Devil Return-2.0 - 2 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 2

Featured Books
  • अनुबंध बंधनाचे. - भाग 18

    अनुबंध बंधनाचे.....( भाग १८ )एक दिवस प्रेम च्या ऑफिस मधे त्य...

  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 2

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-2

ક્રિસ, ઈવ અને ડેવિડ જોડે હવે રક્તપિશાચોની ચમત્કારિક શક્તિઓ આવી ચૂકી હતી. આ શક્તિ અને બદલાની ભાવના સાથે ક્રિસ પોતાની બહેન ઈવ અને ભાઈ ડેવિડ સાથે જઈ પહોંચ્યો રાજા નિકોલસનાં મહેલમાં.

એ ત્રણેયને મહેલની તરફ આગળ વધતાં જોઈ મહેલની બહાર ચોકી-પહેરો ભરતાં રાજા નિકોલસનાં સૈનિકો સાવધ થઈ ગયાં. ક્રિસ અત્યારે બદલાની આગમાં સળગી રહયો હતો. જેવાં એ સૈનિકો ક્રિસ ની તરફ આગળ વધ્યાં એ સાથે જ ક્રિસ એમની ઉપર કૂદી પડ્યો. ક્રિસ ને અનુસરતાં ઈવ અને ડેવિડે પણ એ સૈનિકો ઉપર હુમલો કરી દીધો. થોડી જ ક્ષણોમાં કુલ સાત સૈનિકોનું કાસળ કાઢી મહેલની બહાર જમીન પર પડેલાં એમનાં મૃતદેહો પર અપલક નજર નાંખી ક્રિસ, ઈવ અને ડેવિડે એકબીજાં તરફ જોઈ વિજયસુચક સ્મિત વેર્યું અને મહેલનાં મુખ્ય પ્રવેશદ્વાર તરફ ચાલી નીકળ્યાં.

આ દરમિયાન એ મૃત પામેલાં સૈનિકોની મરણતોલ ચીસો સાંભળી મહેલની અંદર મોજુદ સૈનિકો તથા રાજા નિકોલસ અને એનો દીકરો જિયાન ઉંઘમાંથી સફાળા બેઠાં થઈ ગયાં. મહેલનાં ઝરૂખમાંથી નિકોલસે બહાર નજર ફેંકી તો પોતાનાં સશસ્ત્ર સૈનિકોની હત્યા કરી રહેલાં ત્રણ બાળકોને જોઈ એ ચોંકી ઉઠ્યો. ક્રિસ, ઈવ અને ડેવિડ ને જોતાં જ એ ઓળખી ગયો કે આ નાથનની સંતાનો છે પણ એ લોકો આટલાં શક્તિશાળી કઈ રીતે બન્યાં એ એને નહોતું સમજાઈ રહ્યું.

નિકોલસે તાત્કાલીક મહેલમાં સુતાં પોતાનાં દીકરા જિયાનનાં શયનકક્ષ તરફ દોટ મૂકી. જિયાન પણ પોતાનાં શયનકક્ષમાં બહાર થઈ રહેલાં કોલાહલને સાંભળી જાગી ગયો હતો.

"શું થયું પિતાજી.. ?આ શોરબકોર શેનો છે. ?"અચાનક પોતાનાં શયનકક્ષમાં પ્રવેશેલાં પોતાનાં પિતાજીને જોતાં જ જિયાને પૂછ્યું.

"નાથનનાં સંતાનોએ આ મહેલ ઉપર હુમલો કરી દીધો છે.. એ લોકો જોડે દિવ્ય શક્તિઓ છે જેનો મુકાબલો કરવો સામાન્ય મનુષ્યનાં હાથની વાત નથી. "નિકોલસ એક શ્વાસમાં બોલી હયો.

"નાથનનાં સંતાનો.. ?દિવ્ય શક્તિ.. ?"નિકોલસની વાત સાંભળી જિયાન બોલ્યો. બન્યું એવું કે આજે સાંજે જ જિયાનને એમનાં એક ગુપ્તચરે માહિતી આપી હતી કે નાથનનાં સંતાનો જંગલની અંદર મોજુદ એક ગુફામાં આશ્રય લઈને બેઠાં છે. આ સાંભળી જિયાને એ બધાં ને ગુફામાં જ મારી નાંખવાનું મન થયું પણ સાંજ પડી ગઈ હોવાથી એને આ કાર્ય બીજાં દિવસ પર મુલતવી રાખ્યું.

