shataranjnu pyaadu in Gujarati Moral Stories by Niranjan Mehta books and stories PDF | શતરંજનું પ્યાદું

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

Categories
Share

શતરંજનું પ્યાદું

શતરંજનું પ્યાદું

સ્વાતિ રસેશની ઓફિસમાં કામ કરતીહતી. દેખાવમાં સુંદર અને યોગ્ય બાંધાને કારણે તેની તરફ નજર ન નાખીએ તો જોનારમાં કોઈ ખામી છે તેમ માનવું રહ્યું. તેને ખબર હતી કે તે ઓફિસમાં પ્રવેશતી ત્યારે કેટલા પુરુષ સહકાર્યકરો આંખમિચોલી રમી રહ્યાં છે અને તેની નોંધ લીધા પછી મનમાંને મનમાં મલકાતી. આ તેનો રોજીંદો ક્રમ બની ગયો હતો પણ તે કોઈને ખાસ દાદ ન આપતી કારણ તેને પોતાની કારકિર્દી બનાવવામાં રસ હતો.

શરૂઆતમાં તો કેટલાક નવલોહિયા તેની પાસે આવી કહેતા કે તમને કોઈ તકલીફ હોય, કોઈ મૂંઝવણ હોય તો બેધડક અમારી પાસે આવજો. તમને મદદ કરવામાં અમને આનંદ થશે. પણ સ્વાતિ આની પાછળની મકસદ સારી રીતે જાણતી હતી એટલે કોઈને નજીક આવવાની તક ન આપતી. ક્યારેક કોઈ મુશ્કેલી હોય તો તે તરત રસેશસર પાસે પહોંચી જતી કારણ પહેલે દિવસે જ સરે તેને કહ્યું હતું કે ક્યારેય પણ કોઈ મુશ્કેલે હોય તો તે સીધી તેની પાસે આવી શકે છે અને તેની કેબીનના દરવાજા સ્વાતિ માટે ખુલ્લા છે તેમ કહ્યું હતું.

સ્વાતિને ખબર હતી કે યુવાન સાહેબ અને યુવાન મહિલા સાથે કામ કરતા હોય એટલે ધીરે ધીરે બે વચ્ચે અંતર ઘટતું જાય અને ધીરે ધીરે તે સંબંધ બદલાતો જાય છે. સાધારણ રીતે જે બને છે તેમ તે અંતે પ્રણય અને પરિણયમાં પરિણમે છે. પણ આ બાબત સ્વાતિ બહુ સચેત હતી. આમેય તે કામમાં હોશિયાર હતી એટલે બને તેટલું તે પાર પાડી લેતી એટલે નાછૂટકે જ તેને સર પાસે જવું પડતું. આને કારણે બંને વચ્ચે એક અંતર સચવાઈ રહ્યું હતું.

લગભગ એક વર્ષ બાદ સ્વાતિ ઉપર એક ફોન આવ્યો અને કહ્યું કે તેનું નામ માલતી છે અને તે રસેશની પત્ની છે અને જણાવ્યું કે તે સ્વાતિને મળવા માંગે છે. શા માટેના જવાબમાં કહ્યું કે તે રૂબરૂમાં જ કહી શકાય તેમ છે.

એક ક્ષણ સ્વાતિ ચૂપ રહી એટલે સામેથી અવાજ આવ્યો કે કેમ કશું બોલી નહીં. હવે સ્વાતિએ કહ્યું કે મેં’મ તમે કહ્યું જરૂરી કામ છે એટલે હું વિચારતી હતી કે એવું શું કામ હશે જેમાં હું તમને સહાયરૂપ થઇ શકું. પણ તમે ઈચ્છો છો તો હું મળીશ. હું છ વાગે ઓફિસમાંથી નીકળી ઘરે જાઉં છું એટલે ક્યાં અને ક્યારે મળવા આવું તે મને કહો. માલતીએ કહ્યું કે રસેશ કાલે બહારગામ જાય છે એટલે કાલે સાંજે તું મારા ઘરે જ આવ એટલે નિરાંતે આપણે બે જણ વાત કરી શકીએ.

