Maro Shu Vaank - 23 in Gujarati Moral Stories by Reshma Kazi books and stories PDF | મારો શું વાંક ? - 23

Featured Books
Categories
Share

મારો શું વાંક ? - 23

મારો શું વાંક ?

પ્રકરણ - 23

દાનીશ સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠી ગયો... ફજરની નમાઝ અદા કરીને તૈયાર થઈને નાસ્તો પાણી પતાવીને એ સવારનાં સાડા છ વાગ્યે ડ્રાઈવરની સાથે પોતાની કારમાં રહેમતનાં ગામડે જવા નીકળી પડ્યો. માલની ડિલિવરી લેવા માટેનાં બે ટ્રક ડ્રાઇવરને પણ પોતાની ગાડીની સાથે જ રહેવાનુ કહી દીધું હતું.

લગભગ દસ વાગ્યાની આસપાસ દાનીશ સમસ્તિપુર પહોંચી ગયો. બેય ટ્રક અને તેની કાર શકુરમિયાંનાં ખેતરે પહોંચી ગયા.

આજે શકુરમિયાં પણ ખેતરે આવ્યા હતા... જાવેદ, સુમિત અને રહેમત પણ માલની ડિલિવરી કરાવવાની હોવાથી ત્યાં હાજર જ હતા. નાનકડી અફસાના પણ આજે રહેમત સાથે ખેતરે આવી હતી... તેની તબીયત સારી નહીં હોવાથી એને આજે સ્કૂલ નહોતી મોકલી.

કારમાંથી બહાર નીકળીને દાનીશ જાવેદ અને સુમિતને મળ્યો અને સુમિતને ગળે લગાવીને બોલ્યો..... કેટલા ટાઈમથી મને તારા ગામડે આવવાનું કહેતો તો.... બસ.... આજે તારી એ ઇચ્છા પૂરી કરી દીધી... ખરેખર દોસ્ત! તારું ગામ ખૂબ સરસ છે.... શહેરનાં ઘોંઘાટથી દૂર આ ગામની તાજી હવા અને લીલાછમ ખેતરો એ મારા મનને ખુશ કરી દીધું.

સુમિત દાનીશનો ખભ્ભો થપથપાવતા બોલ્યો.... દોસ્ત! આવી રીતે ગામમાં આવતો જતો રે તો મનેય મજા આવે અને તારી તબીયત પણ સુધરી જાય... હવે બીજીવાર આવ ત્યારે તારા અમ્મીને પણ સાથે લેતો આવજે... એમને ગામનું દેશી ઘી ખવડાવીશ.

દાનીશ ખડખડાટ હસીને બોલ્યો... ચોક્કસ... બીજી વખત અમ્મીને લઈને આવીશ પણ અત્યારે પહેલા મારી તો મહેમાનગતિ કર... મને તો દેશી ઘી ખવડાવ.

ત્યાં શકુરમિયાં દાનીશની પાસે આવીને બોલ્યા.... દેશી ઘી તો શું.... તમને ગામડામાં બનતું આખું ભાણું ખવડાવીશ... તમે તો અમારાં મહેમાન છો અને મહેમાન તો નસીબદાર માણસનાં ઘરે પધારે.

જાવેદે પોતાનાં પિતાનો દાનીશને પરિચય કરાવ્યો... અને દાનીશ શકુરમિયાંને ખૂબ માનપૂર્વક ગર્મજોશીથી મળ્યો. દાનીશની નજર રહેમતને શોધી રહી હતી.

ત્રણેય જણાં જે ગોદામમાં માલ પડ્યો હતો તે તરફ દાનીશને લઈ ગયા... ત્યાં દાનીશની નજર ગોદામથી થોડે દૂર અફસાના સાથે મસ્તી કરતી રહેમત પર પડી.

