Lakshmi in Gujarati Short Stories by S I D D H A R T H books and stories PDF | લક્ષ્મી

Featured Books
Categories
Share

લક્ષ્મી

લક્ષ્મી
‘સાંભળ્યું ?’ - ૪૭ વર્ષના હરીશભાઈએ હરખભેર ઘરમાં પ્રવેશ કર્યો અને પોતાની પત્ની નયનાબેનને બુમ પાડી.
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. હરીશભાઈની આ રોજની આદત. ઘરેથી નીકળે ત્યારે અને ઘરે પરત ફરે ત્યારે તેમની પત્નીના હાથે એક ગ્લાસ પાણીનો પીવાનો.
“આપણી અમૃતાનું માંગું આવ્યું છે" હરીશભાઈ પાણી પીતાં-પીતાં બોલ્યાં "ખાધેપીધે સુખી ઘર છે છોકરાનું નામ દિપક છે અને સરકારી બેંકમાં મેનેજરની નોકરી કરે છે"
"અમૃતા હા કહે એટલે સગાઇ કરી દઈએ.." હરીશભાઈએ તેમની પત્નીને ગ્લાસ આપ્યો અને સોફા ઉપર બેસીને પોતાનાં હાથમાં રહેલા કવરમાંથી છોકરાનો ફોટો કાઢી બતાવવા લાગ્યા. નયનાબેનને દીપક ગમ્યો. તેમણે ફોટો પોતાની જોડે રાખ્યો અને અમૃતાને બતાવવા તેનાં રૂમ તરફ ચાલ્યાં.
***
અમૃતા એમની એકની એક દીકરી હતી. સુંદર, સમજદાર અને સંસ્કારી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી. આમતો હરીશભાઈનો કાપડનો ધંધો ખુબ સારો ચાલતો. પણ આમ છતાં ક્યારેક મંદીના લીધે પૈસાની તંગી પડતી. અનેક માંગા આવવા છતાં હરીશભાઈએ તેમની વ્હાલસોયી દીકરીને કોઈ એલ-ફેલ છોકરાના હાથમાં સોંપવાની ઉતાવળ નહોતી કરી.
અમૃતાના આવ્યા પછી ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું.
હા.. ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને અમૃતા બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
હવે તો અમૃતા ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ.
અને કાયમ કહેતા: ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં તારે કામ લાગશે..'
બંને ઘરની સહમતીથી અમૃતા અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.
લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ અમૃતાને પાસે બેસાડીને કહ્યું: ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ હતી" હરીશભાઈએ અમૃતાનો હાથ તેમનાં હાથમાં લેતાં કહ્યું" એમણે કરિયાવરમાં કંઈ જ લેવાની ના કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી....તો બેટા ...! તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ ૧૫ લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’ એમ કહી હરીશભાઈએ અમૃતાના હાથમાં ચેક આપી દીધો.
"ભલે પપ્પા, તમે જેમ કહો તેમ" અમૃતાના આંખમાં ઝળહળિયાં આવી ગયા અને તે હરીશભાઈને વળગી પડી. થોડીવાર પછી તે પોતાના રૂમમાં જતી રહી.
***
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.
ગોરબાપાએ ચોરીમાં અમૃતાના લગ્નની વિધિ શરૂ કરી, કન્યાદાન દેવાયું, પછી ફેરા ફરવાની ઘડી આવી….
કોયલનો જેમ ટહુકો થાય એમ અમૃતાનાં હૈયેથી બે શબ્દો નીકળ્યા ‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી ફેરાની વિધી કરજો..."
અમૃતાએ જોડે ઉભેલાં તેનાં પિતા હરીશભાઈ તરફ વળતાં કહ્યું "પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો ૧૫ લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…" અમૃતાએ તેનાં પિતાએ તેને આપેલો ચેક પરત તેમનાં હાથમાં મુક્ત કહ્યું "એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…" અમૃતાએ બીજો એક ચેક હરીશભાઈના હાથમાં મુક્યો "જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !" અમૃતાએ આગળ કહ્યું "જો હું તમારો દીકરો હોત....તો આટલું તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર અમૃતા શું બોલે છે તેના ઉપર જ હતી …..
“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”
”હા બેટા” હરીશભાઈ ભારે આવાજમાં એટલું જ બોલી શક્યા.
“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો…" અમૃતાએ વચન માંગતા તેની હથેળી લંબાવતા કહુયું "તમારૂ તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો...
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું. આપશોને મને.....?"
હરીશભાઈ ભીની આંખે દીકરી તરફ જોઈએ રહ્યા અને કહ્યું "આજના દિવસે હું તને ના કેવી રીતે કહી શકું?"
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો સૌએ રડતાં જોયા હશે, પણ આજે તો વિદાય પહેલાંજ જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ.
દુરથી હું પણ અમૃતાના આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….૨૦૧ રૂપિયાનું કવર જે તેને શુકનમાં આપવાનું હતું તે મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ.
સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું
પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો
"ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને અમૃતા જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય..??
- જીગ્નેશ
દોસ્તો..
દિલથી આ પોસ્ટ ગમી હોય
તો એક વિનંતી છે કે આ પોસ્ટને Share કરવાનું ભૂલતા નઈ.