બીજા દિવસે સવારે બધા તૈયાર થઈ મનાલી ફરવા નીકળ્યા આજે એ બધા હિડિંબા ટેમ્પલ,મનુ ટેમ્પલ અને જોગીની વોટરફોલ જોવા જવાના હતા.સૌથી પહેલા એ લોકો હિડિંબા દેવી ટેમ્પલ જોવા ગયા.હિડિંબા ટેમ્પલ એ મનાલીના દેવદાર ના જંગલો મા આવેલું છે. એ મંદિરનું નિર્માણ કુલ્લુ ના રાજા બહાદુર સિંહ બનાવ્યું હતું. મંદિરની બનાવટ એ લોકોને પોતાની તરફ આકર્ષે એટલી સુંદર અને આકર્ષક છે મંદિરના ગર્ભગૃહમાં માતા હિડિંબાના ચરણ પાદુકા છે. ત્યાં ગણેશ અને દુર્ગા માતાની મૂર્તિ પણ છે. આ મંદિરની આજુબાજુ માં એક અલગ જ ખુશનુમાં વાતાવરણ જોવા મળે છે. બધા લોકો આ મંદિરના દર્શન કરી તેના દ્રશ્યો અને પોતાને કેમેરા તથા મોબાઇલમાં કેદ કરવા લાગ્યા. બધા મિત્રોએ અહીં યાર્ક ની સવારી નો પણ આનંદ લીધો. ત્યાં પણ ઘણા બધા ફોટા પાડ્યા બાદ ત્યાંથી તે લોકો મનુ ટેમ્પલ જોવા રવાના થયા. રસ્તામાં એ લોકોએ પોતાની સાથે લીધો થોડો સૂકો નાસ્તો કર્યો અને વાતો કરતા કરતા આગળ રવાના થયા. હિડિંબા મંદિર થી મનું મંદિર જવા માટેનો રસ્તો લગભગ ચાર કિલોમીટર જેટલો છે. એટલે બધાએ ફરવા માટે સવારથી જ વાહન ભાડે કર્યું હતું. જેથી દરેક સ્થળ સરખી રીતે ફરી શકાય. લગભગ અડધા કલાક પછી તે લોકો મનુ મંદિર પહોંચ્યા. મનુ મંદિર જુના મનાલી માં આવેલું છે.આ મંદિરનું બાંધકામ દેવદાર અને ચીડ ના વૃક્ષ ના લાકડામાંથી કરેલ છે. આ જગ્યાનું વાતાવરણ પણ શાંત અને ભક્તિમય હતું. બધા મિત્રો મંદિર ની અંદર દાખલ થયા. એ અંદર જે લાકડા હતા તેમાં કોતરણી કરી કલાનો સુંદર પરિચય કલાકારે આપ્યો હતો. બધા મિત્રો આ જોઈને દંગ જ રહી ગયા ત્યાર બાદ ત્યાંથી બહાર નીકળ્યા થોડીવાર બધા શાંતિમય વાતાવરણમાં ટહેલ્યા તેમજ ઘણા ફોટા પાડ્યા. ત્યાંથી નીકળી એ લોકો જોગીની વોટરફોલ્સ અને વશિષ્ઠ ટેમ્પલ જોવા માટે વસિષ્ઠ ગામ જવા રવાના થયા. એ ગામ મનાલીથી સાથે આઠ કિલોમીટર દૂર છે. ત્યાં જવાનો રસ્તો ખૂબ જ સુંદર હતો. રસ્તાની એક બાજુ જંગલ અને બીજી બાજુ નદી વહેતી હતી આજુ બાજુ જ્યાં પણ નજર કરો ત્યાં હરિયાળી જોવા મળતી હતી. મનાલી નું વાતાવરણ આહલાદક આનંદ નો અહેસાસ કરાવે તેવું હતું એ લોકો કલાક પછી વશિષ્ઠ ગામ પહોંચ્યા. તે લોકો પહેલા વશિષ્ટ ટેમ્પલ જોવા ગયા. આ મંદિર વશિષ્ઠ ઋષિ એ બનાવેલું હતું. અહીંયા તેઓનો આશ્રમ પણ છે અને અહીંયા વશિષ્ઠ કુંડ પણ આવેલો છે. જેમાં જમીન માંથી કુદરતી રીતે ગરમ પાણી જ નીકળે છે. આખી જગ્યામાં બધી જગ્યાએથી ગરમ પાણી જ નીકળે છે. બધા મિત્રોએ આ કુંડમાં સ્નાન કર્યું થોડા ફોટા પાડ્યા બાદ બધા જોગીણી વોટર ફોલ જવા રવાના થયા. ત્યાં જવા માટે પગપાળા ચાલીને જવું પડે છે. લગભગ એક કલાક ટ્રેકિંગ કર્યા પછી એ બધા જોગીણી વોટર ફોલ પહોંચ્યા. ત્યાનું દ્રશ્ય ખૂબ જ અનેરું હતું. ઉપર પહાડમાંથી પાણીનો પડતો હતો. જ આજુબાજુ ઊગી નીકળેલ લીલું ઘાસ તેમજ જંગલની હરિયાળી તો ખરી જ. આ બધું જોતાં જ બધા મિત્રો આનંદમાં આવી ગયા એ લોકોએ ધોધમાં ફરી સ્નાન કર્યું. ત્યાં પણ એ લોકોએ ફોટા પાડ્યા થોડીવાર ત્યાં કુદરતી વાતાવરણમાં બેઠા અને ત્યાર પછી તે બધા હોટેલ જવા રવાના થયા. જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે ખૂબ જ અંધારું થઈ ગયેલ હતું. એ જગ્યા પહાડી પર હોવાથી ત્યાં અંધારું વહેલું થઇ જાય છે તથા સવારે અજવાળું પણ વહેલું થઇ જાય છે. હોટેલ પહોંચી બધા ફ્રેશ થયા બાદ હોટેલ ની રેસ્ટોરન્ટમાં જમવા બેઠા. બધાએ જમતા-જમતા આજના દિવસની વાતો કરી.
