Jindagi ek dakhlo sarvada baadbakino - 4 in Gujarati Moral Stories by Urvi Hariyani books and stories PDF | જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 4

Featured Books
Categories
Share

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 4

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો

પ્રકરણ - ૪

કામ્યાની આંખો બંધ હતી. એનાં હોઠ સૂકા પર્ણની માફક ફફડી રહેલાં. એ હોઠો પર માર્દવતાથી આંગળી ફેરવી રહેલો કાર્તિક પૂછી રહ્યો હતો, ' કામ્યા, મારી બર્થ-ડે ગિફ્ટ ?'

કામ્યાએ એની દંતાવલીથી હોઠ અંદર લીધા અને સહેજ ભીના કરી ફરી અધખુલ્લા મૂક્યા. આ એક સ્પષ્ટ ઇજન હતું, જેને કાર્તિકે ત્વરાથી તેની બર્થ-ડે ગિફ્ટ માની પોતાનાં હોઠો વડે સ્વીકારી લીધેલું.

સમ્યકે પોતાનાં પગ પાસે જ પ્રચંડ ધરતીકંપ થયો હોય એવું અનુભવ્યું. કદીયે ઊંચા સ્વરે ન બોલનાર સમ્યક જિંદગીમાં પ્રથમ વાર.. હા, પ્રથમ વાર જ બરાડી ઉઠ્યો, 'કામ્યા...... '

કાર્તિક અને કામ્યા બંનેય જડ થઇ ગયાં.

***

આ ઘટના બાદ સમ્યક અંદરથી ભાંગી પડેલો. એને હવે કામ્યાના બદલાયેલા વર્તન -વ્યવહાર પાછળનું કારણ કાર્તિક પ્રત્યેનો એનો વધી રહેલો લગાવ છે - એ તો સમજાઈ ગયેલું. પણ એ નહોતું સમજાતું કે આવું શાથી થયું ? કામ્યા તેનાથી ખુશ કેમ નથી ?

ઓહ, એ દિવસ કેટલો ખતરનાક હતો ! કામ્યાને એ જે પૂછી રહેલો એનાં કામ્યાએ કેવા જવાબ આપ્યાં હતા ! એણે કામ્યાને ધીરજથી, કળથી અને પ્રેમથી શું - શું નહોતું સમજાવ્યું ? પણ કામ્યાના જવાબ ? ન સમજાય એવા મળ્યા હતા.

કેટલા દર્દથી સમ્યકે કામ્યાને પૂછેલું, ' કામ્યા, તું અને કાર્તિક ? શા માટે ?'

કામ્યા જવાબમાં મૌન રહેલી.

ફરી એક વાર સમ્યકે આજીજીપૂર્વક પૂછેલું, ' કામ્યા, તું કંઈક તો જવાબ આપ. તું મન ખોલીશ તો કંઈક રસ્તો નીકળશે. તું શું ઈચ્છે છે ?'

'સમ્યક રહેવા દે, તું નહીં સાંભળી શકે. ' સ્વરને સામાન્ય અને સયંત કરવાની કોશિશ કરતા કામ્યાએ કહેલું.

'મારામાંની કોઈ પણ ખોટ તરફ તું ધ્યાન દોરી શકે છે. મને જરાય ખોટું નહીં લાગે. ' સમ્યક વિશ્વાસપૂર્વક બોલ્યો હતો.

'એમ ? ' કામ્યા કંઈક તીખી તો થોડી ઉપહાસભરી નજરે સમ્યકને તાકી રહી. સમ્યક થોડો થડકી ગયો. કામ્યાનું આ રૂપ એ પ્રથમ વાર જોઈ રહેલો. કામ્યાની નજર એનાં હૃદયને શારડીની જેમ વ્હોરી રહેલી.

' તો સાંભળ સમ્યક, તું ઑફિસેથી પાછો ફરે છે ત્યારે તને જોઈને મને કોઈ પ્રકારનું સ્પંદન નથી થતું. હું ત્યારે તટસ્થ હોવ છું. પણ રાત્રે જયારે કાર્તિક મળવા આવે છે ત્યારે મારા તન-મનમાં એક ઉત્સાહ છલકાઈ આવે છે. તું મને સ્પર્શે છે ત્યારે મને કોઈ સંવેદન નથી થતું. ઉલ્ટાનું મને લાગે છે કે હું તારો સ્પર્શ સહી લઉં છું. પણ કાર્તિક મને સ્પર્શ પણ ન કરે અને માત્ર નજરથી જ નિહાળે તો પણ મારા તન-મનમાં ખળભળાટ મચી જાય છે. તારી સાથેનો બધો વ્યવહાર મને કોઠે પડી ગયેલો લાગે છે, જયારે કાર્તિકનો સહજ સ્પર્શ પણ મારા અણુ-અણુમાં વીજળી પ્રસરાવવા પૂરતો છે. ક્યારેક- ક્યારેક તો મને તારાથી દૂર -દૂર ભાગી છૂટવાની ઈચ્છા થાય છે, જયારે કાર્તિકને એક ક્ષણ માટે પણ નજરથી અળગો કરવાનું મન નથી થતું. '

કામ્યાની તેજાબી વાણીનો અસ્ખલિત પ્રવાહ સમ્યકનાં તન-મન સહિતના સમગ્ર અસ્તિત્વને દઝાડી રહ્યો.

