Shaherthi dur ek shiyadu savar in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | શહેરથી દૂર એક શિયાળુ સવાર

Featured Books
Categories
Share

શહેરથી દૂર એક શિયાળુ સવાર

તાપણા માં ભડ ભડ બળતા લાકડા અને તાપણા સામે બેસીને તપતી અરુંધતી
એની આંખોમાંથી આસુંઓનો વરસાદ થઈ રહ્યો હતો . રૂમની અંદર ખાટલે પડેલી સાસુમાંના ઉધરસના અવાજો અરુંધતી ના વિચારોમાં ખલેલ પાડી રહ્યા હતા .
ભડ ભડ બળતી આગ અને ભડ ભડ બળતું અરુંધતીનું મન...

આવી જ બળતી પણ પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી આ ઘરના આંગણે આવી હતી .

અરુંધતી પોતે અનાથ હતી . એક અંધારી રાતે આજ ગામડાના એક મંદિરના ઓટલે પોતાના નોતરેલા એના પાપને ઈશ્વરની સમક્ષ મૂકી ગયું હતું . એ પછી નાનકડા શહેરના એક અનાથ આશ્રમમાં મને મૂકી આવ્યા .ગામનો મુખીયા ખૂબ ભલો માણસ થોડા થોડા સમયના અંતરે મારી ખબર-પૂછતાં રહેતા .

ધસમસતા સમયના પ્રવાહ સાથે મેં જુવાનીના ઉંબરે પગ મૂક્યો . એક ઘર જેવું હુંફાળું વાતાવરણ અને ખૂબ સારા સંસ્કાર આ આશ્રમમાંથી પામી હતી .
અનાથાશ્રમના આંગણે જ્યારે પણ મુખીયા આવતા ત્યારે મુખીયા અને ટ્રસ્ટી વચ્ચે કોઈ વાતની ગહરી ચર્ચા થતી હોય એવું લાગતું .
એમાંય વળી અનાથાશ્રમમાં કામ કરતી રમાએ કહ્યું ' એલી અરુંધતી હમણતો ઓફિસમાં રોજ તારા જ નામની ચર્ચા થાય છે . મને એવું લાગે છે કે તારા હાથ પીળા કરવાની ચર્ચા ચાલે છે . અરુંધતી તો સાંભળીને પાગલ બની ગઈ . કાંઈ જવાબ આપવાને બદલે શરમથી લાલચોળ થઈ ગઈ . હાથપગમાં એક મીઠી ધ્રુજારી આવી ગઈ . દોડીને પોતાના રૂમમાં જઈને અરીસામાં પોતાને નિહારતી રહી . અંગે અંગમાં જુવાની ફૂટી રહી હતી . એની આંખોમાં કેટલાય નવા સપનાઓની અવરજવર ચાલતી રહી આવા અનેક મીઠા સપના લઈને જાણે હવામાં ઉડવા લાગી . અમારી જેવા અનાથને પણ સ્વીકારે છે એ જ તો મોટી વાત છે . એનાથી વધારે બીજું શું જોઈએ ....

અંતે એકદિવસ ત્યાંની મેનેજરે અરુંધતી ને એની ઓફિસમાં બોલાવી . અને પાસે બેસાડીને બોલી ' અરુંધતી તારું તો ભાગ્ય ખુલી ગયું છે . જે ગામના મુખીયા હંમેશા તારી ભાળ લેવા આવે છે . એમણે એ જ ગામના એક સુંદર અને સંસ્કારી છોકરા રમેશ માટે તારા માગા કર્યા છે . તું કહે તો આગળ વાત કરું ...
જવાબમાં અરુંધતી શરમાઈને નીચું જોઈ ગઈ .
એટલે મેનેજર બોલી ' તારો ચહેરો કહે છે કે તારી પણ હા જ લાગે છે .
અમુક વિચાર વિમર્શ થયા પછી અરુંધતીના લગ્ન લેવાયા . લગ્નની વિદાય વખતે ત્યાંની મેનેજર કમ ટ્રસ્ટીએ અરુંધતીના માથે હાથ મૂકી કહ્યું ' ભવિષ્યમાં કોઈપણ મુસીબત હોયતો તારું માવતરનું ઘર આજ છે . ગમે ત્યારે દોડી આવજે . ભારી હૈયે અરુંધતીની વિદાય થઈ .

