પ્રકરણ – 24
“તો, વેદ-વૃંદા એટલે કૃષ્ણ-રાધા?” આ પૂછતી વૅળા મૅર્વિના હરખાઈ હતી!
“બીજું શું?”
અવનીને એમ હતું કે મૅર્વિના ખુશ થઈને સહેજ હસશે. પણ એવું ન બન્યું! તેણે કહ્યું-
“પત્ર લખીએ?”
“લખ!”
મૅર્વિના-વૃંદાએ પત્ર લખ્યો હતો. પછી અવની અને વૃંદા છૂટા પડ્યા હતા. આખીય મુલાકાત વિશે અવનીએ વેદાંતને જણાવ્યું હતું અને પાછળથી વેદાંતે વૈદેહીને.
મને ભમરાહ પહોંચાડવાની જવાબદારી અવનીએ લીધી હતી અને તેણે ગજબ રીતે મને ભમરાહ પહોંચાડ્યો હતો. અવનીએ આ કામ કઈ રીતે કર્યું એ વૈદેહી કે વિનાકુમારને જાણ નથી.
તો, મને પત્ર મલ્યો હતો અને હું નીકળ્યો હતો. વિરમગામ રેલવે-સ્ટેશને અવની મળી હતી. ત્યાં એણે જે પ્રશ્નો કર્યા હતા એના જવાબો હજી સુધી નથી મળ્યા. ટ્રેન એમ તે વળી કઈ રીતે બદલવામાં આવી કે હું બીજા જ દિવસે સવારે બ્યોહારી પહોંચી ગયો? પછી અવનીએ પાઠક સાહેબને મોકલ્યા હતા. અવનીએ પાઠક સહેબને કહ્યું હતું કે વેદને બપોરે એક ને પંચાવને પુલ પાસે પહોંચાડજો. કેમ? અવનીને ખબર હતી કે વૈદેહી બપોરે બે વાગ્યે આપઘાત કરવાની છે! એને કેવી રીતે ખબર? હું વૈદેહીને બચાવવા નદીમાં કુદ્યો ત્યારે દોરડું કોણે ફેંક્યું હતું? વત્તા, અવનીએ મૅર્વિનાને કહ્યું હતું, ‘હું વેદને ઓળખું છું કેમ કે હું જે હાઈસ્કૂલમાં ભણી હતી એના આચાર્યનો એ દીકરો છે’. એનો અર્થ એમ કાઢવો કે અવની શંખેશ્વરની છે? ટૂંકમાં, અવનીને લગતાં પ્રશ્નોના જવાબ અવની પાસેથી જ મળી શકશે!
હા, પછી મેં વૈદેહીને જણાવ્યું હતું કે, ‘તારી સમસ્યાનું સમાધાન એ જગ્યાએ છે કે જેવા વિશે તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.’
મને ગાદલું આપીને વૈદેહી પ્રયોગશાળામાં ગઈ હતી. ત્યાં તેને અવની મળી હતી. વૈદેહી બાથરૂમમાં ગઈ ત્યારે દરવાજો બંધ હતો. તેણે દરવાજો ખોલ્યો અંદર ગઈ…. અંદર અવની હતી! વૈદેહી ગભરાઈ હતી. અવનીએ પોતાની ઓળખ આપી હતી. વેદાંતના મોઢે અવનીમૅમ વિશે જે કંઈ સાંભળ્યું હતું તે વૈદેહીને યાદ આવ્યું. અવનીએ વૈદેહીને ઘરેણાં આપતાં કહ્યું-
“આ ઘરેણા લે અને ખૂબ જ ધ્યાનથી મારી વાત સાંભળ. વેદ આગળ તારે એક જુઠ્ઠાણું ચલાવવાનું છે. વિનયકાકાની એક દીકરી છે, જેનું નામ વૃંદા છે અને તે ભીમ્સ કોલેજ, મુંબઈમાં ભણે છે એવું તારે વેદને કહેવાનું છે.”
આ અંગે અન્ય કેટલીક સૂચનાઓ ઝડપથી આપીને છેલ્લે અવનીએ કહ્યું હતું-
“તેં વેદની કદર ન કરી. તારે આવું ન કરવું જોઈએ. વેદને આજની રાત તારા ઘરે રાખવાનો છે. એ તને તારો ભૂતકાળ પૂછશે. તારે અમદાવાદમાં જે કઈ બન્યું એના વિશે, વિશ્વા અને વેદાંત વિશે કશું જ નથી જણાવવાનું અને વૃંદા નામનું પાત્ર ઊભું કરવાનું છે. વત્તા, વેદ પાછો ન જવો જોઈએ એની જવાબદારી તારી.”
એટલે વૈદેહી પાછી આવીને તરત જ મને ભેટી પડી હતી. એટલે જ વૈદેહી વૃંદા વિશે બોલી હતી. અલબત્ત, તે તો વૃંદા વિશે બોલવાનું ભૂલી જતી હતી, હું એને યાદ દેવડાવતો હતો! એ સમયે વૈદેહીને હજી ખબર નહોતી પડી કે વિશ્વા પણ એક નાટક જ છે! વત્તા, વૈદેહી એ પણ નહોતી જાણતી કે વિશ્વા નામનું નાટક કરનાર વ્યક્તિ જ હવે વૃંદા બનશે! અવનીએ કહ્યું હતું એટલે તેણે મારી આગળ વૃંદા વિશે બે-ચાર વાતો કરી નાખી હતી!
એ રાત્રે અવની અને ડૉ.પાઠક વૈદેહીના ઘરે આવ્યા હતા. અવનીએ મને જણાવ્યું હતું કે તેણે જ મને ટ્રેનમાં બેભાન કર્યો હતો. એ રાત્રે તેણે ફરી મને બેભાન કર્યો હતો. બેભાન થતાં પહેલાં મેં વૈદેહીન એક કાગળ વાંચતી જોઈ હતી. એ સમયે મેં ડૉ.પાઠકને પણ જોયા હતા. ડૉ.પાઠક વશિષ્ઠકુમારની શોધ વિશે જાણવા માટે આવેલા. તેઓ પ્રયોગશાળામાં ગયા હતા. મને બેભાન કરવામાં આવ્યો એ પછી તેઓ પ્રયોગશાળામા ગયા હતા અને એ શોધને સમજ્યા હતા.
