અર્ધ અસત્ય.
પ્રકરણ-૪૪
પ્રવીણ પીઠડીયા
અભયનું મસ્તિષ્ક તેજીથી દોડતું હતું. તેને બરાબર સમજાયું હતું કે જો તે આવી રીતે જ અટવાતો રહેશે તો ક્યારેય કોઇ સચોટ નિર્ણય નહી લઇ શકે. તે એક બાહોશ પોલીસ અસફર હતો અને તેણે એક પોલીસવાળાની જેમ જ વિચારવું જોઇએ. અત્યાર સુધીનો તેનો ખુદનો ટ્રેક રેકોર્ડ ભવ્ય રહ્યો હતો. ભૂતકાળમાં ડ્યૂટી દરમ્યાન તેણે ઘણાં જટિલ અને અટપટા કેસો એકલા પોતાના દમ ઉપર ઉકેલ્યાં હતા. અત્યારે સમય હતો કે તે પોતાનો એ અનુભવ કામે લગાડે. આમ મુંઝાવાથી કે વિચારશૂન્ય બની જવાથી તો તેની મુશ્કેલીઓ ઓર વધવાની હતી. નહીં, તે એવું નહી થવા દે. એકાએક તે ટટ્ટાર થયો હતો અને તેની અંદર સૂતેલો પોલીસ અફસર તરીકેનો રૂઆબ ફરીથી સળવળીને બેઠો થયો. તે અભય હતો. જેને કોઇનો ડર નથી અને જે કોઇનાથી ડરતો નથી એ અભય. અત્યારે પોતાના નામની જ શાખ દાવ પર લાગી હતી, જે તેણે બચાવવાની હતી.
અનંતસિંહ, પોતાનો સૌથી પ્યારો નાનપણનો મિત્ર, તેણે કેટલાં વિશ્વાસથી તેના દાદાનો કેસ તેને સોંપ્યો હતો. એ કેસને ઉકેલવાનું તો બાજુમાં રહ્યું પરંતુ હવે ખુદ અનંત પણ ગાયબ થયો હતો એ ભયાનક બાબત હતી. તેને કોઇપણ સંજોગોમાં શોધવો જરૂરી હતો. એક વાત પાક્કી હતી કે હવે તેણે ઝડપ વધારવી પડે એમ હતી. મામલો ધાર્યાં કરતા વધું લંબાયો હતો અને વહેતા જતાં સમય સાથે પરિસ્થિતિઓ પણ બદલાતી હોય છે એ તે ભલીભાંતી જાણતો હતો. અચાનક તેને સિગારેટ પીવાની તલબ ઉદભવી. તે જ્યારે કોઇ ગહેરા વિચારમાં હોય ત્યારે ઘણી વખત આવું થતું. તેણે જેકેટનાં ખિસ્સામાંથી સિગારેટ્સનું પેકેટ અને માચિસ બહાર કાઢયાં અને એક સિગારેટ સળગાવી. એક ઉંડો કશ લગાવ્યો અને છાતીનાં પોલાણ સુધી પહોંચેલા ધૂમાડાને હવામાં ફંગોળ્યો.