☘ ☘ ☘
અરુંધતીનું સાસરું એક સાધારણ કુટુંબ હતું .એ ઘરમાં કહી શકાય માત્ર બે જ વ્યક્તિઓ હતી . સાસુમાં અને એનો પતિદેવ
રમેશની કમાણી એમતો ઠીકઠાક હતી .
બે નાના નાના રૂમની જગ્યા અને અંદરના રૂમમાં થોડા થોડા ગુલાબના ફૂલોથી સજેલી પથારી , લગ્નની પહેલી રાત , મનનો અજંપો , એક થનગનાટ , ધ્રુજી રહેલા મન સાથે ઘૂંઘટ કાઢીને બેઠેલી અરુંધતીનું ધ્યાન વારંવાર દરવાજા તરફ જઈ રહ્યું હતું .
દરવાજામાં કોઈના પ્રવેશ્યાનો અવાજ થયો .
' હા , એ રમેશ જ હતો . '
અરુંધતીનું હૃદય જોરજોથી ધબકવા લાગ્યું . હાથપગ પાણી પાણી થઈ ગયા.

અને ત્યાં ધીમી અવાજમાં રમેશ બોલ્યો ' મને માફ કરજો મને મારી બા એ અને આ ગામના લોકોએ પરાણે પરણાવ્યો છે . સાચું કહું તો હું નપુંસક છુ .'

અરુંધતીના કાને શબ્દો પડતા જ જાણે પુરી ધરતી જાણે
ગોળ-ગોળ ફરી રહી હતી . હાથમાં રહેલો ઘૂંઘટનો છેડો ફાડીને ફેંકી દેવાની ઈચ્છા થઈ . હાથમાં પહેરેલ ચુડો , ગળાનો હાર બધું જ સળગાવી દેવાનું મન થઇ ગયું .
રમેશ તો એટલું બોલીને સડસડાટ ઘરની બહાર જ નીકળી ગયો . અરુંધતી ને પણ પોતાના આશ્રમ તરફ દોટ મુકવાની ઈચ્છા થઈ ગઈ . આશ્રમની મેનેજર એટલે એની માઁ સમાન હતી . કેટલા વિશ્વાસ સાથે પોતાના ખર્ચે એમણે મારા લગ્ન કરાવ્યા અને હવે હું પેલી જ રાતે પાછી ભાગુ તો એમના વિશ્વાસ નું શુ ?
મારો તો વિશ્વાસ તૂટ્યો જ છે પણ એમની મમતાને ચોટ કેવી રીતે પહોંચાડું !!!
થોડી ક્ષણોમાંતો ઈશ્વરે મારી હથેળીમાં શુ આપી દીધું .?
પોતાના જ નસીબને દોષ દેતી ચૂપચાપ આંસુ સારતી પડી રહી .
પુરી રાતમાં ક્યારે નીંદર આવી ગઈ એની ખબર જ ના પડી .
વ્હેલી પરોઢે અરુંધતીની આંખ ખુલ્લી ગઈ . અને જોયું તો રૂમના એક ખૂણામાં રમેશ સુઈ રહ્યો હતો . રૂમનો દરવાજો ખોલી પોતે બાર નીકળી .
સાસુમાં પોતાના નિત્યક્રમમાં જોડાઈ ગયા હતા . નવી વહુને ઘરના રીતિ રિવાજો શીખવતી ગઈ અને અરુંધતી પણ ના છૂટકે એમના પગલે ચાલવા લાગી .
એની નજર સમક્ષ આશ્રમના દિવસો પસાર થવા લાગ્યા . જિંદગી જાણે ધૂળધાણી બની ગઈ હતી .
જિંદગી જાણે લોઢાના ચણા ચાવવા બરોબર બની ગઈ હતી .
☘ ☘

આજની ઘડીને કાલનો દી ...પંદર વરસનો સમય ગાળો નીકળી ગયો . ઘરના વારસદાર માટે વરસોથી મહેણાં-ટોણા સાંભળતી રહી . છતાં પણ જવાબમાં અરુંધતી મોઢામાંથી એકપણ શબ્દ ઉચ્ચારતી નહીં . અને ચૂપચાપ ઘરના કામ કર્યા કરતી .
રમેશનું પણ રોજનું હતું એ પણ પોતાની માઁ આગળ કોઈ જાતનો ખુલાસો કરવામાં માનતો નો ' તો

રોજ મોડી રાતે ઘરની બાર નીકળી જતો અને મળસ્કે ઘરમાં પગ મૂકી દેતો . આટલા વરસમાં સાસુમાંને પણ આ વાતની ગંધ ન આવી .