મને બેભાન કર્યા પછી અવનીએ મને વ્યવસ્થિત સૂવડાવ્યો હતો. ઠંડીના કારણે હું ઠુંઠવાતો હતો. અવનીએ વૈદેહી પાસે રજાઈ માંગીને મને ઓઢાડી હતી. મારા માથે હાથ ફેરવીને ભાવુક સ્વરે બોલી હતી-
“મારા ભઈલા ને બહુ હેરાન થવું પડે છે. હજી તો ઘણું સહન કરવું પડશે. પણ હું તેને જીવતો ઘરે પહોંચાડીશ. તેના પપ્પાને મેં વચન આપ્યું છે. વેદ, બહુ ડાહ્યો છોકરો છે તું. તને તકલીફ આપવી મને નથી ગમતી. પણ તારી બહેન એની ફરજ બજાવી રહી છે, ભાઈ. AMO બહુ મોટું અને મહત્વપૂર્ણ ઓપરૅશન છે. તકલીફ તો વેઠવી પડશે.”
તો, એ રાત્રે વૈદેહીએ કુખોઝૂ જવાનું હતું. બીજા દિવસે વૃંદા સાથે હું કુખોઝૂ ગયો હતો ત્યારે અમુક તારણો નીકળ્યા હતાં એ યાદ કરી લઉં-
-કોઈ બળવાન વ્યક્તિ દ્વારા મશાલના એક ડંડાનો ઘા થયો હતો.
-વશિષ્ઠકુમાર IUPAPમાં નથી જઈ શક્યા.
-શોધ અંગે માહિતી કઢાવવા માટે વશિષ્ઠકુમારને ટૉર્ચર કરવામાં આવેલા.
-ત્યાં વિનયકુમાર દ્વારા કોઈકનું ઓપરેશન થયું હતું.
-કોઈ વ્યક્તિ પર મોટા છરાનો પ્રહાર થયો હતો.
-કુખોઝૂથી વિજ્ઞાનીઓના ઘર સુધી આવ-જા કરવા માટે આતંકવાદીઓ બાઈક વાપરે છે.
-વશિષ્ઠકુમારના રિસર્ચ-પેપર્સ સળગાવી દેવાયા છે.
તો, વૈદેહી કુખોઝૂ જવા નીકળી હતી. અવનીએ તેને કહ્યું હતું-
“ચિંતા ન કર. તારે આ અંધારામાં જંગલમાંથી ચાલતાં નહિ જવું પડે! એ લોકો એટલી રાહ પણ નહિ જુએ કે તું ચાલતી છેક કુખોઝૂ પહોંચે. તને લેવા માટે બાઈક લઈને કોઈક આવ્યું જ હશે. થોડે દૂર ઊભો હશે એ. જા!”
અવનીની વાત બિલકુલ સાચી પડી. પઠ્ઠો બાઈક લઈને ઊભો હતો. તે વૈદેહીને લઈને કુખોઝૂ પહોંચ્યો. અંધારા જંગલમાં આતંકવાદીના બાઈક પર ગુફા તરફ જઈ રહેલી વૈદેહી ગભરાઈ રહી હતી.
પઠ્ઠો કુખોઝૂમાં અંદર બાઈક લઈ ગયો. વૈદેહી ઊતરી. મશાલો સળગાવીને કુખોઝૂમાં પ્રકાશ પાથરવામાં આવ્યો હતો.
“વેલકમ!” પોપટની ચાંચ જેવા નાકવાળો આતંકવાદી બોલ્યો હતો.
વૈદેહીએ ગુફામાં નજર દોડાવી. પાંચેક મશાલો બળતી હતી.
“પપ્પા…” વશિષ્ઠકુમારને જોઈને વૈદેહી બોલી ઉઠી હતી.
વશિષ્ઠકુમારના હાથ-પગ-મોં બંધાયેલાં હતા. ચશ્મા નહોતા અને ચહેરા પર અમુક જગ્યાએ લોહી નીકળી આવ્યું હતું. બાજુમાં બેઠેલાં વિનયકુમારની પણ એ જ હાલત હતી. વૈદેહી કંઈ કરે એ પહેલાં તો પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદીએ તેના નાક પર હાથરૂમાલ દબાવ્યો. તે બેભાન થઈ ગઈ….
વાત કંઈક આમ હતી….
હું અને પાઠક સાહેબ જે બસમાંથી ઊતર્યાં એ જ બસમાં વશિષ્ઠકુમાર ચડ્યા હતા. બસ માહગાઢમાં ખાલી થઈ જાય અને બ્યોહારી તરફના અમુક મુસાફર બસમાં ચડે. હું અને પાઠક સાહેબ ભમરાહ આવવા નીકળ્યા પછી એક માણસ બસમાં ચડ્યો હતો. બસમાં વશિષ્ઠકુમાર સિવાય કોઈ નહોતું. વશિષ્ઠકુમારની છેક નજીક જઈને તે ધીમેથી બોલ્યો હતો-
“બેસ્ટ લક ફોર યોર પ્રેઝન્ટેશન એટ IUPAP, ફાધર ઓફ વૈદેહી….”
આટલું સાંભળીને વશિષ્ઠકુમારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અહીંયા તેમને વૈદેહીના પિતા તરીકે કોઈ ઓળખતું નહોતું. આ માણસના મુખે આવા શબ્દો સાંભળીને વશિષ્ઠકુમારને સખત આશ્ચર્ય થયું હતું.
“કમ વીથ મી!” પેલાંએ કહ્યું.
વશિષ્ઠકુમાર પઠ્ઠાની સાથે જવા માટે તૈયાર થઈ ગયા હતા. આ રીતે તેઓ વશિષ્ઠકુમારને કુખોઝૂ લઈ ગયા હતા.
