Mari Chunteli Laghukathao - 11 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 11

Featured Books
Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 11

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

નહીં જન્મેલી લોકશાહી

આ એ સમયની વાત છે જ્યારે વિશ્વમાં મોટા મોટા રાષ્ટ્રો નહોતા. માનવ સમાજ નાના નાના કબીલાઓમાં વહેંચાયેલો હતો. આ બધા જ કબીલાઓનો એક સરદાર હતો જે નાના નાના રાજાઓની જેમ લોકોને ભેગા રાખીને તેમના પર શાસન કરતો હતો.

આજની રાત્રી મશાલોના પ્રકાશમાં ચમકી રહી હતી. ચારેય બાજુથી ખુલ્લા મેદાનમાં કબીલાના લોકોની ભીડ જમા હતી. ભીડના હાથમાં માટીની કુલડીઓ હતી. આ કુલડીમાં પહેલી ધારનો તેજ શરાબ હતો. ડફલી અને મૃદંગના જોરથી વાગી રહેલા સંગીત સાથે કબીલાની નૃત્યાંગનાઓ ઉત્તેજક નૃત્યો કરી રહી હતી. ભીડમાં રહેલા દરેકના ચહેરા પર ચમક હતી.

આજની રાત્રે કબીલાના નવા સરદારની ચૂંટણી થવાની હતી. અત્યારસુધી કબીલાના સરદારના મોટા દીકરાને જ કબીલાના નવા સરદાર તરીકે નિયુક્ત કરવાની પરંપરા ચાલતી હતી પરંતુ છેલ્લા અમુક દિવસોમાં જ્યારે બાજુના કબીલાની ભીડે આ પરંપરાથી અલગ માર્ગ પસંદ કરતા પોતાનામાંથી જ એક નવો સરદાર પસંદ કરી લીધો ત્યારે આ તરફ પણ તેનું અનુસરણ કરવાનો ગણગણાટ શરુ થઇ ગયો. કબીલાના સરદારના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી કારણકે બાજુના કબીલાની હવા આ તરફ વહેવા લાગી હતી.

રાત ગાઢ થવાની સાથેજ મશાલોનો પ્રકાશ વધુ તેજ થઇ રહ્યો હતો. કુલડીઓ ખાલી થઇ રહી હતી અને તેને ફરીથી ભરવામાં આવી રહી હતી. નૃત્યની ગતિ હજી પણ વધી રહી હતી. ભીડ નશાની અસર હેઠળ બુમો પાડી રહી હતી, “અમને અમારો નવો સરદાર જોઈએ...”

“આજે રાત્રે જ તમને તમારો નવો સરદાર મળી જશે. તમારે જ તમારા નવા સરદારની ચૂંટણી કરવાની છે.” કબીલાનો વૃદ્ધ સરદાર મંચ પર ઉભો થઈને બોલી રહ્યો હતો.

“આપણો કબીલો અમર રહે!” લોકો મદિરાના નશામાં મદમસ્ત થઈને બોલી રહ્યા હતા.

“મારા કબીલાના મહાન સાથીઓ!” સરદારે સંભાળપૂર્વક કહેતા આગળ કહ્યું, “અત્યારસુધી હું તમારો સરદાર રહ્યો છું, તમે બધા મારાથી ખુશ છો ને?”

“હા, હા અમે તમારાથી ખૂબ ખુશ છીએ!” ભીડે પોતાના ડોકાં હલાવીને સરદારની વાતનું સમર્થન કર્યું.

“શું તમે જાણો છો કે તમે મારાથી ખુશ કેમ છો?” કબીલાના સરદારની નજર ભીડના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી ગઈ.

ભીડમાં તો એક મિનીટ માટે સન્નાટો છવાઈ ગયો.

“તમે બધા મારાથી એટલા માટે ખુશ છો કારણકે કબીલાના સરદારમાં કબીલાના દેવતાનો જ અંશ હોય છે. દેવતા બધાને ખુશ જોવા માંગતો હોય છે.” સરદાર એક મિનીટ માટે રોકાયો, તે ભીડની પ્રતિક્રિયા જાણવા અને તેને માપવા માંગતો હતો. ભીડના ચહેરાઓ પર સંતુષ્ટિ અને સહમતી દેખાઈ રહી હતી.

“મારો પુત્ર મારો જ અંશ છે આથી તેમાં પણ દેવતાનો અંશ છે. તમે બધા તેને જ કબીલાનો નવો સરદાર તરીકે ચૂંટી કાઢો. દેવતા ખૂબ જ પ્રસન્ન થશે, એ તમને બધાને આવી જ રીતે ખૂબ ખુશ રાખશે.” વૃદ્ધ સરદારે પોતાના બંને હાથ જોડીને કહ્યું.

“બરોબર છે... બરોબર છે... નાના સરદારમાં પણ દેવતાનો જ અંશ છે ... અમે તેમને અમારો સરદાર તરીકે ચૂંટીયે છીએ. અમે તેમને અમારા નવા સરદાર તરીકે સ્વીકાર કરીએ છીએ.”

ભીડ ઘેરા નશામાં ઝૂમી રહી છે... બુમો પાડી રહી છે... નાચી રહી છે... ડફલી અને મૃદંગનો અવાજ વધુ જોરથી આવવા લાગ્યો છે. કબીલાની નર્તકીઓના નૃત્યનો ધબકાર વધી ગયો છે.

મોટા સરદારના હોઠ પર એક કુટિલ સ્મિત આવી ગયું છે.

***