બોમન ઈરાની
“વિનોદ ચોપરાને જબ મેરે હાથ મેં દો લાખ કા ચેક દેકે બોલા કી મૈ છે મહીને બાદ એક ફિલ્મ બનાના ચાહતા હું ઔર તુમ્હે કામ કરના હોગા. તબ મૈ ચોંક ગયા થા. ઉન દિનો મૈ થીએટર કરતા થા. મેરા નાટક “આઈ એમ નોટ બાજીરાવ” બહોત ફેમસ હો ગયા થા. ઉન દિનો મૈને સિર્ફ એક એક્ષ્પેરિમેન્ટલ ફિલ્મ હી કી થી જો અંગ્રેજીમે થી. મૈને ઉનસે પૂછા ફિલ્મ કા નામ ક્યા હૈ ? ઉસને બોલાથા અભી કુછ ભી તય નહિ...નામ ભી નહિ. મૈને પૂછા થા ફિલ્મ ડીરેક્ટ કૌન કરેગા? વોહ બોલા રાજૂ હીરાની નામ હૈ ઉસકા ...હાલાકી ઉસને આજ તક કોઈ ફિલ્મ ડીરેક્ટ નહિ કી હૈ” આ વાત એક ઇન્ટરવ્યુમાં કહેતી વખતે બોમન ઈરાની કહે છે વિનોદ ચોપરાને ના પાડવાનો તો સવાલ જ ઉભો થતો નહોતો. બે લાખ રૂપિયા મારા માટે ઘણી મોટી રકમ પણ હતી.
બોમન ઈરાનીના પરિવારને દૂર દૂર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સ્નાનસુતકનો પણ સબંધ નહોતો. તદ્દન મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા બોમન ઈરાનીની બાળપણથી લઈને હિન્દી ફિલ્મોમાં કામ કરવા સુધીની સફરના પાયામાં તેનો આકરો સંઘર્ષ અને પેશન ઉડીને આંખે વળગે તેવા છે.
જે ઉમરે કોઈ પણ અભિનેતા સીનેજગતમાં સ્થાન જમાવી ચૂક્યો હોય તેવી ૪૪ વર્ષની ઉમરે તો બોમન ઈરાનીએ ચરિત્ર અભિનેતા તરીકે હજૂ પહેલી જ વાર સિનેજગતમાં પગ મુક્યો હતો. બોમન કહે છે “મુન્નાભાઈ એમ બી બી એસ.” માં પહેલા હીરો તરીકે વિવેક ઓબેરોયનું નામ નક્કી થયું હતું પણ તે “કંપની” ના શૂટિંગ માં અજય દેવગણ સાથે વ્યસ્ત હતો. ત્યાર બાદ શાહરૂખખાનને લેવાનું નક્કી થયું હતું પણ તેને બેકપેઈનની સર્જરી કરાવવા વિદેશ જવાનું થયું હતું આખરે મારી જ ઉમરના ૪૪ વર્ષના સંજયદત્તની પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં જે મેડીકલ કોલેજમાં બોમન ઈરાનીનો પ્રિન્સીપાલ અસ્થનાનો રોલ હતો તે જ કોલેજમાં તેના સ્ટુડન્ટ તરીકે સંજયદત્ત હતો. વિનોદ ચોપરાએ માત્ર ચૌદ દિવસમાં જ બોમન ઈરાનીનું શૂટિંગ પૂરું કરીને તેને ફ્રી કરી દીધો હતો.ફિલ્મના એક દ્રશ્યમાં ગુસ્સા પર કાબુ કરીને હસવાનો પ્રયત્ન કરતા બોમન ઈરાનીનો અભિનય સમગ્ર ફિલ્મમાં લાજવાબ હતો.
બોમન ઈરાનીનો જન્મ તા.૨/૧૨/૧૯૫૯ ના રોજ પારસી પરિવારમાં મુંબઈમાં થયો હતો.બોમનથી મોટી ત્રણ બહેનો હતી.બોમનના જન્મના ત્રણ મહિના પહેલા તેના પિતાનું અવસાન થયું હતું.માતાએ ભારે સંઘર્ષ કરીને બોમનનો ઉછેર કર્યો હતો. બાળક બોમનને સેન્ટ મેરી સ્કૂલમાં ભણવા તો બેસાડયો હતો પણ તેને બોલવાની તકલીફની સાથે ડીસ્ક્લીક્સીયા નામની બીમારી પણ હતી જેમાં અક્ષરો ઓળખવાની પણ બાળક બોમનને ખાસ્સી તકલીફ હતી. સ્પીચ થેરાપી લીધા બાદ બોમન નોર્મલ થયો હતો. બોમનને ફિલ્મો જોવાનો અને ફોટોગ્રાફી કરવાનો ગાંડો શોખ હતો. બોમનની માતા તે દિવસોમાં તેના પતિ જે બેકરી શોપ મુકીને ગયા હતા તે સંભાળતી હતી.ગ્રાન્ટ રોડ પર આવેલી તે દુકાનની આજુબાજુમાં અપ્સરા અને ડ્રીમલેન્ડ એમ બે સિનેમાઘર હતા.બોમન તેમાં રીલીઝ થતી દરેક ફિલ્મ અચૂક જોતો. અભ્યાસની સાથે બોમન માતાને મદદ કરવા બેકરીશોપમાં પણ નિયમિત જતો.