વશિષ્ઠકુમારને ‘બેસ્ટ-લક’ કહેવા માટે વિનયકુમાર તેમના ઘરે ગયા હતા. વશિષ્ઠકુમારે પ્રયાણ કર્યું પછી વિનયકુમાર પોતાના ઘરે પાછા ફર્યાં હતા. તેઓ ઘરમાં પ્રવેશ્યાં કે તરત જ વિશ્વા તેમની સામે પિસ્તોલ તાકીને ઊભી રહી ગઈ હતી. વીણાબેનને જમીન પર ઊંધા સૂવડાવ્યા હતાં અને તેમનાં હાથ-પગ બંધાયેલા હતાં. તેમનાં ચહેરા નીચેનું ભોંયતળિયું આંસુંઓથી ભીંજાયેલું હતું. પલંગ પર એક સ્ત્રી બેઠી હતી. દેખાવે તે ચાઈનીઝ લાગતી હતી. તેના હાથમાંની પિસ્તોલ વીણાબેનના માથા તરફ તકાયેલી હતી. આશ્ચર્યાઘાતને કારણે વિનયકુમાર એક પણ શબ્દ ઉચ્ચારી નહોતા શક્યા. ગુઆન-યીન અંગ્રેજીમાં બોલી-
“તમારી આ પાગલ પત્ની ક્યારનીય રડ્યે જાય છે. એને દુઃખ એ વાતનું છે કે…. આ… વિશ્વા… હા, ખરેખર એ વિશ્વા નથી. એ મૅર્વિના છે. એ અમારી મદદનીશ છે. હા, અમે લોકો ક્રાંતિકારીઓ છીએ…. પણ લોકો એટલાં મૂર્ખ છે કે અમને આતંકવાદી કહે છે! એ જે હોય તે, અત્યારે તો તમે મારી સાથે આવો!”
“ક્યાં?” વિનયકુમાર એટલું જ પૂછી શક્યા હતા.
“કુખોઝૂ!” ગુઆન-યીન પલંગ પરથી ઊભી થઈને બોલી- “પેલો ગાંડો વિજ્ઞાની પણ ત્યાં જ છે. શું નામ એનું? બહુ અઘરું નામ છે એનું!”
“વશિષ્ઠ?”
“હં… બહુ સરસ!” કહીને ગુઆન-યીન હસી. વિનયકુમારની નજીક જઈને બોલી- “તો, આવવું છે ને?”
“વીણા?”
“તમારી વ્હાલી દીકરી છે ને, એની મમ્મીની સંભાળ રાખવા!”
વિનયકુમાર વિશ્વા સામે તાકી રહ્યા. તેમની આંખો ભીંજાઈ ગઈ હતી. તેઓ કંઈક બોલવા જતા હતા ત્યાં જ ગુઆન-યીન બરાડી-
“આઈ ડોન્ટ વોન્ટ ઈમોશનલ ડ્રામા.”
ઘરમાં શાંતિ વ્યાપી ગઈ હતી પણ વીણાબેનના ડૂસકાં સંભળાતા હતા. ગુઆન-યીને વિનયકુમારને એક લાફો ઠોક્યો અને બોલી-
“સમજાવ તારી પત્નીને, સમજાવ! અક્કલનો છાંટોય નથી એ ડફોળ સ્ત્રીમાં.”
વિનયકુમાર કંઈ કરે એ પહેલાં ગુઆન-યીન અવળી ફરી, ઝડપથી ચાલીને વીણાબેનની નજીક પહોંચી, જોરથી એક લાત તેમનાં ખભા પર મારીને તાડૂકી-
“શટ-અપ!”
મૅર્વિનાને વીણાબેનની સાથે રહેવાનું ફરમાવીને ગુઆન-યીન વિનયકુમારને કુખોઝૂ લઈ ગઈ હતી. તેઓએ ઓપરૅશનના સાધનો પણ સાથે લીધાં હતા. આ લોકો કુખોઝૂ પહોંચ્યા ત્યારે બપોરના સવા ત્રણ થયા હતા.
“અરે, વોટ આર યુ ડુઈંગ?” જ્યારે આતંકવાદીઓએ વશિષ્ઠકુમારનો થેલો ફંફોળવાનું શરૂ કર્યું ત્યારે તેઓ બોલ્યા હતા.
“એય…” વિનયકુમારને ઉદ્દેશીને પઠ્ઠાએ કહ્યું હતું- “આ તારા ભાઈબંધને સમજાવ કે તારી પત્નીના માથે પિસ્તોલ તાકીને બેઠી છે પેલી મૅર્વિના.”
“કોણ મૅર્વિના?” વશિષ્ઠકુમારે પૂછ્યું.
“અલ્યા, સમજાવ આને, યાર!”
વિનયકુમારે બધી હકીકત વશિષ્ઠકુમારને જણાવી.
“નાલાયકો!” વશિષ્ઠકુમાર બરાડ્યાં અને પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદી પર ધસ્યા હતા. વશિષ્ઠકુમાર પાગલની જેમ કૂદ્યા હતા. એણે પ્રતિકારરૂપે જોરથી મુટ્ઠી વીંઝી. વશિષ્ઠકુમારના લમણાં પર એનો મજબૂત મુક્કો વાગ્યો. વશિષ્ઠકુમાર જાણે ફંગોળાઈ ગયા હતા. ચશ્માની દાંડી પર મુક્કો પડવાને લીધે એ દાંડી તૂટી હતી અને તૂટેલી દાંડી ખૂંચવાને કારણે ચામડી સહેજ ચીરાઈ હતી. તૂટેલા ચશ્મા દૂર ફેંકાયા હતા અને વશિષ્ઠકુમાર નીચે પટકાયા હતા. ત્રણેય આતંકવાદીઓ હસ્યા હતા.
“વશિષ્ઠ….” વિનયકુમાર વશિષ્ઠકુમારને સંભાળતા બોલ્યા- “તું વ્યગ્ર ન થા! આ લોકો ખતરનાક છે!”
વશિષ્ઠકુમારના થેલામાંથી રિસર્ચ-પેપર્સ અને અમુક ઉપકરણો મળ્યા હતા. ગુઆન-યીન રિસર્ચ પેપર્સનો અભ્યાસ રહી હતી અને બાકીના બંને આતંકવાદીઓ આ વિજ્ઞાનીઓને ફોસલાવી રહ્યા હતા-
“આ શોધ અમે ચોરી જ લીધી છે એમ તમે માની લો. હવે કરવાનું છે એટલું જ આ શોધનો ઉપયોગ અમને શીખવી દો. જેટલા ઓછા સમયમાં તમે આ કામ કરશો એટલું ઓછું કષ્ટ તમારે વેઠવું પડશે.”
“અમારી આ શોધ તમારા જેવા દુષ્ટ માનવોના હાથમાં નહિ જ આપીએ!” વિનયકુમારે કહ્યું.
“આ શોધ તમને આપીને અમે દેશ સાથે દગો નહિ કરીએ.” વશિષ્ઠકુમારે મક્કમતાથી કહ્યું- “આ શોધ વિજ્ઞાનના નવા સંશોધનો માટે એક નવું ક્ષેત્ર ખુલ્લું કરી આપવાના હેતુથી કરવામાં આવી છે.”