નક્કી કર્યા મુજબ બીજે દિવસે સાંજે સ્વાતિ થોડીક અવઢવમાં સરના ઘરે પહોંચી. માલતી તેને અંદર લઇ ગઈ અને નચિંત મને બેસવા કહ્યું. શરૂઆતમાં ઔપચારિક વાતો થઇ અને તે દરમિયાન ચા-નાસ્તાને પણ ન્યાય અપાઈ ગયો. ત્યારબાદ માલતી મૂળ વાત પર આવી.

‘ઓફિસમાં ફાવી ગયું ને?’

‘હા, હવે તો એક વર્ષ પણ પૂરૂ થઇ ગયું.’

‘કામકાજમાં કોઈ મુશ્કેલી?’

આ બધા સવાલો શા માટે તે સ્વાતિને ન સમજાયું પણ છતાયે જવાબ આપ્યો કે ના, સર અને અન્ય સાથીઓનો સારો સહકાર છે.

‘તે તો હોય જ ને! તારા જેવી સુંદર, ચપળ અને કામગરી મહિલાને મદદ કરવાનું કોને ન ગમે?’

‘આભાર મેં’મ.’

‘મને મેં’મ કહેવાની જરૂર નથી. હું કાંઈ તારી બોસ નથી. તું મને માલતીબેન કહીને જ વાત કર.’

પછી માલતીએ પૂછ્યું કે રસેશનું વર્તન કેવું છે તારી તરફ.

‘હું સમજી નહીં તમે શું કહેવા માંગો છો.’

‘તું એટલી તો અણસમજુ નથી કે મારો ઈશારો ન સમજે. તું યુવાન છે એટલે જરૂર રસેશ અને અન્ય તને તેમની નજીક લાવવા પ્રયત્ન કરતા હશે. પણ તું તેમનાથી સાવધ રહી હશે તેમ માનું છું. પણ તને બોલાવી છે રસેશથી દૂર રહેવાનું કહેવા માટે. તું તેના ઉપર કોઈ ડોરો નથી નાખતી પણ રસેશનો ભરોસો નથી. અગાઉ એક બે વાર તેણે નવી નવી આવેલી છોકરીઓને પટાવવાની કોશિશ કરી હતી પણ તેમાં તે અસફળ રહ્યો એટલે તેમને કાઢી મૂકી હતી.’

‘જી, મને આ બાબતની જાણ નથી પણ તમે ચેતવી છે તો હું હવે ચોકસાઈ રાખીશ.’

‘હા, એક વાત ધ્યાન રાખજે કે તું મને મળી હતી તે રસેશને ખબર ન પડે, નહીં તો કદાચ તને કોઈ પણ કારણસર ઓફિસમાંથી કાઢી નાખશે જેમ આગળ કર્યું હતું તેમ.’

‘તમે તે બાબત ચિંતા ન કરો. હું મારી કબર જાતે ખોદવા નથી માંગતી. હવે રજા લઉં?’

માલતીની વાતે સ્વાતિને વિચાર કરતી કરી મૂકી. તેના હિસાબે સર તો બધા સાથે અને ખાસ કરીને મહિલા કાર્યકરો સાથે એકદમ સારી રીતે વર્તે છે તો માલતીબેનને કેમ આ શંકા થઇ? કોઈ હિતેચ્છુ(!)એ કાન ભંભેરણી કરી? ઓફિસનો જ કોઈ હશે. જે હોય તે પણ હું ભલી અને મારૂ કામ ભલું. જ્યાં સુધી સર સાથે ઓફિસનું કામકાજ છે તેમાં તે કોઈ ચૂક નહીં કરે.

આ બીના બન્યાને એકાદ મહિનો પૂરો થયો હશે કે સ્વાતિ પર માલતીનો ફરી એકવાર મળવા ફોન આવ્યો. હવે શા માટે બોલાવી હશે તે તેને ન સમજાયું પણ જવું તો પડશે જ માની તે માલતીને ઘરે ગઈ.

વાતચીત દરમિયાન માલતીએ જે વાત છેડી તે સાંભળી સ્વાતિ ચમકી.

