Savarano in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | સાવરણો

Featured Books
  • Krishna

    **The Story of Krishna: The Divine Play of Life**In the vast...

  • Rain Flower - 20

    Rain Flower Kotra Siva Rama Krishna After that she had seen...

  • Too Much is Too Bad

                                               Too Much is  Too...

  • You, Me and Desert - 4

    There were no remnants of the past left here anymore. Neithe...

  • Struggle of Life

    Struggle of Life  In a small, dusty village nestled amidst r...

Categories
Share

સાવરણો

રોજિંદા ક્રમ પ્રમાણે કયલીએ વહેલી સવારમાં જાગતા વેંત ઢાળિયા પર પડેલો સાવરણો લીધો. ઊંધો ઠપકાર્યો. ને ફળિયુ વાળવા લાગી. ફળિયા ની ફરતે કમ્પાઉન્ડ વોલ ને બદલે બાવળના કાંટાની વાડ કરેલી હતી.દરવાજાને બદલે લાકડા સાથે બાંધેલા કાંટાની ડાળખીઓનો ઝાંપો હતો. ઘર પાકુ બનાવેલું પણ લાદી, પ્લાસ્ટર વગરનું હતું. ગામડામાં જગ્યાની મોકળાશ. એટલે ફળિયું પણ મોટું હોય. સવાર થતા તો ફળિયું પાંદડા, પ્લાસ્ટિક અને બીજા કચરાથી ભરાઈ ગયેલું હોય, તેમાં ય હમણા થી શિયાળા નો જોરદાર ઠંડો પવન વાય છે. એટલે આજેે તો ખૂબ કચરો આવેલો છે.

કયલી એ રોજની જેમ એક ખૂણાથી વાળવાની શરૂઆત કરી દીધી. કયલી ગામડા ગામની એક નાના ખેડૂતની યુવાન દીકરી છે. ખેત મજુરી કરીને ભરણપોષણ કરતો સામાન્ય પરિવાર છે. દેખાવે અતિસુંદર પણ નહીં ને કદરૂપી પણ નહીં આજે આખી રાત ઊંઘ ન આવવાને લીધે તેની આંખો થોડી સૂઝી ગયેલી છે. બે ચાર દિવસ પહેલા તેના વેવિશાળ માટે તેને જોવા માટે મહેમાન આવ્યા હતા. એ લોકો પણ તેમના જ લેવલના હતા. જોકે તેમની પાસે જમીન તેના કરતાં થોડી વધારે હતી. એ લોકોને કયલી પસંદ આવી ગઈ. કયલીના બાપાને પણ છોકરો અને તેનું કુટુંબ ગમી ગયું.

ક્યલીના બાપાએ કહ્યું, "સગામાં સગુ છે, ત્યાં જ તારુ વેવિશાળ કરી દેવું છે."

કયલી એ તેની મા ને કહ્યું, "મા, મારે ન્યા વેવિશાળ કરવું નથી. કહી દેજે મારા બાપાને."

આ વાતને લીધે તેના બાપા બે દિવસથી તેને ખૂબ ખીજાય છે.

કયલી એ યુવાનીના ઉંબરે પગ મુકતા જ બાજુના ગામના અને તેના શેઢા પાડોશી ના દિકરા બીજલ ને દિલ દઈ દીધું છે. બીજલ પણ તેના ખેતરમાં કામ કરતા કરતા કયલી ના પ્રેમમાં ક્યારે પડી ગયો ખબર ના રહી. ખેતરે કોઈ ના હોય તેવા સમયે, ક્યારેક બપોરે તો ક્યારેક દિવસ આથમ્યે બંને ઘણી વાર મળતા હતા. ક્યાંક ઝાડની ઓથે બેસે, ક્યારેક ઢોર ચરાવતા મળે, ઘણી વખત ખેતરે ઝુપડા ઓથે પણ વાતો કરતા હોય.

બીજલ એના જ્ઞાતિજનો જેમ જ ઊંચો, ઘઉંવર્ણો ને દેખાવમાં ઠીક થાક હતો. કયલી ઘણી વખત ખેતરે બીજલ માટે સુખડી, ખારા ચણા કે શેકેલી સીંગ લઈ જતી. બીજલ પણ શહેરમાં ગયો હોય તો કયલી માટે રીબીન, બંગડી જેવું કઈ નું કઈ લેતો આવે.

આજે ક્યલીનું મન ચકડોળે ચડેલું છે. એતો સાવરણાના મોટા મોટા લસરકા મારતી જાય છે અને ડમરી ઉડાડતી જાય છે. આવી રીતે પાંદડા, કાગળ વાળતી જાય છે. તેને તે દિવસે કુવાના ગાળની પાછળ મળ્યા તે યાદ આવી ગયું. બીજલ તેના માટે કંઈક બોક્સમાં લાવ્યો હતો. તેણે ખોલીને બતાવ્યું. તે દિવસે તે કેવી શરમાઈ ગઈ હતી!! તે યાદ આવતા, આજે આટલા દુઃખ માં પણ તેને હસવું આવી ગયું.

જ્યારે મળે ત્યારે એ બીજલ ને કહેતી કે, "આપણે લગન કરી લેવી."બીજલ કહેતો, "શું ઉતાવળ છે કરી લઈશું."

