અર્ધ અસત્ય.
પ્રકરણ-૩૬
પ્રવીણ પીઠડીયા
અભયને યાદ હતું કે અનંતના પિતા ભૈરવસિંહ અને વૈદેહીસિંહ બન્ને જોડિયા સંતાનો હતા. બન્નેનો જન્મ ૧૯૬૪ની સાલમાં થયો હતો. એ તારીખો તેને અનંતે જણાવી હતી. તેણે ગણતરી માંડી, એ હિસાબે વૈદેહીસિંહની ઉંમર અત્યારે લગભગ પંચાવન વર્ષની હોવી જોઇએ. ઉંમરના હિસાબે તેઓ ઘણાં જાજરમાન દેખાતા હતા. જે તેમને જાણતાં ન હોય અને પહેલીવાર મળે તો તેમને ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરના ધારી લે એટલી વ્યવસ્થિત રીતે તેમણે પોતાની જાતને મેઇન્ટેઇન રાખ્યાં હતા. તો પછી તેમણે લગ્ન શું કામ નહીં કર્યા હોય? અભયનાં મનમાં સવાલ ઉદભવ્યો. વૈદેહીસિંહનો દેખાવ અને ઠસ્સો એકદમ ઉડીને આંખે વળગે એવો હતો. ભાવવાહી લંબગોળ ચહેરો, પાણીદાર આંખો, ચમકતી ત્વચા અને માથામાં જથ્થાબંધ કાળા વાળ. હવેલીની છતમાં લટકતાં ઝૂંમરના પ્રકાશમાં સોફા ઉપર બિરાજમાન વૈદૈહીસિંહના વ્યક્તિત્વથી અભય ખરેખર પ્રભાવિત થયો હતો. ખાસ તો તેમનો આવકાર અને સામેવાળા વ્યક્તિને આદરથી બોલાવાની રીત તેને બહું ગમી હતી. તે હજું હમણાં જ વિષ્ણું બાપુને મળીને આવ્યો હતો અને અત્યારે વૈદેહીસિંહની સામે બેઠો હતો. તેનાથી અનાયાસે ભાઇ-બહેનની સરખામણી થઇ ગઇ. કેટલું અંતર હતું એ બન્નેમાં! એકની પાસે જતાં ડર લાગે અને બીજાની સાથે વાતો કરતાં જ રહેવાનું મન થાય. અભય વિચારતો હતો કે ખરેખર તો માનવીનો સ્વભાવ જ તેના પ્રત્યે ગમો કે અણગમો પેદા કરતા હોય છે.
પણ ખેર, તે આ બધી બાબતો જાણવા નહોતો આવ્યો. અત્યારે સૌથી વધારે તેને અનંતની ફિકર થતી હતી. વૈદેહીસિંહ અનંત વિશે નહોતા જાણતાં મતલબ હવે તેણે બીજે તપાસ કરવાની હતી. તે ઉભો થયો.
“પ્રણામ, હવે હું જઇશ. પરંતુ જો અનંત અહી આવે તો કહેજો કે અભય તેને શોધે છે અને ફોન કરવાનું કહ્યું છે.” શબ્દોમાં બને એટલી શાલીનતા ભેળવતા તે બોલ્યો હતો.
“પણ વાત શું છે, કોઇ સિરિયસ મેટર છે? જો એમ હોય તો હું મારાં માણસોને દોડાવું. એ અનંતની ભાળ મેળવી લાવશે.” વૈદેહીસિંહને પણ ચિંતા થઇ હતી. અને અભય કંઇ કહે એ પહેલા તેમણે બૂમ પાડી હતી. “દેવા, ઓ… દેવા.” તેમનો તીણો અવાજ દિવાનખંડમાં ગૂંજી ઉઠયો. અને એ અવાજ સાંભળીને થોડીવારમાં એક પહાડી માણસ કોણ જાણે ક્યાંથી પ્રગટ થયો. તેના હાથમાં તેલ પાયેલો વજનદાર લઠ્ઠ હતો. તે દેવો હતો. અભયની નજર તેની ઉપર પડી.
