Mathabhare Natho - 26 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 26

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માથાભારે નાથો - 26

માથાભારે નાથો (26)
વિરજીના કારખાને ગયા પછી વિરજીએ પોતાના કારખાનામાં કામે બેસવાની મગન અને નાથાને હા પાડી. મગન ઘાટનું કામ શીખ્યો હતો એટલે બીજા જ દિવસથી એ વિરજીના કારખાને કામે બેસી ગયો.
પણ નાથાને આવી મજૂરી કરવામાં રસ નહોતો.એટલે રાઘવે આપેલું પડીકું લઈને એ રાઘવના કહેવા મુજબ નરશી માધાની ઓફિસે એ પેકેટ બતાવવા ગયો હતો. પણ નરશીએ નાથાનું પેકેટ જોયું પણ નહીં.
નાથો ચંદુલાલ શેઠની શેરીમાં રામાણી ટ્રેડર્સની દુકાન શોધતો શોધતો આવી પહોંચ્યો ત્યારે સાડા બાર થયા હતા.
રામાણી ટ્રેડર્સ બે શટરવાળી મોટી દુકાન હતી.અહીં હીરાના કારખાનાઓમાં અને ઓફિસોમાં વપરાતી તમામ વસ્તુઓ મળતી.હીરાબજારમાં જે મોટા વેપારી હતા એ તમાંમના કારખાનાઓ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ચાલતા.એ લોકો માટે રામાણી ટ્રેડર્સ એક વિશ્વાસ પાત્ર સ્થળ હતું.
બાબુકાકા રામાણી ચુસ્ત સ્વામીનારાયણ હતાં. નવરા પડે એટલે એક આડા અને ઉભા ખાનાવાળી નોટમાં લાલ પેનથી સ્વામિનારાયણ-સ્વામિ નારાયણ-સ્વામિનારાયણ લખતાં.આવી રીતે નામ લખવાથી,ખૂબ જ પુણ્ય થાય છે અને મોક્ષ પામીને અક્ષરધામમાં જવાય છે એમ તેઓ માનતા.કદાચ એમની માન્યતા સાચી હોય તો ? એમ સમજીને મેં પણ બે ત્રણ વાર સ્વામિનારાયણ-સ્વામી નારાયણ- સ્વામિનારાયણ લખ્યું છે અને તમે કુલ સાત આઠ વખત વાંચ્યું એટલે આપણે બધા એ પુણ્યના અધિકારી થયા !! નાથાએ
દુકાનનું પગથિયું ચડીને બાબુકાકાને પૂછ્યું, "આ સુરેશ ગોળકીયાની ઓફિસ ક્યાં આવી કાકા ?
અને નરેશભાઈ રૂપાણી અહીં આવવાના છે ? હું પેલા રાઘવનો મિત્ર છું અને મારે નરેશભાઈનું કામ છે.."
બાબુકાકાએ નોટ નીચે મૂકીને નાથાના માથા સામે જોયું..બાબુકાકાને દેશમાંથી ખેતી કરવી ન પડે અને શહેરમાં જલસા કરાય એવી નીતીથી જે લોકો આવતા,એ લોકો પ્રત્યે બહુ લાગણી નહોતી. કોણ કઈ રીતે શહેરમાં આવી ચડ્યું છે એ જાણ્યા વગર જ બાબુકાકા આવા યુવનોને પોતાની શિખામણ માટે યોગ્ય પાત્ર સમજીને શરૂ થઈ જતાં. પછી તો બાબુકાકાનું એન્જીન પહેલા ગિયરમાંથી ક્યારે ટોપમાં પડીને 120ની સ્પીડે ભાગવા માડતું એની એમને પણ ખબર રહેતી નહીં. પણ હજુ ક્યારેય એમને નાથા જેવું શિખામણ ગ્રાહ્ય રાખવાને બદલે બમણા વેગે પાછી આપનારું પાત્ર ક્યારેય મળ્યું નહોતું.
બાબુકાકા પાછા પોતાના શિકારને પહેલા જાળમાં ફસાવીને ચા પાણી પાઈને તાજો માજો કરતાં. જેથી પોતાના અંતરમાં હિલોળા લઈ રહેલી અન્યનું ભલું કરવાની ભાવનાનો ભાર એ ઝીલી શકે..!!
"આવ ભાઈ, તારે સુરેશ ગોળકીયાની ઓફિસે જાવું હોય તો આ સામેના બિલ્ડિંગમાં ત્રીજા માળે જાવું પડશે.પણ સુરેશ હજી આવ્યો નો હોય.ઈને બિચારાને સત્તર કામ હોય છે..કારખાનું'ય હંભાળવું પડે અને હીરાની વ્યવસ્થા'ય કરવી પડે..
મહિને ને મહીને પગારો કરવા પડે છે કારીગરોના..
અને મારા હાળા'વને રળવાની કોઈને ધગશ નથી. .બયરૂ કેય ઇમ જ કરવું સે.."બાકી" (એડવાન્સ ઉપાડ) આપ્યા વગરનો તો એકે'ય નહીં હોય..મારા બેટા જીરીક મોટું કારખાનું ભાળે એટલે તરત જ "બાકી" માગે લ્યો..!