ક્યલી ને બીક હતી કે બંને અલગ અલગ જ્ઞાતિના છે. પોતે રહ્યા ઊભડિયા ને બીજલ એના કરતા ઊંચી જ્ઞાતિનો હતો.એટલે એના બાપા ને બીજલના બાપા લગ્ન માટે તૈયાર નહીં થાય. જેમ જેમ મળતા ગયા તેમ તેમ કયલી લગ્ન માટે દબાણ વધારતી ગઈ. પણ બીજલ તેને સમજાવી લેતો.

એક દિવસ બળતણ લેવાના બહાને કયલી દિવસ આથમી ગયો ત્યાં સુધી ખેતરે રોકાઈ. બીજલ ને તો આ મોકાની જ રાહ હતી! સૂર્ય આજે ડુંગરની ઓથાણે આથમતો આથમતો પણ જાણે ડોકા કાઢતો જાય છે. માળામાં પાછા ફરતા પંખીઓ પણ જાણે શરમાઈને ઝડપથી ઊડી રહ્યા છે. તાજી જ પાયેલી ખેતરની જમીન પરથી ઠંડો પવન લહેરાઇ રહ્યો છે. દૂર-દૂર જાણે ધરતી ને ગગન એક થઈ ગયા.

આજે કયલી એ ફરી લગ્નની વાત ચાલુ કરી. તે કેહવા લાગી, "હવે મેં તને મારું બધું જ આપી દીધું છે. તું દગો તો નહીં કરે ને? આપણા મા-બાપ રાજી ના થાય તો તારે મને ભગાડી જવી પડશે. એટલી મર્દાનગી છે ને તારા માં પાછી?"બીજલ ને આજે પહેલી વખત બીક લાગી. તેને તેના બાપનો ક્રોધિત સ્વભાવ યાદ આવી ગયો. તેણે નીચે જોઈ પગના અંગૂઠાથી ભોં ખોતરતા કહ્યું, "કંઈક કરશું!?"

આ વાતને ઘણા દિવસો વીતી ગયા. બંને મળતા રહ્યા. બીજલ વાયદા કરતો રહ્યો. એમાં આ વેવિશાળની વાત આવી. કયલી એ આખા ઘર સાથે ઝઘડીને ધરાર ના પાડી.આ વાત કરવા કાલે સાંજના સમયે તેણે ખેતરને શેઢે બીજલ ને બોલાવ્યો.

તે કહેવા લાગી, "હવે તો સાબદો થા, મારા વેવિશાળ ની તૈયારી થવા લાગી છે. મારા બાપા બે દિવસથી મને વેવિશાળ કરી લેવા દબાણ કરે છે. મારી ને મારી મા સાથે ખૂબ જ ઝઘડો કર્યો. તું તારા બાપાને સમજાવ, ના માને તો ભાગી જવી."

બીજલ નીચું જોઈ કહેવા લાગ્યો, "કયલી, તને મારા બાપા નો સ્વભાવ તો ખબર છે. એને આ વાતની ખબર પડશે તો મને મારી નાખશે. ઘરેથી કાઢી મૂકશે તો આપણે શું ખાશું? આપણો પ્રેમ કાયમ રહેશે. તું એમ કર તારા બાપા કહે ત્યાં વેવિશાળ કરીને પરણી જા. પછી આપણે આયા તો મળતા રહેશું જ!!"

કયલી ની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. બીજલે તેની સામે જોયું ને નીચું જોઈ ગયો. કયલી એ આંસુ લૂછ્યા, નાક લુસ્યું,ને બીજલ સામે જોઈ થૂંકી.

તે ઘરના રસ્તે રડતી રડતી દોડવા લાગી. આજે આથમતો સૂરજ ધીમે રહી ડુંગરની ઓથણ માં સરી ગયો. પંખી પણ ધીમે-ધીમે ઉડી માળા તરફ જવા લાગ્યા. આજે પવન ઠંડો વાતો હતો પણ ઝેરી લાગતો હતો.

કયલી દાઝમાં ને દાઝમા સાવરણો વીંઝે જતી હતી. ને ધૂળ ની ડમરી ઉડાડે જતી હતી. કાલની વાત યાદ આવતા તે જમીન પર થૂંકી.કયલી એ નાનો મોટો બધો કચરો વાળી આખું ફળિયું ચોખ્ખું ચણાક કરી દીધું. બધો કચરો સુંડલા માં ભરી ઉકરડે નાખી આવી. વાળવાથી ઉડેલી ધૂળની ડમરી નીચે બેસતા બધું ચોખ્ખું દેખાવા લાગ્યું ii કયલી નો બાપ ઓસરીની કોરે ક્યારનોય ઉભો છે. તેનો ગુસ્સો હજી ઉતર્યો નથી. કયલી એ ખાલી સુંડલો ઢાળીયા મા મૂકી દીધો. સાવરણો ઊંધો ઠપકારી ઢાળિયા પર મૂકી દીધો. ધૂળ વાળા કપડા ઝાટકી, તેના બાપા પાસે આવી કહેવા લાગી, "બાપા મહેમાનને તેડાવી લો,હું વેવિશાળ કરવા માટે રાજી છું....!!

લેખક: અશોકસિંહ ટાંક