સ્કૂલનું ભણતર પૂરું થયા બાદ બોમને મીઠીબાઈ કોલેજમાંથી બે વર્ષનો વેઇટરનો ડીપ્લોમા કોર્સ કર્યો હતો.હોટેલ તાજમહાલ પેલેસમાં વેઇટર તરીકે ૧૯ વર્ષના બોમન ઈરાનીએ કરિયરની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેણે રૂપટોપ ફ્રેંચ રેસ્ટોરંટમાં પણ વેઈટર તરીકે કામ કર્યું હતું. તે દિવસોમાં ટીપના જે પૈસા મળતા તે ભેગા કરીને બોમને ૨૭૦૦ રૂપિયાનો સારો કેમેરો ખરીદ્યો હતો. રજાના દિવસે બોમન ક્રિકેટ અને ફૂટબોલ રમતા બાળકોના ફોટા પાડીને વીસ વીસ રૂપિયામાં ફોટા વેચીને સાઈડમાં આવક ઉભી કરતો.ઝેનોબીયા સાથે લગ્ન થયા બાદ પણ બોમનની તે પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. બેકરી શોપના ડેવલપમેન્ટ માટે બોમને વેઈટરની નોકરી છોડીને ફૂલટાઈમ માતાને મદદ કરવાનું શરુ કર્યું હતું.આમ ને આમ બોમનની ઉમર ૩૨ વર્ષની થઇ ગઈ હતી.એ દિવસોમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું. યુવાન બોમન પુરા આત્મવિશ્વાસ અને કેમેરા સાથે ઓલિમ્પિક બોક્સીંગ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અડજાનીયા પાસે ફોટોશૂટનું કામ માંગવા પંહોચી ગયો હતો. અડજાનીયાએ ઘસીને ના પાડી દીધી હતી. બોમને બિલકુલ નિરાશ થયા વગર છ મહિના સુધી એ ફોટોગ્રાફી બિલકુલ મફતમાં કરી હતી. આખરે બોમનનું ઉત્તમ કામ જ બોલ્યું હતું. હા..બોમનની સત્તાવાર ફોટોગ્રાફર તરીકે નિમણુક કરવામાં આવી હતી.
એક વાર શામક દાવરે બોમનનો પરિચય અલિક પદમશી સાથે કરાવ્યો હતો.આજે પણ બોમન ઈરાની અલક પદમશીને પોતાના ગુરુ માને છે. (૧૯૮૨ માં રીલીઝ થયેલી રિચર્ડ એટનબરો ની ફિલ્મ “ગાંધી” માં અલિક પદમશીએ મહમદઅલી ઝીણાનું કિરદાર બખૂબી ભજવ્યું હતું.). બોમન ઈરાનીએ થીએટર જોઈન કર્યા બાદ અંગ્રેજી નાટકોમાં પ્રાણ પુરવાનું કામ કર્યું હતું. તેણે અલગ અલગ પાત્રોને આત્મસાત કર્યા હતા.
બોમન ઈરાનીની ફિલ્મોનું લીસ્ટ જોઈએ તો તેની પ્રથમ ફિલ્મ ૨૦૦૩ માં “ડરના મના હૈ” રીલીઝ થઇ હતી અને બીજી મુન્નાભાઈ એમ બી બી એસ. જેના થકી જ બોમનની ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઉભી થઇ હતી. ત્યાર બાદ વીર ઝારા ,નો એન્ટ્રી, ડોન, લગે રહો મુન્નાભાઈ, દોસ્તાના, થ્રી ઈડિયટ્સ, હાઉસફુલ, ડોન ૨, જોલી એલએલબી, હાઉસફુલ ૩, દિલવાલે, પરમાણુ અને સંજૂ જેવી સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે.”થ્રી ઈડિયટ્સ” માં વાયરસના રોલમાં બોમન ઈરાની સિવાય અન્ય અભિનેતાની કલ્પના પણ ના થઇ શકે તેટલી હદે તેણે તે રોલને આત્મસાત કર્યો હતો.
સમાપ્ત