અર્ધ અસત્ય.
પ્રકરણ-૩૯
પ્રવીણ પીઠડીયા
રાતનાં અઢી વાગ્યે રમણ જોષીનો ફોન રણક્યો. હજું હમણાં જ તેને ઉંઘ આવી હતી. ભરૂચથી સુરત પાછા ફરતી વખતે બંસરીએ તેને સમગ્ર હકીકત બયાન કરી હતી કે કેવી રીતે તે રઘુભાને મળી હતી અને સુરાની વાતમાં આવીને કેવી રીતે કોસંબા પહોંચી હતી. તેની વાત સાંભળીને રમણ જોષી સન્નાટામાં આવી ગયો હતો. બાવીસ વર્ષની નાજૂક અમથી અનુભવ હીન છોકરીને તેણે ક્યાં ચક્કરમાં નાખી દીધી હતી એનો પારાવાર પસ્તાવો તેને ઉપડયો હતો. કેવા ખતરનાક માણસો વચ્ચે તેણે બંસરીને મોકલી હતી એ વિચારે જ તે ધ્રૂજી ઉઠયો હતો. મોડી રાત સુધી તેનું મન ઘુમરાતું રહ્યું હતું અને પથારીમાં આળોટતો હવે આગળ શું કરવું એ વિચારતો રહ્યો હતો. એક નિર્ણય તો ભરૂચ હતો ત્યારે જ તેણે કરી લીધો હતો કે બંસરીનું અપહરણ કરનાર રઘુભાને તે કોઇ કાળે નહીં બક્ષે. એ માટે પછી ભલે તેણે ગમે તે હદ સુધી કેમ ન જવું પડે! મગજમાં ચાલતા વિચારોએ આખરે તેણે થકવ્યો હતો અને તેની આંખ મિંચાઇ હતી. પણ એકધારી વાગતી ફોનની રિંગે તેને બેઠો થવા મજબૂર કર્યો હતો.
“હેલ્લો, કોણ?” અજાણ્યાં નંબર પરથી ફોન આવી રહ્યો હતો એટલે તેણે પૂછયું.
“મિ.રમણ જોષી. તમારી ઉંઘમાં ખલેલ પાડવાં બદલ સોરી પરંતુ તમારાં ફાયદાની વાત હતી એટલે થયું કે તમને ફોન કરું.” સામાં છેડેથી રાજસંગ રાઠોડ બોલતો હતો. તે હજું પોલીસ સ્ટેશનમાં જ હતો અને હમણાં જ તેને દેસાઇ સાહેબે ફુલ ઓથોરિટી આપી હતી કે તે કમલ દિક્ષિતનાં કેસમાં રમણ જોષીને ઈન્વોલ્વ કરી શકે છે.
“મારાં ફાયદાની વાત તો ઠીક છે ભાઇ પરંતુ પહેલાં તમે તમારી ઓળખાણ તો આપો.” જોષી બોલ્યો. તે એક પત્રકાર હતો અને આવા અટપટા કોલ તેને ગમે ત્યારે આવતાં.
“હું રાજસંગ રાઠોડ બોલું છું, ભરૂચથી.” રાઠોડે તેની ઓળખ આપી.
“ઓહ રાઠોડ સાહેબ, તમે પણ યાર જબરું સસ્પેન્સ ઉભું કરો છો! અને તમારે સોરી કહેવાનું ન હોય સાહેબ, હુકમ ફરમાવવાનો હોય. બોલો શું કામ હતું?” જોષી એકાએક સતર્ક થયો હતો. રાજસંગનાં કારણે જ આજે તેની બહેન હેમખેમ અને જીવિત પાછી આવી હતી. જો એ સમયસર માધવ ઇન્ડસ્ટ્રિઝમાં પહોંચ્યો હોત ન તો બંસરીનો હજું સુધી કોઇ પત્તો લાગ્યો ન હોત એ પણ એટલું જ સત્ય હતું. અનાયાસે તે એક દેવદૂત બનીને તેમનાં જીવનમાં પ્રવેશ્યો હતો એટલે તેની કોઇ વાત ટાળવાનો તો પ્રશ્ન જ નહોતો.