“જી માલકિન.” અદબવાળીને દેવા નામનો માણસ વૈદેહીસિંહ સન્મૂખ ઉભો રહ્યો. અને… તેને જોઇને અભય ભયંકર રીતે ચોંકયો હતો. પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવતો હોય એમ આશ્વર્ય ચકિત બનીને તે જોઇ રહ્યો. તે આંખો મટકાવવાનું પણ ભૂલી ગયો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે આ સત્ય છે કે ભ્રમ! અત્યાર સુધીની જીંદગીમાં આવો ઝટકો તેને ક્યારેય લાગ્યો નહોતો. દેવાને અહી જોવાની તેને બિલકુલ આશા નહોતી. આ એ જ દેવો હતો જેણે પૃથ્વીસિંહજીની હવેલીમાં કૂવા પાસે તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અભય ચકરાઇ ઉઠયો. આંખો પહોળી કરીને તે ક્યાંય સુધી દેવાને જોતો રહ્યો. તેની ધડકનોમાં અચાનક ધડબડાટી મચી ગઇ હતી અને તેનું દિમાગ લગભગ સૂન્ન પડી ગયું હતું. અનંતની ફોઇ વૈદેહીસિંહેની હવેલીમાં આ દેવા નામનાં શખ્શનું હોવું ઘણાં સૂચિતાર્થો તરફ દિશા નિર્દેશ કરતું હતું. ક્યાંક વૈદેહીસિંહે તો દેવાને તેની ઉપર હુમલો કરવાનું નહીં કહ્યું હોય ને? તે એકાએક સતર્ક થયો. આ રાજ-પરિવારનાં માણસોનું ભલું પૂછવું. તેઓ ગમે તે કરી શકે. જો એમ હોય તો હવે તેમનાથી પણ સાવધ રહેવાની જરૂર હતી. દેવાને જોતાં જ તેના મનમાં ખતરાનાં ભણકારા વાગવા લાગ્યાં હતા.
“દેવા, તું આ સાહેબ સાથે જા અને અનંતની તપાસમાં તેમની મદદ કર.” વૈદેહીસિંહે દેવાને સંબોધતા કહ્યું અને પછી અભય તરફ ફર્યા. ” આ દેવો છે. એ તમારી સાથે આવશે અને અનંતનએ શોધવામાં તમારી હેલ્પ કરશે. તેને આ હવેલીઓ અને તેની આસપાસની તમામ જગ્યાઓની માહિતી છે એટલે તમે કહેશો ત્યાં એ તમને લઇ જશે. મને લાગે છે કે અનંત ક્યાંક ટહેલવા નિકળી પડયો હશે અને એ વિસ્તારમાં મોબાઇલનો ટાવર પકડાતો નહી હોય.” વૈદેહીસિંહે સપાટ સ્વરમાં સલૂકાઇથી કહ્યું. એમનાં અવાજ ઉપરથી જણાતું હતું કે તેમને અનંત બાબતે કોઇ ખાસ ફિકર ઉપજી નહોતી. પણ… અભય દેવાને પોતાની સાથે લઇ જવા હરગીજ તૈયાર નહોતો. તેણે દેવા તરફ જોયું. દેવાનો ચહેરા ઉપર હજું પણ સોજો ચડેલો હતો. એ જોઇને એકાએક તેને હસવું આવ્યું અને જાણે દેવાનો ઉપહાસ ઉડાવતો હોય એમ તે હસ્યો.
“એની કોઇ જરૂર નથી. તમે કહ્યું એમ જ હશે. એ ક્યાંક ટહેલવા નિકળી પડયો હશે. હું મારી રીતે આટલામાં જોઇ લઉં છું. આમપણ અત્યારે રાત પડી છે એટલે ખોટી તકલીફ લેવાની જરૂર નથી. ધન્યવાદ.” અભયે પ્રણામ કર્યા અને વૈદૈહીસિંહ દેવાને સાથે રાખવાનો આગ્રહ કરે એ પહેલા ત્યાંથી બહાર નિકળી આવ્યો હતો. પણ તેના માથામાં ઘણ પડઘાતાં હતા. કોઇ ભયાનક ષડયંત્રનો આગાઝ સંભળાતો હતો. કોઇ જ કારણ વગર દેવાએ પૃથ્વીસિંહજીની હવેલીમાં તેની ઉપર હુમલો કર્યો ત્યારે લાગ્યું હતું કે વર્ષોથી ખાલી પડેલી હવેલીમાં દેવો જરૂર કોઇ ગોરખધંધા ચલાવતો હશે અને એમાં તેણે ખલેલ પહોંચાડી હશે એટલે તેણે હુમલો કર્યો હશે, પરંતુ દેવાને અહીં જોઇને તે વૈદેહીસિંહ બાબતે વિચારવા મજબુર બન્યો હતો. ક્યાંક પૃથ્વીસિંહજીને ગાયબ કરવામાં તેમનો હાથ તો નહીં હોય ને! આ વિચાર જ કેટલો ભયાનક હતો. કોઇ દિકરી પોતાના સગા બાપને વળી શું કામ ગાયબ કરે? નાં.. નાં.. એવું વિચારવું પણ પાપ છે. તે પોતે જ એક શક્યતા વિશે વિચારતો હતો અને પછી એને નકારતો હતો. તો પછી દેવો અહીં શું કામ હતો? તેને કંઇ સમજાતું નહોતું પરંતુ આ વાત તેના મનમાં નોંધાઇ ચૂકી હતી.