"તું અહીંયાથી મહેલનાં પાછળનાં દરવાજેથી નીકળી જા.. હું એ લોકોનો સામનો કરી લઈશ.. "પોતાની તલવાર લઈને શયનકક્ષની બહાર નીકળતાં જિયાનને રોકી રાજા નિકોલસ બોલ્યો.

"પણ હું એવું કેમ કરું. ?.. એ લોકો ને હું ક્ષણમાં ખતમ કરી શકું એમ છું.. "અભિમાની જિયાન પોતાનાં પિતાની વાતનો વિરોધ કરતાં બોલ્યો.

"એ લોકો જોડે જે શક્તિ છે એ એકવાર તું નરી આંખે જોઈ લઈશ પછી શાયદ તારો વિચાર બદલાઈ જશે. "આટલું કહી નિકોલસ જિયાનને એનાં શયનકક્ષની બહાર લઈ આવ્યાં.

આ સમયગાળામાં ક્રિસ, ઈવ અને ડેવિડ મહેલમાં પ્રવેશ કરી ચુક્યાં હતાં. જિયાને જોયું કે એ લોકો વિજળીવેગે એમનાં સૈનિકો પર હુમલો કરી એમની કરપીણ હત્યાઓ કરી રહ્યાં હતાં. ઘણીવાર પોતાનાં સૈનિકો એ ત્રણ ભાઈ-બહેનમાંથી કોઈકને ઘાયલ કરવામાં સફળ જરૂર થતાં પણ બીજી જ ક્ષણે નાથનની એ ત્રણેય સંતાનોનાં ઘા રૂઝાઈ જતાં.

પોતાનાં પિતાજી પોતાને કેમ મહેલમાંથી જતાં રહેવાની સલાહ આપી રહ્યાં હતાં એ વાત જિયાનને આ દ્રશ્ય જોઈ સમજાઈ ગઈ હતી. જિયાને પોતાનાં પિતાજીને પ્રણામ કર્યાં અને મહેલની અંદર મોજુદ છુપા રસ્તા તરફ આગળ વધ્યો. જિયાનનાં જતાં જ રાજા નિકોલસ ને રાહત મહેસુસ થઈ અને એ પોતાનાં સૈનિકોની સાથે ક્રિસ, ડેવિડ અને ઈવ નો મુકાબલો કરવાં મેદાને પડ્યો.

પહેલાં તો રાજા નિકોલસે સીધાં મુકાબલો કરવાનાં બદલે પોતાનાં સૈનિકોની આડ લઈને ઉપરનાં માળેથી ધનુષમાંથી એક પછી એક તીર ક્રિસ, ડેવિડ અને ઈવ પર ચલાવવાનાં શરૂ કરી દીધાં. ધનુરવિદ્યામાં પારંગત એવાં રાજા નિકોલસે પોતાનાં અચૂક નિશાનાથી ત્રણેય ભાઈ બહેનોને ઘાયલ કરવામાં સફળતા મેળવી.

પોતાની સફળતા પર નિકોલસ ઝાઝી ખુશી વ્યક્ત કરે એ પહેલાં તો ક્રિસ, ઈવ અને ડેવિડે પોતાનાં શરીરમાં ખુંપી ગયેલાં તીર નીકાળી એનો નિકોલસની તરફ પ્રહાર કર્યો. નિકોલસે આમ થતાં જ પોતાની આજુબાજુ ઉભેલાં સૈનિકોને વચ્ચે લાવી દીધાં અને પોતાનો બચાવ કર્યો.

આખરે તીર અને જોડે ઉભેલાં સૈનિકો બધું જ પૂરું થઈ જતાં અસહાય બની ચુકેલો રાજા નિકોલસ બંને હાથમાં તલવાર લઈને ક્રિસ તરફ આગળ વધ્યો. મહેલમાં મોજુદ સેંકડો સૈનિકોનાં મૃતદેહ ની વચ્ચે રહ્યાં-સહ્યા સૈનિકો પોતાનાં રાજાની પડખે આવીને ઉભાં રહી ગયાં.