અફસાના પોતાનાં નાના હાથોથી પ્રેમપૂર્વક હળવેકથી રહેમતને ગાલમાં થપાટો મારતી હતી.. તો સામે રહેમત પણ અમ્મીને મારે છે? એવું બોલીને અફસાનાનાં બેય ગોળમટોળ ગાલને હળવેકથી થપાટ મારતી તી... જેથી અફસાના જોર-જોરથી હસી પડતી અને એની હારે-હારે રહેમત પણ હસી પડતી.

આછાં ગુલાબી રંગનું ઓઢણું પવનને કારણે વારંવાર રહેમતનાં માથા પરથી ઉતરી જતું હતું જેને કારણે કોરા વાળની લટો એના ચહેરા ઉપર ફેલાઈ ગઈ હતી... અફસાના નાના હાથોથી રહેમતની લટોને ચહેરા પરથી હટાવીને પાછી સરખી કરી દેતી અને જોર-જોરથી હસીને રહેમતને વળગી પડતી.... માં-દીકરીનાં પ્રેમને દૂર થી નીરખી રહેલા દાનીશનાં ચહેરા પર પણ અફસાનાને જોઈને સ્મિત રેલાઈ ગયું.

જાવેદે રહેમતને બૂમ પાડીને બોલાવી... રહેમત! બેટા... અફસાનાને લઈને અયાં આવ... માલની ડિલિવરી લેવા દાનીશ ભાઈ આવી ગયા છે.

રહેમત ફટાફટ ઊભી થઈને ગોદામ તરફ આવી એ પહેલા તો અફસાના અબ્બા... અબ્બા.... કરીને જાવેદને ચોંટી ગઈ... જાવેદે તરત એને તેડી લીધી. અફસાના એકધારી નજરે દાનીશને જોવા મંડી.... દાનીશ એની સામે હસીને બોલ્યો... બેટા! તારું નામ શું છે? અફસાના ફટાક દઈને બોલી... અંકલ! પેલા પ્રોમિસ કરો... નામ બોલીશ તો ચોકલેટ આપશો... અફસાનાની વાત સાંભળીને દાનીશે ખડખડાટ હસીને અફસાનાને તેડી લીધી અને બોલ્યો.... એલા સુમિત! જો તો ખરો... આપણે આટલા હતા તો આવી કાઇં ખબર પડતી તી.... અત્યારનાં બચ્ચાંઓ તો કેટલા ફાસ્ટ ફોરવર્ડ છે.

દાનીશ અફસાનાનાં ગાલે ચૂમી ભરીને બોલ્યો... હા બેટા! મારી ગાડીમાં ચોકલેટ પડી છે.... તું તારું નામ બોલ એટલે હમણાં જ ચોકલેટ લાવી દઉં... અફસાના આ સાંભળીને ફટાફટ પોતાનું નામ બોલી ગઈ.. દાનીશે ગાડીમાંથી ડ્રાઈવર પાસે ચોકલેટ મંગાવી અને અફસાનાને આપી. અફસાના ખુશીથી થેંક્યું અંકલ.... થેંક્યું અંકલ... કહીને દાનીશને ચોંટી ગઈ.

રહેમત ઊભી રહીને આ બધુ જોઈ રહી હતી... દાનીશની નજર તેના ઉપર પડતાં રહેમતે હલકા હાસ્ય સાથે આવો.... એમ કહીને દાનીશને આવકાર્યો... પેલા દિવસે સળગતા જ્વાળામુખી જેવો ગુસ્સાથી લાલ થયેલો રહેમતનો ચહેરો આજે દાનીશને ખાસ્સો શાંત દેખાતો હતો... જેથી દાનીશને થોડોક હાશકારો થયો કે પેલા દિવસે પોતે કરલી ભૂલને રહેમત ભૂલી ગઈ લાગે છે.