સિગારેટનો સફેદ ઝગ ધૂમાડો કોઇ લહેરાતાં વાદળોની જેમ હવામાં ઉંચે ફેલાતો ગયો. અભય એકીટસે એ દ્રશ્ય જોઇ રહ્યો. અને… અચાનક તેની નજરો સમક્ષ ગઇરાત્રે જંગલની અંદર જોયેલું ઝરણાઓનું અદભૂત દ્રશ્ય ઉભર્યું. એ ઝરણાઓ સો ફૂટની ઉંચાઈએથી જ્યારે નીચે પડતાં હતા. એ સમયે પહાડોની દિવાલોએ ઘસાઇને સૂસવાટાભેર વહેતો પવન પાણીની ધારા સાથે ટકરાઇને સફેદ ધૂમ્મસ જેવા ફોરાઓ સર્જતો હતો. એ ફોરાઓનો સમુહ હવામાં ભળીને આવાં જ આછા વાદળોનું દ્રશ્ય રચતા હતા. કેટલું મનોહર, કેટલું આહલાદક એ દ્રશ્ય હતું. અભયને એકાએક ફરીવાર ત્યાં જવાનું મન થયું. પણ અત્યારે એ તરફ જવાનું તેની પાસે કોઇ ઠોસ કારણ નહોતું. તે વિચારમાં પડયો. શું ખરેખર કોઇ કારણ નહોતું? અચાનક તેની નજરો સમક્ષ ભરૂચ પોલીસ સ્ટેશનનો સ્ટોરરૂમ ઉજાગર થયો. એ સ્ટોરરૂમમાંથી તેને એક કેસ ફાઇલ મળી હતી. એ ફાઇલમાં વર્ષો પહેલા હવેલીઓની પાછળ આવેલાં જંગલમાંથી ગૂમ થયેલી એક ભીલ કન્યાનો કેસ દર્જ થયેલો હતો. એકાએક તેને લાગ્યું કે તેણે ત્યાં જવું જોઇએ. એ ભીલ કન્યાનો કેસ અને પૃથ્વીસિંહજીનો કેસ આપસમાં સંકળાયેલા હોવાનો એક આછો-પાતળો અણસાર તેનાં જહેનમાં ઉભરતો હતો. એક અજ્ઞાત સંકેત તેના મનનાં દ્વારે દસ્તક દેતો હતો અને એક અજાણી શક્તિ તેને જંગલ ભણી ખેંચતી હોય એવું મહેસૂસ થતું હતું. તે અસમંજસમાં પડયો. તેના વિચારોની દિશા એકાએક ફંટાઇ હતી.
અચાનક તેણે સિગારેટ ફગાવી અને ઝડપથી બુલેટ ઉપર સવાર થઇને તે જંગલ ભણી નિકળી પડયો. એ ભીલ કન્યા પેલી નવેમ્બર ઓગણિસો બાણુંમાં(૧-૧૧-૧૯૯૨) ગાયબ થવાનો ઉલ્લેખ એ ફાઇલમાં હતો. એ સમયગાળામાં જ જો પૃથ્વીસિંહજી ગાયબ થયા હોય તો? શું એ બન્ને ઘટનાઓને આપસમાં જોડી શકાય? તેણે તે દિવસે જ અનંતને ફોન કરીને પૃથ્વીસિંહજીનાં ગાયબ થવાની તારીખ પૂછી હતી. એ સમયે અનંતે કહ્યું હતું કે એ તારીખ તો વિષ્ણુંબાપુને ખબર હશે એટલે પૂછીને જણાવશે. પરંતુ એ પછી તેનો ફોન આવ્યો જ નહોતો. અરે તે ખુદ ત્યારબાદ ક્યાંય દેખાયો નહોતો. તેણે ઘણી શોધખોળ કરી હતી પરંતુ અનંત રાજગઢમાંથી અચાનક ક્યાંક ગાયબ થઇ ગયો હતો. એક ભિલ કન્યા, બીજા પૃથ્વીસિંહજી અને ત્રીજો અનંત, આમ ત્રણ-ત્રણ વ્યક્તિઓ રાજગઢમાંથી કોઇ ભૂતનાં માથાની જેમ ગાયબ થઇ ગયા હતા એ કોઇ ભયંકર મોટી સાઝિશ તરફ ઈશારો કરવાં પૂરતું હતું. શું હોઇ શકે એ સાઝિશ, અને તેની પાછળ કોનો દોરીસંચાર હતો? ચાલું બુલેટે અભયના મનમાં અજબ-ગજબનાં વિચારો ઉમડતાં હતા.