"ઈવ, ડેવિડ તમે બંને આ સૈનિકોને પૂરાં કરો અને હું આ ક્રૂર રાજાને એનાં અંજામ સુધી પહોંચાડું.. "ક્રિસ પોતાનાં ભાઈ-બહેન તરફ જોઈને બોલ્યો.

ક્રિસની વાત સાંભળતાંની સાથે જ ડેવિડ અને ઈવે પોતાની તરફ આગળ વધી રહેલાં સૈનિકોની ઉપર હુમલો કરી મુક્યો. આ તરફ ઈવ અને ડેવિડ રાજા નિકોલસનાં સૈનિકોની સાથે બાથ ભીડી રહ્યાં હતાં તો ક્રિસ રાજા નિકોલસ સામે મેદાને પડ્યો હતો.

ક્રિસને હતું કે નિકોલસને પોતે સરળતાથી ખતમ કરી દેશે પણ નિકોલસ એક બાહોશ યોદ્ધો હતો એ વાતથી ક્રિસ અજાણ હતો. એક હાથમાં બે ધારી તલવાર અને બીજાં હાથમાં ઢાલ લઈને રાજા નિકોલસ ક્રિસની સામે કુનેહપૂર્વક ના ખાલી લડતો રહ્યો પણ સાથે-સાથે એને ક્રિસને ડઝનેક વાર ઇજાગ્રસ્ત પણ કરી દીધો. આ તો ક્રિસ રક્તપિશાચ હતો એટલે હજુ સુધી જીવિત હતો બાકી જો એ સામાન્ય મનુષ્ય હોત તો રાજા નિકોલસનાં હાથે એની ક્યારનીય હત્યા થઈ ચૂકી હોત.

એક પહોર સુધી રાજા નિકોલસ અને ક્રિસ વચ્ચે ભીષણ દ્વંદ્વ ચાલતું રહ્યું.. સવાર થવામાં હવે ઝાઝો સમય વધ્યો નહોતો એ જાણતો ક્રિસ વહેલી તકે રાજા નિકોલસનો ખાત્મો કરવાં જોરદાર ઝઝૂમી રહ્યો હતો પણ રાજા નિકોલસ ની યુદ્ધ કુશળતા આગળ હજુ એ વામણો પુરવાર થઈ રહ્યો હતો. આ પાછળનું એક કારણ એ પણ હતું કે ક્રિસ પોતાની સમગ્ર શક્તિથી વાકેફ જ નહોતો.

રાજા નિકોલસ ક્રિસ ને ગમે તે કરી સવાર સુધી ટક્કર આપવામાં સફળ થાત પણ જેવાં જ રાજા નિકોલસનાં બધાં સૈનિકોને સ્વધામ પહોંચાડી ઈવ અને ડેવિડ ક્રિસ ની મદદે આવ્યાં એ સાથે જ રાજા નિકોલસની જીવિત રહેવાની શક્યતાઓ ઉપર પૂર્ણવિરામ જ મુકાઈ ગયું.

ક્રિસ, ઈવ અને ડેવિડે સાથે મળીને થાકેલાં રાજા નિકોલસને થોડી જ ક્ષણોમાં પરાજિત કરી મુક્યો. નિઃસશસ્ત્ર નિકોલસ ઘણો સમય સુધી ક્રિસ, ઈવ અને ડેવિડ સમક્ષ પોતાની જીંદગીની ભીખ માંગતો રહ્યો પણ બધું જ વ્યર્થ. પોતાનાં માતા-પિતા ની મોત નાં બદલાની આગમાં સળગતા ક્રિસે બેરહમીપૂર્વક રાજા નિકોલસની ગરદન એનાં ધડથી અલગ કરી એની હત્યા કરી દીધી.

