તારું ટિફીન......
એ સત્ય છે કે માણસનો અંત નક્કી છે. બધાને ખબર છે કે શું થવાનું છે.જે જન્મે છે તે મરે છે. આ સુંદર ખોળીયું રાખ થશે, રોગીષ્ઠ થશે ને વૃદ્ધાવસ્થાથી જર્જરિત થશે ને માટીમાં મળી જશે.છતાંય માણસ ચેનથી સુવે છે,હસે છે ને મજા કરે છે.કોણ નથી જાણતું? પણ બે મિનિટ ધ્યાનસ્થ થઇ વિચારવાની જરૂર નથી? સિત્તેર એંશી વર્ષના આયખાનો અંત આવશે ત્યારે આ હસવાનું આ મઝા પરીવારની પળોજણ બધુંય ફોક થઇ જશે.પરમકૃપાળુ પરમાત્માના રસ્તે કોઈ સંગી કે કોઈ સાથી કોઈ નઈ હોય હશે તો બસ સત્કર્મોનું ટીફિન........અને યાદ રાખજો આ ટીફિન જાતેજ બનાવવું પડશે અને હા એ પણ સત્કર્મોનું.
સંસારનું ચક્ર ભગવાન ચલાવે છે એવી એ.સી માં બેસી સૂફીયાણી વાતો કરનાર પાસે એજ ભગવાન પાસે બેસવાનો સમય હોતો નથી.પણ જીવ જયારે અંતિમ પ્રયાણ કરશે ત્યારે ઈર્ષા,દુશ્મની,તારું, મારુ,શૃંગાર, ઘરેણાં, મોહ, માયા મોટી-મોટી વાતો,એ પળે કંઈ યાદ નહિ આવે. ભગવાન બુધ્ધે પણ આજ કહ્યું હતુંને કે "માણસને ખબર છે કે અંત નિશ્ચિત છે છતાંય કેમ હસી શકે છે? આ દુનિયામાં સૌથી મોટું આશ્ચયૅ છે" આ વિચારમાંથી શું કશુંય લેવાજેવું નથી? અને જો આજ સત્ય છે તો આ બધું શા માટે? કેમ માણસને માણસ ગમતો નથી? એકજ 'મા' ના ખોળામાં આળોટેલો પરીવાર એક સાથે બેસી કેમ જમતો નથી? ઈર્ષા રૂપી કોબ્રા સાપ ફૂંફાડા મારી કેમ જીવન ઝેર કરે છે? એક તક અરે! એક તક માણસ જવા દેતો નથી જેમાં ફક્ત ને ફક્ત પોતાનુંજ હિત હોય. હુંજ બધા થી શ્રેઠ,મને પુછો, આને પાડી દઉં, પેલાનું કરી નાખું.હું કહું એમજ થાય.તમને ખબર ના પડે,બસ.... બસ હવે રહેવાદે ભાઈ,સમ્રાટ સિકંદર ની કબર હવે મળતી નથી એ કેમ ભૂલી જાય છે.
માનવતાના પાઠ હવે વેચાય છે સવારે ટી.વી ચેનલ ચાલુ કરો તો હજારો બાબાઓ એ વિષય પર પ્રવચન આપે છે જેમાં એમનું આચરણ ન પણ હોય.સવારે લોકો એટલા બધા સુવિચારો મોકલે છે કે જાણે આપણેજ એ વિચારોની જરૂર હોય ને એ બધા વિવેકાનંદ હોય. સુવિચારો ને ઉપદેશ એ અનુસરવા માટે છે ફોરવર્ડ કરવા માટે નહી આ જ્ઞાન લોકો સમજવા જ તૈયાર નથી. બીજી એક વાત એ સમજમાં નથી આવતી કે સમાજમાં ધાર્મિકતા નું લેવલ ખુબ વધતું જાય છે જોકે એ સારી વાત છે પણ માણસની અંદર રહેલી માણસાઈનું લેવલ કેમ ઘટતું જાય છે.કથા, સત્સંગ,ભજન કે અન્ય જગ્યાએ જતો વ્યક્તિ ત્યોં થી બાર નીકળે એટલે બધું જ્ઞાન ને સત્સંગ કેમ કુવામાં નાખી પાછો હતો એવો ને એવોજ તક મળે કે કરી નાખું જે હાથમાં આવે એનું.
માણસનું મન નાનું થઇ ગયું છે.તમે ખાસ જોજો અંગત પરિવારો માં એ બે ત્રણ ના માળામાંજ સીમિત થઇ પૂર્ણ થઇ જશે. 'બસ હું ને મારો પરીવાર' પ્રાચીન ભારત ની સમાજ વ્યવસ્થા 'વસુધૈવ કુટુંબકમ' નો વિચાર ચીંથરેહાલ થઇ ગુજરાતી શાળાઓ ની ભીંતો પર ડૂસકાં ભરતો જોવા મળશે.
રાત્રે સૂતા પહેલાં આટલું જરૂર વિચારજો કે દિવસ ભરમાં આપણાથી કોઈ સારું કાર્ય થયું છે ખરું? અને થયું તો સામે કોઈ અનિષ્ટ કે ખોટું કાર્ય થયું? દશ દિવસ આ સરવાળો મારજો તમેજ પાકું કરી શકશો કે તમારું ટીફિન કેટલું મજબૂત છે.
અંતમાં આટલુજ કહીશ માણસ માટે....
માણસ
સ્પંદનો લાગણીના ને લોહીના,
કયાં અસર કરે છે?
જૂની લાગણીઓ સાથે નવી,
અપડેટ થયા કરે છે.
સમય સાથે સંબંધો બદલવાની,
પ્રથા કેવી ગજબ છે?
કૈંક મેળવવા "કાચિંડા ને જેમ રંગ",
બદલ્યા કરે છે.
લાચારી,મજબૂરી કે દયા નો અર્થ,
કોને સમજાવું?
ગમેતે અધમતા આચરીને પણ પોતાનું "ખીસ્સું" ભરે છે.
માણસ તારી આ કલા થી ઝેરી,
'સાપ' પણ ડરે છે.
હસી હસી ને તું 'ડસે' છે ને જીવીએ,
ત્યાં સુધી 'ઝેર' ચડે છે.
ઘણી સારપ ધરાવે છે કેમ કે,
તું "કોબ્રા" જેવા નામ થી ઓળખાય છે.
જિંદગી પુરી થઇ જાય એક છત નીચે
ફટ રે માણસ ! તોય તારું 'મન' કયાં,
કળાય છે?
અને પાછું કનડગત વગર કયાં તું નડે છે.
પણ આ "બે પગાળું પ્રાણી",
જે હાથ મો આવે એને ડસે છે.
પ્રભુ તું ઉપર બેઠો હસે છે ?
પણ કેમ આવા કાટલા ઘડે છે?
શું તને પણ આ છેતરી જાય છે?
કે પાસા તારા ઉલટા કરી જાય છે?
- વિપુલ