“જૂઓ, તમે કહ્યું નથી પરંતુ મેં જાણકારી મેળવી છે કે તમે તમારી બહેન બંસરીને સબ ઈન્સ્પેકટર અભયનાં કેસની પાછળ લગાવી હતી. મેં એ પણ ખબર મેળવી લીધી છે કે એ મામલાનો માસ્ટર માઈન્ડ કોણ છે? આખરે પોલીસખાતાથી કયું રાઝ છૂપૂં રહી શકે ભલાં! પણ અત્યારે હું એ બધી ડિટેઇલમાં પડવાં નથી માંગતો. મને જે જાણવાં મળ્યું છે એ તમારી સાથે શેર કરવા માંગું છું. જો કે તેમાં મારી એક શરત છે કે તમે એ માહિતીનો જે કંઈ પણ ઉપયોગ કરો એનો તમામ યશ કે અપયશ, જે કંઈ પણ મળે એ તમારાં શિરે રહેશે. તેમાં ક્યાંય અમારું નામ વચ્ચે આવવું જોઇએ નહી. બોલો છે મંજૂર?” રાજસંગે ચોખવટ કરી અને દેવેન્દ્ર દેસાઇ તરફ નજર કરી. દેસાઇએ નજરોથી જ આગળ વધવાનો સંકેત આપ્યો.
રમણ જોષીના કાન એકાએક સરવા થયા હતા. અભયનાં કેસનો માસ્ટર માઈન્ડ કોણ હતું એ તો ક્યારનું તેને પણ જાણવું હતું. અરે એ જાણવાં માટે જ તો બંસરીને તેણે કામે લગાવી હતી. હવે જો સામેથી એ જાણવા મળતું હોય તો એ શું કામ નાં પાડે! પોતાની રૂમમાં ચહલ-કદમી કરતો જોષી એકાએક ઉભો રહી ગયો હતો અને અધીરાઇભેર તે બોલી ઉઠયો.
“રાઠોડ સાહેબ, તમે કહો એમ જ થશે. મને ફક્ત એક વખત એ આદમીનું નામ જણાવો, પછી હું છું અને એ છે. એનું ધનોત-પનોત કાઢી ન નાખું તો કહેજો.” જોષી એકદમ જ ઉત્તેજીત થઇ ગયો હતો. તેની ઉંઘ એકાએક ઉડી ગઇ હતી અને એ નામ સાંભળવા તે બેતાબ બન્યો હતો.
“જોષી સાહેબ, વાતને વધું લંબાવતો નથી પરંતુ એટલું કહીશ કે એ નામ સાંભળીને તમને ધક્કો ચોક્કસ લાગશે. કદાચ વિશ્વાસ પણ નહી આવે, પરંતુ આ સોળ આની પાક્કી ખબર છે. અભયને અકસ્માત કેસમાં ફસાવનાર અને બંસરીની જાણકારી રઘુભાને પહોંચાડનાર બીજું કોઇ નહી પરંતુ આપનો જ પાક્કો મિત્ર કમલ દિક્ષિત છે.” રાજસંગે આખરે નામ જણાવી જ દીધું.
“વોટ!” બેતહાશા આશ્વર્યથી જોષી ઉછળી પડયો. તેને લાગ્યું કે રાજસંગ અડધી રાત્રે તેની સાથે મજાક કરી રહ્યો છે. તેનાં દિમાગમાં એકદમ સન્નાટો છવાઇ ગયો. કમલ દિક્ષિત કેવી રીતે આ સાઝિશ રચી શકે? અરે, બંસરી ગુમ થઇ હતી ત્યારે સૌથી પહેલો ફોન તેણે કમલ દિક્ષિતને જ તો કર્યો હતો. અને કમલ દિક્ષિતે કેવી રીતે મિનિટોમાં બંસરીની તલાશ શરૂ કરાવી હતી એ પણ તેને ખબર હતી. નાં નાં, રાજસંગ કહે છે એ સત્ય નથી. જરૂર તેને કોઇ ગલતફહેમી થઇ છે.
“જોષી સાહેબ, મને ખબર જ હતી કે તમને ઝટકો લાગશે કારણ કે એ તમારો અંગત મિત્ર છે. પરંતુ મારી ખબર પણ એકદમ પાક્કી અને ટકોરાબંધ છે. દિક્ષિત જ આસ્તિનનો સાંપ છે. ભલે એ તમને મદદ કરવાનો ડોળ કરતો રહ્યો હોય પરંતુ એ તેની ચાલ હતી. સાથે રહીને દરેક ખબર ઉપર નજર રાખવાની અને એ પ્રમાણે પોતાના ચોગઠા ગોઠવવાનાં.” એક નિશ્વાસ છોડતાં રાજસંગ બોલ્યો. ”મારે જે કહેવાનું હતું એ કહી દિધું, હવે તમે જોઇ લો કે તમારે શું કરવું છે? સચ્ચાઈની સાથે જવું છે કે દોસ્તી નિભાવવી છે એ હું તમારા ઉપર છોડું છું. આવજો જોષી સાહેબ.” કહીને તેણે ફોન મુકી દીધો.