રાજગઢ રિયાસતની એક જ લાઇનમાં બંધાયેલી બેનમૂન પાંચ હવેલીઓને વટાવીને તે તેની પાછળ આવેલા જંગલ તરફ જતાં રસ્તે વળ્યો હતો. એ તરફ પૃથ્વીસિંહજીની ખંડેર બની ચૂકેલી હવેલી પણ હતી. તેને લાગતું હતું કે એ જંગલ તેને બોલાવી રહ્યું છે. આખરી હવેલી વૈદેહીસિંહની હતી. તેનો વળાંક તેણે સાવધાનીથી વટાવ્યો હતો અને સાંકડા, કાચા રસ્તે બુલેટને નાંખ્યું હતું. તે નહોતો જાણતો પરંતુ એ સમયે… વૈદેહીસિંહની હવેલીના ઝરુખેથી બે આંખો કાળઝાળ ક્રોધ વરસાવતી તેની પીઠને જ તાકી રહી હતી. એ આંખોમાં ભયંકર આગનો સૈલાબ ધધકતો હતો. અભયે પાછળ વળીને જો એ આંખોમાં જોયું હોત તો એ ત્યાં જ બળીને ભષ્મ થઇ ગયો હોત. એ બીજા કોઇની નહી પરંતુ ખુદ વૈદેહીસિંહની આંખો હતી.
@@@
રમણ જોષી રાજસંગની આંખોનો ઈશારો સમજ્યો હતો અને ખામોશીથી એક ખૂણામાં જઇને ઉભો રહી ગયો હતો. અહી તેનું કામ પુરું થતું હતું અને રાજસંગનું શરૂ. રાજસંગ જે હિસાબે અને જે ’ટોન’માં હુકમો છોડી રહ્યો હતો એ પેલા બન્નેને ડરાવવા પૂરતાં હતા. સુરો તો સંપૂર્ણ સહકાર આપવાનાં મૂડમાં હતો કારણ કે તે એક જીવતાં મોત સમાન દોઝખમાંથી છૂટયો હતો પરંતુ દિલપો તેનાથી પણ વધું મહત્વનો હતો. તેની પાસેથી જ રઘુભાનું સરનામું મળી શકે તેમ હતું અને એ માટે તેની ઉપર માનસિક પ્રેશર ઉભું કરવું જરૂરી હતું. રાજસંગ તેની સાથે મારઝૂડ કરવા માંગતો નહોતો એટલે જ તેણે આ પેંતરો અજમાવ્યો હતો.
અને ખરેખર તેની જબરી અસર થઇ હતી. દિલપો ધરબાઇ ગયો હતો. ગેરેજમાં જે થયું હતું એનો આઘાત હજું ઓસર્યો પણ નહોતો ત્યાં અહી નવો જ કોઇ ખેલ ભજવાઇ રહ્યો હતો એ જોઇને તેના પેટમાં પતંગિયા ઉડવા લાગ્યાં હતા. તે ક્યા ભેખડકે ભરાયો હતો એ હજું સુધી તે સમજી શકયો નહોતો પરંતુ તેને એટલો ખ્યાલ તો આવી જ ગયો હતો કે તેની બુરી દશા બેઠી છે. સંપૂર્ણપણે પાટામાં લપેટાયેલાં તેના ચહેરામાં ફક્ત આંખો જ બહાર દેખાતી હતી અને એ આંખોમાં રીતરસનો ડર તગતગતો હતો.
એ દરમ્યાન એકદમ ખામોશીથી તે બન્નેને ઉઠાવીને પોલીસ જીપમાં નાંખવામાં આવ્યાં. પોલીસની જીપ જોતાં જ દિલપાનાં તો ઘરણ મરી ગયા હતા. તે સમજી ગયો કે તેનો ખેલ હવે ખતમ થઇ ગયો છે. રાજસંગ સાદા ડ્રેસમાં આવ્યો હતો એટલે પહેલા તો તેણે વિચાર્યું હતું કે યેનકેન પ્રકારે રઘુભા તેને બચાવી લેશે પરંતુ પોલીસની જીપ જોતા જ તે ઢીલો પડી ગયો હતો.