“એમની દેશભક્તિ ખંખેરવી પડશે!” દૂર બેઠેલી ગુઆન-યીને કહ્યું અને રિસર્ચ-પેપર્સ વાંચવામાં લાગી ગઈ.
પછી ગુફામાં ધબધબાટી બોલવા લાગેલી. બંને વિજ્ઞાનીઓને ઢોરમાર મારવામાં આવ્યો હતો છતાંય તેઓ મક્કમ રહ્યા હતા.
“ઊભા રહો!” ગુઆન-યીન બોલી.
આ બંને અટક્યા. ગુઆન-યીન ઊભી થઈને નજીક આવી. અધમૂઆ થઈને પડેલા બંને વિજ્ઞાનીઓની બાજુમાં બેસીને બોલી-
“આ રિસર્ચ-પેપર્સ વાંચીને હું એટલું તો સમજી શકી છું કે જે ઉપકરણો આપણને મળ્યા છે એ એક ‘સિસ્ટમ’ છે, જે આ લોકોએ બનાવી છે. એ સિસ્ટમનું ના વૈદેહી રાખ્યું છે. આ સિસ્ટમ માણસના શરીરમાં ફીટ કરવાની હોય, જેથી એ માણસ તરંગવેગે સ્થળાંતર કરી શકે. એ કામ આ ડૉક્ટર કરી શકે. એનો અર્થ એ થયો કે વશિષ્ઠકુમારની હવે આપણને કોઈ જરૂર નથી. એણે એનું કામ કરી નાખ્યું છે.”
પઠ્ઠાએ પિસ્તોલ કાઢી.
“વશિષ્ઠને ન મારશો! પ્લીઝ!” વિનયકુમારે આજીજી કરી.
“તો અમને આ શોધનો ઉપયોગ સમજાવ.” પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદીએ કહ્યું.
“અમને ચર્ચા કરવા માટે…” વશિષ્ઠકુમાર માંડ આટલું બોલ્યા.
“શું ચર્ચા કરવી છે?” એ જ આતંકવાદીએ પ્રશ્ન કર્યો.
“બે મિનિટ આપો!” વશિષ્ઠકુમારે કહ્યું.
“પણ ચર્ચા અંગ્રેજીમાં થવી જોઈએ. જો બીજી કોઈ ભાષાનો એક પણ શબ્દ વાપર્યો છે તો જીભ કાપી નાખીશ બંનેની!”
હવે વશિષ્ઠકુમારની પરીક્ષા થવાની હતી. તેમણે વિચાર્યું હતું કે ગુજરાતીમાં આ ‘આઈડિયા’ વિનયને જણાવી દઉં પણ હવે તો ફરજિયાતપણે અંગ્રેજીમાં ચર્ચા કરવાની હતી.
“વાત સાંભળ, વિનય!” વશિષ્ઠકુમારે અંગ્રેજીમાં વાત શરૂ કરી.
“બોલ!”
“આપણે આપણી શોધ આ લોકોને આપી દઈએ.”
“શું?” વિનયકુમાર જબ્બર ગુસ્સે થયા- “શું બોલે છે આ તું? ભાન પડે છે તને કંઈ? આ લોકોએ શોધનો શું ઉપયોગ કરશે એનો અંદાજ છે તને? માનવજાતિના વિનાશનું કારણ બનીશ તું.”
“તું સમજ!” વશિષ્ઠકુમાર જરા ચિડાયા- “આમને આમ તો માર ખાઈને મરી જઈશું! આ શોધને સાકાર કરતું, વૈદેહી નામનું ઉપકરણ આમેય એમના હાથમાં આવી ગયું છે. રિસર્ચ-પેપર્સ પણ હવે એમની પાસે છે. આ લોકો ગમે તેની પાસે ઓપરૅશન કરાવી લેશે. રિસર્ચ-પેપર્સના આધારે કોઈ પણ ભૌતિકવિજ્ઞાની આ લોકોને સમજાવી શકે કે વૈદેહીનો ઉપયોગ કઈ રીતે કરવો.”
“એ શક્ય જ નથી.” વિનયકુમારે કહ્યું- “એ કામ આપણા સિવાય અન્ય કોઈ ન કરી શકે.”
“વિશ્વમાં તારા અને મારા જેવા અસંખ્ય વિજ્ઞાનીઓ પડ્યા છે, ભાઈ! આપણે વૈદેહી ગુમાવી ચૂક્યા છીએ, વિનય!”
“તો તું ઈચ્છે છે કે હું મારા હાથે આ ઓપરૅશન કરીને અકલ્પનીય વેગથી સ્થળાંતર કરવાની શક્તિ આ દુષ્ટ લોકોને આપી દઉં?”
“એ સિવાય આપણો છૂટકો નથી! વૈદેહી અને શરીરમાં એને ફીટ કરવાની પદ્ધતિ દર્શાવતાં રિસર્ચ-પેપર્સને આધારે આ શોધ એમના હાથમાં જ આવી ગઈ છે. આ આતંકવાદીઓ જીતી ગયા છે.”
“એમને બીજો કોઈ ડૉક્ટર શોધવો હોય તો શોધે પણ હું તો આ ઓપરૅશન નહિ જ કરું. ભલે એ લોકો મને મારી નાખે!”
“તારા આ નિર્ણયનો કોઈ જ ફાયદો નથી! આ લોકો કોઈપણ રીતે આ શોધનો ઉપયોગ કરી જ લેશે. તું એમનો સાથ આપીને જીવતો રહે કે દેશભક્તિના પીપૂડા વગાડતો વગાડતો મરી જાય એથી એ લોકોને કંઈ જ ફરક નહિ પડે.”
“વિશ્વાસ નથી આવતો કે તું આવી વાતો કરી રહ્યો છે, વશિષ્ઠ!”
“તું તો સમજતો જ નથી, યાર!” વશિષ્ઠકુમાર તાડૂક્યા- “ક્યારનો દેશભક્તિની લપ લઈને બેઠો છે! થોડી તો અક્કલ વાપરી જો!”
“છાતી ફૂલાવીને સ્વાતંત્ર્ય-સંગ્રામની વાતો કરનારો વશિષ્ઠ આજે આવી વાતો કરી રહ્યો છે! તું ફક્ત દેશને જ નહિ, સમગ્ર માનવજાતિને દગો દેવાની વાત કરી રહ્યો છે.”
