વિષાદયોગ-પ્રકરણ-53
_______#######__________________######__________#####-----------
પ્રશાંત કામત જ્યારે ફાર્મ હાઉસ પહોંચ્યો ત્યારે ત્યાં કેટલી બધી કાર પાર્ક થયેલી હતી. આ જોઇ પ્રશાંત કામતને નવાઇ લાગી. જો કે ડર તો તેને ત્યારે પણ લાગ્યો હતો, જ્યારે ફોન પર તેને કૃપાલસિંહના ફાર્મ હાઉસ પર પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. ફોન મૂકી પ્રશાંતને એક વાર એવો પણ વિચાર આવેલો કે, ત્યાં જઇ મોતના મુખમાં ફસાવા કરતા હું ક્યાંક છુપાઇ જઉં તો સારુ, પણ તરતજ તેને વિચાર આવેલો કે હું કૃપાલસિંહથી ક્યાં સુધી છૂપો રહી શકીશ. તે મને બે દિવસમાં શોધી કાઢશે અને મારી નાખશે. તેના કરતા તો ત્યાં જવામાંજ ભલાઇ રહેલી છે. તેને કદાચ હજુ મારા પર શંકાજ ગઇ હોય તો તેને સમજાવી શકાશે પણ જો હું નહીં જઉં તો તો તેની આ શંકા દ્રઢ થઇ જશે કે આ કામ મારુ છે. ઘણા વિચાર કર્યા બાદ પ્રશાંતે કારને ફાર્મ હાઉસ તરફ જવા દીધી હતી. વચ્ચે એક જગ્યાએ કાર ઊભી રાખી પ્રશાંતે તેની કોલ હિસ્ટરીમાંથી નિશીથને કરેલા બધાજ કોલ ડીલીટ કરી નાખ્યા. બાકીના કોલ હિસ્ટરીમાં એમજ રહેવા દીધા. પ્રશાંત પણ ખેલાડી હતો. તે કોઇ પણ રીતે કૃપાલસિંહના શકના દાયરામાં આવવા માંગતો નહોતો. પ્રશાંત કાર લોક કરી ફોનને સાઇલેન્ટ મોડમાં મૂકી ફાર્મ હાઉસમાં દાખલ થયો. તેને જોઇ ત્યાં ઊભેલો સિક્યોરિટીગાર્ડ આગળ આવ્યો અને પ્રશાંતને કોન્ફરન્સ હોલ તરફ જવાનું કહ્યું. પ્રશાંત આ ફાર્મ હાઉસ પર બે ત્રણ વાર આવી ગયો હતો. તે સીધોજ કોંન્ફરંસ રુમ પાસે પહોંચ્યો ત્યાં બે ત્રણ કમાંડો ઊભા હતા. તેને જોઇને પ્રશાંતને સમજાઇ ગયું કે કૃપાલસિંહ અંદર છે. કમાંડોએ પ્રશાંતની તલાસી લીધી અને પછી અંદર જવા દીધો. પ્રશાંત અંદર દાખલ થયો અને અંદરનું દૃશ્ય જોયુ એ સાથેજ ચોંકી ગયો. આખો કોન્ફરન્સ હોલ કૃપાલસિંહના જુદા-જુદા માણસોથી ભરેલો હતો. આ જોતાજ પ્રશાંતને થોડી રાહત થઇ. પ્રશાંતને હવે ધીમે ધીમે આખી મેટર સમજાઇ રહી હતી. પ્રશાંત જઇને એક ખાલી ખુરશી પર ગોઠવાઇ ગયો. પ્રશાંતે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પુછ્યું પણ કોઇને પણ અહીં બોલાવવા પાછળનું કારણ ખબર નહોતું. બધાને પ્રશાંતની જેમજ ફોન કરીને અહીં બોલાવામાં આવ્યાં હતા. પ્રશાંત હજુ કંઇ આગળ પુછે એ પહેલાજ કૃપાલસિંહનો રુઆબદાર અને પોલાદી અવાજ હોલમાં ગુંજ્યો “તમને બધાને અચાનક ઇમર્જન્સીમાં બોલાવવા પાછળનું એક ખાસ કારણ છે. અહીં બધા બેઠા છે તે બધા કોઇને કોઇ રીતે મારી સાથે જોડાયેલા છે. આમ તો તમે બધાજ મારા વિશ્વાસુ માણસો છો પણ આમાથી કોઇક મારી સાથે ગદ્દારી કરી રહ્યું છે. મને તેને પકડતા વાર નથી લાગવાની મારા માણસો અને પોલિસ ફોર્સ કામે લાગી ગઇ છે. મારો ખાસ માણસ વિલી ગાયબ થઇ ગયો છે. મને ખબર છે કે તેમા કોઇ મારા પોતાનાજ માણસનો હાથ છે. મે તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે જો કોઇ આમા સામેલ હોય તો અત્યારેજ કહી દો કદાચ હું તેને માફ કરી દઉં. અને સામેલ ન હોય તો વિલીને શોધવામાં મને મદદ કરો. જે પણ વિલી વિશે માહિતી આપશે તેને મારા તરફથી ઇનામ મળશે. બાકી જો મને વિલી 24 કલાકમાં નથી મળ્યો તો હું કોઇને છોડીશ નહીં. હવે તમારામાંથી કોઇ 24 કલાક સુધી અહીથી બહાર નહીં જાય. તમારા મોબાઇલ જમા કરાવી દો.” આ સાંભળતાજ હોલમાં સન્નાટો છવાઇ ગયો. એક જણાએ ઊભા થઇને કહ્યું “સાહેબ પણ અમે કંઇ કર્યુ નથી તો પછી આ રીતે બંદી બનાવવાનો શું મતલબ? અમે અમારા કામ ધંધા છોડીને તમને મળવા આવ્યા છીએ. આ રીતે તમે અમને પૂરી રાખો તે કેમ ચાલે?”
