Sapna advitanra - 52 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૫૨

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૫૨

"કોન્ગ્રેચ્યુલેશન... "

કાનમાં ધીમેથી બોલાયેલા શબ્દ નો અર્થ સમજાતાં જ રાગિણી ના ચહેરા પર એક અનોખી ખુશી છલકાઈ ગઈ. આંખમાં ઝળઝળિયાં સાથે તે કેયૂર ને ભેટી પડી એ સાથે જ રૂમની લાઇટ ચાલુ થઈ ગઈ અને એકસાથે ઘણાબધા અવાજોમાં એક ગીત ગવાઇ રહ્યુ...

"કોન્ગ્રેચ્યુલેશન્સ... એન્ડ સેલીબ્રેશન... લાલાલા..... "

રાગિણી એકદમ કેયૂર થી છૂટી પડી ગઇ. તેના કાનની બૂટ લાલ થઇ ગઇ અને ગાલે શરમના શેરડા ઉપસી આવ્યા. સમીરા તેની પાસે આવી અને કાંખમાં બેસાડેલા વરૂણ ને ધીમેથી પલંગ પર બેસાડ્યો. વરૂણને હજુ સુધી સંપૂર્ણ પણે આઘાતની કળ વળી નહોતી, તો એણે સમીરા ની ડોક ન છોડી એટલે સમીરા પણ વરૂણ ખોળામાં આવે એ રીતે રાગિણી પાસે બેઠી. તેનો એક હાથ વરૂણ ફરતે વીંટળાયેલો હતો અને બીજો હાથ તેણે રાગિણી સામે લંબાવ્યો. રાગિણી એ પણ પોતાનો હાથ તેની હથેળીમાં મૂકી દીધો. સમીરાએ રાગિણી નો હાથ સ્હેજ દબાવ્યો અને એ સાથે જ બંને બહેનપણીઓની આંખના આંસુ બહાર ધસી આવ્યા. એક ડુસકાની પાછળ આનંદની કિલકારી અને... રાગિણી એ કેયૂરના હાથમાંથી બીજો હાથ છોડાવી વરૂણ ના માથે ફેરવ્યો. વરૂણ સમીરાને વધુ લપાયો એટલે રાગિણી એ તેને ખેંચીને પોતાના હૈયાસરસો ચાંપી લીધો. ડરેલો વરૂણ વધુ ડરી ગયો. તેણે ભેંકડો તાણી રડવાનુ શરૂ કર્યું એ સાથે જ સમીરા પણ રાગિણી ને ભેટી પડી. એ બંનેના હાસ્ય મિશ્રિત રૂદનથી વરૂણ બઘવાઇ ગયો અને ત્યા હાજર બાકી બધાની આંખો પણ ભીની થઈ ગઈ.

"કમ ઓન... ઇટ્સ ટાઇમ ફોર સેલીબ્રેશન. "

ભારે થઇ ગયેલા વાતાવરણને હળવુ બનાવવા કેયૂરે મોટો અવાજ આવે એવી તાળી પાડી જાહેરાત કરી.

"બટ, બિફોર ધેટ, મોમ કો એક કોલ બનતા હૈ યાર. "

રાગિણી અને સમીરા પણ હળવા ફુલ થઇ ગયા હતા. કેયૂરે કેદારભાઈ ને વિડિયો કોલ લગાડ્યો કે તરત રાગિણી એ મોબાઈલ ખેંચી લીધો.

"હવે મારો વારો... "

કહી તેણે આંખ મીંચકારી. એટલે કેયૂરે ટેબલ પર મોબાઈલ એ રીતે સેટ કર્યો કે એ બંને એકસાથે સ્ક્રીન પર દેખાઇ શકે. બાકી બધા ધીમે ધીમે રૂમમાંથી બહાર નીકળી ગયા. કોલ કનેક્ટ થયો અને સામે કેકેનો કૃશ ચહેરો દેખાયો. ફરી રાગિણી એ સ્હેજ થડકારો અનુભવ્યો. આ વખતે કેકેની ઓરા વધુ સંકુચિત અને વધુ શ્યામ દેખાતી હતી. દરવખતે વિડિયો કોલમાં રાગિણી કેકેની ઓરામાં આવેલ પરિવર્તન મનોમન નોંધતી અને આટલા સમયના અનુભવ પછી અંદાજે તેનો અર્થ તારવતી. ડોક્ટર સાથે ની વાતચીત બાદ તેનુ તારણ નેવુ ટકા સુધી સાચુ પડતુ. અને એટલેજ આજની ઓરાનુ તારણ તેને ધ્રુજાવી ગયું.

ઓરાની વાત તેણે પોતાની સુધી જ સીમિત રાખી હતી. તેને ડર હતો કે કેયૂર આ વાત નહિ સમજી શકે. અને જે સમજી શકે એમ હતી, સમીરા... એ પણ તો દૂર જતી રહી હતી!

કેકેને જોઇને કેયૂરે ખબર પૂછવાથી વાત શરૂ કરી. કોકિલાબેન વોશરૂમમાં હતા અને કેદારભાઈ ડોક્ટર પાસે. રાગિણી એ આ ખુશખબર સૌથી પહેલા કોકિલાબેનને આપવાનુ વિચાર્યું હતું, પણ કેકેની હાલત જોઈને અજાણતાજ તેનો વિચાર બદલાઇ ગયો. કેયૂરની ઈચ્છા પણ પહેલા કોકિલાબેન સાથે વાત કરવાની હતી, એટલે તે આડીઅવળી વાત કરી સમય પસાર કરી રહ્યો હતો, પણ રાગિણી એ તેનો હાથ દબાવી તેની ફાલતુ વાત રોકવાનો ઇશારો કર્યો અને વાતનો દોર પોતાના હાથમાં લઇ લીધો. તેણે મનોમન શબ્દો ની ગોઠવણ કરવાની કોશિશ કરી, પણ યોગ્ય શબ્દો ન મળ્યા. એટલી વારમાં કોકિલાબેન પણ આવીને સ્ક્રીન સામે ગોઠવાઇ ગયા હતા. હવે રાગિણી માટે પોતાની વાત કહેવી વધુ સહજ બની. તેણે કેયૂર નો એક હાથ લઇ પોતાના હ્રદય પાસે રાખ્યો અને પોતાના બીજા હાથની આંગળી અને અંગૂઠાથી કેયૂર ના હાથને અડીને અડધા હ્રદય જેવો આકાર બનાવ્યો. ધીમે ધીમે આંગળી હલાવી ધબકારો બનાવ્યો અને એકસાથે ત્રણ હાથ એજ સ્થિતિ માં સરકતા તેના પેટ પર પહોંચ્યા. હવેતો કેયૂર પણ સમજી ગયો અને તેના હાથથી હાર્ટ શેઇપ બનાવી રાગિણી ના હાથના ધબકારા સાથે તાલ મેળવવા માંડ્યો...

સામે છેડે... કોકિલાબેનને તો પહેલા પોતાની આંખ પર ભરોસો જ ન બેઠો. જ્યાં સુધી તેમના ચહેરા પર આનંદની રેખાઓ ન ઉપસી ત્યાસુધી કેયૂર અને રાગિણી ના હાથોથી બનેલુ સહિયારુ હ્રદય રાગિણીના પેટ પાસે ધબકતુ રહ્યુ! આનંદના અતિરેકથી કોકિલાબેનના હોઠના ખૂણા છેક તેમના કાન સુધી પહોંચી ગયા. અનાયાસે તેમનો હાથ કેકે ના હાથ પર મૂકાઇ ગયો અને તેમણે ચમકીને કેકે સામે જોયું. અશક્તિ ને કારણે જે જાતે પડખુ ફેરવવા પણ અસમર્થ હતો, તે ખુશીના આવેગમાં અડધો બેઠો થઇ ગયો હતો... કોઈ પણ ટેકા વગર!

કેકેનુ બેઠા થવુ અને કેદારભાઈ નુ ડોક્ટર સાથે રૂમમાં પ્રવેશવુ... એક સુખદ આશ્ચર્ય.... અને કેદારભાઈ તરતજ સ્ક્રીન સામે આવ્યા. તેમણે પણ એ સહિયારું હ્રદય ધબકતું જોયું અને બેવડા આનંદનો વિસ્ફોટ થયો. આ ફેમિલી મોમેન્ટ્સ જોઇ ડોક્ટર એ સમયેતો પાછા ફરી ગયા, પણ આનંદ તો ડોક્ટર ને પણ થયો હતો. એક પેશન્ટ કે જેના સાજા થવાની આશા નહિવત્ થઇ ગઇ હતી, તેના તરફથી આજે કેટલા સમય પછી કંઇક પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો!

"વાઉ, ગ્રેટ ન્યૂઝ. "

કેદારભાઈએ દોડીને કેકેને ટેકો કરી સરખા બેસવામાં મદદ કરી, અને કેયૂર સાથે વાત શરૂ કરી. ઉત્સાહ તેમના અવાજમાં ભારોભાર છલકાઈ રહ્યો હતો. કેદારભાઈ અને કેયૂર ની વાતો શરૂ થઇ એટલે રાગિણી એ કોકિલાબેનને ઇશારો કરી કહ્યું,

"પત્યુ. હવે આપણો વારો નહિ આવે. "

અને બંને સાસુ વહુ એકસાથે હસી પડ્યા. રાગિણી સ્હેજ સાઇડ પર ખસી ગઇ અને કેયૂરે આખી સ્ક્રીન રોકી લીધી. સામે છેડે કોકિલાબેને પણ સ્ક્રીન પર જગ્યા કરી આપી. હવે સ્ક્રીન પર કેદારભાઈ અને કેકે ને જોઈ શકાતા હતા. રાગિણીએ સાઈડમાં રહીને કેકેની ઓરામાં થઇ રહેલા ફેરફાર અનુભવ્યા. તેણે નોંધ્યું કે કેકેની ઓરાનુ કદ થોડું વિસ્તર્યુ હતુ અને રંગ પણ થોડો આછો થયો હતો. જાણે પ્રકાશનો આવિર્ભાવ ન થયો હોય! નક્કી આ એ આનંદ ના પોઝિટિવ વાઇબ્સ હોવા જોઇએ. રાગિણી એ મનોમન ડોક્ટર સાથે આ વિશે વાત કરવાનું નક્કી કરી લીધું.

કોલ કટ થયા પછી પણ રાગિણી સ્થિર નજરે સ્ક્રીન સામે તાકી રહી હતી, એટલે કેયૂરે તેને સહેજ હલબલાવી.

"હેય, ક્યા ખોવાઈ ગઈ? કોલ તો કટ થઈ ગયો. "

"હા, હું તો જસ્ટ... "

"ઓકે, લિસન. "

કેયૂર પોતાની જ મસ્તીમાં બોલે જતો હતો.

"કાલનો દિવસ આરામ કરી લે. પરમદિવસે બેક ટુ હોમ. ત્યા પણ ગાયનેક ને કન્સલ્ટ કરી લઇએ. એન્ડ ઓલ ઓકે નુ સિગ્નલ મળે એટલે હું ટિકિટ્સ બુક કરાવી લઉં. "

રાગિણી ચમકી.

"ટિકિટ? "

"તો લે, તારૂ ધ્યાન ક્યાં હતુ? મોમ ડેડ અહીં આવવાનું પ્લાનિંગ કરે છે. બટ, કેકેને એકલા છોડતા જીવ નથી ચાલતો. એટલે મે કહ્યું કે મારે સિંગાપોર જવાનુ છે, તો ત્યાનુ કામ પતાવી આપણે સાથેજ મોમ ડેડ પાસે જઈશુ. રાઇટ? "

"પરફેક્ટ. "

રાગિણીએ સસ્મિત સંમતિ આપી. તેને પણ હાશ થઇ કે પર્સનલી મળીને તે ડોક્ટર ને પોતાની વાત વધુ સારી રીતે સમજાવી શકશે.

"પાર્ટી ઈઝ રેડી. કમ ઇફ યુ પીપલ આર ડન. "

સમીરા એ ડોકાચિયું કાઢીને કહ્યું અને એ બંને સમીરાની પાછળ પાછળ હોલમાં ગયા. અડધી રાત્રે બીજી તો શું તૈયારી થાય, પણ વરૂણ માટે લાવેલા બલુન ફુલાવીને એક ખુરશી ડેકોરેટ કરી હતી. સામે કાચની ટીપોઇ પર એક નાનકડી થાળીમાં તાજી બનાવેલી સુખડી હતી અને થાળીની બાજુમાં હતો તાવેથો... સુખડીના પીસ કરવા માટે!