રમણ જોષી સન્નાટામાં આવી ગયો હતો. અચાનક જાણે કોઇએ તેનાં માથામાં લોખંડનો ભારેખમ ઘણ ઠપકારી દીધો હોય એમ તેનું મગજ સૂન્ન પડી ગયું. રાજસંગે જે કહ્યું હતું એ અવિશ્વસનીય હતું. દિક્ષિત એવું કરે જ શું કામ? બંસરીને તે પોતાની બહેન માનતો હતો. શું કોઇ ભાઇ પોતાની જ બહેનનું અહિત વિચારે? સવાલોનાં ઘેરામાં અટવાતો જોષી ક્યાંય સુધી કમરામાં આમથી તેમ આંટા મારતો રહ્યો. અને પછી તેણે એક નિર્ણય લીધો કે તે દિક્ષિતની હકીકતની તેહકીકાત કરશે.
@@@
બંસરીએ જીદ પકડી હતી કે તે રાજગઢ જશે જ. સવારે ઉઠતાંવેત જ તેણે ભાઈનાં કમરા ઉપર ચઢાઇ કરી હતી અને ક્યારની તે તેને કનડતી હતી. ગઇકાલે જ તેણે અલ્ટિમેટમ આપી દીધું હતું કે તે અભયની પાછળ રાજગઢ જશે. ખરું પૂંછો તો પહેલી નજરમાં જ તે અભયથી પ્રભાવિત થઇ હતી અને તેને એ ગમ્યો હતો. અભય નિર્દોષ હતો એ તે જાણી જ ચૂકી હતી પરંતુ એ વાત અભયને જણાવવા છતાં તે નિર્લેપ રહ્યો હતો એ બાબત તેને કઠી હતી. કોઇ માણસની સમગ્ર કેરિયર જ્યારે દાંવ પર લાગી હોય ત્યારે તે પરિસ્થિતિથી ભાગી જ કેવી રીતે શકે? બસ… આ સવાલનો જવાબ મેળવવાં જ તે રાજગઢ જવા માંગતી હતી. એમ કહોને કે તેણે રીતસરની જીદ પકડી હતી.
રમણ જોષીને તો ભાવતું હતું ને વૈદે કહ્યું જેવો ઘાટ થયો હતો. ગઇરાત્રે ભરૂચથી રાજસંગનો ફોન આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીનો સમય તેણે સખત અજંપામાં જ વિતાવ્યો હતો. કમલ દિક્ષિત આ મામલામાં સંડોવાયેલો હોય એ માનવા તેનું મન રાજી થતું જ નહોતું. પરંતુ રાજસંગની વાતને પણ તે ઝૂઠલાવી શકે તેમ નહોતો. વળી રાજસંગ શું કામ આ મામલામાં તેનું નામ ન આવે એવું ઈચ્છતો હતો એ પણ તેને સમજાતું હતું. પોતાનાં જ ડિપાર્ટમેન્ટનાં કોઇ અફસર વિરુધ્ધ કાર્યવાહી ભાગ્યે જ બીજો કોઇ અફસર કરતો હોય છે એ સામાન્ય સમજદારીની વાત હતી.
તો… હવે તેણે શું કરવું જોઇએ? સૌથી પહેલા તો બંસરીને આ ઝમેલાથી દૂર કરવાની હતી. હવે સામેથી જ જો બંસરી રાજગઢ જવાનો પ્રસ્તાવ લઇને આવી હોય તો પછી એ સમસ્યા તો આપોઆપ હલ થઇ જતી હતી. એ રાજગઢ રહે ત્યાં સુધીમાં તે કમલ દિક્ષિતની હકીકતનો તાગ મેળવી લેશે અને રઘુભા ક્યાં સંતાયો છે એ પણ જાણી લેશે.
“ઓ.કે. તું જઇ શકે છે. પરંતુ…” રમણ જોષીએ વાત અધૂરી મૂકી. બંસરી ભાઈની સામું જોઇને હસી પડી. તેનો રૂપાળો ચહેરો ઓર ખીલી ઉઠયો.
“પરંતુ મારે તમને દરરોજ ફોન કરવાનો, અને એ પણ દિવસમાં ચાર વખત. ખબર છે મને.” તે બોલી ઉઠી અને પછી ખુશી અનુભવતી પેકિંગ કરવા ચાલી ગઇ. રમણ જોષીએ પણ રાહતનો દમ ભર્યો હતો.
પણ એ રાહત ક્ષણજીવી હતી. ભયાનક તૂફાન આવતા પહેલાની શાંતી જેવી હતી.
(ક્રમશઃ)