અટલે સુરેશ તો બપોર પસી આવે..અને નરેશ તો બહુ મોટો દલાલ છે હો..ઇના એકાદ પેકેટનું સીલ (હીરાના પેકેટની 'લે વેચ'ની વાતચીત)ચાલુ હોય જ...આવ ને અંદર..બેહ આયાં.. હમણે ઈ આવશે જ તું તારે..!"
સુરેશનું ઓફિસે બપોર પછી આવવાનું આવડું મોટું કારણ આપીને બાબુ કાકાએ નાથાને દુકાનમાં ટેબલ નાખી આપ્યું.પોતાની પૂર્વભૂમિકાથી હવે આ યુવાન પૂરેપૂરો પલળી ગયો હોવાનું જાણીને નોકર પાસે પાણી મંગાવીને નાથાને પાયું.અને ચા લેવા મોકલ્યો...
"ચિયું ગામ તારું ભાઈ ?" બાબુકાકાએ નાથાના મોં ઉપર કંટાળો આવેલો જોઈ એને દુઃખી જાણ્યો.
"મારું ગામ તો બોટાદ પાસે આવ્યું.."નાથાએ કહ્યું.
"જમીન બમીન ખરી દેહમાં ? કેટલા ટેમથી આયાં સુરતમાં સવો..?"
"હા, છે ને..અમારે ચાલીસ વીઘા છે..હું છએક મહિનાથી સુરત આવ્યો છું
બજારમાં દલાલી કરવાનો વિચાર છે.. કેમ થશે..મેળ પડી જશેને કાકા..?"
બસ આ સવાલની જ રાહ હતી બાબુકાકાને..
"દેહમાં ચાલી વીઘા ભોં હોય તો આંય શીદને બથોડા લેવા જોવે..તમારે બધાને બસ શે'રમાં જ રે'વુ સે..વાડીએ જઈને કોઈને વાંકુ વળવું નથી..તમારા આજકાલના બયરાવને ઘરે છાણ વાસીદું કરતા બળ પડે છે..છાછની બરણી'ય દેહ(વતન)માંથી મગાવવી સે..હંધાયને બુશર્ટની સાળુ પેન્ટમાં ખોસીને ( ઇનશર્ટ કરીને) આંટા મારવા સે..કોઈને કંઈ કામ કરવું નથી..નકરું ફૂલ ફટાકિયું થઈને ફરવું સે..પતન થઈ જાહે પતન..બાપ દાદાનો ધંધો મૂકીને હાલ્યા જ આવો છો દલાલી કરવા..ઇમ દલાલી થાય ?કેટલાયની સાળું પકડીને આખો દિવસ વાંહે વાંહે ફરશો તારે બે ફદીયાં
ની દલાલી થાશે..હાલી તુલી સવ હાલી નીકળ્યા સે..સ્વામિનારાયણ..સ્વામી
નારાયણ..હે શ્રીજી મહારાજ આ બળધિયાવ ને બુધ્ધિ દે જે..નયાં ગામડે બાપો, બળધીયાના પૂછડાં આમળતો હશે..અને આમને આયાં સાળું ખોસીને (ઇનશર્ટ કરીને) આંટા મારવા સે..અલ્યા કવસુ વિચાર કરો વિચાર..વાંહે રહી જાશો.."
બાબુકાકાનો બફાટ બમણો વેગ પકડીને દંદુડી
માંથી મોટો ધોધ બની જાય એ પહેલાં નાથો ઉભો થઇ ગયો. બાબુકાકાનો નોકર ચા લઈને આવી ગયો હતો. સાડા બારનો સમય હોઈ બીજા કોઈ ગ્રાહક નહોતા.
નોકર મરક મરક થતો હતો.
"બસ બસ કાકા..બહુ થિયું..તમે અમને વઢો સો, પણ તમે શું કામ તમારા બાપાને બળધીયાના પૂછડાં આમળવા દેહમાં મૂકીને આંય આવડી મોટી દુકાન નાખીને બેઠા છો..? વાડીએ જઈને વાંકુ વળવું તો તમને'ય ગમતું નહીં હોય ને..અને તમે બયરાવની વાતું કરો છો તે મને એમ કયો કે તમારી દીકરીને ગામડે ખેતી કરતો હોય એવા છોકરા હાર્યે પરણાવશો ? પાંચસો વીઘા વાળા વાંઢા આંટા મારે છે ઇ તમને ખબર્ય છે..? છોકરી જોવા જાવી ત્યારે પહેલો સવાલ ઈ પૂછાય છે કે ગામડે જમીન છે ? સુરતમાં ઘરનું મકાન છે ? પચ્ચી પચા હજારનું કામ છોકરો કરે છે ? આ ત્રણેય પ્રશ્નના જવાબ હા માં હોય અને એમ કેવી કે છોકરાને ભવિષ્યમાં ગામડે ખેતી કરવી પડે એમ છે તો તરત છોકરીવાળાના નાકનું ટોચકું ચડી જાય છે..જમીન જોવે તો છે જ પણ જમીનમાં પગ મુકવા કોઈ રાજી નથી..તમે અહીં ટાઢા છાંયે બેહીને મોટી મોટી વાતું ઠોકો છો પણ અમે બધા રાત દિવસ મેં'નત કરીએ છીએ ઇ તમને દેખાતું નથી..અમને જલસા કરવા ગમે છે અટલે જ ઈ જલસા માટે જરૂરી જાત ઘસવી પડે છે ઈનું અમને ભાન છે. અમે સાળું પેન્ટમાં ખોસીને ભલે ફરતા હોય પણ ઘંટી નીચે ટાંટિયા ખોસીને અમે જ ઊંધા માથે મેં'નત કરીએ છીએ..અને અમારો બાપ ગામડે બળધિયાંના પૂછડાં આમળે છે એની અમને ખબર્ય છે. બળધ હાર્યે બળધ થઈને અમારા બાપે જ અમને બે પૈસા કમાવા મોકલ્યા છે અને અમને ઈનું પૂરેપૂરું ભાન છે હમજયા બાબુકાકા..? આજ પછી કોઈને પૂછ્યા ઘાસ્યા વગર ઘસકાવતા નહીં.."