"ઓલ ક્રેડિટ ગોઝ ટુ... "

સમીરા એ વિશાલના મમ્મી તરફ ઇશારો કર્યો. રાગિણી ની આંખો ફરી એક વાર ભરાઇ આવી. તે રચનાબેન ના ચરણ સ્પર્શ કરવા નમવા જતી હતી કે તરતજ રચનાબેને તેને ખભેથી પકડી અટકાવી દીધી અને છાતી સરસી ચાંપી દીધી. ધીમેથી તેના કાનમાં કહ્યું,

"હવે, બહુ વાંકા નહિ વળવાનું. અંદરના જીવને તકલીફ થાય. "

રચનાબેનનું આ વાત્સલ્ય જોઈને રાગિણીની સાથે સાથે સમીરાની આંખો પણ ભીની થઇ ગઇ. તેને એ દિવસ યાદ આવી ગયો, જ્યારે પહેલી વાર વરૂણ ના અસ્તિત્વના સમાચાર તેને મળ્યા હતા. મનોમન તેનાથી સરખામણી થઇ ગઇ. તેના ગળે હળવો ડૂમો બાઝી ગયો, પણ પાણીના ઘૂંટડા સાથે એ ડૂમો પણ તે ગળા નીચે ઉતારી ગઇ.

"જો બેટા, આજકાલનુ કેક કલ્ચર મને નથી સદતુ. આપણે તો હું ભલી ને મારી સુખડી ભલી. આજના આ શુભ અવસર પર, લે આ તાવેથો અને સુખડીના સરસ મજાના પીસ કર. તુંય ખા ને બધાને ખવડાવ. "

રચનાબેનની વાત બધાએ તાળીઓથી વધાવી લીધી. રાગિણી એ સરસ મજાના પાસા પાડી સૌથી પહેલુ બટકું રચનાબેનને જ ખવડાવ્યું. બીજો પીસ કેયૂર ને અને ત્રીજો પીસ સમીરાને... સુખડી હજુ સમીરા ના મોઢામાં જ હતી ત્યાં ડોરબેલ વાગી. નવીનભાઇએ દરવાજો ખોલ્યો. સામે વિશાલને જોઈ તેમના જીવમાં જીવ આવ્યો. એ બંને અંદર આવ્યા. વિશાલને માથે પાટો બાંધેલો જોઈ રચનાબેન અધીરા થઇ ગયા.

"આ શું, વિશાલ? તું ઠીક તો છે ને, બેટા? "

વિશાલ કંઈ જવાબ આપે એ પહેલા ઈં. પટેલ બંને કોન્સ્ટેબલ સાથે અંદર આવ્યા.

"ચિંતા ન કરશો. તમારા દિકરાએ જે બહાદુરી બતાવી છે તેની સામે તો આ કંઇ નથી. સુન હી વીલ બી ઓલ રાઇટ. અમે ડોક્ટર પાસેથી જ અહીં આવ્યા છીએ. "

ઈં. પટેલ ની વાત સાંભળી રચનાબેન અને બાકી બધાને પણ શાંતિ થઇ. એક ઊંડો શ્વાસ લઇ ઈં. પટેલ સમીરા તરફ આગળ વધ્યા એટલે સમીરા એ ઉતાવળે પૂછ્યું,

"કોણ હતા એ લોકો? કંઈ ખબર પડી? "

એટલી વારમાં ઈં. પટેલ સમીરા સુધી પહોંચી ગયા હતા. તેમણે હાથમાં રહેલી સ્ટીક બીજા હાથની હથેળી પર ઠપકારતા ઠપકારતા સમીરાની ફરતે ફરવાનુ શરૂ કર્યું.

"પડી જશે. બધી ખબર પડી જશે. સમજોને, કે ગુનેગાર હાથવેંતમાં જ છે. બસ, તમે કેટલુ કો-ઓપરેટ કરો છો એની પર આધાર છે. "

સમીરા ને ઈં. પટેલનું વર્તન થોડુ વિચિત્ર લાગ્યું.

"એટલે? "

"એટલે એમ, મિસ સમીરા, કે ગુનેગાર તમારા પાસ્ટ સાથે સંબંધ ધરાવે છે.તો, જેટલી તમે મદદ કરશો, એટલું જલ્દી એ બધા અમારી પક્કડમાં હશે. "

"પાસ્ટ??? કેવો પાસ્ટ? "

"તમે પોલીસ સ્ટેશને આવવાનું પસંદ કરશો, કે અહીં જ બધા વચ્ચે બોલવાનું પસંદ કરશો? "

"હું... હું કંઇ સમજી નહી... "

સમીરા સંકોચાઈ ગઈ.

"એક કામ કરો, આપણે પોલીસ સ્ટેશનમાં જ વાત કરીએ. મને એ વધુ અનુકૂળ આવશે. "

ઈં. પટેલની વાત સાંભળી આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો... ઘેરી નિઃસ્તબ્ધતા પ્રસરી ગઇ... અને ઘડિયાળ માં ત્રણ ડંકા પડ્યા...