“અરે, ડફોળ…” વશિષ્ઠકુમાર ઉગ્ર અવાજે બોલ્યા- “તું ઓપરૅશન કરી નાખે એમા આપણને ફાયદો થવાની સંભાવના છે!”
“કેવો ફાયદો?”
આ ચર્ચા સાંભળી રહેલાં ત્રણેય આતંકવાદીઓએ કાન સરવા કર્યા.
“આપણે હજી વૈદેહીનું પરીક્ષણ નથી કર્યું.”
“પણ વૈદેહીનું પર-” વિનયકુમાર સાચું બોલવા જતા હતા.
“હં, નથી કર્યું!” વશિષ્ઠકુમારે તેમને અટકાવ્યા અને આગળ કહ્યું- “તું આ લોકોને ઓપરૅશન કરી આપ. જો કંઈ ગરબડ રહી ગઈ હશે તો એ આતંકવાદી હંમેશાં ને માટે તરંગ બની જશે અને આ વૈદેહી નામનું ઉપકરણ પણ વેડફાઈ જશે.”
વિનયકુમારે વિચાર્યું- ‘વૈદેહીનું પરીક્ષણ તો કર્યું હતું. વનિતાભાભી તરંગ બની ગયા છે. એ પછી વશિષ્ઠે એ ઉપકરણોમાં સુધારા પણ કર્યા હતા. તો તે અત્યારે આવું કેમ બોલી રહ્યો છે? કદાચ, આતંકવાદીઓને મૂંઝવવા માટે તેણે કંઈક યુક્તિ અજમાવી હોય. મારે તેનો સાથ આપઓ જોઈએ.’
“વાત તો તારી સાચી છે, વશિષ્ઠ!” તેઓ બોલ્યા- “દુનિયામાંથી એક આતંકવાદી તો ઓછો થશે!” વિનયકુમાર આતંકવાદીઓ સામે જોઈને બોલ્યા- “બોલો, કોનું ઓપરૅશન કરવું છે? સૂવડાવી દો એને અહીં.”
આતંકવાદીઓ ખરેખર મૂંઝાયા હતા. બંને વિજ્ઞાનીઓના હાથ-પગ બાંધીને તેઓ ચર્ચાએ વળગ્યા.
“વશિષ્ઠ…” વિનયકુમારે સાવ ધીમા અવાજે પૂછ્યું- “તું શું કરવા માંગે છે?”
“મને મારી જાત પર ગૌરવ અનુભવાય છે, વિનય!” વશિષ્ઠકુમાર પણ સાવ ધીમે બોલતાં હતા. જીવનમાં પહેલી વાર મારું મગજ આ રીતે ચાલ્યું છે!”
“અરે, મને તો કહે!”
“આપણે એ લોકોને મૂંઝવ્યા નથી, વિવશ કર્યા છે. મને ખાતરી છે કે લોકો એ જ નિર્ણય લેશે!”
“શું?”
“એ લોકો આપણા પરિવારમાંથી કોઈકના પર શોધનો અખતરો કરાવશે. હવે આપણને તો વૈદેહીની સફળતા અંગ જરાય સંદેહ નથી. આપણા પરિવારમાંથી કોઈકના શરીરમાં વૈદેહી ફીટ કરવામાં શું વાંધો?”
“આ યોજના અધૂરી છે, વશિષ્ઠ!” હવે વિનયકુમાર પણ તર્ક લગાવાવા માંડ્યા હતા- “વૈદેહી બરાબર કામ કરે છે ત્યારે તેઓ ફરીથી ઓપરૅશન કરાવીને-”
“એ વખતે આપણે ઘસીને ના પાડી દઈશું!” વશિષ્ઠકુમારે કહ્યું- “મેં પણ વિચાર્યું હતું! વૈદેહી કોઈકના શરીરમાં ફીટ થઈ ગયા પછી એ વ્યક્તિને અહીંથી ભગાડી દઈશું. આપણું જે થવું હશે તે થશે!”
“વાહ દોસ્ત, વાહ!” વિનયકુમાર બોલ્યા- “તારું તો દશેરાના દિવસે જ ઘોડું દોડ્યું અને એ ય કેવું દોડ્યું, હેં!”
“એ જ ઘોડું કામનું કહેવાય!”
“પણ તેં આ બધું વિચાર્યું ક્યારે?”
“માર ખાતી વખતે.”
સાવ ધીમા અવાજે થોડું હસીને બંને ચૂપ થઈ ગયા. આતંકવાદીઓ ચર્ચા કરીને પાછા આવ્યા. વશિષ્ઠકુમારનું અનુમાન સાચું પડ્યું. આતંકવાદીઓ એ જ નિર્ણય પર પહોંચ્યા હતા. એક ચિટ્ઠી લખવામાં આવેલી. પઠ્ઠો બાઈક લઈને ગયો હતો. એ ચિટ્ઠી વૈદેહી વાંચતી હતી અને મને અવનીએ બેભાન કર્યો હતો. આ દરમિયાન ગુઆન-યીન અને પોપટની ચાંચ જેવા નાકવાળો આતંકવાદી મશાલો તૈયાર કરવામાં લાગ્યા હતા.
પઠ્ઠો વૈદેહીને લઈને કુખોઝૂ આવ્યો હતો. વશિષ્ઠકુમાર અને વિનયકુમારને જોઈને ચમકી ગઈ હતી.
“પપ્પા…” પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદીએ તેને આવકારી હતી.
“પપ્પા….” તે વશિષ્ઠકુમારને જોઈને ચોંકી હતી અને પછી વિનયકુમાર પર નજર પડી હતી- “કાકા…..”
વૈદેહીના નાક પર રૂમાલ દબાવીને તેને બેભાન કરાઈ હતી.
“કોઈ જ વાતમાં સમય બગાડવો પોષાય તેમ નથી.” પઠ્ઠાએ ફરમાન કર્યું- “ઓપરૅશન શરૂ કરીએ.”
ઓપરૅશન શરૂ થયું…..
….. ઓપરૅશન પૂર્ણ થયું.
પણ….
પઠ્ઠો ચિટ્ઠી લઈને આવ્યો ત્યારે બે મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી; એક, એણે મને જોયો હતો, બે, વીણાબેનનું કામ તમામ કરી દેવાનો હુકમ તેણે મૅર્વિનાને આપ્યો હતો.