‘જો સ્વાતિ, હું જે કહીશ તે તારા માન્યામાં નહીં આવે પણ મારા કાને વાત આવી છે કે રસેશ અવારનવાર બહારગામ જાય છે તે ન કેવળ ઓફિસના કામ માટે પણ ત્યાં રંગરેલી પણ મનાવે છે. હવે હું તેની પાછળ પાછળ તો જઈ ન શકું અને વાત પણ એવી છે કે તે ખોટી સાબિત ન થાય ત્યાં સુધી મને પણ અશાંતિ રહે એટલે હું તે અવગણવા પણ નથી માંગતી.’

સ્વાતિને આશ્ચર્ય થયું કે મને કેમ આ બધું કહેવાય છે. ‘પણ હું તમને આમાં કઈ રીતે મદદ કરી શકું? અમારી ઓફિસમાં તો એવી કોઈ ગપસપ પણ નથી ચાલતી કે તમારી વાતને સમર્થન મળે.’

‘તે તો રસેશની ચતુરાઈ કહો કે હજી સુધી તે લોકોથી વાત છૂપાવી શક્યો છે. હવે તે માટે મારી પાસે એક ઉપાય છે પણ તેમાં તું સાથ આપશે કે કેમ તેની મને ખબર નથી.’

‘જાસૂસી કરવાની વાત હોય તો તે મારાથી નહીં થાય કારણ હું કોઈ મુસીબતમાં પડવા નથી માગતી.’

‘અરે, જાસૂસી કરાવવી હોય તો તે માટે પ્રોફેસનલ જાસૂસો ક્યા નથી? પણ તે રસ્તે મારે નથી જવું કારણ વગર કારણે કદાચ વાતનું વતેસર થઇ જાય.’

‘તો પછી બીજો શું રસ્તો છે?’

‘મને જે વિચાર આવ્યો છે તે તને કદાચ વિચિત્ર લાગશે પણ બહુ વિચાર્યા બાદ તું તે કરી શકશે માની તને બોલાવી છે.”

સ્વાતિએ કશું કહ્યું નહીં એટલે માલતી આગળ બોલી.

‘તું જાણે છે કે હાલમાં ‘મી ટૂ’નો જુવાળ ઉપાડ્યો છે જેમાં કેટલીય સેલિબ્રિટી સપડાઈ છે. આપણે પણ તેનો લાભ લઈએ. તું મને એક પત્ર લખ જેમાં રસેશે તને છેડી, તારી સાથે શારીરિક ગેરવર્તન કર્યું વગેરે લખ.’

‘માલતીબેન, આ તમે શું વાત કરો છો? સર જેવાને આમ કેમ સંડોવવા માંગો છો તે મને નથી સમજાતું પણ મારી કારકિર્દીનું શું? એકવાર મારી સંડોવણીની જાણ થાય ત્યાર પછી હું તો ક્યાંયની નહીં રહું.’

‘તેની તું ચિંતા ન કર. આ વાત આપણા બે પાસે જ રહેશે. ત્યાર પછી રસેશ પાસેથી કેવી રીતે વાત કઢાવવી તે મારા ઉપર છોડી દે. હા, તું નોકરીની ચિંતા ન કર. મારા ભાઈની એક રાજકોટમાં ફેક્ટરી છે ત્યાં હું તને ગોઠવી દઈશ.’

‘ત્યાં પણ આ વાતની ખબર પડશે થશે કે હું સરને સંડોવીને આવી છું તો?’

‘ના, ત્યાં સુધી વાત નહીં જાય તેની હું ખાત્રી આપું છું.’

‘તો પણ મારૂ મન નથી માનતું. માફ કરજો માલતીબેન પણ આવું કરવાની ન તો મારામાં નૈતિકતા છે ન તો હિંમત ’

આટલું કહી તે નીકળી ગઈ અને આમાંથી કેવી રીતે બહાર આવવું તેની ગડમથલ થવા લાગી.

એક બે દિવસની ગડમથલ બાદ સ્વાતિએ એક અણધાર્યો નિર્ણય કર્યો અને બીજે દિવસે તેણે રસેશસરને પોતાનું રાજીનામું આપ્યું. રસેશ ચોંક્યો અને પૂછ્યું કે કેમ અચાનક આમ? શું કોઈએ ઓફિસમાં તારી છેડતી કરી છે? તારો કોઈ કૌટુંબિક પ્રશ્ન છે? તું મને ખુલ્લા મને કહે તો મારાથી જે મદદ થઈ શકે તે હું કરીશ.