બે ચાર ગ્રાહકો અને પેલો નોકર નાથાને સાંભળી રહ્યાં. બાબુકાકાનું મોં ખુલ્લું રહી ગયું હતું..
"લે લે લે...તું તો ગરમ થઇ ગ્યો.. હું તને ચ્યાં કંઈ કવ સુ..ભલા માણસ આ તો અમથી વાત થાય સે..લે બેહ..સા પાણી પી..હમણે તારો ભાઈબન આવશે..હે હે હે.. "બાબુકાકાએ તલવાર મ્યાન કરતાં હોય એમ હાર સ્વીકારીને નોટમાં જય સ્વામીનારાયણના જાપ લખવાનું શરૂ કર્યું.અને ચા પી રહેલા નાથા સામે ચશ્માંની ઉપરની ધાર પરથી ધારદાર નજરે જોઈને છેલ્લો ઘા કર્યો, "ઈ બધું તો ઠીક છે...આ જ હાચું છે..શ્રીજી મહારાજ..
શ્રીજી મહારાજ.."
"હા ઈ સાચું હોય તો ઈ કરોને મુંગા મુંગા.. નકામા ક્યાંક ભરાઈ પડશો.. સલાહને બદલે સહકાર આપો..."
નાથો બાબુકાકાની બોલતી બંધ કરાવીને પાંચેક મિનિટ બેઠો ત્યાં જ નરેશ આવ્યો. એને જોઈને બાબુકાકાએ કહ્યું, "અલ્યા નરેશ આ છોકરો ક્યારનો તારી વાટ જોઈને બેઠો છે.. મેં એને ધંધાની થોડીક વાત કરી એમાં માળો ગરમ થઇ ગ્યો...હે..હે..હે.."
હમેઁશા સલાહોનો મારો ચલાવતા બાબુકાકાને આજ હાથ હલાવતા અને મોઢું મલકાવતા જોઈને નરેશ નવાઈ પામ્યો !
નાથાએ એને રાઘવે આપેલું પેકેટ બતાવ્યું અને નરશી માધા સાથે થયેલી મુલાકાતની વાત કરી.
ખિસ્સામાંથી આઈ ગ્લાસ કાઢીને નરેશે પેકેટમાંથી બે ચાર હીરા જોયા અને એના હોઠ ઉપર એક સ્મિત આવી ગયું..એ જોઈને નાથાએ પૂછ્યું, "કેમ મુછમાં હસો છો નરેશભાઈ ?"
" ચાલ આપણે સુરેશની ઓફિસે જઈએ..અહીં બજારમાં બધી વાત નો થાય..."
બન્ને સામેની સાઈડમાં આવેલા ચાર માળના મકાન ''ગણેશ મેન્શન"ના દરવાજા તરફ ચાલ્યા.
ગણેશ મેન્શનનો દરવાજો દસ ફૂટ પહોળો હતો.મકાનની એક સાઈડ રોડ ઉપર પડતી હતી.ગેટ ઉપર પણ ચાર માળ હતા. રોડ ઉપર લાઈનમાં દુકાનો હતી.અંદર પ્રવેશો એટલે મોટું ચોરસ અને ઉપરથી ખુલ્લુ ચોગાન હતું. ભોંયતળીએ બિલ્ડિંગમાં રોડ સાઈડ આવેલી દુકાનોની પાછળની દીવાલ આવતી.એ સિવાયનો આખો ભાગ પાર્કિંગ માટે છોડેલો હતો.ચોરસ ચોગાનની ફરતે ગેટની સામેની બાજુ અને ડાબી જમણી તરફ ચાર માળનું સળંગ બિલ્ડીંગ હતું.ડાબી અને જમણી એમ બન્ને બાજુના બિલ્ડિંગના મધ્યભાગમાં ઉપર જવાના દાદર હતાં. ડાબી તરફ ચાલીને દાદર ચડતાં નરેશે કહ્યું,
"અમારે દલાલને કોઈ દિવસ પેકેટ ખોલવાનું હોતું નથી.આ રીતે હું કોઈના હીરા જોઈ શકું નહીં. પણ રાઘવે મને ફોન કર્યો છે, અને તને બજારમાં સેટ કરવાની વાત કરી છે,એટલે જોઉં છું..આ હીરા નરશી માધાને લેવા જ પડશે. કારણ કે મુંબઈથી જે રફ એ લાવ્યો છે એમાં આ હીરા હોવા જોઈએ.તો જ એના આંકડા થાય..હવે દીકરો આ પ્રકારના હીરા બજારમાં ગોતશે..અને મને જ કે'શે..તું ડાયરેકટ દેવા ગયો પણ એમ સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી..હું આ પેકેટ એને વેચીશ.પછી તારે એને મળવાનું છે."