આ સાંભળી કૃપાલસિંહનો પિતો ગયો “આ તો હજુ પૂરી જ રાખ્યા છે. જો વિલી નહીં મળે તો હું એક એકની કુંડળી કઢાવીશ. જેને જવુ હોય તે જાય પણ યાદ રાખજો જે અહીંથી ગયો, તેણેજ વિલીને ગાયબ કર્યો છે તેવું હું સમજીશ." આટલુ સાંભળ્યા પછી પેલો માણસ નીચે બેસી ગયો. આખા હોલમાં કોઇની હિંમત ન થઇ કે અહીંથી ઊભા થઇને બહાર નીકળે. આ જોઇ કૃપાલસિંહે કહ્યું “ઓકે, તમારે જે જોઇએ તે તમને અહીં મળશે પણ કોઇ અહીથી ક્યાય પણ આડા આવળુ થયું તો તેને હું છોડીશ નહીં” આટલું બોલી કૃપાલસિંહ હોલની બહાર નીકળી ગયો. હોલમાં રહેલા બધાજ માણસો પાસેથી મોબાઇલ લઇ લેવામાં આવ્યાં. કૃપાલસિંહ તરતજ તેની કારમાં બેસી ગાંધીનગર જવા નીકળી ગયો. કારમાં તેની પાસે બેઠેલા પી.એ એ તેને પુછ્યું “સાહેબ, આમાથી જ કોઇ છે, તેવો તમને પુરો વિશ્વાસ છે?”
“હા, આમાથી જ કોઇ હોવો જોઇએ. કેમકે જે રીતે તે કામ કરી રહ્યો છે તેના પરથી એ પાકુ છે કે તે મને અને વિલીને સારી રીતે ઓળખે છે. અને જો આમાથી કોઇ નહી હોય તો પણ આ લોકોમાંથી કોઇક તેને મદદ ચોક્કસ કરી રહ્યું છે. એ મદદ બંધ થઇ જશે તો પેલો તેના દરમાંથી બહાર નીકળશે. અને એવુ કંઇક કરશે કે તે ચોક્કસ પકડાઇ જશે.” આટલુ બોલી કૃપાલસિંહે એક કોલ લગાડયો અને કહ્યું “જો રાઘવ ત્યાં રહેલા તમામ પર ચાંપતી નજર રાખજે. બધાજ સી.સી ટીવી ફુટેજ પર ધ્યાન રાખજે. જરા પણ કોઇ પર શક જાય તો તરતજ મને જાણ કરજે. તે લોકોમાંથી કોઇ તો છે જે આમા સામેલ છે.”
પ્રશાંત પાસેથી મોબાઇલ લેવાઇ જતા તે ઘુઘવાઇ રહ્યો હતો. હવેજ ખરાખરીનો ખેલ હતો અને ત્યારેજ તે અહીં પુરાઇ ગયો હતો. પ્રશાંતને આ બાબતનો શક તો પહેલેથીજ હતો કે કૃપાલસિંહ કોઇક એકશન જરુર લેશે, પણ આટલી ઝડપથી આટલું મોટું પગલુ ભરશે તે વિલીએ વિચાર્યુ નહોતું. હવે આખો મદાર નિશીથ પર હતો.