એ ગડભાંજમાં જ તે બુલેટ પાર્ક કર્યું હતું ત્યાં પાછો આવ્યો અને તેણે સમય જોયો. સાડા દસ થવા આવ્યાં હતા. ફોન કાઢીને ફરીથી તેણે અનંતને લગાવ્યો. હજું પણ તેનો ફોન સ્વિચઓફ જ આવતો હતો. તેણે એક નિશ્વાસ નાંખ્યો. તે ઉલઝી ગયો હતો. કંઇક તો કરવું જોઇએ, આમ હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાથી કોઇ મતલબ સરવાનો નહોતો. અચાનક તેને જંગલમાં તપાસ કરવા જવાનો વિચાર ઉદભવ્યો. હવેલીઓની પછીતેથી એક રસ્તો સીધો જંગલમાં જતો હતો. એ રસ્તા ઉપર જ પૃથ્વીસિંહની હવેલી પણ હતી. અભયે બુલેટ શરૂ કર્યું અને જંગલ તરફ મારી મૂકયું.
@@@
છેલ્લા થોડા સમયથી ધોધમાર વરસી રહેલાં વરસાદે આજે ખમૈયા કર્યા હતા અને આકાશમાં છવાયેલા કાળા ઘનઘોર વાદળો હટયા હતા. વાદળો વિખેરાતા આકાશ એકદમ સ્વચ્છ થયું હતું. પૂનમ હજું બે દિવસ પહેલાં જ ગઇ હતી અને આજે બીજ હતી. વદ ની બીજનાં ચંન્દ્રમાંનો ચળકતો શિતળ પ્રકાશ ધરતીની સપાટી ઉપર રેળાઇને અનોખી આભા પ્રસરાવી રહ્યો હતો. વરસાદી પાણીથી ધોવાઈને ચોખ્ખા થયેલાં રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીના ખોબોચિયા ભરાયા હતા અને તેના કાંઠે બેસીને સંવનન કરતા દેડકાઓનો ’ડ્રાઉં…ડ્રાઉં…” અવાજ અહીંના સૂનકાર ભર્યા વાતાવરણમાં થોડી જીવંતતા ભરતો હતો. એવા સમયે અભય બુલેટ લઇને નિકળી પડયો હતો. તેના બુલેટની શક્તિશાળી હેડલાઇટોનો પ્રકાશ પૃથ્વીસિંહજીની હવેલીના રસ્તે પથરાતો આગળ વધી રહ્યો હતો. તેની મંઝિલ એ હવેલીની પાછળ આવેલા જાંબુઘોડાના વિશાળ અને ગાઢ જંગલ તરફની હતી. તે અનંતને શોધવા નિકળ્યો હતો. એમ કહી શકાય કે સાવ ધૂંધળી આશાનું દામન પકડીને તે જંગલ ખૂંદવા નિકળ્યો હતો.
બીજી પણ એક વાત હતી. વર્ષો પહેલા આ તરફનાં જંગલમાંથી એક ભીલ કન્યા અચાનક ગુમ થઇ ગઇ હતી. એ તેણે આજે જ ભરૂચના સ્ટોરરૂમમાંથી મળેલી એક ફાઇલમાં વાંચ્યું હતું. એ ભીલ કન્યા જે કબિલામાં રહેતી હતી એ કબિલો આ તરફનાં જંગલમાં જ ક્યાંક હોવાનું તેમાં લખ્યું હતું. અભયને અચાનક એ કબિલાવાળી જગ્યા જોવાનું મન થયું. એ જગ્યા જંગલના ચોક્કસ ક્યાં વિસ્તારમાં આવી હતી એ તો અહીનાં કોઇ સ્થાનિક નિવાસીને પૂછે તો જ ખબર પડે એમ હતું.
ખરેખર જે કામ તેણે દિવસના અજવાળામાં કરવાનું હતું એ કામ તે રાતના ઘોર અંધકારભર્યા વાતાવરણમાં કરવા નિકળ્યો હતો. તેનું એક સબળ કારણ પણ તેની પાસે હતું, અનંતની ખોજ. અનંતની ભાળ મેળવવા સાથે તે એ કબિલાવાળી જગ્યા પણ જોઇ લેવા માંગતો હતો.
તે પૃથ્વીસિંહની હવેલી સુધી આવીને થોભ્યો. ઘોર અંધકારમાં ચાંદની ઓઢીને ઉભેલી પૃથ્વીસિંહની હવેલી કોઇ ભૂત બંગલાથી કમ નહોતી ભાસતી. અભય ઘડીભર હવેલીને જોઇ રહ્યો. ક્યાં છો પૃથ્વીસિંહજી તમે? જાણે હવેલીને પૂંછતો હોય એમ તે બબડયો હતો.
(ક્રમશઃ)