સ્વાતિએ કહ્યું કે વાત જ એવી છે કે માંરી પાસે બીજો રસ્તો નથી.

એવી તે શી વાત છે તેનો જવાબ ન આપતા સ્વાતિએ કહ્યું કે મને છૂટી કરશો તો આભાર.

રસેશે પૂછ્યું કે મારા તરફથી કોઈ એવું અજુગતું વર્તન થયું જેને કારણે તું આવું પગલું ભરી રહી છે?

- અરે, હોય સર? સ્વપ્ને પણ હું આવું વિચારી ન શકું.

- તો જે હોય તે મને જણાવ. તે વાતની તારા અને મારા સિવાય કોઈને જાણ નહીં થાય.

- તમને કેવી રીતે કહું કારણ આ વાત તમને જ સ્પર્શે છે.

- ભલે મને સ્પર્શતી હોય પણ મને જણાવ અને તારા મનનો બોજો હલકો કર. હું તેને પચાવી શકીશ.

સ્વાતિએ અચકાતા અચકાતા માલતીબેન સાથે થયેલી બે મુલાકાત અને થયેલી વાતચીત વિગતવાર જણાવી. આ સાંભળી રસેશ હસ્યો અને કહ્યું કે બસ, આટલું જ? હું માલતીને સારી રીતે ઓળખું છું અને તેનો શું ઈરાદો છે તે પણ મને સમજાય છે પણ તે તને હાલમાં જણાવવું જરૂરી નથી. હું લખાવું તેવો એક કાગળ તું લખ અને માલતીને રૂબરૂ મળી આપ. આગળ ઉપર શું કરવું તે તેના પ્રત્યાઘાત પછી વિચારીશું.

પણ સ્વાતિનું મન હજી તૈયાર ન હતું એટલે કહ્યું ના સર, આવું મારાથી નહીં થઇ શકે,

‘તું નહીં કરે તો માલતી અન્ય કોઈને સંડોવાશે જેની મને જાણ પણ નહીં થાય અને તે પોતાની મકસદ પૂરી કરી લેશે.’

બે દિવસ સુધી સરની વાત પર વિચાર કર્યા પછી તે સર પાસે ગઈ અને કહ્યું કે તે માલતીબેનને જોઈતો પત્ર આપશે. તરત જ રસેશે એક કાગળ કાઢી તેને આપ્યો અને કહ્યું કે આ માલતીને આપી આવ.

માલતીને ફોન કરી સ્વાતિએ કહ્યું કે બહુ વિચાર બાદ તેણે તેમને સાથ આપવાનું નક્કી કર્યું છે અને કહ્યા પ્રમાણેનો પત્ર લખ્યો છે તે તેમને આપશે. માલતીએ તેને હોટેલ પર મળવા બોલાવી. કાગળમાં લખેલું વાંચી માલતી ખુશ થઇ કે તેને જે પ્રમાણે કાગળ જોઈતો હતો તે મુજબ જ તે છે. માલતીએ મનમાં વિચાર્યું કે હવે તેનું કામ આસાન થઇ ગયું પણ મનની પ્રસન્નતા બહાર ન આવે તેનો ખ્યાલ રાખ્યો અને કહ્યું:

‘વાહ સ્વાતિ, તેં તો બહુ સરસ વર્ણન કર્યું છે. કોઈ પણ આ વાંચી તેને સાચું માની બેસે. ફક્ત આપણે બે જ જાણીએ છીએ કે હકીકત શું છે. આગળ ઉપરની કાર્યવાહી હું કરી લઈશ. હવે તું તારી નોકરીની ચિંતા ન કર. સમય આવ્યે બધું ઠીક થઇ રહેશે.’

સ્વાતિએ વિચાર્યું કે જ્યારે ખબર પડશે કે આ મારું લખાણ નથી પણ સરનું છે ત્યારે માલતીબેનની હાલત શું થશે તે તો ત્યારે જ જણાશે.