"પછી એને મળીને શું કામ છે ? હું હવે એ હરામખોરનું મોઢું પણ જોવા માંગતો નથી. હાળાએ એની ઓફિસમાંથી મને પોચાભરે નીકળો એમ કીધું'તું.." નાથાએ ગુસ્સે થઈને કહ્યું. દાદરના રમણા,પાન માવાની પિચકારીઓથી રંગાયેલા જોઈને ઉમેર્યું, "અહીં આવતા જતા લોકોને ક્યાં થુકવું એનું ભાન જ લાગતું નથી..જો તો ખરા આ ખૂણા.."
"જો નાથા..આપડા ભાયુની ખાસિયત જ આ છે..નરશી માધા મોટો વેપારી છે,બસ્સો ઘંટી ચાલે છે સુરતમાં જ..અને ગામડાઓમાં કેટલી છે ઇ તો મને'ય ખબર નથી.બહુ લાબું ટૂંકુ કમઠાણ છે એનું.તું એને જેમતેમ નો સમજતો.. તને એણે ઓફિસમાં આવવા દીધો એ જ મોટી વાત કહેવાય..
બાકી દસ દસ વરહથી જે લોકો આ બજારમાં દલાલી કરે છે એ પણ નરશીને કયો માલ બતાવવો એની સમજણ ધરાવતા નથી..
એટલે તારી જેવા નવા નિશાળીયા પાછા જઈને એમ કહે કે આ મારા જ હીરા છે.."નરેશ હસી પડ્યો. અને આગળ ચલાવ્યું, "જો પેલા તું એક વાત સમજી લેજે..અહીં કોઈ ડાયરેકટ માલ લેતું જ નથી. સગો ભાઈ પણ એનો માલ દલાલ દ્વારા જ એના ભાઈ પાસેથી વેચાતો અને લેતો હોય છે.તેં વિનંતી કરીને દલાલ છું એમ કીધું હોત તો કદાચ એ તારો માલ જોવેત ખરો.
પણ કંઈ વાંધો નહીં.રાઘવે તને એવું કંઈ કીધું નહીં હોય.."
"હા..મને તો સીધા જ જઈને માલ બતાવવાનું અને મુંબઈથી જે માલ એ લાવ્યો છે એની પડતર નીચી આવે એવો માલ લઈને હું આવ્યો છું એમ કહેવાનું કહ્યું હતું.."
આટલી વાતો થઈ ત્યાં એ લોકો ત્રીજા માળની લોબીમાં પહોંચી ગયા. દાદર તરફથી ડાબી બાજુ વળતા બીજી જ ઓફિસની બહારનો બેલ નરેશે દબાવ્યો.
ઓફિસના ગેટને લોખંડની ગ્રીલનું સેફટીડોર હતું.અને અંદરથી રિંગ લોક મારેલું હતું. કાળા કાચનો મુખ્ય દરવાજો બંધ હતો.એ કાચમાં પડતા પ્રતીબિંબને જોઈને નાથાએ પોતાના વાળ સરખા કર્યા.ત્યાં જ એક કારીગરે કાચનો એ દરવાજો ખોલીને ગ્રીલનું લોક ખોલ્યું.
સુરેશ ગોળકીયા કતારગામ વિસ્તારમાં કારખાનું ચલાવતો હતો અને બજારમાંથી કાચા હીરા ખીરીદીને એની અલગ અલગ સાઈઝ તૈયાર કરાવતો. ત્યારબાદ એ કાચા હીરા એના કારખાને તૈયાર થવા જતા.નરેશ અને રાઘવ એના ખાસ મિત્રો હતાં. નરેશ આ ઓફિસને પોતાની જ ઓફિસ સમજતો.હવે પછી નાથો પણ પોતાના સામ્રાજ્યના પાયા અહીંથી જ નાખવાનો હતો.