રાજા નિકોલસની હત્યા કર્યાં બાદ ક્રિસ ને રાજકુમાર જિયાનનું સ્મરણ થયું. મહેલમાં આટઆટલો ઉહાપોહ મચ્યા બાદ પણ જિયાન નું નજરે ના ચડવું એ તરફ ઈશારો કરી રહ્યું હતું કે એ આ મહેલમાં હતો જ નહીં અથવા તો ભાગી ગયો હતો. આમ છતાં ડરપોક રાજકુમાર છુપાઈને ક્યાંક બેઠો હોય એવી ગણતરી સાથે ક્રિસ, ઈવ અને ડેવિડે આખા મહેલમાં શોધખોળ આરંભી. મહેલ નો દરેક ખૂણો ખૂંદી વળ્યાં બાદ પણ જિયાન નજરે ના પડતાં એ લોકોને એ બાબતની ખાતરી થઈ ગઈ કે જિયાન ત્યાં નહોતો.

"આખરે એ હત્યારો રાજકુમાર ક્યાં નાસી ગયો.. ?"જિયાનને જ્યાં સુધી મોતને ઘાટ નહીં ઉતારે ત્યાં સુધી પોતાનો બદલો પૂરો નહીં થાય એમ માનતાં ક્રિસનાં આમ બોલતાં જ મહેલની દિવાલો ધ્રુજી ઉઠી.

"ભાઈ, સવાર થવાં આવી છે માટે અત્યારે પાછા જંગલમાં જઈએ. સૂર્યનો પ્રકાશ આપણાં માટે જોખમી છે માટે કાલે રાત થતાં જ એ રાજકુમાર ને શોધવાનું કાર્ય કરવું પડશે. "ઈવે ક્રિસને સમજાવતાં કહ્યું.

ઈવ ની વાત ક્રિસને યોગ્ય લાગી અને એને જંગલમાં પાછાં જવાં હામી ભરી દીધી. આખરે રાજા નિકોલસ તથા એનાં સેંકડો સૈનિકોની હત્યા કરી ક્રિસ, ઈવ અને ડેવિડ જંગલની તરફ ચાલી નીકળ્યાં જ્યાં ગુફામાં એમનાં બાકીનાં ભાઈ-બહેન નિંદ્રાધીન હતાં.

સવાર થવામાં હવે થોડો સમય જ બાકી હતો ત્યાં ક્રિસ, ઈવ અને ડેવિડ વીજળીની ગતિએ ગુફા સુધી આવી પહોંચ્યાં. એ લોકો ગુફામાં પ્રવેશવા જ જતાં હતાં ત્યાં ક્રિસે ડેવિડ અને ઈવ ની તરફ જોઈ સવાલ કરતાં કહ્યું.

"તમને બંનેને કંઈ સંભળાય છે.. ?"

ક્રિસ ની જોડે હવે નિશાચર પક્ષીઓની માફક સાંભળવાની ગજબની શક્તિ આવી ચૂકી હતી એનાં લીધે એને ગુફાથી દૂર જઈ રહેલાં ઘોડાનાં પગરવનો અવાજ સાંભળ્યો. ક્રિસની વાત સાંભળી ઈવ અને ડેવિડે પણ પોતાનાં કાન સરવા કર્યાં અને અવાજની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એ બંને એ પણ ઘોડાનાં પગરવનો અવાજ સાંભળ્યાંની વાત ક્રિસને કરી એ સાથે જ ક્રિસ અવાજની દિશામાં આગળ વધવા લાગ્યો. ઈવ અને ડેવિડ પણ પોતાનાં મોટાભાઈને અનુસરતાં અવાજની દિશામાં આગળ વધ્યાં.

ક્રિસે જોયું તો એક વ્યક્તિ ઘોડા પર બેસી જંગલની બહાર નીકળતાં રસ્તે આગળ વધી રહ્યો હતો.

"જિયાન.. "કદ-કાઠી પરથી એ વ્યક્તિ રાજકુમાર જિયાન જ હતો એવું લાગતાં ક્રિસનાં મુખેથી નીકળી ગયું. આટલું બોલતાં જ ક્રોધવેશ ક્રિસ જિયાનની તરફ આગળ વધ્યો.

ક્રિસનું અનુમાન સાચું હતું કે એ ઘોડેસવાર રાજકુમાર જિયાન જ હતો. જિયાનનાં કાને આજુબાજુ થતી હલચલનો અવાજ પડતાં જ એ સાવધ થઈ ગયો અને એને પોતાની મ્યાનમાં રહેલી તલવાર ની મૂઢ પર હાથ મુક્યો ત્યાં તો કોઈ વજનદાર વસ્તુ એની સાથે ગતિમાં અથડાઈ અને જિયાન ઘોડા પરથી નીચે પડ્યો.