બીજે દિવસે સ્વાતિએ સરને પત્ર આપ્યાનું જણાવ્યું એટલે રસેશે તેને કહ્યું કે હવે તારે કશું નથી કરવાનું. માલતી હવે તારો સંપર્ક નહીં કરે એટલે તારે તે તરફની પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં તે તને મારા વિષે પૂછે તો તારે કહેવું કે સરનું વર્તન હવે બદલાઈ ગયું છે, ખાસ કરીને તારી તરફ. હવે કામમાં ભૂલો દેખાડે છે અને ઊંચા સ્વરે વાત પણ કરે છે.

થોડા દિવસ બાદ માલતીનો ફોન આવ્યો એ જાણવા માટે કે રસેશનું ઓફિસમાં કેવું વર્તન છે. શું તેનું વર્તન બદલાઈ ગયું છે? તારી સાથે પહેલા જેવું જ વર્તન છે કે કેમ?

સ્વાતિએ જવાબમાં રસેશે જેમ કહ્યું હતું તેમ જ જણાવ્યું. તે સાંભળી માલતી ખુશ થઇ પણ પોતાની ખુશી ન દર્શાવી અને કહ્યું હવે ફરી એકવાર તું મને લખ અને કહે કે આગલા પત્રનું કોઈ પરિણામ નથી આવ્યું એટલે તું પોલીસમાં ફરિયાદ કરવાનો વિચાર કરે છે. તે કાગળ જોઈ રસેશ જરૂર ગભરાઈ જશે અને મને તારી સાથે સમાધાન કરાવવાની વાત કરશે.

આ વાત જ્યારે સ્વાતિએ સરને કરી ત્યારે તેમણે મલકાઈને કહ્યું કે તે બીજો કાગળ પણ હું આપીશ જે તું માલતીને આપી દેજે. બાકીનું હું સંભાળી લઈશ.

સરે આપેલ બીજો કાગળ લઇ ફરી એકવાર સ્વાતિ માલતીને મળી. તે કાગળ વાંચી માલતીએ તેને શાબાશી આપી અને કહ્યું કે બસ, હવે તને હું તકલીફ નહીં આપું કારણ આગલા પત્ર બાદ મારૂં કામ તો મેં શરૂ કરી નાખ્યું છે અને આ બીજો કાગળ તે કામ પૂરૂં કરી નાખશે.

ત્યારબાદ ન તો માલતીએ તેનો સંપર્ક કર્યો ન સરે તે વાત ઉપર કોઈ ચર્ચા કરી.

લગભગ ત્રણ મહિના પછી સ્વાતિને જાણ થઇ કે માલતીએ છૂટાછેડાની અરજી કરી હતી અને બહુ ચર્ચા ન થાય એટલે સરે પરસ્પર સંમતિથી તેને મંજૂરી આપી હતી. સ્વાતિએ ફોન કરી માલતીને પૂછ્યું કે શું આ વાત સાચી છે? જવાબ મળ્યો કે હા, સો ટકા સાચી છે.

સ્વાતિથી ન રહેવાયું અને બોલી કે આપણે તો સરના લફરા જાણવાનો પ્લાન કર્યો હતો શું તે સાચું નીકળ્યું?

‘તારી પાસે જે કરાવ્યું તે તો મારા પ્લાનથી જુદું જ હતું. સાચો પ્લાન શું છે તે હું તને કહેતે તો તું મને સાથ ન આપતે. સાચો પ્લાન શું છે તે તો તને થોડા સમય બાદ ખબર પડી જશે.’

સ્વાતિએ વિચાર્યું શું હું એક શતરંજનું પ્યાદું બની ગઈ? શું સરે પણ કોઈ મકસદથી મને સંડોવી? ના, ના, સર એવું કરે તે મનાતું નથી. મારે હવે તેમને જ પૂછવું પડશે. આમ વિચારી તે સરની પાસે ગઈ અને પોતાની મૂંઝવણ જણાવી. રસેશે એક સ્મિત કર્યું અને કહ્યું કે બેસ, હું તને બધું વિગતવાર જણાવું.