ઓફિસ બાર બાય ત્રીસ ફૂટના મોટા હોલમાં બરાબર વચ્ચેના ભાગમાં પાર્ટીશન કરીને બે ભાગમાં બનાવેલી હતી.આગળના ભાગમાં વ્હાઇટ સન્માઈકા વાળા ટેબલ ફરતે રિવોલ્વિંગ ચેર પર બેસીને કારીગરો બ્લુ ટ્રેમાં હીરાનું એસોર્ટીંગ કરી રહ્યા હતા. હીરા ઘસતા કારીગરો કરતા આ કારીગરનો દેખાવ એકદમ અલગ હતો.હીરાની ઓફિસમાં કામ કરવા માટે એક પ્રકારની ચોક્કસ આવડત અને સારી ઓળખાણ હોવી જરૂરી હતી. કારણ કે આ કામ ખુબ જ વિશ્વાસુ લોકો પાસે જ કરાવી શકાતું. પ્રામાણિકતા અને શીખવાની ધગશવાળા આ યુવાનો ભવિષ્યના ડાયમંડ કિંગ હતા.પણ ઓફિસમાં પ્રવેશ મેળવવો એ બધા કારીગરોનું કામ નહોતું. જે લોકો ઓફિસમાં જતા હોય એમની સમાજમાં વધુ ડિમાન્ડ રહેતી.હીરા ઘસતા કારીગર કરતા ઓફિસમાં હીરા તોડતા કે એસોર્ટ કરતા અથવા હીરા ઉપર સાઈન મારતા યુવકની સગાઈ જલ્દી થઈ જતી. જે લોકોએ હીરા ચોરીને પૈસાવાળા થવાનો શોર્ટકટ પકડ્યો હતો એ લોકો નવું શીખવાને બદલે ચોરી જ કરતા રહ્યાં. જો કે આવા લોકોએ પણ પુષ્કળ રૂપિયા બનાવ્યા હતા.ઓફિસમાંથી પોતાના કોઈ રિસ્તેદારના હીરા ચોરીને આવો માલ આ લોકો બારોબાર વેચીને પૈસા બનાવી લેતા. ક્યારેક પકડાઈ જતાં ત્યારે ઢોર માર પડતો.પણ ચોરીને રવાડે ચડેલો કારીગર હંમેશા ચોરી કરતો જ રહેતો. વજનદાર અને પાણીદાર હીરા જોઈને ભલભલાની પ્રામાણિકતા પીગળી જતી.આંખોથી ઇજન આપતી સુંદર કન્યા તરફ ઢળ્યા વગર રહેવા જેવું જ સ કપરું આ કામ હતું.પોતાના વિશ્વાસુ અને સગાવહાલાના છોકરાઓ જ છેહ દેતાં. છતાં આ બિઝનેસની અઢળક કમાણીને કારણે એ સમયમાં હોંશિયાર લોકો ઝડપથી પૈસો બનાવી લેતા. સુરેશ ગોળકીયા આવો જ એક હોશિયાર માણસ હતો.
હેગિંગ લાઇટ્સના પ્રકાશના ધોધ નીચે હીરા તૂટી રહ્યા હતા.અલગ અલગ સાઈઝની ઢગલીઓનું વજન થઈ રહ્યું હતું.
પાર્ટીશનનું બારણું ખોલીને નરેશ અને નાથો અંદરની ઓફિસમાં આવ્યા. ત્યાં પણ એવું જ વ્હાઇટ ટેબલ હતું અને એની ફરતે બેસીને કારીગરો હીરા ઉપર માર્કર પેનથી કંઈક સાઈન કરી રહ્યા હતાં.
"આ લોકો શું કરે છે..?" નાથાએ એક ખુરશી ખેંચીને બેસતાં કહ્યું.
નાથાનો એ સવાલ સાંભળી કેટલાક કારીગરો હસ્યાં.એટલે નાથાએ પણ હસીને કહ્યું, "જો ભાઈ, ખાવામાં અને શીખવામાં શરમ ન રાખવી એવું મને મારા બાપુજીએ શીખવાડ્યું છે..જે વસ્તુમાં સમજણ ન પડે એ પુછી લેવું અને ભૂખ લાગી હોય તો માગીને પણ ખાઈ લેવું..પછી જખ મારે છે જાદવો..."
"હા તમારી એ વાત તો સાવ સાચી હો..અમે આ હીરાને સાઈન મારીએ છીએ.."એક કારીગરે કહ્યું.
એના જવાબથી નાથાને સંતોષ થયો નહીં. એટલે નરેશે કહ્યું, "નાથા,આ ધંધામાં હીરાને સમજવા માટે એની અંદર ઉતરવું જરૂરી છે.આ લોકો હીરા ઉપર જે માર્કિંગ કરે છે એને સાઈન મારી એમ કહેવાય.હીરામાં અંદર કાચો ભાગ હોય, હવાના પરપોટા જેવું હોય એને જીરમ કહેવાય.હીરાને ક્યાંથી તોડવો અને ક્યાંથી ઘસવાથી એનું વજન ઓછું ન થાય એવો પ્લાન લેવો પડે છે.આ લોકો એ કામ કરી રહ્યા છે.." નરેશે નાથના પેકેટના હીરા આઇગ્લાસથી જોતાં જોતાં કહ્યું.
એ જોઈને નાથાએ પણ એની બાજુમાં બેઠેલા કારીગર પાસેથી આઇગ્લાસ લઈને હીરો જોવાની કોશિશ કરી.નાથાની આઇગ્લાસ પકડવાની રીત જોઈને પેલાએ નાથાને હીરો આઇગ્લાસ વડે કેમ જોવાય તે શીખવ્યું.
" આ બધા કારીગરોનો કેટલો પગાર હશે..આવડી મોટી ઓફિસમાં આટલા બધા કારીગરોને પગાર ચૂકવતો સુરેશ કેટલા રૂપિયા કમાતો હશે..ખરેખર આ હીરાના ધંધામાં ખૂબ રૂપિયા છે એ પાક્કું છે..અને હીરાને સમજીને એની અંદર ઉતર્યા સિવાય આ ધંધો થઈ શકે નહીં.."
નાથો એમ વિચારતો હતો.
"તને આ હીરાનો શું ભાવ રાઘવે કીધો છે,નાથા..?"
નરેશે નાથાના વિચારો તોડતા કહ્યું.
નાથાને એ જ વખતે એક પ્રયોગ કરવાનું મન થયું.રાઘવે આ પેકેટ પચાસ હજારમાં વેચવાની વાત કરી હતી.દસ કેરેટ હીરા હતાંઅને કેરેટનો ભાવ પાંચ હજાર હતો.નાથાએ એ કિંમતમાં પોતાની રીતે દસ હજાર ઉમેર્યા.
"સાઈઠ હજારમાં વેચવાના છે.."નાથાને હતું કે નરેશ હમણાં એમ કહેશે કે યાર એટલા બધા ન આવે.પણ નાથાની નવાઈ વચ્ચે નરેશે કહ્યું, "જો નાથા, તું હજી સાવ નવો છો અને રાઘવનો મિત્ર એટલે મારો પણ મિત્ર.જો કે હું ક્યારેય ગાળીયું કરતો નથી.મોટા મોટા શેઠ લોકોનો વિશ્વાસ જીતવો હોય તો વેચનારને વધુમાં વધુ કિંમત મળે અને છતાં પણ લેનારને મોંઘું ન પડે એવી રીતે વેપાર કરાવવો જોઈએ. બન્ને પાર્ટી ખુશ થાય અને લેનાર પણ આપણે અપાવેલા માલમાં બે પૈસા કમાય તો જ આપણે સાચા દલાલ કહેવાઈએ. રાઘવના આ માલના સાઈઠ તો રમતા રમતા આવશે.પણ આપણે પંચોતેર હજારની કિંમતથી માર્કેટમાં મુકવાનો છે..જોઈએ હવે નરશી કેમ ના પાડે છે..કંઈ ઠંડુ પીવું છે ?"
નાથાએ હા પાડી એટલે એક કારીગરને ઠંડુ લેવા મોકલીને નરેશે ઓફિસના ફોનમાંથી નરશી માધાને ફોન જોડ્યો.
* * * * * * * * * * *
ચંપક સાથેના યુદ્ધમાં પોતાના કપડાં ફડાવીને રામાં ભરવાડે સારો એવો માર અને ગાળો ખાધી હતી.ફાટેલા કપડે એ બુલેટ લઈને ભરવાડ ફળીયાના પોતાના ઘેર આવ્યો ત્યારે એની હાલત જોઈને ફળિયાના યુવાનો લાકડીઓ લઈને ભેગા થઈ ગયા હતા.
"આપડા રામાભાઈએ કોકે ધોયા સે..હાલો અલ્યા..કોણ ઇ બે માથાનો પાક્યો સે..ઈને ગોતીને ટીપી નાખવાનો સે..હાલો અલ્યા.."
"હાલો અલ્યા.....હાલો અલ્યા....આ..."કરતું પચ્ચીસેક જણનું ટોળું લાકડીઓ લઈને રામાને ઘેરી વળ્યું.
"અલ્યા ભાઈ, મને કોએ નથી માર્યો..મને કોણ મારે..ભૂંડીયો મને મારનારો હજી જન્મ્યો નથ.."રામાએ પોતાની આબરૂ બચાવવા ગપ ઠોકયું.
"ના..ના..રામાભાઈ..તમે ભલે ગમેઇમ કિયો પણ ધોલ થપાટ તો થય હોય ઇમ લાગસ.કોકે તમને ધુડ માં રગદોળયા લાગ સ..હાચુ કયો..ઇની માને.. કોણ સે ઇ બે માથાનો.."
ટોળું જરાય મોળું પડતું નહોતું.એક જણે લાકડી જમીન ઉપર પછાડીને રાડ પાડી.."ઈને જીવતો મુકવાનો નથી.."
આ ધમાંચકરડી રામાના ઘર પાસે ચાલતી હતી.હવે બન્યું એવું કે સોસાયટીના નાકે જોતારામ મારવાડી કરિયાણાની દુકાન લઈને બેઠો હતો.આગળના ભાગમાં દુકાન અને પાછળ ના ભાગમાં એનું રહેઠાણ હતું. એની મારવાડણને સારા દિવસો જતા હોવાથી એ રાજસ્થાન જતી રહેલી. અને અહીં જોતોરામ એકલા રામ થઈ ગયેલો.