-------------************--------------*************-------------*******************-----------------
બાપુએ કારની ઇચે ઇચ જગ્યા ચેક કરી પણ કોઇ જગ્યાએથી કશુ મળ્યુ નહીં. એટલે બાપુ થોડીવાર એમજ ઊભા રહ્યા અને પછી ઇ.દવેને કહ્યું “આ કાર જપ્તીમાં લઇ લો અને ચાલો હવે અહીં કંઇ કામ નથી.” આટલુ કહી બાપુ તેની જિપ તરફ આગળ વધ્યા. ઇ. દવે પણ તેના કોંસ્ટેબલને થોડી સુચના આપીને બાપુની પાછળ ચાલ્યા. બંને બાપુની જિપમાં ગોઠવાયા એટલે ડ્રાઇવરે જિપને પાલીતાણા તરફ જવા દિધી.
જિપ થોડી આગળ વધી એટલે ઇ.દવે એ પુછ્યું “બાપુ, આ કેસમાં તમને શું લાગે છે?” આ સાંભળી બાપુએ એક સીગારેટ સળગાવી અને બોલ્યા “ મારી સિક્થ સેન્સ તો એમજ કહે છે કે આ કાર અને બધી માથાકુટ આપણને ગુમરાહ કરવા હતી. આ જે વ્યક્તિ કે ગેંગ છે તે સારી રીતે જાણતી હતી કે તેની તપાસ થશે અને તપાસની સ્ટ્રેટેજી આજ રીતની હશે. મને તો લાગે છે કે આ ખૂબજ પ્લાનીંગથી થયેલુ છે અને ગુનેગાર આપણા કરતા બે ડગલા આગળ છે. તેણે જે ધાર્યુ હતુ તેજ થયું. તેણે આપણને ગુમરાહ કર્યા અને તેને જોઇતો સમય મળી ગયો. હવે આપણે એજ વિચારવાનું છેકે આ વિલીનું અપહરણ કરવા પાછળનો મકસદ શું હોઇ શકે?” આ સાંભળી ઇ. દવે એ કહ્યું “તમે એક શક્યતા ધ્યાનમાં નથી લેતા. ક્યાંક એવુ તો નથીને કે આ બધી ચાલ વિલીનીજ છે. તે આ ગુનામાં સામેલ છે. અને તે આપણને ગુમરાહ કરવા માટે આ કરી રહ્યો છે.”
આ સાંભળી બાપુ વિચારમાં પડી ગયા અને બોલ્યા “હા એ એક શકયતા છે પણ મને તેના ચાન્સીસ ઓછા લાગે છે. કેમકે જો તેણે ગાયબ થઇ જવુ હતુ તો તે પેલા 150 કરોડ લઇને ગાયબ થઇ જાત. આમ સરકારને આપીને તે ગાયબ શું કામ થાય? અને મે વિલીને કુંડળી કઢાવી છે તેના પરથી એટલુંતો નક્કી છે કે તે કોઇ દેશભક્ત નથી કે આટલી મોટી રકમ સરકારને આપી દે.”
“પણ બની શકે કે આ રકમ સરકારમાં આપી તે આપણું ધ્યાન બીજે દોરી પોતાનું કામ કઢાવવા માંગતો હોય.” ઇ. દવે એ દલીલ કરતા કહ્યું.
“હા, એતો સાચી વાત કે આ 150 કરોડ તો માત્ર ચણા મમરા છે. આ લોકોનું મુખ્ય ધ્યેય તો કઇંક બહુ મોટું છે.” બાપુએ ઇ.દવે સાથે સંમત થતા કહ્યું. પણ પછી તે થોડા રોકાયા અને બોલ્યા “તમને ખબર છે આ વિલી કોનો માણસ છે?” આ સાંભળતા દવે એકદમ સતર્ક થઇ ગયા અને બોલ્યા “ના એ કંઇ મને ખબર નથી. પણ તમે ડાઇરેક્ટ અહી સુધી તપાસ માટે આવ્યા એટલે મને એ વાત તો સમજાઇ ગઇ હતી કે આમા કોઇ મોટી હસ્તી સામેલ છે.”
“આ વિલી કૃપાલસિંહનો ડાબો હાથ છે. કૃપાલસિંહના બધાજ કાળા કામ આ વિલી સંભાળતો હતો અને આ 150 કરોડ પણ કૃપાલસિંહના જ હશે.” આ સાંભળી ઇ.દવે ચોંકી ગયા અને બોલ્યા “કોણ, મિનિસ્ટર કૃપાલસિંહ? ઓહ તો તો આ કેસ ખુબજ હાઇ પ્રોફાઇલ છે. આમા તો આપણી નોકરી પણ જઇ શકે. તમે અત્યાર સુધી કેમ કહ્યું નહીં?”