“આજનો દિવસ તો બહુ શાનદાર રહ્યો ખુબ મજા આવી” રાજ.
“હા આ બધા સ્થળો નું વાતાવરણ ખુબ જ સરસ અને શાંત હતું.” પાર્થ.
“આ દરેક જગ્યાએ જંગલ અને હરિયાળી પણ હતી.” દિયા.
“એ વાત સાચી બાકી અત્યારે આવું વાતાવરણ આપણા શહેરોમાં તો બહુ જ ઓછું જોવા મળે છે.” કૃતિ.
“ ચાલો આજે તો બધા ફરી ફરી અને થાકી ગયા છીએ. એટલે આવતીકાલે આપણે બીજી જગ્યાઓ જોવા જવાનું છે.” પાર્થ.
ત્યારબાદ બધા ભોજન પતાવી થોડીવાર ગાર્ડનમાં ચાલ્યા બાદ બધા પોતપોતાના રૂમમાં જઈ આરામ કરવા લાગ્યા. પરંતુ રાજ ને ઊંઘ આવતી ન હોવાથી તે ફરીથી ગાર્ડનમાં આવ્યો. ત્યાં એક બેંચ પર બેસી સિગારેટ સળગાવી સિગારેટના કસ ખેંચવા લાગ્યો. તે ગાર્ડન ની ડેકોરેટીવ લાઈટીંગ નો નજરો નિહાળી રહ્યો હતો.ત્યાં એની નજર એક જગ્યાએ સ્થિર થઈ. તેને જોયું કે ગાર્ડનની બીજી બાજુ એક બેન્ચ પર એક છોકરી બેઠેલી હતી. જેને જોઈને રાજ ની નજર ત્યાં સ્થિર થઇ ગઇ હતી.
એ છોકરી કે જાણે સ્વર્ગમાંથી ઊતરેલી અપ્સરા પણ તેની પાસે ફીકી લાગે એવું એનું રૂપ. ગોલ્ડન લાંબો ચહેરો, લાંબા કાળા વાળ એ પવન સાથે રમતા ચહેરા પર આવ જા કરતા, ચંદ્રના અજવાળા ના કારણે તેની પાણીદાર આંખોમાં એક અલગ જ ચમક પથરાયેલી હતી. તેણે કાન માં પહેર ઝૂમકા પણ પવન સાથે ઝુલતા હતા. તેણે ગળામાં ચમકદાર પથ્થરોને માળા પહેરી હતી. ચુસ્ત ડ્રેસમાં તેના શરીર ના અદભુત વળાંકો સ્પષ્ટ દેખાતા હતા, જાણે કે ભગવાને તેનું ઘડતર પણ ફુરસદની પળોમાં કરેલું હોય એવું લાગતું હતું. તેણે લાલ કુરતો અને સફેદ રંગની ચુડીદાર પહેરી હતી. તેની ઉપર પીળા રંગનું સ્વેટર પહેર્યું હતું. જે તેની સુંદરતામાં ઓર વધારો કરતું હતું. રાજ ની નજર તો તેની સામે સ્થિર થઈ ગઈ હતી. હાથમાં ગરમીનો અહેસાસ થતાં જ તેને ફરીથી તે ફરીથી વર્તમાનમાં પાછો ફર્યો. તેના હાથમાં રહેલી સિગરેટ પૂરી થઈ ગઈ હતી. તે ફરીથી સામેની બેંચ પર જુએ છે, તો ત્યાં કોઈ હોતું નથી. આટલી એ વારમાં ક્યાં ચાલી ગઈ મનોમન વાત કરી એ પણ પોતાના રૂમ તરફ જવા રવાના થયો.રૂમ પર જઈ ઊંઘવા માટે આંખ બંધ કરી પણ પેલી છોકરી તેના મગજ પરથી ખસતી નહતી. છોકરી ના વિચાર માં ને વિચાર માં ક્યારે ઊંઘ આવી ગઈ કશું ખબર નહીં.