એકલા જુવાન માણસને રાત્રે એકલું એકલું લાગે એ સ્વાભાવિક છે..પણ જોતારામને દિવસે'ય એકલું લાગતું હતું.પોતાની આ એકલતા ભાંગવા એ આછું પાતળું કંઈક ગોતી લેવા માંગતો હતો. હવે ભરવાડ ફળિયાની મોટાભાગની ભરવાડણો જોતારામની દુકાનેથી જોતું કરતું લઈ જતી.
એમાંથી એક લાખા ભરવાડની વહુ વસન એની નજરમાં વસી હતી. પણ બિચારી વસનને, જોતારામ
ના દિલમાં બેઠેલી આ વસંત વિશે કોઈ માહિતી નહોતી. જોતોરામ વસનને દિલમાં વસાવીને ફસાવવા મીઠી મીઠી વાતો કરતો હતો.
એને ચીજ વસ્તુ આપતી વખતે એની આંગળીઓના ટેરવાનો સંસ્પર્શ કરીને ઉખરાટા અનુભવતો અને એના લટુંડાપટુંડા જોઈને વસન પણ ક્યારેક અમથું અમથું હસી પડતી.એની આ અમથી હસીને જોતોરામ "હસી તો ફસી"એમ માની,પોતાનો આયામ સમજી બેઠો.
"તમી તો ભોત હારા સો.. હમરા દિલ ભમતા હોવે..
તમે અમને ગમતા હોવે..હું સોરો ને તું સોરી..." જોતા રામે લાંબી ડોકે જોઈને વસનને બે ચોકલેટ ચગળવા આપી.અને ઉપર મુજબ એકરાર કર્યો.પણ અભણ વસનના કોરા ધાકોર મનની પાટીમાં જોતારામના અઢી અક્ષર લખાયા નહીં. જોતારામને
"મર્ય મુવા..શુ ભંહેસ.કંઈક હમજાય એવું ભહંયને.."
વસને ચોકલેટ ચગળતા કહ્યું. જોતોરામ એને સમજણ પાડે એ પહેલાં બીજું ગ્રાહક આવી ચડ્યું..અટલે "હું તમારા ભઈન મોકલું સુ હમણે.. ઈને હમજાવી દેજો.." કહીને વસન ચાલતી થઈ ગઈ. જોતોરામ જોઈ રહ્યોં અને ટાંટિયા ધ્રુજવા લાગ્યા. વસનનો ઘરવાળો લાખો જોરથી ઉધરસ ખાય તોય જોતારામની બરણીઓ નીચે પડી જતી !!
"નક્કી આવી બનવાનું હવે.."એમ વિચારતો જોતોરામ,લાખો આવે તો શું જવાબ આપવો એ ગોઠવવા લાગ્યો. ત્યાં જ ફળિયામાં લાકડીયું ખખડી. અને "હાલો અલ્યા..હાલો અલ્યા"ની બુમો ઉઠી.
મારવાડો મુંજાણો..! એને રાજસ્થાન ગયેલી મારવાડણ અને પોતાના માં બાપ સાંભરી આવ્યા. પણ એ બે ચોપડી ભણેલો હતો.એટલે આવી પરિસ્થિતિમાં જીવ બચાવવા પોલીસનું રક્ષણ માંગી શકાય એની એને ખબર હતી.
દુકાનની બહાર ટીંગાતા ટેલિફોન બોક્સમાં એક રૂપિયાનો સિક્કો નાખીને જોતારામે 100 નંબર ડાયલ કર્યો.
"હેલો..હું જોતારામ મારવાડી બોલતો હું..કાપોદ્રા ભરવાડ ફળિયામાં મારી દુકાન આવે હે.ફળિયાના ભરવાડો લાકડીયું લઈને એકઠા થયેલા હોવે હે..મારી દુકાન લૂંટવાની વાતું કરે હે..અને મને મારવાની વાતું કરે હે.." એક મિનિટમાં જેટલું કહેવાતું હોવે હે એટલું કહીને જોતારામે અંદરથી શટર પાડી દીધું.અને પાછળના ભાગમાં જઈને એની મારવાડણને યાદ કરીને ધ્રૂજતો ધ્રૂજતો ગોદડું ઓઢીને સુઈ ગયો. બરાબર એ જ વખતે પેલાએ ફરી રાડ પાડી. "રામભાઈ, હુકમ કરો..હાળાને આંય ઢહડી લાવવી બોલો..તમે હા પાડો એટલીવાર..હાલો અલ્યા.."
જોતારામનું પહેરણ પરસેવાથી અને પેન્ટ પેશાબથી પલળવા લાગ્યું. પેલાની એ રાડ બંધ શટરની શરમ રાખ્યા વગર ગોદડાં સોંસરવી એના કાનમાં સંભળાઈ ગઈ.જોતારામે દિલમાં વસેલી વસનને તાત્કાલિક ધોરણે વિદાય આપી. બડો અફસોસ હુવો એને વસનના વખાણ કરવા બદલ !
