Chanda in Gujarati Short Stories by Rena Mistry books and stories PDF | ચંદા

Featured Books
Categories
Share

ચંદા


વર્ષો પછી મંદાર આજે એના પ્રિય લીમડાને નિહાળી રહ્યો હતો.એનો પ્રિય લીમડો છેલ્લે છેલ્લે એના સ્વભાવ મુજબ કડવી યાદો દિલમાં મુકતો ગયો હતો. બે ખેતરની બરાબર વચ્ચે લીમડાનું ઝાડ. એક ખેતર મંદારના બાપુનું અને બીજું ખેતર ચંદાના બાપુનું. એટલે બન્ને નાનપણથી જ સાથે રમતા રમતા મોટા થયા. ચંદાનું નામ આમ તો ચંદ્રિકા પણ મંદાર એને ચંદા જ કહેતો હતો. ચંદાની સગી માઁ, તો ચંદા ૪ વર્ષની હતી ત્યારેજ એક ટૂંકી માંદગીમાં ગુજરી ગઈ હતી સાવકી મા ના આશરે ઉછરી રહેલી ચંદાનું જીવન કોઈ નરકાગારથી ઓછું નહોતું.
ચંદાની સાવકી મા ને ચંદાની ઘરમાં હાજરી બિલકુલ સહન નહોતી થતી. એટલે એ એને ખેતરે ધકેલી દેતી. મંદાર શાળા પત્યા પછી બાપુ જોડે ખેતરે આવતો. ચંદા અને મંદાર બંને રોજ લીમડા નીચે રમતા. બાળપણની નિર્દોષ પકડા પકડીની રમત રમતાં બન્નેમાં યુવાનીની પ્રેમ ઝરતી લાગણીઓએ ધીરેથી ક્યારે પ્રવેશ કર્યો એનાથી એ બન્ને નિર્દોષ જીવને પણ જાણ ના રહી. દિલમાં બચપણ હજી એવુંજ તાજું હતું. મંદારને શાળાનું ભણતા જોઈને ચંદાને પણ ભણવાનો શોખ થતો. ચંદાની ભણવાની તલપ જોઈને મંદાર પણ એને રોજ લીમડા નીચે બેસીને ભણવાતો. પછી તો રોજનું થયું, રોજ ખેતરમાં ચંદા મંદાર પાસે લીમડાની શીતળ છાયામાં ભણે.
"ચંદા તું શાળાએ કેમ નથી આવતી? તારું મગજ તો મારા કરતાંય તેજ ચાલે છે? તું જો ભણે ને તો મોટી માસ્તરાણી બને."
"છોડને આ બધી વાતો મંદાર, વિધાતા એ જે લખ્યું હોયને આ લલાટે એને ખુશીથી અપનાવાનું એની સામે બહુ બાથ નહીં ભરવાની. જે મળે છે એમાં ખુશ રહેવાનું. પણ એક વાત કહું, તું જે દહાડે મોટો સાહેબ બને એ દહાડે મને લાગશે જાણે મેં ભણી લીધું ."
મંદારને ચંદાની બહુ દયા આવતી. ખૂબ જીવ બળતો. ઘણીવાર મંદાર ઘરમાં એની માઁ એ કંઈક સારું બનાવ્યું હોય તો રૂમાલમાં બાંધી એ ચંદા માટે ખેતરે લઇ આવતો અને બંને લીમડાની હેઠળ મોજથી ખાતા. એક દિવસ રોજની જેમ મંદાર ખેતરે પહોંચ્યો માઁ એ બનાવેલા મગદાળના લાડુ ચંદા માટે લઈને. પણ આ શું? લીમડાની ચારેકોર ટોળું! પોલીસની ગાડી! ....... મંદાર એ ટોળાંને ચીરતો લીમડા ભણી દોડ્યો. અને એની આંખો ફાટી ગઈ. ચંદાની લાશ લીમડે લટકતી હતી. સાવકી મા છાતી કુટતી ચંદાને હજીએ ગાળો દેવાનું ચૂકતી નહોતી, "હરામજાદી ખબર નહીં કોનું પાપ પેટમાં લઈને ફરતી હતી. જતાં જતાં મારા મોઢે કાળપ મેલતી ગઈ."