મને બેભાન કર્યા પછી વૈદેહીને રવાના કરીને અવની મૅર્વિના પાસે ગઈ હતી. મૅર્વિના સખત મૂંઝવણમાં હતી. વીણાબેનની હત્યા કરતાં તે ખચકાતી હતી. તેને પોતાને સમજાતું નહોતું કે તે કેમ ખચકાઈ રહી છે. તે જાત સાથે સંઘર્ષ કરી રહી હતી. એ જ સમયે અવની ત્યાં પહોંચી હતી.
“વીણામાસીને જીવતાં રાખવાના છે, વૃંદા!” અવની ઘરમાં પ્રવેશતાં જ બોલી હતી.
પછી અવનીએ વીણાબેનના ગળા પર એક નિશાન બનાવ્યું હતું. એ નિશાનના બંને છેડે તેણે થોડું લોહી કાઢ્યું હતું. વીણાબેનને થોડી પીડા થઈ હતી પણ મરવા કરતાં એ સરળ હતું. જોનારને એવું જ લાગે કે આ સ્ત્રીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. વળી, એક શીશી વૃંદાને આપીને અવનીએ કહ્યું-
“આ શીશી પર ‘ફોર્માલ્ડિહાઈડ’ લખ્યું છે પણ એમાં જે રસાયણ છે એ ફોર્માલ્ડિહાઈડ નથી. એ એક ખાસ પ્રકારનું રસાયણ છે. આ રસાયણ શરીરમાં જઈને તમામ જૈવિક ક્રિયાઓને અમુક સમય માટે મંદ કરી દે છે. માણસ બેભાન પણ થઈ જાય છે. જ્યારે પેલા આતંકવાદીઓ આવે ત્યારે તું આ શીશીમાંથી એક ચમચી વીણામાસીને પીવડાવી દેજે. એકાદ મિનિટમાં જ એની અસર શરૂ થઈ જશે. પછી તમે હાથની નાડી તપાસશો તો તમને એવું લાગશે કે હ્રદયના ધબકારા બંધ પડી ગયા છે. વાસ્તવમાં, ધબકારા એટલા ધીમા થઈ ગયા હશે કે હાથ વડે નાડી તપાસવાથી ધબકારા અનુભવી નહિ શકાય. આ રસાયણની અસર દશ-બાર કલાક સુધી રહેશે.”
વૃંદાએ એવું જ કર્યું હતું. આતંકવાદીઓ રાત્રે બે વાગ્યે પાછા આવ્યા હતા. વૃંદાએ એ શીશીમાંથી એક ચમચી વીણાબેનને પીવડાવી હતી, જ્યારે વૃંદાએ આતંકવાદીઓને આવતાં દૂરથી જોયા હતા. તેઓ આવ્યા ત્યાં સુધીમાં રસાયણની અસર શરીરમાં વ્યાપી ગઈ હતી. વત્તા, ગળા પર જે થોડું લોહી કાઢ્યું હતું એ પણ સૂકાઈને એવું જામી ગયું હતું. એ લોકોએ એમ જ ધાર્યું હતું કે વીણાબેનની હત્યા થઈ ગઈ છે.
હા, વૈદેહીનું ઓપરૅશન પૂરું થયું હતું. વૈદેહીને જગાડવામાં આવી. એ સમયે પોપટની ચાંચ જેવા નાકવાળો આતંકવાદી એક મોટો છરો વશિષ્ઠકુમારના ગળે અડાડીને બેઠો હતો, જેથી વૈદેહી ભાગી ન જાય. તે બોલ્યો-
“વૈદેહી, તારા પપ્પા તને સમજાવશે કે તારા શરીરમાં ફીટ થયેલી વૈદેહીનો ઉપયોગ કેવી રીતે કરવો. તું એનો અખતરો કરી જો. પણ જો કંઈ ચાલાકી કરી છે તો તારા બાપને મારી નાખીશ.”
વશિષ્ઠકુમારે વૈદેહીને સમજાવ્યું. વૈદેહીએ એ પ્રમાણે કર્યું. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રગટ થઈ શકતી હતી! વૈદેહીના શરીરમાં વૈદેહી કામ કરતી હતી!
આ સમય દરમિયાન વિનયકુમારે ચાલાકી દેખાડી હતી. તેમણે જોયું કે ત્રણેય આતંકવાદીઓનું ધ્યાન વૈદેહી તરફ હતું. શોધના પરીક્ષણમાં તેમનું ધ્યાન સંપૂર્ણપણે કેન્દ્રિત હતું. ‘રિસર્ચ-પેપર્સ’ તેમનાથી થોડે દૂર પડ્યા હતા. હમણા જ ઓપરૅશન કર્યું હોવાથી તેમનાં હાથપગ મુક્ત હતા. વિનયકુમારે હળવેથી એ કાગળિયા ઉઠાવ્યા. કોઈનું ધ્યાન તેમના પર નથી ગયું એ ચૅક કરતાં કરતાં તેઓ સળગતી મશાલ તરફ સરક્યા. એ કાગળો તેમણે મશાલ પર ધરી દીધા. કાગળ સળગ્યા. પઠ્ઠો એ જોઈ ગયો હતો. પઠ્ઠાની બાજુમાં જ એક મશાલ સળગતી હતી. તેણે એ મશાલ ઉઠાવીને વિનયકુમાર તરફ ફેંકી. વિનયકુમાર પહેલેથી જ સાવધ જ હતા. તેઓ બચી ગયા હતા અને મશાલ દીવાલને અથડાઈને તૂટી ગઈ હતી. રિસર્ચ-પેપર્સ સંપૂર્ણપણે સળગી ગયા હતા!
“અમારી શોધનો ઉપયોગ માનવજાતિના કલ્યાણ માટે જ થવો જોઈએ.” વશિષ્ઠકુમાર બોલ્યા- “વૈદેહીની જવાબદારી હું તને સોંપું છું, વૈદેહી!”