જિયાન નો ઘોડો એની રાહ જોયાં વગર આગળ વધી નીકળ્યો અને અચાનક થયેલાં હુમલાથી હાંફળો-ફાંફળો બની ચુકેલો જિયાન આજુબાજુ જોવાં લાગ્યો કે આખરે એની પર હુમલો કરનાર હતું કોણ.

"શું થયું રાજકુમાર, ડર લાગે છે.. ?"આમ બોલતાં જ ઈવ અને ડેવિડ ની સાથે ક્રિસ ઝાડીઓમાંથી બહાર નીકળ્યો.

"તમે નાથનનાં બાળકો છો ને.. ?"હાથમાં તલવાર લઈને ઉભાં થતાં જિયાન બોલ્યો.

"હા હું એ જ નાથનનો દીકરો છું જેની હત્યા તે અને તારા બાપે કરી હતી.. તારાં બાપ ને તો મેં એનાં કર્યાંની સજા આપી દીધી હવે તારો વારો છે. "કકર્ષ સ્વરે ક્રિસ બોલ્યો.

પોતાનાં પિતાનાં મોતની ખબર સાંભળી જિયાન ક્રિસ તરફ તલવાર લઈને તૂટી પડ્યો. જિયાનનાં ઉપરાછપરી ડઝનેક પ્રહારને વિફળ બનાવી ક્રિસે એને ગરદનથી ઊંચકી જમીન પર પછાળી દીધો. આમ થતાં જ જિયાનની તલવાર હાથમાંથી છટકી ગઈ અને સાથે-સાથે એનાં મુખેથી એક કારમી ચીસ નીકળી ગઈ.

"શું થયું રાજકુમાર, પીડા થાય છે.. ?"ક્રિસે જિયાનનાં હાથની આંગળીઓ પર પગ મૂકી એને મસળતાં કહ્યું.

"તમે મને મારવાં ઈચ્છો છો તો મારી નાંખો.. પણ જતાં-જતાં હું તમારાં માટે એક એવી ભેટ ગુફામાં મૂકીને આવ્યો છું જે જોઈ તમે વર્ષો સુધી આંસુ સારતાં રહેશો.. "જિયાન ચહેરા પર લુચ્ચાઈભર્યા સ્મિત સાથે બોલ્યો.

"શું કર્યું છે તે એ બોલ.. ?"જિયાનની વાત સાંભળી ડેવિડે એને હડપચીથી પકડી સવાલ કર્યો.

જિયાનની વાત સાંભળી ક્રિસ અને ઈવને પણ પોતાનાં કુમળા વયનાં નાના ભાઈ-બહેનોની ચિંતા થઈ રહી હતી. સૂર્યોદય થવામાં હવે વધુ સમય વધ્યો નહોતો. જિયાન જોડે વાતોમાં સમય વ્યય કરવો પોષાય એમ નહોતો એટલે ક્રિસે જિયાન ની ગરદન પોતાનાં બંને હાથ વડે પકડી એને ઉલટી દિશામાં ઘુમાવી એ ક્રૂર રાજકુમારનો પણ અંત આણી દીધો.

"ભાઈ જલ્દી ચલો ગુફા તરફ.. "જિયાન ની લાશ તરફ જોતાં ઈવ બોલી.

ઈવ ની વાત સાંભળી ક્રિસ અને ડેવિડ બંને ઈવ ની સાથે ગુફાની તરફ ચાલી નીકળ્યાં જ્યાં એમનાં નાના ભાઈ-બહેન મોજુદ હતાં.

******

વધુ આવતાં ભાગમાં.

જિયાને ક્રિસ નાં ભાઈ-બહેનો સાથે શું કર્યું હતું.. ?ક્રિસ, ઈવ અને ડેવિડ સિવાયનાં નાથનનાં બાકીનાં સંતાનો કેમ વેમ્પાયર બન્યાં. ?અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે.. ?અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***