‘માલતી અને મારી વચ્ચે કેટલાક સમયથી પતિ-પત્નીનો સંબંધ રહ્યો ન હતો પણ સામાજિક કારણોસર અમે જાહેરમાં તેની જાણ ન થાય તેની તકેદારી રાખતાં હતાં. મને ઉડતી ઉડતી ખબર મળી હતી કે તેનો કોલેજકાળનો એક મિત્ર ફરી તેના સંપર્કમાં છે અને બંને ફોન દ્વારા અને ક્યારેક છૂપાઈને મળે છે. મારે કોઈ જાસૂસી કરી તેમને પકડવા હોત તો તે સહેલું હતું પણ હું તેમ કરવા નહોતો માંગતો.

‘થોડા મહિના પહેલા માલતીએ મને કહ્યું કે તેને છૂટાછેડા જોઈએ છે પણ તરત તો મેં કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. પણ તારી માલતીની મુલાકાતે મારા મનમાં પણ એક પ્લાન રચાયો એટલે જ મેં તને કાગળ લખી આપ્યો અને આગળ વધવા કહ્યું. બાકી કયો પુરુષ આમ જાતે ખાડો ખોદી તેમાં જંપલાવે?’

‘સર, એટલે તમારો પણ પ્લાન હતો?’

‘માલતીએ કહ્યું તેમ હું પણ તને બધું અગાઉથી જણાવતે તો તું મારા પ્લાનને સફળ થવા ન દેતે.’

‘વાહ, તમારા બંનેના જે પણ કોઈ પ્લાન હોય પણ તે માટે તમને બંનેને મારા જેવું એક સરસ પ્યાદું મળી ગયું!’

‘આગળની વાત સાંભળશે? જ્યારે તેં મને માલતી સાથેની મુલાકાતની વાત કરી ત્યારે જ હું સમજી ગયો કે આ તેની ચાલ છે મારી પાસેથી છૂટાછેડા મેળવવાની. આમેય તે હું કંટાળી ગયો હતો તેનાથી એટલે સમાધાન કરી બને તેટળી ઓછી એલીમની આપવી પડે તેવો વિચાર કર્યો. પણ તે માટે એકદમ હા ન પાડવી તેમ પણ વિચાર્યું.

‘પહેલા કાગળ બાદ માલતીએ મને દબાવવાનો પ્રયત્ન કર્યો પણ મેં જાણી જોઇને દાદ ન આપી જેથી તે કોઈ વધુ સખત પગલું ભરે અને હું ધાર્યું કરી શકું. અને તેમ જ થયું. બહુ ઓછી કિંમતે મને છૂટાછેડા મળી ગયા.‘

‘પણ હવે તમે એકલા થઇ ગયા.’

‘હજી તો હું યુવાન છું એટલે બીજા લગ્ન માટે બહુ મહેનત નહીં કરવી પડે.’

સ્વાતિ મનમાં બોલી, વાહ સર, હું પણ કેટલાક સમયથી તમને સરને બદલે કાંઈક વધુ માનતી હતી પણ મારા મનની વાત કહેવાની કે દેખાડવાની હિંમત ક્યાંથી હોય? એટલે ચૂપ હતી. હવે તમે જ તમારા મનોભાવ જણાવી દીધી એટલે લાગે છે કે વગર મહેનતે મારા મોમાં લાડવો આવી જશે.

તેમ છતાં પોતાના મનોભાવ વ્યક્ત ન કરતા સ્વાતિ બોલી, ‘સર, એટલે તમારા મનમાં પણ કોઈએ ઘર કર્યું લાગે છે.’

‘હા, મારી સાથે તે કોલેજમાં હતી અને અમે કેટલાક કારણસર જીવનસાથી બની ન શક્યા. થોડા મહિના પહેલા તેની અચાનક મુલાકાત થઇ અને જુના દિવસો યાદ કરતા કરતા ફરી નજીક આવી ગયા. મને ખાત્રી હતી કે માલતી યેનકેનપ્રકારેણ છૂટાછેડા મેળવીને જ જંપશે. એટલે મેં મારી મિત્રને સમજાવી કે ધીરજ રાખશું તો બધું સમય આવ્યે પાર પડશે. અને આમ મારો પ્લાન પણ સફળ થયો. હવે થોડા સમય બાદ હું ફરી લગ્ન કરીશ.’

