મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
હથોડો
ગલીના બંને છેડે ખૂબ મોટી ભીડ જમા થઇ ગઈ હતી. પોલીસનો ભારે બંદોબસ્ત હતો. ન કોઈને આ તરફથી પેલી તરફ જવા દેવામાં આવતા હતા કે ન કોઈને પેલી તરફથી આ તરફ આવવા દેવામાં આવતા હતા.
ખેડૂત દીનાનાથના ઘરની સામે સરકારી અધિકારીઓની મોટી સંખ્યા જમા થઇ ગઈ હતી. બેંકની લોન ન ચૂકવી શકતા આજે તેના ટ્રેક્ટર અને તેની સાથે સંકળાયેલા અન્ય ઉપકરણોની હરાજી કરવા માટે બેંક અધિકારીઓ અને સરકારી કારકુનો ભેગા થઇ ગયા હતા.
બહુ લાંબા સમય પહેલાની વાત નથી જ્યારે આ વિસ્તારમાં દીનાનાથનો નાનો તો નાનો પણ મોભો હતો. પાકા મકાનની ખાલી જગ્યામાં દુધાળું પશુઓ અને બળદની જોડી બાંધેલી રહેતી હતી. ખેતી, ક્યારી અને પશુઓની સારસંભાળ માટે એક સ્થાયી મજૂર પણ તેના ઘરે જ રહેતો હતો.
પરંતુ કહેવાય છે ને કે સુખના દિવસો કાયમી હોતા નથી. પાછલા ચાર વર્ષના દુકાળે ગામના દરેક ખેડૂતોની સાથે સાથે દીનાનાથના પગ નીચેથી પણ જમીન ખેંચી લીધી હતી. પાંચ વર્ષ પહેલા જ્યારે તેણે ટ્રેક્ટર તથા તેની સાથે સંકળાયેલા અન્ય ઉપકરણો ખરીદવા માટે બેંક પાસેથી લોન લીધી હતી ત્યારે તેને ક્યાં ખબર હતી કે તેનું દુર્ભાગ્ય તેની આસપાસ જ ઉભું રહીને સ્મિત કરી રહ્યું છે. આ ચાર વર્ષના દુકાળને લીધે તે બેંકની લોન તો ક્યાં ચૂકવી શકવાનો હતો, તેના દુધાળું પશુઓ અને બળદની જોડી પણ વેંચાઈ ગઈ હતી. બેંકની નજર તો હવે પોતાની લોન અને તેનું વ્યાજ વસુલ કરવા માટે પોતાની પાસે જામીન (ગીરવે) મુકવામાં આવેલા તેના ટ્રેક્ટર અને તેની સાથે સંકળાયેલા ઉપકરણો પર પડવાની જ હતી.
પાંચ લાખ એક... પાંચ લાખ બે... પણ પાંચ લાખ ત્રણનો હથોડો હજી પડ્યો જ ન હતો કે એક અણબનાવ બની ગયો. ઘરથી બહાર નીકળેલી એક ચીસ ગલીના બંને ખૂણે ઉભેલી ભીડમાં ફેલાઈ ગઈ કે ઘરની અંદર પોતાની જાતને બંધ કરીને બેસી ગયેલા દીનાનાથથી આ અપમાન સહન ન થઇ શકતા તેણે સીલિંગફેન પર ફંદો લગાવીને તેના પર તે ઝૂલી ગયો છે.
બેંક અધિકારી અને બીજા સરકારી અધિકારીઓ હવે પોતાના કાગળો ભેગા કરી રહ્યા હતા. પોલીસ ફોર્સ લોકોને ગલીની અંદર આવવાથી રોકી રહી હતી.
એ સાંજે જ્યારે દીનાનાથની ચિતામાંથી ઉંચી ઉંચી જ્વાળાઓ ઉભી થઇ રહી હતી ત્યારે નવ હજાર કરોડનો બેંક ડિફોલ્ટર બર્મિંગહામમાં ભારત-પાકિસ્તાન મેચનો આનંદ લઇ રહ્યો હતો. હા એ જ સાંજે દેશની અર્થવ્યવસ્થાને સુધારવા માટે જેમની હજારો કરોડો રૂપિયાઓની લોન માફીની જાહેરાત કરવામાં આવી તેમાં દીનાનાથનું નામ ક્યાંય ન હતું.
***