Angat Diary - Samay in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - સમય

Featured Books
Categories
Share

અંગત ડાયરી - સમય

અંગત ડાયરી
============
શીર્ષક :સમય
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ

શ્રી કૃષ્ણ કાનુડાએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સમયની ગણના કરનારા માટે હું સમય છું: કાલો કલયતામ્ અહમ્. દુઃખી થવાનો એક અને માત્ર એક જ રસ્તો છે: વર્તમાન છોડી ભાગવું, કાં ભૂતકાળમાં અને કાં ભવિષ્યકાળમાં. સુખી થવાનો પણ એક જ રામબાણ ઈલાજ છે: કેવળ અને કેવળ વર્તમાનમાં જીવવું. આજમાં, અત્યારમાં અને જ્યાં છો ત્યાં.
આગળની લીટીઓ જરા ધ્યાનથી વાંચજો, ભીતરી દર્દ સો ટકા ઓછું થશે.

તમે અત્યારે તમારા મોબાઈલની લંબ ચોરસ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્ક્રીન પર ફેસબુક કે વોટ્સ અપ ચાલુ છે. તમે બે પાંચ કે પંદર મિનીટ માટે ફ્રી છો એટલે આ પોસ્ટ પર જરા નજર નાંખી રહ્યા છો. થોડા સ્વસ્થ પણ છો અને એકલા પણ છો. આસપાસના નાના મોટા અવાજો તમને સંભળાઈ તો રહ્યા છે પણ તમારી આંખો અત્યારે અંગત ડાયરી વાંચી રહી છે.

આ છે તમારો વર્તમાન. કૃષ્ણ અત્યારે આ સેકન્ડે તમારી નજીક જ છે. પણ ક્યાં સુધી? આપણી ખામી એ છે કે આપણે બે-પાંચ મિનીટથી વધુ સમય વર્તમાનમાં ટકી શકતા નથી. બે મિનીટ, બે કલાક, બેક દિવસ, બેક અઠવાડિયા, બેક મહિના કે વર્ષ પહેલાના ભૂતકાળ કે ભવિષ્યનો સમય આપણાં દિલો-દિમાગ પર ચોવીસ કલાક છવાયેલો રહે છે. અને આપણી સામે વર્તમાન સ્વરૂપે નાચતો, થીરકતો કૃષ્ણ હારી, થાકીને અદૃશ્ય થઇ જાય છે. જેટલો ભૂતકાળ વધુ ગાઢ એટલા આપણે વધુ દુઃખી.

સમય સૌથી વધુ બળવાન છે. આખર તારીખ ગમે એવી ખતરનાક ભલે હોય પણ એ ખૂબસુરત, એન્જોઇનમેન્ટથી છલકતી પહેલી તારીખને આવતા રોકી શકતી નથી. સમયનું અફર વચન છે: હું ખરાબ હોઈશ તો પણ વીતી જ જઈશ. અને પછી તમારા શુભ કર્મો અમિતાભ બચ્ચનની જેમ તમને કહેશે : આપ કા સમય શુરુ હોતા હૈ અબ.

એક સંતે જીવનનો મર્મ બહુ સુંદર ઉદાહરણથી સમજાવ્યો છે: એક વાર એક ગામડિયો શહેરમાં એક વસ્તુ ખરીદવા આવ્યો. એ શહેર જઈ રહ્યો હતો એટલે ગામના આડોશી-પાડોશીઓએ પણ એની પાસે એમને જોઈતી વસ્તુઓ મંગાવી હતી. ગામડેથી શહેર પહોંચ્યા બાદ એ એક પછી એક વસ્તુ ખરીદવા માંડ્યો, છકડામાં મૂકવા માંડ્યો. ગોમતી ડોશીએ મંગાવેલી સોય શહેરના જૂના બજારમાંથી લીધી તો છગન ખેડૂત માટેનું દાતરડું લોખંડ બજારમાંથી, સરપંચના દીકરાએ મંગાવેલો ઘૂઘરો છેક રમકડા બજારમાં મળ્યો તો નગરશેઠે મંગાવેલા અનાજ માટે એ ગ્રેઈન માર્કેટ ગયો. સૂરજ ઢળવા માંડ્યો એટલે એણે ઉતાવળે છકડો મારી મૂક્યો અને ગામમાં પરત આવ્યો. પાદરે જ બધાં એની રાહ જોતાં હતાં. છગન દાતરડું લઇ જતો રહ્યો, શેઠનો નોકર અનાજની ગુણ લઇ ગયો, બધાં પોતપોતાની વસ્તુ લઈ જતાં રહ્યાં. ગામડિયો ઘરે પહોંચ્યો તો માએ પૂછ્યું કે તને મેં જે પૂજા સામગ્રી લેવા મોકલ્યો હતો એ ક્યાં? ગામડિયો મુંઝાઈ ગયો. બધા માટે બધું લેવામાં એ જે લેવા આવ્યો હતો એ તો ભૂલી જ ગયો.

મિત્રો, આપણે પણ પૃથ્વી પર ‘પૂજા સામગ્રી, પુણ્ય સામગ્રી’ લેવા આવ્યા છીએ. પાછા જવાનું તો નિશ્ચિત જ છે. ઘણા માટે ઘણું કર્યું. સાચું, ખોટું, કાળું, ધોળું.. પણ હજુ સૂરજ ઢળ્યો નથી અને આપણે બજારમાં જ છીએ.. પિતા તરીકે પુત્ર માટે, પતિ તરીકે પત્ની માટે અને કર્મચારી તરીકે શેઠ માટે આપણે ઘણું કરીએ છીએ પણ આપણું મૂળ સ્વરૂપ તો ‘માનવ’નું છે, તો ‘માનવ તરીકે ઈશ્વર માટે’ લઇ જવાની સામગ્રી તો ભૂલી નથી રહ્યા ને? એક ક્ષણ થંભીને યાદ કરીએ કે ‘કૃષ્ણ કાનુડાએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં’ જે લીસ્ટ આપણને થમાવ્યું છે એ સામગ્રી લેવાની ભૂલાઈ તો નથી ગઈ ને? Your Time Starts Now!

હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)