'સમ્યક, પ્રેમ એટલે શું ? એ હવે હું સમજી શકી છું. તારી સાથે લગ્ન બાદનાં પ્રારંભિક વર્ષોમાં પણ મેં આ પ્રકારની લાગણી તો નહોતી જ અનુભવી. આપણી વચ્ચેનો કહેવાતો પ્રેમ, એ પ્રેમ નહોતો. એ તો શારીરિક મિલનથી મળતો માત્ર ક્ષણિક આનંદ હતો. જેને બીજા બધા પતિ-પત્નીની જેમ આપણે પ્રેમ સમજ્યા અને સમજતા આવ્યાં. '

કામ્યાનો શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. પોતે જે કંઈ સાંભળ્યું હતું, એનાં પર સમ્યક વિશ્વાસ નહોતો કરી શકતો. એ માત્ર વેદનાભરી નજરે કામ્યાને જોઈ રહેલો.

કામ્યાના ગોપિત મનમાંથી ઠલવાયેલી લાગણીઓએ એનાં અંતર્મનને તહસનહસ કરી નાખ્યું હતું.

છતાં તે શાંત ચિત્તે બોલ્યો, ' કામ્યા, હું તને ખાલી એ જ રીતે પ્રેમ નહોતો કરતો. તારી કંઈ ઈચ્છાને મેં માન નથી આપ્યું ? તારી દરેક લાગણી અને માંગણીને મેં હંમેશા પ્રાધાન્ય આપી સંતોષવાની કોશિશ કરી છે. '

' હા, જરૂર; પણ સમ્યક મને તો એવા પુરુષની ઝંખના હમેંશા રહી છે કે જે મારાં વગર કહ્યે, મારી લાગણી કે માંગણી રજૂ કરું - એ પહેલા જ સમજી જાય. હું કંઈ કહું અને કોઈ કરે એ તો સામાન્ય બાબત કહેવાય. ચીંધ્યું કે કહેલું તો નોકર પણ કરી જાય. મારાં વગર કહ્યે, જે સમજી જાય અને એ પ્રમાણે કરે એવા પુરુષને હું સમજતી થઇ ત્યારથી ઝંખતી રહી છું. 'કામ્યા ભાવુક બની બોલી રહેલી.

'એવા અંતર્યામી તો એક ભગવાન જ હોઈ.... . ' સહેજ અકળાયેલા સ્વર સાથે સમ્યકે કહેવા ઇચ્છયું.

પણ સમ્યકના વાક્યને અડધેથી કાપતા કામ્યાએ ત્વરાથી એને નકાર્યો, ' ના, ભગવાન નહીં.. કાર્તિક છે એ ! કાર્તિક મને સમજે છે. હું મને ખુદને ઓળખું છું એનાં કરતા પણ વધુ એ મને સમજી શકે છે. મારાં મનમાં રહેલ પ્રત્યેક વિચાર અને મારાં રોમ-રોમની ભાષા એ સમજે છે અને જાણે છે. '

સમ્યક ધગધગી ગયો. સમજી નહોતો શકતો કે પ્રેમાંધ કામ્યાને શું કહેવું ?કઇ રીતે વારવી? કઇ રીતે સમજાવવી ? એ કાયર નહોતો. પણ હલકી વર્ણનાં પુરુષની જેમ ન તો ગાળાગાળી કરી શકતો હતો કે ન તો ધોલધપાટ કરી શકે એમ હતો.

એ બેય હાથે પોતાનું માથું પકડીને બેસી ગયો. પણ આજે કામ્યા ખૂબ ખતરનાક મુડમાં હતી.

કાર્તિક માટેની એની લાગણીઓ હવે ખુલ્લી પડી જતા પતિ-પત્ની વચ્ચે જે મર્યાદાનો પડદો હતો, એ તૂટી ગયો હતો. સમ્યક સમક્ષ કાર્તિક માટે એનાં દિલમાં રહેલી લાગણીઓ સ્પષ્ટ કરતા, એને સમજાવતા - એ ખુદ સમજી ચૂકી હતી કે એ હવે કાર્તિક વગર રહી શકે એમ નહોતી.

હવે કામ્યા કોઈ સત્ય છુપાવવા નહોતી ઇચ્છતી. એ સમ્યકને ચોખ્ખે - ચોખ્ખું કહી દેવા માંગતી હતી કે, ' સમ્યક, લગ્નનું સામાજિક - બાહ્ય બંધન મારાં મન-હૃદયને નહીં બાંધી શકે. તું મને રાજીખુશીથી અલગ કર. હું બાકીની જિંદગી કાર્તિક સાથે ગુજારવા ઇચ્છું છું. '

ક્રમશ :

પતિ-પત્ની વચ્ચે પડેલી આ મડાગાંઠનો ઉકેલ શું આવશે ? એ વાંચવા પ્રકરણ - ૫ ની રાહ જોવી રહી.