જોતો વધુ હતોનોતો થાય એ પહેલાં જ ફળિયામાં ભાગમભાગ મચી.હાલો અલ્યા..હાલો અલ્યા.. કરીને ભેગું થયેલું ભરવાડો
નું ટોળું "ભાગો અલ્યા.. ભાગો અલ્યા.."કરતું ભાગ્યું.લાકડીઓ રામાંના ખાટલે પડી રહી..ઉપલા ખિસ્સામાં પડેલું પરચુરણ વેરાઈ ગયું.. કેટલાકના પગમાંથી એક અને કેટલાકના બન્ને જોડા નીકળીને શેરીમાં હડફેટે ચડ્યા..કઈ બાજુ ભાગવું એ નક્કી ન થઈ શક્યું..
જોતારામે ડાયલ કરેલો 100 નંબર એનો પ્રભાવ બતાવી રહ્યો હતો.કન્ટ્રોલ રૂમમાંથી કાપોદ્રા પી.આઈ. ચાવડા સાહેબને ધોળા દિવસે એમના એરિયામાં પડનારી ધાડનો મેસેજ આપવામાં આવ્યો હતો.
પી.આઈ.સાહેબ પોતાના એરિયામાં આવો ગુન્હો બનવાનો હોય તો બેઠા રહે ખરા ? પોલીસવાનમાં હવાલદારો અને જમાદારો ને સોટા અને રાયફલો સાથે લઈને ચાવડા સાહેબ, મારતી જીપે ભરવાડ ફળિયામાં ત્રાટકયાં. લાકડીઓ લઈને રામાં ભરવાડને ઘેરીને એના હુકમની રાહ જોતા વીસ પચ્ચીસ જુવાનિયાઓ પર પોલીસો ડંડા લઈને તૂટી પડ્યા. થોડીવાર પહેલા દુશ્મનની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાના પડકારા કરતા દુધમલિયા પોતાના દૂધ બચાવવા આમથી તેમ ભાગ્યા.પગમાં અને બરડામાં ડંડાવાળી થઈ રહી હતી. ભાગનારની પાછળ પીલીસવાળા પણ દોડ્યા. ઘરમાં ઘુસી ગયેલાને ઘરમાંથી ખેંચી ખેંચીને પોલીસવાનમાં બેસાડી દીધા. ખુલ્લા શરીરે ખાટલે બેઠેલા રામાને પહેલા તો બે સોટા ઠોકવામાં આવ્યા.અને બે પોલીસોએ બાવડું પકડીને ઉભો કર્યો. અને બીજાએ પગમાં અને કુલા ઉપર લાકડીઓ વીંજી.
"અરે..પણ સાયેબ..અમે તો અમારા ઘરે બેઠા સવી.. તમે આમ વગર વાંકે શીદને ઢીબી નાંખ્યા ? અમારો ગુનો શું છે..?"રામાએ પોલીસની લાકડી પકડીને પ્રશ્ન કર્યો.
"ધોળા દિવસે ધાડ પાડવી છે એમ ? ચાલ પોલીસ સ્ટેશન.." કહીને ચાવડા સાહેબે રામાને ધક્કો માર્યો.
"ક્યાં ગયો પેલો મારવાડી..
બોલાવો એને.."ચાવડા સાહેબે રાડ પાડી.એ અવાજ સાંભળીને જોતારામને ગુજરાત પોલીસ પર ગર્વ થયો.
ગોદડું ફગાવીને શટર ખોલીને એ બહાર આવ્યો. રામાં સહિત જેટલા હાથમાં આવ્યા એ તમામને લોકઅપમાં પૂરીને જોતારામની ફરિયાદ લેવામાં આવી.
રામાને એ ન સમજાયું કે આ હાળા મારવાડાએ ફરિયાદ શું કામ કરી..
(ક્રમશ:)
પ્રિય વાચકમિત્રો..
મારા અકસ્માતને કારણે મારે નાથાને વિરામ આપવો પડ્યો હતો.હજુ પણ હું પથારીવશ જ છું, મારા જમણા હાથ અને ડાબા પગમાં ફેક્ચર થઈ ગયું છે. મેં હવે ડાબા હાથે ટાઈપ કરવાનું શીખી લીધું છે.મારો મેસેજ વાંચીને ઘણા મિત્રોએ get wel soon ના પ્રત્યુતર પાઠવ્યા છે એ તમામ દોસ્તોનો હું દિલથી આભારી છું.હવે બની શકે એટલી ઝડપે માથાભારે નાથાની આ સ્ટોરી આપ સૌ સમક્ષ રજુ કરતો રહીશ...
મારી નવી નોવેલ "પ્રેમ અગન" shopizen એપ પર આપ વાંચી શકો છો.એ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ થઈ શકશે. ત્યાં ચાલી રહેલી નવલકથા સ્પર્ધામાં મેં ભાગ લીધો હોવાથી shopizen ના રુલ્સ મુજબ બીજી કોઈપણ એપ પર હું આ વાર્તા મૂકી શકું નહીં.
આશા છે કે આપ સૌ પણ shopizen માં આવીને મારી નોવેલ "પ્રેમ અગન" વાંચીને પ્રતિભાવ આપશો.
ભરત ચકલાસિયા
સુરત.