમ છતાં, નક્કી કરેલાં લક્ષ્યાંકોને ઉડાડી દેવામાં બ્રિટિશ કમાન્ડો સૈનિકોને સફળતા મળી હતી. થોડીવાર પછી લેફ્ટ. કર્નલ ન્યુમાનને પણ લાગ્યું કે હવે મોટાભાગના ઓબ્જેક્ટિવ પર પડી ચૂક્યા છે, તેથી તેણે ઝડપથી બહાર નીકળવાનું નક્કી કર્યું. જીવતા રહેલા કમાન્ડોને એકઠા કરવામાં આવ્યા. પણ મોટો સવાલ એ હતો કે બહાર નીકળવું કેમ? લગભગ બધી મોટર લૉન્ચ કાં જઈ ચૂકી હતી, કાં તો તોપમારામાં નાશ પામી હતી. અગાઉ યોજના એમ હતી કે બધા કમાન્ડો ઓલ્ડ મોલ વિસ્તારમાં ભેગા થાય અને ત્યાંથી બોટો તેમને ઉગારી લે. હવે એમાંનું કશું શક્ય બનવાનું ન હતું. કશુંક વિચારી ન્યુમાને તેના જવાનોને શહેરમાં ઘૂસી, પોતપોતાની રીતે રસ્તો કરી સ્પેન પહોંચવાનું કહ્યું. બીજો કોઈ વિકલ્પ ન હતો. તેણે જવાનોને ખાસ તાકીદ કરી કે જ્યાં સુધી તેઓ લડી શકે એમ હોય, ત્યાં સુધી શરણાગતિ ન સ્વીકારે. આખરી વખત બ્રીફિંગ કરીને બધા છૂટા પડ્યા. 'ઓપરેશન ચેરીઅટ' ઓફિશિયલી પૂરું થયું. એક અશક્ય લાગતાં અભિયાનને બ્રિટીશ જવાંમર્દોએ પોતાની બહાદુરી, હિંમત તથા દ્રઢ ઇચ્છાશક્તિના જોરે સફળ અંજામ સુધી પહોંચાડ્યું હતું. હવે જીવતા બહાર નીકળી શકાય કે કેમ, એ સવાલ તેમને મન ગૌણ હતો.

28 માર્ચ, 1942.

ઉગવા-આથમવાની રોજિંદી ફરજ નિભાવતો સૂર્ય હળવેક રહીને પૂર્વમાંથી ડોકાયો. પોર્ટમાં તરખાટ શાંત થઈ ચૂક્યો હતો; અલબત્ત, થોડીવાર માટે. ત્યાં સુધીમાં ઘણા કમાન્ડો અને 'રોયલ નેવી'ના સૈનિકો શહીદ થઈ ચૂક્યા હતા. તેનાથી વધારે જવાનોને બાન પકડવામાં આવ્યા હતા. 'કેમ્પબેલ્ટાઉન'નો કમાન્ડર સેમ બેટી પણ અત્યારે જર્મનોની હિરાસતમાં હતો. એક જર્મન અફસર તેની પૂછપરછ કરી રહ્યો હતો. તેના સહિત બધા જર્મનોને એમ જ હતું કે સેન્ટ નઝાઇર પરનો હુમલો નિષ્ફળ બનાવી તેમણે પોર્ટને બચાવી લીધું હતું. તોરમાં ને તોરમાં તેણે બેટીને પૂછ્યું, 'તમને શું લાગ્યું, ગોદી સાથે એક જહાજ ભટકાવીને તમે તેનો નાશ કરી શકશો?' બેટી જવાબ આપે એ પહેલાં જ 'કેમ્પબેલ્ટાઉન'માં ગોઠવેલા સવા ચાર ટનના બારુદે આપી દીધું. સમગ્ર પોર્ટ કાન ફાડી નાખે એવા ધડાકાથી ધ્રૂજી ઉઠ્યું. આખરે, કમાન્ડર બેટીએ કંઈક હળવાશથી, કંઈક મગરૂરીથી ટૂંકો ઉત્તર વળ્યો, 'જી નહીં, અમને જરાય નહોતું લાગ્યું!'