“આ બન્ને હવે મારી કસ્ટડીમાં રહેશે. તમે ફિકર ન કરતાં, સાંજ સુધીમાં રઘુભા પણ અમારી ગિરફ્તમાં હશે એની હું ખાતરી આપું છું.” ભારે આત્મવિશ્વાસ ભર્યા અવાજે રાજસંગે જોષીને કહ્યું અને તેની તરફ પોતાનો હાથ લંબાવ્યો હતો. તેઓ હોસ્પિટલની લોબીમાં આવ્યાં હતા. જોષીએ રાજસંગના હાથમાં પોતાનો હાથ મૂક્યો.
“એ બાબતનો મને પૂરો વિશ્વાસ છે. હું બસ એટલું ચાહું છું કે રઘુભાને સજા મળે અને અભય બેગુનાહ છૂટી જાય. અને હાં, આ દિલિપનું બયાન રેકોર્ડ કરજો. ભવિષ્યમાં એ આપણાં કામ આવશે.”
“એવું જ થશે. અને એ પણ તમારા હાથે જ થશે. તમે એ બાબતે નિશ્વિંત રહેજો. આ કેસનાં ગુનેહગારોને પોલીસ અને પ્રેસ બન્ને સાથે મળીને સજા આપશે.” રાજસંગ બોલ્યો અને પછી હોસ્પિટલની બહાર નિકળીને તે જીપમાં ગોઠવાયો. તેણે જોષીને અલવિદા કહ્યું અને નસીરે જીપને ભરૂચ ભણી ભગાવી મુકી.
જોષી રાજસંગની જીપને કંમ્પાઉન્ડની બહાર ન નિકળી ત્યાં સુધી તાકતો રહ્યો અને પછી તે પોતાની વાન સુધી આવ્યો હતો. તેનો માણસ ક્યારનો ડ્રાઇવિંગ સીટ ઉપર ગોઠવાઇ ગયો હતો. તે વાનમાં બેસવા જ જતો હતો કે અચાનક તેને બંસરી સાંભરી. આજે આખા દિવસ દરમ્યાન તે એટલો સખત રીતે ઉલઝેલો રહ્યો હતો કે બંસરીએ સવારથી તેને એકપણ ફોન નથી કર્યો એ વાત તેના જહેનમાં આવી જ નહોતી. “આ છોકરી પણ સાવ બેદરકાર છે. એકદમ મારી ઉપર ગઇ છે.” તે હસ્યો અને પછી તેણે બંસરીને ફોન લગાવ્યો.
“ધીસ નંબર ઇસ આઉટ ઓફ કવરેજ એરિયા. આપને જીસ નંબર પે કોલ કિયા હૈ વો અભી કવરેજ ક્ષેત્ર કે બહાર હૈ, કૃપયા થોડી દેર બાદ ફોન કરે. તમે જે નંબર ડાયલ કર્યો છે એ કવરેજ ક્ષેત્રની બહાર છે.” જોષીના ફોનમાં મેસેજ સંભળાતો હતો. રમણ જોષીએ બે-ત્રણ વાર બંસરીનો નંબર ડાયલ કરી જોયો પરંતુ દરેક વખતે આ મેસેજ જ આવતો હતો. એકાએક તેને બંસરીની ચિંતા ઉદભવી. ક્યાંક તે કોઇ મુસીબતમાં તો નથી ફસાઇને? પણ પછી વિચાર્યું કે કદાચ રાજગઢ જેવા અંતરિયાળ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કનો પ્રોબ્લેમ હશે એટલે થોડીવાર પછી ફરીથી ટ્રાય કરશે. તે વાનમાં ગોઠવાયો હતો અને વાનને પોતાની ઓફિસ તરફ લેવડાવી હતી. પરંતુ એ સમયે તેનું મન તો બંસરી વિશે જ વિચારતું હતું. કેમ તેણે એકપણ ફોન નહી કર્યો હોય?
(ક્રમશઃ)