☘ ☘ ☘

સાસુમાની તબિયત ઉંમરના હિસાબે હવે લથડીયા મારી રહી હતી . માઁ ની દવા-દારૂ બધું જ રમેશ કરતો .એમતો ઘરની બહારના તમામ જરૂરી કામ રમેશ કરી દેતો .માઁ ની હાજરીમાં અરુંધતી સાથે હસી-બોલી પણ લેતો .
પણ ભલી-ભોળી અરુંધતી નું શુ ? જેણે પોતાની જાતને ઘસી નાખી . હોઠ પર એકપણ શબ્દ ફરિયાદનો ઉચ્ચાર્યા વગર પંદર વરસ કાઢી નાખ્યા .
☘ ☘ ☘
એકદિવસ શિયાળાની કડકડતી ઠંડી જાણે ચારે તરફ જાણે બરફ વરસી રહ્યો હતો .
એ સમયે બાજુ વાળી શારદા આવીને ધીરેથી અરુંધતીને કહ્યું
' તને વાંધો ન હોયતો મારી સાથે આવીશ ? મારે ગામને છેવાડે આવેલ દવાની દુકાનમાં દવા લેવા જવું છે . '

અરુંધતી સાસુમાં ને કહી શારદા સાથે ચાલી નીકળી . અરુંધતી રસ્તામાં જ પૂછી બેઠી ' એલી ગામને છેવાડે દવાની કંઈ દુકાન છે ?
જવાબમાં શારદાએ એટલું જ કહ્યું ' દુકાન તો નહીં પણ કોઈનું ઘર છે . ત્યાં દવા મળશે . બંનેની વાતો વાતોમાં ક્યારે એ ઘર આવી ગયું ખબર જ ના પડી .

શારદા એ ધીમે રહીને અરુંધતી ને આગળ આવવા કહ્યું . અને બારીની તિરાડમાંથી જોવા કહ્યું . દ્રશ્યમાન થયેલું ચિત્ર જોઈને જાણે પગ તળેથી જમીન ખસી ગઈ . પહાડી ઉપરથી કોઈએ ધક્કો માર્યો હોય એમ અરુંધતી ગબડી પડી . અંદર પલંગમાં બિરાજમાન રમેશ કોઈ રુપ સુંદરી સાથે પોતાની રાત માણી રહ્યો હતો .
પોતે પોતાના જીવનના પંદર -પંદર વરસ તાપમાં તપતી રહી અને પોતાનો ધણી ?
કડકડતી ઠંડીની એ અંધારી રાત ફાટી પડે અને મને ઉપર ઉપાડી લે તો સારું ....
હૈયા ફાટ રુદન કરવું હતું પણ કોની પાસે જાય....હાથપગ ઠંડા થઈ ગયા .

શારદા બોલી ' મને માફ કરજે બેન તે મને તારું દરદ પેલા જણાવી દીધું હતું . પણ મને થોડા સમયથી આ વાતની ગંધ આવતા પેલા મેં પાક્કું કર્યું કે આ વાત સાચી હોયતો જ તને કહેવાની હિંમત કરું .... એ પછી મેં તને જાણ કરવાનું વિચાર્યું .

અરુંધતી શુ બોલે જ્યાં પોતાનો જ સિક્કો ખોટો હતો ' એણે શારદાના હાથ પકડતા કહ્યું ' તે તો મને સચ્ચાઈ બતાવી છે . એમાં માફી શેની ?
પણ મને તો થાય છે કે ધરતી મારગ આપે તો સમાય જાવ બેન ... આવો દિવસ જોવા ભગવાને મને જીવતી કેમ રાખી !!!!
શરીરથી નિઢાલ બનેલી અરુંધતીને શારદા હાથ પકડી ઘેર લાવી .
આટલા નાનકડા એવા ગામમાં કોઈને પણ આ વાતની ગંધ નહીં આવી હોય ?

ધીરે-ધીરે શારદાએ આ વાતને ગામમાં વહેતી મૂકી ગમે તે થાય અરુંધતી ને ન્યાય તો મળવો જ જોઈએ .
ચારે તરફ કાળો કેર વર્તાય ગયો . આ બધી વાત હરતા ફરતા રમેશની પ્રેમિકાના કાન સુધી પહોંચી . એ આ ગામ વાળાને બહુ સારી રીતે ઓળખતી હતી . અને વિચારવા લાગી જો ગામની પંચાયત ન્યાય કરશે તો એને જેલ ભેગી જ કરશે . એની બીકમાં ને બીકમાં વ્હેલી સવારે રમેશ જેવો પોતાના ઘર તરફ ગયો એટલે તરત જ રમેશ પાસેથી પડાવેલી રકમ અને નાના મોટા સોનાના દાગીના એ બધું લઈને ફરાર થઈ ગઈ .