આ વાક્ય બોલીને વશિષ્ઠકુમારે પોતાનું શરીર પાછું ખેંચીને જોરથી આગળ ધકેલ્યું. પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદીઓએ છરો પકડી રાખ્યો હતો તેના પર વશિષ્ઠકુમારનું ગળું વેગ સાથે આવી પડ્યું. છરો પકડીને બેઠેલા એ આતંકવાદીનું ધ્યાન વિનયકુમાર તરફ હતું. જ્યારે તેને તેના છરા પર ભાર અનુભવાયો ત્યારે વશિષ્ઠકુમારના ગળાના લોહીથી એ છરો રંગાઈ ચૂક્યો હતો. વશિષ્ઠકુમાર પોતાનું બલિદાન આપી ચૂક્યા હતા…
“વૈદેહી…” વિનયકુમાર બરાડ્યા- “ભાગ અહીંથી…”
વૈદેહી આઘાત પામી હતી. તેની નજર સમક્ષ તેના પિતાનું ગળું કપાયું હતું. તેના પિતાના છેલ્લાં શબ્દો તેના મસ્તિષ્કમાં પડઘાતા હતા. ગુઆન-યીન તેના પર ત્રાટકી હતી. તેણે વૈદેહીને બાથમાં લીધી હતી. ગુઆન-યીન ઓચિંતી આવી પડી હતી તેથી વૈદેહીને ધક્કો વાગ્યો અને તે નીચે પછડાઈ. ગુઆન-યીન તેની ઉપર પડી હતી. આ ધક્કાથી વૈદેહી ભાનમાં આવી હતી. તેને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. તેણે પોતાની અંદર ફીટ થયેલી વૈદેહીનો ઉપયોગ કર્યો હતો. ગુઆન-યીનની નીચેથી વૈદેહી ગાયબ થઈ ગઈ હતી અને ગુઆન-યીન જમીન પર આવી ગઈ હતી
રાતના લગભગ સાડા બારનો સમય હતો. કુખોઝૂ- કુદરતના ખોળે ઝૂંપડું નામની ગુફામાં સનસનાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પણ હવે વિનયકુમાર બરાબરના ફસાયા હતા. ત્રણ આતંકવાદીઓ સામે તેઓ કંઈ જ કરી શક્યા નહોતા. વિનયકુમારના હાથપગ બાંધીને ફરી એક વખત ત્રણેય આતંકવાદીઓ ચર્ચાએ વળગ્યા હતા. પઠ્ઠાએ મારી વાત ઉખેળી હતી. એ લોકો મને RAWનો જાસૂસ માનવા લાગ્યા હતા. તેમણે ‘હવે શું કરવું’ એ મુદ્દા પર ખૂબ લાંબી ચર્ચાઓ ચાલી હતી. બંને વિજ્ઞાનીઓએ ગજબ રીતે તેમને રમાડ્યા હતા. મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો!
‘એમની હજી કંઈક જરૂએ પડશે’ એવું માનીને તેઓએ વિનયકુમારને જીવતા રાખવાનું નક્કી કર્યું હતું. વશિષ્ઠકુમારના મૃતદેહને ઠેકાને પાડ્યો. આતંકવાદીઓએ પોતાના ટૅમ્પરરી રહેઠાણ માટે કુખોઝૂથી થોડેક દૂર એક ઝૂંપડી બનાવી હતી, જે નદીથી નજીક હતી. તેઓ વિનયકુમારને ત્યાં લઈ ગયા હતા. ગુઆન-યીન અને પઠ્ઠો વીણાબેનના ઘરે આવ્યા હતા. વૃંદાએ અવનીના કહ્યા પ્રમાણે કર્યું હતું. ગુઆન-યીનને અને પઠ્ઠાને એમ જ લાગ્યું હતું કે વીણાબેન મરી ગયા છે. એ બંને મારા વિશે ચર્ચા કરતાં હતા ત્યારે વૃંદાએ વધુ એક કામ ચતુરાઈભર્યું હતું.
“એ જાસૂસ નથી.” વૃંદા બોલી હતી- “એ વૈદેહીનો દૂરનો ભાઈ છે. રજાઓ ગાળવા અહીં આવ્યો છે.”
“તો એને આ બધી ગડમથલથી દૂર રાખવો પડશે.” પઠ્ઠાએ કહ્યું.
“એ કામ હું કરી શકીશ.” વૃંદાએ કહ્યું હતું.
“ઠીક છે.” મૅડમે કહ્યું- “એને આ બધી બાબતોથી દૂર રાખવાની જવાબદારી તારી.”
“જી, મૅડમ!”
“તું એને જંગલમાં ફેરવજે. કાલે બપોર પછી તું એને કુખોઝૂ પણ લઈ જઈ શકે છે.”
“જી, મૅડમ!”
બસ, ભાવતું હતું એ જ વૈદ્યના મોઢે બોલાવડાવ્યું!
બીજા દિવસે સવારે, હું જાગું એ પહેલાં વીણાબેનનો ‘મૃતદેહ’ વૈદેહીના ઘરમાં મૂકાઈ ગયો હતો. હું નાહીને તૈયાર થયો હતો. મને વૃંદા મળી હતી. એ પ્રથમ મુલાકાત વખતે જે કંઈ અનુભવાયું હતું એનું ભાવનાશીલ રહસ્ય હવે સમજાય છે. તેને મને કુખોઝૂ લઈ જવાઈ યોજના બનાવી હતી. મેં વીણાબેનનું બેભાન શરીર જોયું હતું, જેને હું પણ મૃતદેહ માની બેઠો હતો.
પછી વૃંદા મને કુખોઝૂ લઈ ગઈ હતી. કેમ કે વૃંદાએ મારી સાથે એકાંતમઆં સમય પસાર કરવો હતો. અવનીએ કહ્યું હતું એ જ રીતે તેણે પોતાની નકારાત્મકતા ઓકી હતી… નકારાત્મકતાનો નાયગ્રા સર્જાઈ ગયો હતો! હું અવનીની અપેક્ષા પ્રમાણે વર્તી શક્યો હતો. હું ‘વૃંદા’ને ‘મૅર્વિના’થી દૂર કરી શક્યો હતો.
અમે કુખોઝૂથી પાછા આવતા હતા ત્યારે વિનયકાકા પઠ્ઠા સાથે આવ્યા હતા. ત્યાંથી તેઓ ભાગી ચૂક્યા હતા અને હમણા મને મળ્યા. પછી હું અને વૃંદા ભમરાહ પર આવ્યા હતા. હું વૈદેહીના ઘરે પાછો આવ્યો ત્યારે પોપતઈ ચાંચ જેવા નાકવાળો આતંકવાદી મળ્યો હતો. હવે, એ વખતે એ ભાઈ એ રીતે વર્તતો હતો જાણે વીણાબેનનો મૃતદેહ પોતે ગાયબ ન કર્યો હોય! વાસ્તવમાં, એ આતંકવાદીઓને ખબર નહોતી કે મૃતદેહ ક્યાં ગયો!
