LAST EVENING in Gujarati Motivational Stories by Dipti books and stories PDF | છેલ્લી સાંજ

The Author
Featured Books
Categories
Share

છેલ્લી સાંજ

સાંજ આપણા માટે કેટલુંય અનેરું લઈને આવે છે ને.


ઘરે જવાનો ઉત્સાહ અને માંને મળવાની ખુશી..

પ્રિયતમની યાદ અને તેના આગમનની રાહ...

આકાશે હરોળમાં ઉડતા પક્ષીઓ અને તેઓ દ્વારા રચાતી આકૃતિ..

સુરજની લાલિમાથી બનતું ચિત્ર અને તેને પોતાનામાં સમાવતી આ ધરતી..

આ સાંજ મને ખુબ ગમે છે. કાલે આવી જ એક સાંજ હતી. વર્ષની એ છેલ્લી સાંજ હતી.

મેં વિચાર્યું કે છેલ્લી સાંજને પોતાની સાથે વીતાવું અને નવા વર્ષ માટે થોડીક વાતો પોતાને જ સમજાવું. આ વિચાર સાથે મેં ખભે બેગ લગાવી ચાલવાનું સારું કરી દીધું હતું. મંજિલ વગર ક્યાંય ન પોહચી શકાય માટે મંદિરને મેં પોતાની મંજિલ બનાવી હતી. રસ્તા માં આવતા બધા મારા પ્રમાણે અવરોધ બની ગયા હતા. નાનકડા આ સફરનો પડકાર મેં શંખ વગાડી કરી લીધો હતો.

(અહીં શંખ કલ્પનામાં હતો).

રસ્તામાં ટ્રાફિક પોલીસવાળા મળ્યા અને મેં તેમનો આપણી સેવા કરવા બદલ આભાર માન્યો તો પહેલા આષ્ચર્ય અને પછી ખુશીના ભાવે તે મને જોઈ રહ્યા ત્યારે સમજાયું કે ખુશી પણ કેટલી સરળતાથી મળી જાય છે. ખુશીઓ આપણી આસપાસ જ છે તેને શોધવા દૂર જવું પડતું નથી. આ સમજણ સાથે હું આગળ વધી ગઈ હતી.

મારા જેવા કેટલાક રાહદારીઓ મળ્યા હતા પણ મોટાભાગે તેઓ મજબૂરીમાં ચાલતા જણાયા. ખેર મેં પોતામાં માટે સમય ફાળવીયો હતો માટે અજાણ્યા બની જવું જ ઠીક લાગ્યું. ત્યાં તો બજાર આવી ગયું અને આજે મારી ભિન્નન નજરોએ જોયું કે એક બાજુ કાચની દીવાલોવાળા મોલ અને બીજી બાજુ પુલ નીચે દુકાન લગાવતા દુકાનદારો હતા. એક બાજુ પિઝા હાર્ટ- કાફે અને બીજી તરફ પાણીપુરી અને દાબેલીની લારીઓ હતી. મોલવાળા લોકો ગ્રાહકો માટે આરામથી ઉભા હતા જ્યારે દુકાનદારો લોકોને બોલવા પોતાની વસ્તુઓનું મૌખિક માર્કેટિંગ કરતા હતા. આપણા જીવનમાં પણ, આવું જ કંઈક છે, ક્યારેક જીત તો ક્યારેક સંઘર્ષ. આ વાસ્તવિકતાનો મેં સ્વીકાર કરી લીધો. હા ખાણી-પીણીની વસ્તુઓથી થોડી મનમાં લાલચ થઈ અને કપડાં જોઈ વિન્ડો-શોપિંગ કરવાનું મન થઈ ગયું હતું. આખરે છોકરીનો જીવ ને! પણ આ બધાને અવરોધનું ઉપનામ આપી હું આગળ વધી ગઈ હતી.


રસ્તામાં દોડતા વાહનોની ઉતાવળ સમયની સમજણ આપે છે કે બેદરકારીના વિચાર એ વિચારોમાં ગાર્ડન આવ્યું અને હું મારા દોડતા શહેરનું સ્વર્ગ ગણાતા એ ગાર્ડનમાં આવી પોહચી હતી. કોણ કહેશે આ અદભુત અને ભવ્ય બાગ જોઈને કે આ ની બહાર એક દુનિયા છે જેમાં સમયને પણ પોતાના માટે સમય નથી, બસ એ ચાલતો જ રહે છે. અંતે એ બાગ પણ મારો અવરોધ બની ગયો હતો. ત્યાંની રમણીય જગ્યાઓ મને રોકવાનો પ્રયાસ કરતી હતી. ત્યાં મેં મિત્રોના ગ્રુપ જોયા અને મને મારા મિત્રોની યાદ આવી ગઈ હતી. પછી એ મારા મિત્રો( મારા માટે અજીબ માણસો) ને મોહ માયા નું નામ આપી દીધું અને બાગની પગદંડી પર ચાલવા માંડીયું હતું.

હવે થોડા થોડા પગ દુ:ખવા લાગ્યા હતા અને ઉભા રહેવાના વિચારો ઘર કરવા લાગ્યા હતા. એ દર્દને મેં જીવનમાં આવતા કષ્ટ જેવું મોટું ઉપનામ આપ્યુ અને સહન કર્યું ત્યાં ભગવાનના નામનું પાટિયું ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું હતું અને એક નવા જોશ સાથે પગલાં ઝડપી બન્યા અને મંદિર ના પ્રાગણમાં જાતે જ પોહચી ગયા હતા કારણકે પાટિયું જોયા પછી તો હું એ વિચારો માં હતી કે કાશ પૂજારીજી ગોલ્ડ મેડલ લઈને ઉભા હોય તો કેવું સારું...

કયારેક જીવનમાં આવનારા મોટા પડકારો સામે લડત આપવા આમ નાના નાના પડકારો જાતે ઘડીને નેટ પ્રેકટીસ કરી લેવી જોઈએ. નવા વર્ષે સરસ દેખાવા માટે આપણે તૈયારી કરી લઈએ છીએ, તે જરૂરી છે પરંતુ પોતાને માનસિક રીતે તૈયાર કરવું પણ તેટલું જ જરૂરી છે. અને તેના માટે પોતાની સાથે સમય ફાળવવાની અને પોતાની સાથે જ સ્પર્ધામાં ઉતરવાની જરૂર છે. તમે પોતાની સાથે ક્યારે પણ ચીટિંગ ન કરી શકો. અને આમ કરવા માટે પોતાને એક જગ્યા એ પુરી દેવાની જરૂર નથી તમને ગમતી પ્રવુતિ જેમકે વાંચવું, રમવું, ચાલવું, સકારાત્મક વિષયો પર વાત કરવી જેવા કાર્યો માં પોતાને પડકાર આપો અને એ જીત તમને કંઈક શીખવી જશે.

આ એક નવા વિચાર સાથે આપ સૌને પ્રણામ .

© દીપ્તિ ઠક્કર