Mari Chunteli Laghukathao - 15 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 15

Featured Books
Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 15

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

હથિયાર

શહેરની સીમાઓની બહાર એક નવું શહેર ઉભરી રહ્યું છે.

સતત ઉપર આવી રહેલા ‘મલ્ટીઝ’ ની સમાંતર ત્યાં મજૂરોની એક વસ્તી પણ આકાર લઇ ચૂકી છે. સવાર-સાંજ અહીં ખૂબ ચહલ પહલ વર્તાતી હોય છે.

જુદાજુદા નંબરની ઇંટોથી બનેલા ચૂલામાંથી ઊંચા આવતા ધુમાડાની વચ્ચે જાડા જાડા રોટલા ઘડતી મજૂર યુવતિઓનો તે જગત ભાઈ છે. ચૂલા પર ચડેલા એ તવા પરથી ઉતરતા રોટલાઓને લલચામણી નજરથી જોતા બાળકોનો એ જગત કાકા છે. થોડેક દૂર બેસીને બીડી ફૂંકતા મજૂરો તેને કોમરેડ જગત કહીને બોલાવે છે. જો કે તે એ લોકોમાંથી જ એક છે પણ ખબર નહીં કેમ એ બધાને પોતાનો જ લાગે છે, તેમ છતાં તે તેમને પોતાનાથી થોડો અલગ અને સમજદાર લાગે છે.

છેલ્લા અમુક દિવસોથી હવામાં હલચલ તરવા લાગી હતી... “એ બધા જ મજૂરોને એમના હકની વાત બતાવી રહ્યો હતો.”

આ તમામ ગણગણાટથી કેટલાકના કપાળે ત્રણ-ત્રણ રેખાઓ ખેંચાઈ ગઈ હતી.

કાલે મોડી રાત્રે જ્યારે શહેરમાં થયેલી પાર્ટી મીટીંગ બાદ તે પરત આવ્યો ત્યારે અહીંના કાચા-પાકા રસ્તાઓ પર અંધારું અને ભેદી શાંતિ પથરાઈ ગઈ હતી. આ શાંતિ વચ્ચે તે પોતાની જ મસ્તીમાં ગણગણતો પોતાની ઝુંપડીની તરફ ચાલી રહ્યો હતો કે કેટલાક ભાડાના ગુંડાઓએ પાછળથી તેના પર હુમલો કરી દીધો. એ કશું સમજે કે પોતાની જાતને સંભાળે એ પહેલાં જ એ લોકો તેને કાચા રસ્તા પર ફેંકી દઈને ત્યાંથી ગાયબ થઇ ગયા હતા.

સવારનો સુરજ હવે ઉપર આવી ગયો હતો. કામ પર જઈ રહેલા મજૂરોનું ટોળું અચાનક જ આઘાત સાથે ત્યાંજ ઉભું રહી ગયું. બાળકોનો જગત કાકા, મજૂર યુવતિઓનો જગત ભાઈ અને સાથીદારોનો કોમરેડ જગત એક હોકી સ્ટીકના સહારે લંગડાતો લંગડાતો તેમની તરફ જ આવી રહ્યો હતો. જેમ જેમ એ નજીક આવતો ગયો, પ્રશ્ન ભરેલી નજરોએ તેને ઘેરી લીધો.

“સાથીઓ!” નજીક આવતાની સાથેજ તેણે હાથમાં પકડેલી હોકી સ્ટીક એ પ્રશ્નથી ભરેલી નજરોની સામે હવામાં ઉભી કરી દીધી, “આ હોકી સ્ટીકને આપણે આપણો ટેકો નહીં પરંતુ હથિયાર બનાવવું પડશે.”

જવાબમાં ઊંચા અવાજો સાથે બધા જ હાથ પણ હવામાં ઉપર ઉઠી ગયા હતા.

***