અરુણા ઈરાની
૧૯૬૦ ની સાલ ની વાત છે.સ્ટુડીયોમાં દિલીપકુમારની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દિલીપકુમારનું ધ્યાન બાર તેર વર્ષની છોકરી પર પડે છે.તે છોકરી પ્રાર્થના ગીતના દ્રશ્યમાં અન્ય છોકરીઓ સાથે ટોળામાં હતી. દિલીપકુમાર અચાનક તેની નજીક આવીને પૂછે છે....” એય ..લડકી, ડાયલોગ બોલેગી?” છોકરીએ ઉત્સાહથી હા પાડી અને ડાયલોગ બોલી પણ બતાવ્યા. તે છોકરીને બાળ ક્લાકાર તરીકે ફિલ્મમાં લઇ લેવામાં આવી. તે છોકરી એટલે અરુણા ઈરાની. ફિલ્મ હતી “ગંગા જમુના”. ત્યાર બાદ ૧૯૬૨ માં અરુણા ઈરાનીને “અનપઢ” માં માલાસિંહાના બાળપણની ભૂમિકા ભજવવાની પણ તક મળી હતી. અઢાર તારીખે અરુણા ઈરાનીનો જન્મ દિવસ છે.
“બેટા” ફિલ્મમાં અનીલ કપૂરની માતાનું પાત્ર એકદમ નેગેટીવ હોવાને કારણે માલાસિંહા, વહીદા રહેમાન, શર્મિલા ટાગોર અને શબાના આઝમીએ ભજવવાની ના પાડી હતી. એ જ પાત્ર અરુણા ઈરાનીએ એવું જોરદાર ભજવી બતાવ્યું કે “બેટા” ફિલ્મના અભિનય માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
અરુણા ઈરાનીનો જન્મ તા. ૧૮/૮/૧૯૪૭ ના રોજ થયો હતો. પિતા ફરીદુન ઈરાની ડ્રામા કંપની ચલાવતા હતા. માતા સ્ટેજ અભિનેત્રી હતાં. આઠ ભાઈ બહેનોનો પરિવાર અને પિતાની મર્યાદિત આવક વચ્ચે અરુણા ઈરાનીનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. નાટકના રીહર્સલો અને સ્ટેજ શો ના માહોલ વચ્ચે અરુણા ઈરાનીના મનમાં બાળપણથી જ અભિનયના બીજ રોપાયા હતા. સાતમા ધોરણના અભ્યાસ બાદ ભણવાની બદલે અરુણા ઈરાનીએ ફિલ્મોમાં કરિયર બનવવાનું જ નક્કી કરી લીધું હતું. કેટલીયે વાર નાટકોમાં અરુણા ઈરાનીએ promptig પણ કર્યું હતું. વળી ક્યારેક કોઈ કલાકાર હાજર ના હોય તો તેની જગ્યાએ તે રોલ ભજવવાનું પણ થતું.
“ફર્જ” માં અરુણા ઈરાનીની હાજરી જીતેન્દ્ર સાથે માત્ર એક ગીત “મસ્ત બહારોં કા મૈ આશિક .” માં જ હતી. ૧૯૬૭ માં જ રીલીઝ થયેલી મનોજ કુમારની “ઉપકાર” પણ “ફર્જ” ની જેમ અતિ સફળ ફિલ્મ હતી. આમ અરુણા ઈરાનીનું સ્થાન ધીમી પણ મજબૂત ગતિએ સીનેજગતમાં ગોઠવાઈ રહ્યું હતું.
૧૯૭૧ માં રીલીઝ થયેલી “કારવાં” માં આશા પારેખની સામે અરુણા ઈરાનીને ખાસ્સો મોટો અને દળદાર રોલ મળ્યો હતો. જીતેન્દ્ર સાથે “ચઢતી જવાની મેરી ચાલ મસ્તાની” અને “દિલબર દિલબર ” વાળા ગીત તો તે જમાનામાં ખાસ્સા લોકપ્રિય થયા હતા.ફિલ્મમાં જીતેન્દ્ર સાથે અરુણા ઈરાનીના ડાન્સ વાળું ગીત “અબ જો મિલે હૈ તો બાહો કો બાહો મેં રહેને દે એ સાજના” પણ ઉપડ્યું હતું. પંચમના સંગીતમાં આશા ભોંસલેએ એ ગીતમાં અરુણા ઈરાની અને આશા પારેખ બંનેને અવાજ આપ્યો હતો અને દર્શકોએ હોંશે હોંશે સ્વીકાર્યો પણ હતો.