થયું હતું એવું કે હું અને વૃંદા કુખોઝૂ ગયા હતા એ દરમિયાન વીણામાસી ભાનમાં આવ્યા હતા. અવનીએ વેદાંતને એ જવાબદારી સોંપી હતી. કહ્યું હતું, ‘બપોરે બારથી દોઢના ગાળામાં વીણાબેન ભાનમાં આવશે. એમને સુરક્ષિત જગ્યાએ લઈ જજે.’ વેદાંતે એ જવાબદારી પૂરી કરી હતી.
મને વૃંદા મળી એ દિવસે આતંકવાદીઓ વૈદેહીને શોધવાના ફાંફા મારતા હતા. વૈદેહી એ લોકોને જડે એ અશક્ય હતું.
તો, પોપટની ચાંચ જેવા નાકવાળા આતંકવાદી સાથે જરા બોલાબોલી થઈ હતી. એ વખતે વૃંદા આવી હતી. એ સમયે મને જાણ કરવામાં આવી હતી કે આ છોકરી મૅર્વિના છે. આતંકવાદીએ એ તો જોયું હતું કે વેદને લડતાં નથી આવડતું અને તેનામાં જાસૂસ હોવા માટે જરૂરી આવડતો નથી. એટલે તેમને વૃંદાની વાત સાચી લાગી હતી. તેઓએ એમ પણ જોયું હતું કે વેદ વૈદેહીની મદદ કરવા માંગે છે. એટલે બીજા દિવસે ગુઆન-યીને મારા માટે ‘વેદ.. ધ ગ્રૅટ ફેલો… ધ એન્જલ…’ એવા શબ્દો વાપર્યા હતા. એ સમયે ગુઆન-યીને કોઈ જાતની પૂછપરછ નહોતી કરી.
પછીય વૃંદા અને મૅર્વિના વચ્ચેનો સંઘર્ષ તો ચાલતો જ હતો. અહીંથી ભાગી છૂટવાનો મોકો મને મળ્યો હતો પણ હું નહોતો ભાગ્યો. હું વૃંદાના કારણે જ રોકાયો હતો. વૃંદાએ મને પોતાનો ભૂતકાળ કહી સંભળાવ્યો હતો. કસમયે ગુઆન-યીનની એન્ટ્રી થઈ હતી. મને લાગ્યું હતું કે હું મરી જઈશ. પાઠક સાહેબ O.D.I. બોલીને ગુઆન-યીનને ખેંચી ગયા હતા. અવની આવી હતી…. તેણે સાચે જ વૃંદાને મારી નાખી?
હું ભાનમાં આવ્યો હતો ત્યારે વૈદેહી મારી નજર સમક્ષ હતી. તે સમયે વૈદેહી એકાએક કઈ રીતે ગાયબ થઈ હતી એ હવે સમજાય છે. પછી આખા ઘરમાં પઠ્ઠા સાથે દોડાદોડી કરી હતી. તેને મેં થોડો માર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વેદાંતે મને આશરો આપ્યો હતો. ભાભી અને રૂપા સાથે સંવાદ થયો હતો. પછી અમે એક જ થાળીમાં જમ્યા હતા. રાત્રે હું ત્યાંથી ભાગ્યો હતો અને વૈદેહીના ઘરમાં આવ્યો હતો. પહેલાં પ્રયોગશાળાનો દરવાજો અને પછી તેનો પાસવર્ડ શોધીને હું પ્રયોગશાળામાં દાખલ થયો હતો. એ સમયે વૈદેહી અંદર આરામથી સૂતી હતી. તેના માટે આ સુરક્ષિત જગ્યા હતી. વૈદેહીને એમ થયું કે આતંકવાદીઓ અંદર ઘૂસ્યા છે એટલે તેણે મને માર્યો. પછી તેણે પાટાપીંડી પણ કરી- જેવી આવડી તેવી!
પ્રયોગશાળામાં તપાસ કરીને હું શોધ ‘વૈદેહી’ વિશે જાણી શક્યો હતો. પ્રયોગશાળાની બહાર આવતાં જ વિનયકાકા મને મળ્યા.
*****
“બસ?” વૈદેહીએ પૂછ્યું- “અમે જેટલું જાણતા હતા એ બધું જ તને જણાવી દીધું. હવે નિરાંત થઈ?”
“ખૂબ ખૂબ આભાર!” મેં કહ્યું- “એવું લાગે છે કે માથા પરથી ભાર ઓછો થઈ ગયો. આ બધું શું બની રહ્યું છે એનું ચિત્ર સ્પષ્ટ થયું.”
સવારના પાંચ વાગ્યા છે. ફાનસ લગભગ બંધ થઈ ગઈ છે. સાવ આછા અજવાળામાં અમે બેઠા છીએ. ૧લી ડિસેમ્બરનો સૂર્યોદય થવામાં એકાદ કલાક લાગશે. મેં કહ્યું-
“અલબત્ત, હજી પણ અમુક પ્રશ્નો નિરુત્તર રહ્યા છે.”
“અમે આનાથી વધુ કંઈ નથી જાણતા.” વૈદેહીએ કહ્યું- “એ બધું અવની પાસેથી જાણવું પડે.”
“પણ એ પ્રશ્ન મને એમ થાય છે....” મેં કહ્યું- “ ઘણાં પ્રસંગો તમે એવા જણાવ્યા કે જેમાં તમે બંને હાજર જ નહોતા. ઉદાહરણ તરીકે, અવની એક રાત્રે વેદાંત અને ભાર્ગવને મળી અને એ પછી મૅર્વિના સાથે બગીચામાં મુકાલાત યોજાઈ. આ પ્રસંગો વિશે તમે કેવી રીતે જાણી શક્યા?”
“અવની પાસેથી.” વૈદેહીએ કહ્યું- “કુખોઝૂમાં કાળમુખો પ્રસંગ પૂરો થયો એ પછી બીજી રાત સુધી ક્યાં ભટકી એ મને ખબર નથી. પણ પછી હું અવની પાસે ગઈ હતી. તેણે મને પ્રયોગશાળામાં સંતાઈ રહેવાનું સૂચન કર્યું. મેં એ સમયે જિદ કરીને તેની પાસેથી અમદાવાદમાં બનેલી ઘટનાઓની સ્પષ્ટતા માંગી. એ સમયે તેણે મને આ બધું જણાવ્યું હતું.”
“પણ હજી રામાયણ પતી નથી.” વિનયકાકાએ કહ્યું- “આતંકવાદીઓ હજી ભમરાહમાં જ છે.”
(ક્રમશઃ)