આ સાંભળી બાપુ હસી પડ્યા અને બોલ્યા “ અરે તમે ચિંતા નહી કરો. આ કેસ ટોટલી ઓફ ધ રેકોર્ડ હેન્ડલ કરવાનો છે. કૃપાલસિંહના કાળા કામ આમા બહાર આવે એમ છે એટલે તેની ચોટલી અત્યારે આપણા હાથમાં છે. આ અમારો કમિશ્નર તેનો પાલતુ કુતરો છે, એટલે મારે દોડવુ પડે છે બાકી આ કેસમાંતો જે ચાલે છે તે ચાલવા દેવાની જરુર છે. આ કેશ કૃપાલસિંહની આખી પોલ ખોલી નાખશે.” બાપુએ આટલુ બોલી સીગારેટને બારી બહાર ફેંકી દીધી. અને પછી થોડુ રોકાઇને બોલ્યા “પણ આ કેશમાં આપણી આબરુનો પણ સવાલ છે એટલે ગમે તેમ કરી પેલા વિલીને શોધવોજ પડશે.” આટલું બોલી તે થોડુ રોકાયા અને પછી કંઇક યાદ આવ્યું હોય તેમ ડ્રાઇવરને કહ્યું “ કારને કૃપાલસિંહના વતન સૂર્યગઢ લઇલે. વિલી કાલે રાતે ત્યાંજ હતો અને ત્યાંથીજ અમદાવાદ જવા નીકળ્યો હતો.”
-------------------**************--------------************----------------**************-----------
“તમે આ શું કર્યુ? તે રાક્ષસ હવે મને ક્યારેય છોડશે નહીં. તે મારા પરિવારને હેરાન કરશે.” વિલી હજુ પેલા 150 કરોડ રુપીયાના સદમામાંથી બહાર આવ્યો નહોતો. જ્યારથી તેણે ટીવી પર દૃશ્ય જોયુ હતું ત્યારથી તેની બધીજ હિંમત ચાલી ગઇ હતી. તે થોડીવારે આજ વાત કરતો હતો. નિશીથે પણ તેને થોડીવાર એકલો છોડી દીધો હતો. દશેક મિનીટ બાદ નિશીથે કહ્યું “વિલી હવે તારે મારું એક છેલ્લું કામ કરવાનું છે, તે પછી હું તને મુક્ત કરી દઇશ. આ મારુ પ્રોમિશ છે.”
આ સાંભળી વિલી ગુસ્સે થઇ ગયો અને બોલ્યો “હવે હું તારુ કોઇ કામ કરવાનો નથી. તે જે મારું બગાડવુ હતુ તે બગાડી લીધુ છે. હવે આનાથી વધારે તું શું મારુ બગાડી શકીશ? હવે હું તારી કોઇ વાત નહી માનું, તારે જે કરવું હોય તે કર.”
આ સાંભળી નિશીથે કહ્યું “ ઓકે ટીવી પરનું દૃશ્ય જોઇલે પછી કદાચ તારો આ નિર્ણય બદલી જશે.” એમ કહી નિશીથે ટીવી ઓન કર્યુ. વિલીએ ટીવી પર જોયુ તો કૃપાલસિંહના બંગલાનું દૃશ્ય હતું. કૃપાલસિંહ તેના માણસોને કહી રહ્યો હતો કે વિલીના આખા પરિવારને પકડીને અહીં લઇ આવો. આ દૃશ્ય જોઇ વિલી ધ્રુજી ગયો અને કરગરતા બોલ્યો “ આજ તો તમારે જોઇતુ હતું. મારી પત્ની અને દિકરાએ તમારુ શું બગાડ્યું છે? તમે તેને બચાવી લો પ્લીઝ.”
“આ દૃશ્ય દશ મિનીટ પહેલાનું છે. હવે કૃપાલસિંહના માણસો તારા ઘરે પહોંચતાજ હશે. તું ધારે તો હું તારા પરિવારને બચાવી શકુ એમ છું. પણ તેના બદલામાં તારે હું કહું તે છેલ્લુ કામ કરવું પડશે.”