સવારે સાડા દસે 'કેમ્પબેલ્ટાઉન'માં ગોઠવેલો દારૂગોળો ફાટ્યો એ વખતે તેના પર અને આજુબાજુ 200 જેટલા સૈનિકો અને અધિકારીઓ મોજૂદ હતા. તેઓ જહાજનો મલબો દૂર કરવાનો બદલે તેમાં રહેલો દારૂ અને કેન્ડી ખોળવામાં વ્યસ્ત હતા! બપોર પછી ચારના સુમારે પહેલો ટાઈમ ડિલે ટોરપીડો ફાટ્યો; કલાક રહીને બીજાએ હાજરી પૂરાવી. બેબાકળા બનેલા જર્મનોને હવે બધે ઠેકાણે છૂપાવેશે રહેલા બ્રિટીશ સૈનિકો દેખાવા માંડ્યા. તેમણે અનેક નિર્દોષ ફ્રેન્ચ અને જર્મન નાગરિકોને પકડ્યા અને ગોળીએ દીધા. ટુકડીનો કમાન્ડર લેફ્ટ. કર્નલ ન્યુમાન પણ હવે પકડાઈ ચૂક્યો હતો. શહેરમાં છુપાઈ રહેલા અન્ય કમાન્ડો પણ કાં પકડાઈ ચૂક્યા હતા, કાં તો લડત આપીને શહીદ થઈ ચૂક્યા હતા. બ્રિટનના પક્ષે કુલ 169 સૈનિકો અને કમાન્ડો શહીદ થયા હતા અને 215 જણા યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. ખૂબ ઓછા સૈનિકો જીવતા બ્રિટન પહોંચી શક્યા હતા. સદનસીબોમાં કમાન્ડર રેઇડર પણ સામેલ હતો! 1 મોટર ગન બોટ, 1 મોટર ટોરપીડો બોટ, 13 મોટર લૉન્ચ વગેરે નાશ પામ્યા હતા. જર્મનોએ 360 સૈનિકો ઉપરાંત ઘણું બધું ગુમાવ્યું હતું. મોત સામે હારીને 'રોયલ નેવી'ના જવાનોએ તથા 'સ્પેશિયલ સર્વિસ બ્રિગેડ'ના સવાયા સપૂતોએ દેશને જીતાડ્યું હતું. 'ઓપરેશન ચેરીયટ' અનેક નરબંકા જવાનોની જિંદગી લઈને, છતાં સફળ રીતે સમાપ્ત થયું. આ અભિયાનમાં કુલ 89 ચંદ્રકો આપવામાં આવ્યા. તેમાંથી સર્વોચ્ચ બહાદુરી અને બલિદાન માટે 5 જવાંમર્દોને બ્રિટનનું સર્વોચ્ચ લશ્કરી સમ્માન 'વિક્ટોરિયા ક્રોસ' એનાયત થવાનું હતું, આ નરવીરોમાં કમાન્ડર રેઇડર, કમાન્ડર બેટી અને લેફ્ટ. કર્નલ ન્યુમાન સામેલ હતા.

'ઓપરેશન ચેરીયટ'નાં પરિણામો આશ્ચર્યજનક હતાં. જર્મન બેટલશિપ 'ટીર્પીટ્ઝ'ને કમને નોર્વેમાં જ રહેવું પડયું, જ્યાં થોડા સમય પછી બ્રિટિશ કમાન્ડો સૈનિકોએ તેનાં પર હુમલો કરીને તેને પાંગળું બનાવી દીધું. પરિણામે, મિત્રદેશો યુરોપ પર ક્રમશઃ ઇટાલી તથા ફ્રાન્સના મોરચે સફળ આક્રમણ કરી શક્યા; અને પરિણામે, હિટલર વિશ્વયુદ્ધ હાર્યો, બ્રિટન જીત્યું.

યુદ્ધ પૂરું થયા પછી બ્રિટનના ફાલમાઉથ ખાતે બ્રિટીશ જવાનોની બહાદુરીને બિરદાવતું મેમોરિયલ બનાવવામાં આવ્યું અને તેમાં રેઇડ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હુમલાના સુપરસ્ટાર જહાજ ‘કેમ્પબેલ્ટાઉન’ને પણ ‘રોયલ નેવી’ ભૂલ્યું નહીં. 7 ઓક્ટોબર, 1987ના દિવસે અનાવરણ પામેલી એક ફ્રીગેટને ‘કેમ્પબેલ્ટાઉન’ નામ આપવામાં આવ્યું. મૂળ ‘કેમ્પબેલ્ટાઉન’ જહાજની બેલ તેમાં લટકાવવામાં આવી. ‘ઓપરેશન ચેરીયટ’નો સમાવેશ વિશ્વની અગ્રગણ્ય કમાન્ડો સ્કૂલના અભ્યાસક્રમોમાં પણ કરવામાં આવ્યો.

અને જીવતા રહેલા નરબંકાઓ? પોતાના સાહસ અને શૌર્યને લીધે તેઓ હંમેશ માટે બ્રિટિશ પ્રજાના હૃદયમાં ઉંચેરું સ્થાન પામ્યા. બ્રિટનમાં, વતન માટે જીવની બાજી લગાવી જાણતા નરવીરોને, આપણા ભારતીયોમાં છે એમ ભૂલી જવાની આદત નથી. સ્પષ્ટ વાત છે કે હવામાં આજે શાનથી લહેરાતી બ્રિટનની વિજય પતાકા ખરેખર તો પવનને નહીં, પણ માતૃભૂમિ માટે મરી ફિટેલા આવા અનેક નામી-અનામી શૌર્યવીરોના દિલધડક પરાક્રમોને આભારી છે; અને આ વાતથી અંગ્રેજો સારી રીતે વાકેફ છે. માટે જ તેઓ શહીદોની કદર કરતા જાણે છે.

(સમાપ્ત)

- પ્રતીક ગોસ્વામી