Pal Pal Dil Ke Paas - Babita - 8 in Gujarati Biography by Prafull Kanabar books and stories PDF | પલ પલ દિલ કે પાસ - બબીતા - 8

Featured Books
Categories
Share

પલ પલ દિલ કે પાસ - બબીતા - 8

બબીતા

માત્ર આઠ વર્ષની ફિલ્મી કરિયરમાં બબીતાએ તે જમાનાના લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર, રાજેન્દ્ર કુમાર, મનોજકુમાર, શમ્મી કપૂર,શશી કપૂર અને જીતેન્દ્ર સાથે હિટ ફિલ્મો આપીને ટોપ નું સ્થાન મેળવ્યું હતું.

બબીતાનો જન્મ તા. ૨૦/૪/૧૯૪૮ ના રોજ મુંબઈમાં એક સિંધી પરિવારમાં થયો હતો. પિતા હરિ શીવદાસાની દેશના વિભાજન વખતે કરાંચી છોડીને મુંબઈમાં આવ્યા હતા. બબીતાની માતા બ્રિટીશ ક્રિશ્ચિયન હતી. હરિ શિવદાસાનીનો ઝોક અભિનય તરફ વધારે હતો. તેમની પર્સનાલીટીને કારણે ચરિત્ર અભિનેતા તરીકે કામ મળવા લાગ્યું હતું. રાજ કપૂરની ફિલ્મ “શ્રી ૪૨૦” માં તેમણે અભિનય કર્યો ત્યારે તો તેમનું નામ ખાસ્સું જાણીતું થઇ ગયું હતું. સાધના અને બબીતા બંને કઝીન છે તે તો બહુ જાણીતી વાત છે. બબીતાનું બાળપણ માતા પિતા અને નાની બહેન મીના સાથે વીત્યું હતું. મીતા અડવાણી લગ્ન બાદ એક પ્રાયવેટ પાવર કંપનીની માલિક છે.

બબીતા જયારે અઢારની થઇ ત્યારે તેણે ફિલ્મોમાં અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હરી શિવદાસાની બબીતાને સ્ક્રીન ટેસ્ટ માટે જી. પી. સિપ્પી પાસે લઇ ગયા હતા. જી. પી. સિપ્પી તે દિવસોમાં રાજેશ ખન્ના સામે નવો ચહેરો લેવા માંગતા હતા. ફિલ્મ હતી “રાઝ’. આમ બબીતાને પ્રથમ ફિલ્મ મળી ગઈ હતી જોકે બબીતાની રીલીઝ થયેલી પ્રથમ ફિલ્મ હતી “દસ લાખ”. વર્ષ હતું ૧૯૬૬. ફિલ્મમાં સંજય ખાન સાથે ઓમપ્રકાશ તથા હરિ શિવદાસાની પણ હતા. ફિલ્મ તો ખાસ ચાલી નહોતી પણ તેનું એક ગીત આજે પણ ટ્રેનમાં ખાસ કરીને ભીખારીઓ પાસે સાંભળવા મળે છે. ” ગરીબો કી સુનો વોહ તુમ્હારી સુનેગા તુમ એક પૈસા દોગે વોહ દસ લાખ દેગા”. જોકે બબીતાની આગવી ઓળખ તો ૧૯૬૭ માં રીલીઝ થયેલી ફિલ્મ “ફર્ઝ” થી જ થઇ હતી. જીતેન્દ્ર બબીતાની જોડી દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ”ફર્ઝ” ફિલ્મે દેશભરના શહેરોમાં સિલ્વર જ્યુબીલી અને મોટા શહેરોમાં તો ગોલ્ડન જ્યુબીલી ઉજવી હતી. ત્યારબાદ તેની જીતેન્દ્ર સાથે ઔલાદ . અનમોલ મોતી અને બનફૂલ જેવી ફિલ્મો આવી હતી.