આ સાંભળી વિલી એકદમ જ ગળગળો થઇ ગયો અને બોલ્યો “તમે જે કહેશો તે હું કરીશ, પણ પહેલા તમે મારા પરિવારને બચાવી લો પ્લીઝ.” આ સાંભળી નિશીથે કહ્યું “વિલી ચાલ ઝ્ડપથી તારા ઘરે ફોન લગાવ અને તારી વાઇફને કહે. તેને જે વસ્તુ લેવાની હોય તે લઇને પાંચજ મિનીટમાં એપાર્ટમેન્ટના પાર્કીગના પાછળના ભાગમાં પડેલી રેડ કારમાં બેસી જાય.” આ સાંભળી વિલીએ તરતજ મોબાઇલમાંથી કોલ કર્યો અને તેની પત્નીએ કોલ ઉપાડતાજ કહ્યું “રીયા,બીજી બધી વાત પછી કરીશું. અત્યારે તમારો બંનેનો જીવ જોખમમાં છે એટલે હું કહું છું તે ધ્યાનથી સાંભળજે. તું આપણા લોકરમાં એક પર્સ પડેલુ છે તે લઇલે અને ઝડપથી ફ્લેટનો આગળનો દરવાજો લોક કરી પાછલા દરવાજેથી બહાર નીકળી, નીચે પાર્કીંગની પાછળ પડેલી રેડ કલરની કારમાં બેસી જા. તુ ઝડપ કરજે તારી પાસે માત્ર પાંચ જ મિનીટ છે.” આટલું બોલી વિલીએ ફોન કટ કરી નાખ્યો. પાંચ મિનિટ વિલી એકદમ ઉભળક જીવે બેસી રહ્યો. પાંચ મિનીટ પછી નિશીથે કહ્યું “ઓકે વિલી તારી પત્નિ અને દિકરો હવે સલામત છે. તું ફોન કરી વાત કરી લે.” વિલીએ ફોન કર્યો અને તેની પત્ની સાથે વાત કરી ફોન મૂકી દીધો. અને નિશીથને કહ્યું “તને મારે શું કહેવું એજ મને સમજાતુ નથી. પહેલા તે મારી અને મારા પરિવારની જિંદગી જોખમમાં મૂકી દીધી અને હવે તુ જ તેની જિંદગી બચાવે છે. તું કયા પ્રકારનો માણસ છે યાર?”
“વિલી હું તારા જેવો નથી. કોઇના વાંકે કોઇને સજા આપવી એ મારુ કામ નથી. પણ તું મારી વાત નહીં માને તો મારે મજબૂરીમાં આ કામ કરવુ પડશે.” આ સાંભળી વિલીએ કહ્યું “પહેલા તમે એ કહો કે તમે કોણ છો? અને કોના માટે કામ કરો છો?”
આ સાંભળી નિશીથે કહ્યું “તું પહેલા અમારુ કામ કરી દે પછી તને બધુ જ જણાવીશ.”
“તમે મારા પરિવારને હમણા તો બચાવી લીધો છે પણ કૃપાલસિંહ તેને ગમે તેમ કરીને શોધી લેશે. ક્યાં સુધી અમે છુપાઇને રહીશું?”
“એનો પણ રસ્તો મારી પાસે છે પણ, પહેલા તું અમારુ કામ કરી દે.” નિશીથે કહ્યું.
“મને અત્યાર સુધીમાં એક વાત સમજાઇ ગઇ છે કે તમારે કૃપાલસિંહ સાથે દુશ્મની છે તો પછી તમે મને શુ કામ પકડ્યો છે?” વિલીએ પુછ્યું.
આ સાંભળી નિશીથ હસી પડ્યો અને બોલ્યો “તે નાનપણમાં પેલી વાર્તા સાંભળી હશે કે એક રાક્ષસ હોય છે તેની જાન એક પોપટમાં હોય છે. આ વાર્તામાં રાક્ષસ કૃપાલસિંહ છે અને તેની જાન તારામાં છે એટલેજ અમે તને પકડ્યો છે. અને હવે છેલ્લો વાર કરવાનો સમય આવી ગયો છે. “ આ સાંભળી વિલી ધ્રુજી ગયો.
“તમે મારી પાસેથી શું કરાવવા માંગો છો? “ વિલીએ ડરતા ડરતા પુછ્યું.
અને પછી નિશીથે જે કહ્યું તે સાંભળી વિલીને ચક્કર આવી ગયા અને તેને લાગ્યુ કે હવે તેની જિંદગીની છેલ્લી આશા પણ પૂરી થઇ ગઇ છે અને હવે તેનું અને તેના પરિવારનું મૃત્યું નિશ્ચિત છે.
-------------#######--------------------##########---------------#######-------- ---------
મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.
-----------------***********--------------------***********------------------************-----------------
HIREN K BHATT:- 9426429160
EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM