Ardh Asatya - 43 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 43

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 43

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૩

પ્રવીણ પીઠડીયા

“રાજસંગ, મને તારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. તું સુરત જા અને ઉઠાવી લાવ સાલાઓને. પછી એ છે ને આપણે છીએ. હરામખોર વંઠેલોએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરી રાખ્યું છે અને વળી પાછા આપણને જ શેખી દેખાડે છે. જોઇએ હવે કેમ બચે છે એ. તું ઉપડ, મારાં તરફથી તને પૂરેપૂરી આઝાદી છે. ચાહે તે કર પણ હવે રઘુભા અને દિક્ષિત બચવા જોઇએ નહી.” દેવેન્દ્ર દેસાઇએ રાજસંગની વાત સાંભળીને તેને સુરત જવા પરમિશન આપી દીધી હતી. રાજસંગને તો એટલું જ જોઇતું હતું. તેણે એક કોન્સ્ટેબલને સાથે લીધો અને જીપને સુરતની દિશામાં ભગાવી મૂકી. શરૂઆતમાં તે ઈચ્છતો હતો કે આ મામલામાં તેમનું નામ સંડોવાય નહી, પરંતુ હવે તેને એવી કોઇ પરવાહ નહોતી.

@@@

અભયે તેનાં બુલેટને હવેલીઓનાં રસ્તે વાળ્યું. હરી-ફરીને તે અનંતની તપાસ આટલામાં જ કરી શકે તેમ હતો. એથી આગળ તેને કોઇ રસ્તો સૂઝતો નહોતો. વારેવારે તેના મનમાં એક જ ખ્યાલ આવતો હતો કે અનંત અહી જ ક્યાંક હોવો જોઇએ. વળી બીજી પણ એક શંકા જન્મી હતી કે અનંત પોતાની મરજીથી ગાયબ નહીં થયો હોય, ચોક્કસ તેને ગાયબ કરવામાં આવ્યો હશે. એવું માનવાનું તેની પાસે સચોટ કારણ હતું કે જો તે પોતાની રીતે ક્યાંક ગયો હોય તો તેનો ફોન ક્યારેય બંધ ન આવે. તે જ્યાં ગયો હોય ત્યાંથી એક વખત તો તેણે ફોન કરીને જણાવ્યું જ હોય. મતલબ કે તેને ગાયબ કરવામાં આવ્યો હતો. આ શક્યતા ભયાનક હતી. કોઇ તેને શું કામ ગાયબ કરે? અનંતથી કોઇને શું ખતરો હોઇ શકે? અને તે અત્યારે કેવી હાલતમાં હશે? અભયનાં મનમાં પ્રશ્નોનો પહાડ ખડો થયો. અનંતે પૃથ્વીસિંહજી બાપુની તલાશ આરંભી હતી ક્યાંક એ કારણ તો નહીં હોય ને? એકાએક તેણે જબરજસ્ત બ્રેક મારીને બુલેટને થોભાવ્યું. અનાયાસે તેનાથી એ થઇ ગયું હતું. બુલેટનાં ટાયર ગામડાનાં કાચા રસ્તા ઉપર ઢસડાયા અને ધૂળનાં થોડા ગોટ ઉડાવીને ખામોશ થયા. માયગોડ, આ વિચાર તો હજું સુધી તેને ઉદભવ્યો જ નહોતો. તેના દિમાગમાં અચાનક ખતરાની ઘંટડીઓ વાગવાં લાગી. બની શકે, ચોક્કસ બની શકે. જરૂર એવી કોઇ વ્યક્તિ હતી જેને પૃથ્વીસિંહજીની તલાશ થાય એ પસંદ આવ્યું નહી હોય અને તેણે અનંતને પોતાના રસ્તામાંથી હટાવી દીધો હશે. પણ કોણ હશે એ? આટલાં લાંબા સમયનાં અંતરાળ બાદ હજું એવું કોણ હતું જે પૃથ્વીસિંહજીની ગુમશુદગીની તપાસથી ડરતું હતું! ઓહ… એ હિસાબે તો તેની ઉપર પણ ખતરો મંડરાતો હતો એવું માની શકાય. કારણ કે તે પણ પૃથ્વીસિંહજીની તલાશમાં હતો.

અચાનક તેને દેવો યાદ આવ્યો. દેવાએ પૃથ્વીસિંહજીની હવેલીનાં કંમ્પાઉન્ડમાં તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ક્યાંક એ વારદાત આ કેસને સંબધિત તો નથી ને? તેનું દિમાગ ચકરાઇ ઉઠયું. તે ભયાનક રીતે વિચારતો હતો અને તેમાથી જે તથ્યો ઉભરીને સામે આવતાં હતા એ એથી પણ ભયાનક હતા. ખરેખર તો આ વાત તેને પહેલા જ સમજાઇ જવી જોઇતી હતી. તેના મનમાં એક પછી એક ઘટનાઓનાં અંકોડા આપસમાં જોડાતાં જતા હતા. પૃથ્વીસિંહજીની તલાશ બંધ થાય એ માટે જો દેવાએ તેની ઉપર હુમલો કર્યો હોય તો એ ખતરનાક બાબત હતી કારણ કે તેનાં જહેનમાં બીજું પણ એક નામ ઉભરતું હતું. અને એ નામ હતું વૈદેહીસિંહનું. તેણે દેવાને વૈદેહીસિંહને ત્યાં જોયો હતો. વૈદેહીસિહનો તે ખાસ અંગત નોકર હોય એવું તે દિવસે જ તેને લાગ્યું હતું. માયગોડ, અભય થડકી ઉઠયો. તો શું આ બધી વારદાતો પાછળ વૈદેહીસિંહનો દોરી સંચાર હતો? શું કોઇ વ્યક્તિ ખુદ પોતાનાં જ સગ્ગા પિતાને ગાયબ કરાવે એટલી નિષ્ઠુર હોય શકે? અને અનંત, એ તો તેમનો ભત્રિજો થતો હતો. શું એને પણ તેમણે જ ગાયબ કર્યો હતો? અભયને લાગ્યું કે તે ગાંડો થઇ જશે. ચારે તરફથી ઢગલાબંધ પ્રશ્નો તેના મગજ ઉપર કોઇ હથોડાની જેમ ઠોકાતાં હતા. એ પ્રશ્નોનાં શંભુમેળામાં તે ઉલઝી ગયો હતો. રાજગઢની કાચી સડક ઉપર, રાજ પરિવારની હવેલીઓ તરફ જતા રસ્તે તે પોતાના બુલેટ ઉપર એકલો જ ઉભો હતો. અરે તે બુલેટનું સ્ટેન્ડ ચડાવવાનું પણ વિસરી ગયો હતો અને પગનાં સપોર્ટે જ બુલેટને સ્થિર ઉભું રાખી ગંભીર મુદ્રામાં વિચારતો એકલો-એકલો જ બબડતો હતો. આ સમયે જો કોઇ વટેમાર્ગુ તેને આવી હાલતમાં જોઇ લે તો ચોક્કસ તેને પાગલ ધારી લે એમાં કોઇ બેમત નહોતો. અભય એટલી તલ્લીનતાથી રાજગઢમાં જે ઘટનાઓ બની હતી એના વિશે વિચારતો હતો.

અને ખરેખર તેણે વિચારવું જરૂરી પણ હતું. બંસરી રાજગઢ આવવા નિકળી હતી એ તેને ખબર નહોતી. જો એ જાણકારી તેને હોત તો ઘણું સારું થાત.

@@@

રમણ જોષી કોઇ ગહેરા વિચારમાં પડયો હતો. સુરાએ જે હકીકત બયાન કરી હતી એ ઉપરથી રઘુભાનું નામ ચોક્કસ રીતે ઉભરીને સામે આવ્યું હતું પરંતુ હજું કમલ દિક્ષિત આ કેસમાં સંડોવાયેલો છે એ સ્પષ્ટ થયું નહોતું. રાજસંગની જેમ કમલ દિક્ષિત વિરુધ્ધ કોઇ ઠોસ સબૂત તેના હાથે લાગ્યાં નહોતા. રાજસંગનાં ખબરીએ પાક્કી માહિતી આપી હતી કે અભયને ફસાવવામાં અને બંસરીનાં કિડનેપિંગમાં કમલ દિક્ષિતનો જ દોરી સંચાર હતો પરંતુ એટલું પૂરતું નહોતું. દિક્ષિત ઉપર હાથ નાંખવા પૂખ્તાં સબૂત જોઇએ. એ વગર જો તેની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવે તો એ ફારસ સાબિત થયા વગર ન રહે. એટલે જ આખરે તેણે રાજસંગને આમાં ઈન્વોલ્વ કરવાનું મન બનાવ્યું હતું અને રાજસંગ અત્યારે ભરૂચથી નિકળી પણ ગયો હતો.