જાવેદે ગોદામમાં પેક કરેલા માલને દાનીશને દેખાડ્યો અને કહ્યું.... દાનિશ ભાઈ તમારે માલને ચેક કરવો હોય તો કરી શકો છો.... દાનિશ બેફિકરાઈ સાથે બોલ્યો.... શું જાવેદ ભાઈ ! મને તમારા અને સુમીત ઉપર પૂરો ભરોસો છે અને વિશ્વાસે તો માણસ વહાણ હંકાવી જાય છે... અને વળી પાછો આ તો તમે ખરાઈ કરીને પેક કરેલો માલ છે એને ચેક શું કરવાનો હોય? પોતાની સાથે આવેલા મજૂરોને ટ્રકમાં માલ ચડાવી દેવાનો આદેશ દાનીશે આપી દીધો.

રહેમત દૂર ઊભી રહીને આ બધુ જોઈને વિચારવા લાગી કે ... મહેશ શેઠ અને દાનીશ બંને વેપારી છે છતાં બંનેમાં કેટલો ફરક છે.. એક મહેશ શેઠ છે કે જે ઓછા ભાવ આપીને દસ વખત માલને ચેક કરીને કચકચ કર્યા કરતાં જ્યારે એક તરફ દાનીશ છે જેણે કોઈ પણ જાતની રકઝક કર્યા વગર ફક્ત સેમ્પલ જોઈને માલનું એ જ સમયે પેમેન્ટ પણ કરી દીધું.... ખરેખર દાનીશ ખૂબ ઈમાનદાર વ્યક્તિ છે જે આજે નજરોનજર જોઈ પણ લીધું.

શકુરમિયાં દાનીશ પાસે આવીને બોલ્યા... શેઠ! તમે ખૂબ ઈમાનદાર વ્યક્તિ છો... આટલા વરસમાં આવા શેઠ પેલીવાર જોયા... નકર અમારા જુનાં ઘરાક મહેશ શેઠ તો સોદો પાર પાડવામાં નાકે દમ લાવી દેતા.

દાનીશ શકુરમિયાંનો હાથ પકડીને બોલ્યો... કાકા! તમે મને શેઠ શું કામ કહો છો? ખાલી દાનીશ કહેશો તો મને વધારે ગમશે... અને તમારો માલ એ-વન ક્વોલિટીનો છે જેથી હવેથી હું તમારા માલનો કાયમી ધોરણે ઘરાક રહીશ.

ત્યાં તો બધા મજૂરોએ બધો સામાન ટ્રકમાં ચડાવી દીધો અને બેય ટ્રકને અમદાવાદ જવા રવાના કરી દીધા.

સુમીત દાનીશને ખેતર જોવા ગોદામની બહાર લઈ ગયો... બધો પાક લેવાઈ ગયો હોવાથી ખેતરમાં ખેડાણ કામ ચાલી રહ્યું હતું.

ઇબ્રાહીમ પોતાની કસાયેલી બોડી બધાને દેખાય એ માટે શર્ટ કાઢીને ટ્રેક્ટરથી ખેતરનું ખેડાણ કરી રહ્યો હતો... સુમીત દાનીશને ઇબ્રાહીમનો પરિચય આપીને બોલ્યો.... આ અમારો ઇબ્રાહીમ ઉર્ફે સલમાન ખાન છે... સલમાનની દરેક ફિલ્મ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જુએ.

દાનીશ મજાકીયા મૂડમાં બોલ્યો... ઇબ્રાહીમ! બોડી તો મારી પણ સલમાન જેવી જ છે... એ તો અત્યારે પૂરા કપડાં પહેર્યા છે એટલે બરાબર દેખાતી નથી... બાકી હું પણ સલમાનનો બહુ મોટો ફેન છું.

એમ... ટ્રેક્ટર ઉપરથી ઠેકડો મારીને ઇબ્રાહિમ નીચે ઉતર્યો અને બોલ્યો... તો આપણી ખૂબ બનશે... હાલો શર્ટ ઉતારો... આપણાં બેય માંથી કોના ડોલે-સોલે વધારે કસાયેલા છે એ જોવીએ.