મંદાર સડાક થઈ ગયો. "ના ચંદા એવું કંઈ કરે જ નહીં. ચંદા આપણે તો બે એકબીજાનો પડછાયો. તને મારાથી વધુ કોણ ઓળખે? આ વાત શક્ય જ નથી. હું માનતો જ નથી." ચંદા ,મંદાર ના દિલમાં એક સળગતો સવાલ મૂકીને સદાય માટે ચાલી ગઈ.
આજે દસ વર્ષ પછી મંદાર ગામમાં પાછો ફર્યો, પોલીસ ઇન્સ્પેકટર થઈને. ચંદાની ઇચ્છા મુજબ જ મોટો સાહેબ બનીને. મંદાર વ્હાલથી લીમડાને પંપાળી રહ્યો હતો. એની આંખો, એનું દિલ ચંદાના નામની પોક મૂકી રહ્યું હતું.
" ચંદા, ભૂતપ્રેતમાં તો નથી માનતો હું, પણ આજે આ હ્ર્દયમાં વર્ષો પહેલા કોતરાઈ ગયેલો ખાલીપો ઝંખે છે કે કાશ એવુ હોય, હું ઈચ્છું, કે કાશ એવી રીતે પણ કંઈક મને તું રસ્તો બતાવ. તારા મોતનું કારણ બતાવ. તારા ખૂનીને સજા અપાવ. તારી નાલેશીભરી મોતને ખોટી સાબિત કર ચંદા, કંઈક તો બોલ ચંદા, તને આપણા નિર્દોષ પ્રેમના સાક્ષી એવા આ પ્રિય લીમડા ના સમ "
મંદાર ભારે હૈયે ઘર તરફ ચાલવા લાગ્યો. ત્યાંજ રસ્તામાં ગામના નિવૃત હવાલદાર કાનજી કાકા મળી ગયા.
" અરે બેટા મંદાર ... .ઓહોહો ભાઈ તું તો મોટો સાહેબ બની ગયો . જુગ જુગ જીવો બેટા ."
"હા કાકા , તમારા આશીર્વાદ."
મંદાર ના મગજમાં એક વિચાર કંઈક વીજળીની જેમ લિસોટો મારતો ગયો.
"કાનજી કાકા કાલે પોલીસ સ્ટેશનમાં આવોને .તમારી થોડીક સલાહ લેવી છે"
બીજે દિવસે મંદારે કાનજીકાકાની મદદથી દસ વર્ષ પહેલાંની બધી જ ફાઈલો ખોલી. કાનજીકાકા ચંદા વાળી ઘટનાના સાક્ષી હતા. "શુ કહું બેટા મંદાર , એ વખતનો ઇન્સ્પેક્ટર ચંદાની સાવકી મા નો પ્રેમી હતો. સાવકી મા એની પ્રેમલીલામાં વચ્ચે આવનાર બિચારી ચંદાને મોતને ઘાટ ઉતારી ઉતારી દીધી હતી અને એના સાવકી મા એ એના ઇન્સ્પેકટર પ્રેમી સાથે મળીને મા વિનાની બિચારી ચંદાને બદનામ મોત આપી. હું જાણતો હોવા છતાં કશું જ ન કરી શક્યો. એવું લાગે છે કે જાણે કંઈક છુપા અણસાર છે ચંદાના, કે આજે તું અહીં જ ઇન્સ્પેકટર થઈને આવ્યો. હું તને બધી જ મદદ કરીશ બેટા."
મંદારે હવે વધારે તેજ ગતિએ તપાસ ચલાવી. એ વખતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફરી બહાર કઢાવ્યા અને ચંદાને નાલેશીભરી મોત જે મળી હતી એમાંથી એને નિર્દોષ પુરવાર કરી. એની સાવકી મા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકદ કરી .
આજે ફરીવાર મંદાર એના પ્રિય લીમડા પાસે આવ્યો. એ ડાળીને નીરખી રહ્યો હતો જ્યાં છેલ્લે એને ચંદાને વિધાતાએ લખેલા લેખની સાથે સમર્પણ કરતા જોઈ હતી. મંદાર લીમડાને બાથમાં લઈને પોક મૂકીને રડ્યો...... આજે એ ચંદાને સાક્ષાત ખુદની સાથે અનુભવતો હતો.
#રેના પિયુષ
અમદાવાદ