‘અને તે માટે તમે પણ મને શતરંજનું પ્યાદું બનાવી, બરાબર?’ નારાજ સ્વરે સ્વાતિ બોલી.

બીજે દહાડે સ્વાતિ રસેશની કેબીનમાં આવી અને કશું બોલ્યા વગર પોતાના રાજીનામાનો કાગળ આપ્યો. રસેશ તે વાંચીને મલકાયો.

‘‘મને ખબર છે સ્વાતિ કે કાલની વાતથી તારા મનને દુ:ખ પહોંચ્યું છે. શું તું મને સર તરીકે નહીં પણ મારા માટે જુદો ભાવ ધરાવતી હતી?’

‘ હા, સર. પણ તેવો વિચાર જાહેર કરવાની હિંમત ન હતી એટલે કહ્યું નહીં.’

‘જો સ્વાતિ, તારી ઉંમર જ એવી છે કે મારા જેવા સુંદર યુવાન સાથે કામ કરતાં કરતાં એક આકર્ષણ થવા લાગે પણ તેનો અર્થ એમ નથી કે હું પણ તારી તરફ આકર્ષાયો છું. આમેય તે હું એક વચનથી બંધાઈ ગયો છું જે મેં મારી મરજીથી આપ્યું છે. એટલે તારા મનના ભાવ મનમાં રાખ.’

‘સાચી વાત છે સર, શતરંજનું એક પ્યાદું કદી રાણી ન બની શકે.’

હવે અહી વધુ વાર રોકાવાનો કોઈ અર્થ નથી માની સ્વાતિ પોતાના ટેબલ પરની અંગત ચીજોને ભેગી કરવા લાગી ત્યાં જ તેના ફોન પર સંદેશો આવ્યો. જોયું તો સરનો હતો.

હવે મનાવવા પ્રયત્ન કરતાં હશે એટલે એક મિનિટ તો તે વાંચ્યો નહીં પણ પછી ન રહેવાયું અને સંદેશો વાંચ્યો. લખ્યું હતું ‘શું શતરંજનું પ્યાદું આ રાજાની રાણી બનશે?’

પહેલા તો તે સમજી નહીં કે સર શું કહેવા માંગે છે પણ પછી ચમકારો થયો અને તરત કેબીનમાં ગઈ.

‘તમે સંદેશ મોકલ્યો તેનો અર્થ શું તે હું સમજી નહીં.” અજાણ હોવાનો ડોળ કરતા તે બોલી.

‘અરે બુદ્ધુ, મેં તો તને ચકાસવા કહ્યું હતું. હકીકતમાં તારી સાથે કામ કરતાં કરતાં મને પણ તારી તરફ એક આકર્ષણ થઇ ગયું હતું પણ એક આમન્યા રાખવી જરૂરી હતી. પણ જ્યારે તેં મને માલતી સાથેની પહેલી મુલાકાતની વાત કરી ત્યારથી મારા મનમાં પણ એક યોજના ઘડાવા લાગી જેથી એક કાંકરે બે પક્ષી મરે.’

‘પણ તમે આ વાત મને પહેલાં કેમ ન કરી?’

‘જ્યાં સુધી પ્લાન પૂરેપૂરો સફળ ન થાય ત્યાં સુધી તને કહેવાનો પણ અર્થ ન હતો. વળી તારા મનની વાત તે પણ ક્યા કહી હતી? અને તું ન કહે ત્યાં સુધી હું પણ કેમ જાણું ?’ હવે જ્યારે બધું ઠીકઠાક છે તો હું તારું રાજીનામું સ્વીકારી લઉં છું. તે કહ્યું કે શતરંજનું એક પ્યાદું કદી રાણી ન બની શકે પણ આજે આપણે તે વાતને ખોટી કરીએ.’

સ્વાતિ આ બદલાવથી ચમકી. તેણે મનમાંને મનમાં વિચાર્યું કે નેકી ઓર પૂછપૂછ? આ તો આખો લાડવો મોમાં આવી ગયો. હવે શેની રાહ જુએ છે?

થોડુક શરમાઈને તે બોલી, ‘સર, માલતીબેનને પૂછી લઉં?’ અને પછી બંને ખડખડાટ હસી પડ્યા.

નિરંજન મહેતા