બબીતાએ તે જમાનાના મોટા ભાગના પ્રખ્યાત હીરો સાથે અભિનય કર્યો હતો. જેમ કે ધર્મેન્દ્ર સાથે “કબ કયું ઔર કહા” ,મનોજ કુમાર સાથે “પહેચાન” શશીકપૂર સાથે “હસીના માન જાયેગી”, શમ્મી કપૂર સાથે “તુમ સે અચ્છા કૌન હૈ’ તથા રાજેન્દ્ર કુમાર સાથે “અનજાના”. શશીકપૂર અને શમ્મી કપૂર તો બબીતાના રણધીર કપૂર સાથેના લગ્ન બાદ કાકાજી બન્યા હતા. માત્ર આઠ જ વર્ષની ફિલ્મી કરિયરમાં ૧૯ સિલેક્ટેડ ફિલ્મો કરનાર બબીતા ખુબ જ ઝડપથી સફળતાની સીડી ચડી ગઈ હતી. બબીતાની પ્રથમ ફિલ્મ “દસ લાખ” સંજય ખાન સાથે હતી તો જોગાનુજોગ છેલ્લી ફિલ્મ “સોને કે હાથ’નો હીરો પણ સંજય ખાન જ હતો. ૧૯૭૧ માં બબીતાના જીવનમાં રણધીરકપૂરનું આગમન થયું હતું. “કલ આજ ઔર કલ’ ના સેટ પર બિલકુલ લવ એટ ફર્સ્ટ સાઈટ નો કિસ્સો હતો. ફિલ્મમાં રાજકપૂર અને પૃથ્વીરાજ કપૂર પણ હતા. રણધીર કપૂરે જયારે બબીતા સાથે લગ્ન કરવાની ઈચ્છા પિતા સમક્ષ વ્યક્ત કરી ત્યારે રાજ કપૂરની સાથે દાદા પૃથ્વીરાજ કપૂર પણ ચોંકી ઉઠયા હતા. બબીતા જાણીતી અભિનેત્રી હતી. કપૂર ખાનદાનમાં ફિલ્મની નટી ઘરમાં આવે તે તેમને પસંદ તો નહોતું જ પડયું. રણધીર કપૂરની ભારે સમજાવટ બાદ પિતા અને દાદા માન્યા હતા. જોકે તેમણે એક શરત મૂકી હતી કે બબીતાએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું છોડવું પડશે. એ દિવસોમાં રણધીર કપૂર કરતાં બબીતાનું વધારે મોટું નામ હતું. બબીતાએ રણધીરને મેળવવા માટે ઘડીના છઠા ભાગમાં ફિલ્મઇન્ડસ્ટ્રીને તિલાંજલિ આપવાનો નિર્ણય લઇ લીધો હતો. બંને પરિવારોએ ભેગા મળીને ખુબ જ ધામધૂમથી તેમના લગ્ન કરાવી આપ્યા હતા. તારીખ હતી. . ૬/૧૧/૧૯૭૧. તે દિવસોમાં “કલ આજ ઔર કલ” સિનેમા ઘરોમાં ચાલી રહ્યું હતું. તે ફિલ્મમાં એક ગીત હતું “હમ જબ હોંગે સાઠ સાલ કે તબ તુમ હોગી પચપન કી બોલો પ્રીત નિભાઓગી ના તબ ભી અપને બચપન કી”. દેશભરના અખબારોમાં બંનેના લગ્નના ફોટા નીચે એ જ ગીત ક્વોટ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં તો બંનેનું લગ્ન જીવન ખુશખુશાલ હતું. ૧૯૭૪ માં કરિશ્માનો અને ૧૯૮૦ માં કરીનાનો જન્મ થયો. સામન્ય રીતે કોઈ પણ માતા કે પિતા તેના અધૂરા રહેલા સપના અને અરમાન તેનું બાળક પુરા કરે તેવી ખ્વાહીશ રાખતા હોય છે. બબીતાના કિસ્સામાં બિલકુલ એવું જ થયું. તે મોટી દીકરી કરિશ્માને હિરોઈન બનાવવા માંગતી હતી. કપૂર ખાનદાનમાં તે અગાઉ એક પણ દીકરીએ કેમેરાનો સામનો કર્યો નહોતો કારણકે તે બાબતે પાબંદી હતી. આખરે એ વાત પતિ પત્ની વચ્ચે એક ઈશ્યુ બન્યો અને જે પતિને મેળવવા માટે બબીતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઝાટકે છોડી દીધી હતી તે જ ઇન્ડસ્ટ્રીમાં દીકરીને જોવા માટે પતિને અને તેના ઘરને છોડી દીધું. ફિલ્મના પરદા પર બંનેએ સાથે ગાયેલું પેલું ગીત.. ”હમ જબ હોંગે સાઠ સાલ કે... ”વાસ્તવિક જીવનમાં ખોટું પડી રહ્યું હતું. જોકે બબીતા અને રણધીર કપૂરે કાયદેસર ડિવોર્સ ક્યારેય લીધા નહોતા. કરિશ્મા તો ફિલ્મોમાં છવાઈ ગઈ હતી પણ થોડા વર્ષો બાદ નાની દીકરી કરીના કપૂર પણ ટોપની હિરોઈન બની. અભિનય તો બંને બહેનોના જીન્સમાં જ હતો તથા બંનેને બબીતાની સુંદરતા વિરાસતમાં મળી હતી તેથી તેમની સફળતાની કોઈને નવાઈ લાગી નહોતી. સમયનું ચક્ર ફરતું ગયું. એક બાપ તરીકે રણધીર કપૂરને પણ દીકરીઓની સફળતાથી આનંદ થવા લાગ્યો. આખરે લગભગ ૧૯ વર્ષ બાદ ૨૦૦૭ માં રણધીર કપૂર અને બબીતા ફરીથી સાથે રહેવા લાગ્યા. હા એટલું તો ચોક્કસ માનવું પડે કે બબીતાની જીદને કારણે જ બોલીવુડને કરિશ્મા અને કરીના મળી.

સમાપ્ત