રાજસંગનાં મનમાં પણ ધમાસાણ મચ્યું હતું. સુરતનાં નામિચા બદમાશ રઘુભાને પકડવા તેના હાથ થનગની રહ્યાં હતા. રમણ જોષીએ જે લોકોને પકડયા હતા એ લોકો એક વખત તેના હાથે ચડશે પછી પોપટની જેમ બધું બોલશે એની તેને ખાતરી હતી. તે બપોર ઢળતાં સુધીમાં જોષીએ જણાવેલા સરનામે આવી પહોંચ્યો હતો અને સીધો જ હોસ્પિટલનાં એ કમરામાં જઇ ચડયો જ્યાં પેલા બન્નેને એડમિટ કરાયાં હતા. જોષી રાજસંગને આવેલો ભાળીને ઉભો થયો હતો અને તેણે તેની સાથે હસ્તધનૂન કર્યા હતા.

“વેલડન મિ.જોષી. અમે પોલીસવાળા પણ આટલી ઝડપી કોઇ ઉકેલ લાવી શકતા નથી જેટલી ઝડપે તમે મામલો પતાવ્યો છે.” રાજસંગ બોલ્યો અને પછી સુરાનાં પલંગ તરફ આગળ વધ્યો. સુરો તો ક્યારનો ભાનમાં આવી ગયો હતો અને બીજો આદમી, જેને સુરો દિલિપનાં નામે સંબોધતો હતો એ પણ ભાનમાં આવ્યો હતો અને પથારીમાં પડયો-પડયો કણસતો હતો. ડોકટરે તેનાં આખા મોઢે પાટા બાંધ્યાં હતા કારણ કે જોષીએ ફેંકેલા વજનદાર સ્ટિલનાં પાને તેના ચહેરાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. તેનું નાક તૂટયું હતું અને કપાળમાં દસેક ટાંકાં મારવા પડયાં હતા. એ ઘાવમાંથી સખત સણકાં ઉઠતાં હતા જેને કારણે દિલપો વારંવાર કરાહી ઉઠતો હતો. સુરા તરફ એક નજર નાંખીને રાજસંગ દિલપાનાં પલંગે પહોંચ્યો. તેણે ધ્યાનથી દિલપાને નિરખ્યો અને મનમાં જ કંઇક નક્કી કરીને તેણે પોતાની સાથે આવેલાં કોન્સ્ટેબલને હાંક મારી.

“નસીર, આ બન્નેને ઉઠાવ અને જીપમાં નાંખ. આપણે અત્યારે જ ભરૂચ નિકળીએ છીએ.” રાજસંગનાં અવાજમાં જબરી ઘાક હતી. પણ… તેનો હુકમ સાંભળીને હોસ્પિટલનાં એ નાનકડા અમથા કમરામાં સોપો પડી ગયો હતો. ઘડીક તો કોઇની સમજમાં ન આવ્યું કે રાજસંગ શું કહે છે! કારણ કે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને કોઇ જીપમાં નાંખીને તો સો કિલોમિટર આઘે કેવી રીતે લઇ જઇ શકે! ખુદ રમણ જોષીને પણ ઝટકો લાગ્યો હતો. તેને એમ હતું કે રાજસંગ આ બન્નેની અહીં જ પૂછતાછ કરશે. પરંતુ રાજસંગનાં ઇરાદા તો કંઇક ઓર જ હતા. “અરે, ઉભો છે શું, ઉઠાવ આ બન્નેને અને જીપમાં ઘાલ સાલાઓને.” નસીરે તેની વાત સાંભળી હતી છતાં મોં ફાડીને તેની સામે જોતો ઉભો હતો એટલે રાજસંગનો પિત્તો ગયો હતો.

“જી…જી… સાહેબ.” નસીર થોથવાયો અને પછી દોડતો હોય એમ સુરાનાં પલંગે પહોંચ્યો. તેણે હડબડાહટમાં જ સુરાનો ડાબો હાથ ઉંચકયો હતો અને તેની બગલમાં હાથ ભરાવીને પથારીમાંથી ઉભો કરવાની ચેષ્ટા કરી હતી. પણ સુરાનું વજન ભારે હતું એટલે તેના એકલાથી તે ઉંચકાય તેમ નહોતો. એ દરમ્યાન જોષીનો માણસ તેની મદદે આવ્યો હતો. જોષી તો ભારે આશ્વર્યથી એકાએક રૂમમાં મચેલી ધમાચકડી જોઇ રહ્યો હતો. તેણે રાજસંગ સામું આશ્વર્યથી જોયું અને રાજસંગે જે કર્યું એનાથી તે ડઘાઇ ગયો હતો. ક્ષણનાં ચોથા ભાગમાં તેને સમજાયું હતું કે રાજસંગ કરવા શું માંગે છે!

રાજસંગે કોઇ જૂએ નહી એ રીતે જોષીને આંખ મારી હતી. તેનાં મનમાં કંઇક અલગ જ ગણતરી ચાલતી હતી. તે હવે કોઇને બક્ષવાનાં મૂડમાં નહોતો.

(ક્રમશઃ)