રાતનો સમય થતા જ રમેશ રોજની આદત મુજબ આવી ગયો અને આવતા જ જોયું તો એની પ્રેમિકા રોકડ રકમ અને દાગીના લઈને ભાગી છૂટી હતી . અને એક ચિઠ્ઠીમાં લખીને ગઈ તી . 'મારા વિરુદ્ધ એકપણ શબ્દ ગામની પંચાયતમાં બોલતો નહીં . અને હું ક્યાં જાવ છું એની લગીરે તપાસ કરતો નહીં .
રમેશતો હેબતાઈ ગયો . આ શું ? ખાલી પૈસા અને દાગીના પૂરતી જ એની જિંદગી હતી .
રમેશ અને એની પ્રેયસી બંનેએ ભેગા મળી ખૂબ સારો ખેલ ખેલ્યો હતો . આજ સુધી કોઈને પણ બંનેના આવા કારનામાની ગંધ આવી ન્હોતી .
પણ હવે તો ઈશ્વરે બરોબરનો ન્યાય કર્યો હતો . રમેશને પોતે કરેલા કાળા કામનો ખૂબ પસ્તાવો થયો . પણ હવે એની જિંદગી વિખરાઈ ચુકી હતી . પોતાના કરેલા કર્મોની જોરદાર થપાટ ગાલ પર પડી હતી .


અસમંજસ ભરી પરિસ્થિતિ હતી તો એ હતી અરુંધતીની !!!
કોઈ રસ્તો ન્હોતો એની પાસે . માવતર સમુ ગણાતું એ અનાથાશ્રમ છોડ્યાને પણ વર્ષો થઈ ગયા .
છતાં એણે વિચાર્યું કોઈતો હશે આનાથાશ્રમમાં અગર મને ત્યાં રહેવાની ના પાડશે તો કોઈ નાનું મોટું કામ કરી લઈશ . એમ વિચારી ભારી હૈયે પોતાનો સામાન ભરવા લાગી .
બારના રૂમમાં સુતેલી સાસુમાં ઉધરસ ખાતા ખાતા અરુંધતી સાદ દેતા બોલી ' અહીં આવજે તો ....
અરુંધતીનું મન ચકરાઈ ગયું . અને મનમાં ને મનમાં ગુસ્સો કરતા બોલી ' આજે તો જવું જ નથી બા પાસે જિંદગી આખી બળાપો કર્યો પણ હવે તો નહીં જ જાવ ભલે પડ્યા ખાટલામાં ....

કડકડતી ઠંડીની એ કાતિલ અંધારી રાત અને રમેશ નિઢાલ હૈયે પોતાના ઘર તરફ પાછો ફરી રહ્યો હતો .

આ બાજુ અરુંધતી એ પોતાનો પટારો તૈયાર કરી લીધો અને પાછલા રસ્તેથી શારદા ને મળતી આવી શારદા એ અંધારી રાતમાં જવાની ના કહી છતાં અરુંધતી એકની બે ન થઈ . આ ઘરમાંથી નીકળી જવાનો પાક્કો વિચાર કરી જ લીધો હતો .
શારદા સાથે વાતો કરવામાં છુટ્ટા પડતા ખાસ્સી એવી વાર થઈ ગઈ .

એ પછી પટારો લઈને ધીમે પગલે ઉપડી . એને કોઈના રડવાની અવાજ આવી . બારીમાંથી નજર કરી તો બા માંડ કાંઈક પરાણે બોલતી હોય એવું લાગ્યું નક્કી કંઇક અજુગતું લાગે છે .આગળના દરવાજેથી અરુંધતી પાછી ફરી પટારો હાથમાંથી પડી ગયો . અને દોડીને બા પાસે બેસી બા નો હાથ હાથમાં લેતા બોલી ' બા શુ થયું ?

બા અરુંધતીની સામે હાથ જોડતી તૂટક તૂટક શબ્દોમાં બોલી
' મને અને મારા રમેશને માફ કરી દે દીકરા ...અમે તારું જીવતર રોળાવ્યું દીકરા ...એવું બોલતા બોલતા જ બા ની આંખ બંધ થઈ ગઈ . અને બા પરલોક સિધાવી ગયા
બાર ટાઢને રોકવા કરેલું તાપણું ઠરીને રાખ થઈ ગયું હતું .
અરુંધતીના મનનું પણ કૈક એવું જ હતું .
શાંત પડેલા બા ના શબ્દો
શાંત પડેલ રમેશનું આચરણ
અને.....અંતે
શાંત પડેલું અરુંધતીનું મન....

☘ ☘ ☘
આજ વરસો પછી એ રાત આવી છે . જેના તાપમાં અરુંધતીએ જિંદગી કાઢી હતી .માટીની મીઠી મહેક સાથે અને દૂર ખેતરોમાંથી આવતી તમરાની અવાજોમાં ..... રમેશ સાથે બાહોમાં ખોવાયેલી અરુંધતી ....