તે દિવસોમાં જ મહેમૂદ સાથે અરુણા ઈરાનીની કોમેડી ફિલ્મોમાં પણ જોડી જામી હતી. ૧૯૭૨ માં રીલીઝ થયેલી “બોમ્બે ટુ ગોવા” ઓછા બજેટમાં બનેલી મનોરંજક ફિલ્મ હતી. અમિતાભનો તે સંઘર્ષનો સમય હતો.”બોમ્બે ટુ ગોવા” ફિલ્મ ઠીક ઠીક ચાલી હતી. જોકે તે ફિલ્મથી અરુણા ઈરાનીને ખાસ કોઈ ફાયદો થયો નહોતો. એ વાત તો ખુબ જાણીતી છે કે સલીમ જાવેદ પ્રકાશ મહેરાને સિનેમાઘરમાં “બોમ્બે ટુ ગોવા” જોવા લઇ ગયા હતા.ફિલ્મના પ્રથમ ભાગમાં જ શત્રુઘ્ન સાથેના ફાઈટ સીનમાં અમિતાભનો જુસ્સો અને ગુસ્સો જોઇને પ્રકાશ મહેરા પ્રભાવિત થઇ ગયા હતા. તેમણે તે ઘડીએ જ “જંજીર” માટે અમિતાભનું નામ ફાયનલ કરી નાખ્યું હતું. આમ અમિતાભને “બોમ્બે ટુ ગોવા” ને કારણે જ “જંજીર” મળી હતી. નવાઈ લાગે તેવી વાત તો એ છે કે “બોમ્બે ટુ ગોવા” બાદ અરુણા ઈરાની પાસે એક પણ ફિલ્મ નહોતી. તે જ વર્ષમાં તેની અમિતાભ અને માલા સિંહા સાથે આવેલી ફિલ્મ “સંજોગ’ તો તદ્દન ફ્લોપ નીવડી હતી. અચાનક એક દિવસ રાજ કપૂરનો મહેમૂદ પર ફોન આવ્યો. ”અરે ભાઈજાન, મૈ અપની અગલી ફિલ્મમેં વોહ લડકી કો લેના ચાહતા હું”. મહેમૂદે પૂછ્યું હતું “ સર આપ અરુણા ઈરાની કી બાત કર રહે હો?” રાજ કપૂરે હા પાડી.
બીજે જ દિવસે અરુણા ઈરાનીને રાજ કપૂરની તે ફિલ્મમાં મહત્વની ભૂમિકા મળી ગઈ હતી. તે ફિલ્મ એટલે “બોબી” ત્યાર બાદ અરુણા ઈરાનીએ ક્યારેય પાછું વળીને જોવું પડયું નહોતું. “બોબી” બાદ તેને કોઈ ફિલ્મમાં મુખ્ય હિરોઈનની ભૂમિકા ભલે ના મળી પણ તેની ભૂમિકાનું હમેશા એક અલગ પ્રકારનું મહત્વ રહેતું. “ખેલ ખેલ મેં” માં રાકેશ રોશનની પ્રેમિકાના રોલમાં તથા તેના પર ફીલ્માવાયેલા “સપના મેરા તૂટ ગયા..’ જેવા ગીતને કારણે તે ફિલ્મમાં ચોક્કસ છવાઈ ગઈ હતી. શાલીમાર,લવ સ્ટોરી, કુદરત, અંગૂર જેવી કેટલીયે ફિલ્મોમાં અરુણા ઈરાનીનો અભિનય દર્શકોને માણવા મળ્યો હતો. “કુરબાની” માં બદલાની આગમાં શેકાતી આંખોમાં લેન્સ પહેરેલી અરુણા ઈરાનીનો અભિનય એકદમ વાસ્તવિક હતો.
વેમ્પ હોય કે ડાન્સર ,નેગેટીવ રોલ હોય કે કોમેડી દ્રશ્યો.. અરુણા ઈરાનીએ તેના ભાગે આવેલ દરેક રોલમાં ઓતપ્રોત થઇને હમેશા શ્રેષ્ઠ આપવાની જ કોશિશ કરી છે.
૨૦૧૨ માં અરુણાઈરાનીને ફિલ્મફેરનો લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો.
અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરનાર અરુણા ઈરાનીની “સંતુ રંગીલી” અતિ સફળ ફિલ્મ હતી. હાલમાં જ સિધાર્થ રાંદેરિયાની ફિલ્મ “ચાલ જીવી લઈએ” સિલ્વર જ્યુબીલી ઉજવી ગઈ. તે ફિલ્મમાં ખાસ્સા વર્ષો બાદ અરુણા ઈરાનીને ડોક્ટરની મહત્વની ભૂમિકામાં જોઇને દર્શકોએ સુખદ આંચકો અનુભવ્યો હતો. જોકે થોડા વર્ષો અગાઉ “કહાની ઘર ઘર કી” “દેખા એક ખ્વાબ” તથા “ દેશ મેં નિકલા હોગા ચાંદ” જેવી સફળ ટીવી સીરીયલોમાં અરુણા ઈરાનીએ અભિનય કર્યો હતો.
સમાપ્ત