સુમીત દાનીશને પાનો ચડાવતા બોલ્યો... કમ ઓન... દાનીશ... આજે ઇબ્રાહિમને દેખાડી જ દે કે તારી બોડી એકદમ સલમાન જેવી છે... એટલું બોલીને સુમીત દાનિશના શર્ટનાં બટન ખોલવા લાગ્યો.

દાનીશે પોતાનો શર્ટ ઉતારી નાખ્યો અને પોતાનાં કસાયેલા બાવળા ફુલાવા માંડ્યો... સામે ઇબ્રાહિમ પણ પોતાનાં બાવળા ફુલાવીને કોના વધારે છે એ ચેક કરવા માંડ્યો...

ખેતરમાં કામે આવેલા બધા લોકો કામ છોડીને એ બંને ને જોવા ઊભા રહી ગયા... દૂરથી આ બધુ જોઈ રહેલી રહેમત જાવેદને કહેવા લાગી... ભાઈ! આપણે એક સલમાન ઓછો હતો તે આ બીજો સલમાન વેપારીનાં રૂપમાં ટપકી પડ્યો..

જાવેદ પણ દાનીશને એકધારો જોઈ રહ્યો અને બોલી ઉઠ્યો... સાલું.... આવો વેપારી આટલા વરસોમાં પેલીવાર જોયો.. રહેમત! આપણો પનારો હવે બે સલમાન હારે પડવાનો છે કહીને બંને જણાં જોરથી હસી પડ્યા.

ઇબ્રાહીમ દાનીશનાં બાવળા કેટલા કડક છે અને પેટ ઉપર કેટલા એબ્સ પડે છે એ પેટ ઉપર આંગળી અડાડીને ગણી રહ્યો તો... આ બધુ તેની માં જુલેખા રહેમતની બાજુમાં ઊભી રહીને જોઈ રહી હતી અને બબડતી જાતી તી કે .... હે મા! છટ્ટારો.... નેર તે ખરી... એરો કેરો બોડી પ્રેમ આય .... કેરો આંગરી હું છોરે જે પેટ પે ફેરેતો....

જુલેખા દોડીને ઇબ્રાહીમ પાસે ગઈ અને જોરથી બોલી .... છટ્ટારા.... શરમ નાઈ અચેતી? નાગો ફરેતો... મણે તોકે નેરેતા...

થોડી-થોડી કચ્છી સમજતો દાનીશ ઇબ્રાહીમની માં ની વાત સમજી ગયો અને એની માં થી ડરીને દાનીશે ઇબ્રાહીમ પહેલાં ફટાફટ શર્ટ પહેરી લીધું અને ઇબ્રાહીમની માં ને સલામ કર્યું... દૂર ઉભેલા બધા લોકો ઠહાકાભેર હસી રહ્યા હતા.... જુલેખાએ હસીને સલામનો જવાબ આપ્યો અને બોલી.... આ મારો ઇબ્રાહીમ તો ગાંડો છે તમે ક્યાં એની વાતમાં ભેરવાઈ ગયા..

રહેમત પણ આ બધુ જોઈને પોતાની હસીને કાબુમાં ના રાખી શકી અને જોર-જોરથી હસવા લાગી.... હસતી રહેમતને દાનીશ એકધારો જોઈ રહ્યો... જાણે કે કોઈ તાજું ખીલેલું ફૂલ મલકી રહ્યું હોય એવું એને રહેમતને જોઈને લાગ્યું.

અફસાના દોડતી-દોડતી ઇબ્રાહીમનાં બાવળા ઉપર લટકી ગઈ અને બોલવા લાગી.... મામુ! જુલા ખવડાવો.... ઇબ્રાહીમ એક હાથેથી અફસાનાને પકડીને બીજા હાથના બાવળાથી એને જૂલા ખવડાવવા લાગ્યો.. અને અફસાના ઉડતા પતંગિયાની માફક હવામાં લહેરાઈને ખિલખિલાઇને હસવા માંડી... નાનકડી ઢીંગલીને હસતાં જોઈને ઉભેલા બધા લોકોનાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ ગયું.

***