વેલુ ભંગારીયાના ચેહરા પર આજે કંઇક ગજબની જ ચમક દેખાતી હતી. લઘરવઘર કપડાંની એ જાણે પેલી વાર ચિંતા કરતો હોય એમ હાથથી ફાટેલી પેન્ટ ને ફટકારીને રજ ખંખેરતો એ ઘરમાં દાખલ થયો. ‘ભીખી ય પોચતી જ હશે. આવશે ને તરત જ ખુશખબર આપીશ. રાજીની રેડ થઇ જશે.’ વેલુએ સ્વગત જ બબડતા બબડતા પંખાની સ્વીચ ચાલુ કરી. મરી જવાના વાંકે ચાલતો વર્ષોનો વફાદાર પંખો ગરમ હવા ફેંકવા લાગ્યો. ‘આસોના તડકા ય ખરા આકરા પાણીએ છે. બચારા પંખાનો ય કેટલો વાંક કાઢવો?’ એણે વેધક નજરે બાકોરા વાળી છત તરફ જોયું. પાઈપના ટેકે ગોઠવેલ તાડપત્રી અને એના પર ટેકવેલા સુકાયેલા નારીયેલના ફડાથી બનેલી છત તરફ જોયું. અને તાડપત્રી પણ ખરીદવાના પણ ક્યાં પૈસા હતા એની પાસે! ‘એ તો ભલું થાજો સરકારનું કે એક દિ’ માટે શહેરમાં આવનારા કોઈ મંત્રીના આવકાર માટે ઠેર ઠેર તોતિંગ બેનર્સ મુકેલા. જે અઠવાડિયા પછી નધણીયાતા પડ્યા રે’તા કેટલીય ઝુંપડપટ્ટીઓ માટે વરસાદનો આધાર બન્યા ‘તા.’ એનું ધ્યાન બેનર પરના મંત્રીના ફોટો અને નીચે લખેલ પ્રચાર મંત્ર પર ગયું. ‘આવાસ યોજના – હર એક માટે ઘર એક.’ એનાથી વ્યંગાત્મક હસી પડાયું.
સીમેન્ટના પતરાંની દીવાલોના ટેકે ઉભા રહેલા ખાટલાને ઢાળીને એ નિરાંતે જીવ બેઠો. ધીરે રહીને એણે ખિસ્સામાંથી એનું આજનું ઇનામ કાઢ્યું. પ્લાસ્ટિકના કચડ કચડ અવાજ સાથે ગૌરવભેર કુચ કરતું એક નાનકડું પોટલું એની નજર સમક્ષ આવ્યું. એની અંદર કાળા રંગનું પાતળું પ્લાસ્ટિકનું બીજું ઝબલું હતું. એને ય ખોલીને જોતા એનું મોઢું ફરી એક વાર એ નવલખા હારથી અંજાઈ ગયું. દરવાજો ખુલ્લો છે એવું અચાનક ધ્યાન જતાં એ સફાળો ઉભો થઇને દરવાજાને અંદરથી કડી આપી આવ્યો. ફરી એણે હારનું નિરીક્ષણ કર્યું. ‘સાચો જ હશે. ચમક તો એવી જ છે. બાપ જન્મારે કોઈ દિવસે આટલા મોટા હારને હાથમાં ઝાલ્યો નથી વેલુ, કે સાચો ખોટો ઓળખી શકે.” એની આંખો હસું હસું થઇ પડી.
‘કાલે જ હજુ બચુડાને નવરાતરામાં કાલકા માતાનો વેશ લેવડાવ્યો ‘તો ને આજે માતાજી મહેરબાન થઇ ગ્યા.’ સવાર સવારમાં જયારે વેલુ ખાલી બોટલો અને ટીનના ડબલાં વીણવા ઉપડ્યો ‘તો ત્યારે એક મોટી ગરબીની નજીકથી આ હાર એને મળેલો. ‘કોઈ જુવાનડીએ ગરબા રમતા ખોઈ નાખ્યું હશે.’ એ ચુપચાપ ખિસ્સામાં સેરવીને ઝપાટા બંધ કોઈની નજર ન પડે એમ ઘરે પો’ચી આવેલો.
‘હવે બધી જ પીડા દુર થઇ જશે. કરીશ શું આટલા પૈસાનું વેલુ?’ નવરા બેસી રેવાની એની આદત પણ નો’તી ને પોસાણ પણ નહિ, એટલે વિચારતા વિચારતા હાથમાં તુટલું સ્લીપર લઇને સમારવા લાગ્યો. સાવ જ ઘસાઈ ને છોતરાં થઇ ગયેલું સ્લીપર આમ તો હવે મહેરબાની કરીને મને રજા આપો એવું કહી રહ્યું હતું, પણ વેલુએ હાર નો’તી માની. આગળનું ડોચકું તળિયાના બાકોરા માંથી વારંવાર બહાર આવી જતું હતું. એટલે બાવળની મોટી શુળથી એને ફીટ કરી રાખેલું. ‘સૌથી પહેલું તો આ સ્લીપર કોઈ મોચી પાસેથી રીપેર કરાવીશ. આ કાંટો ઘડીએ ઘડીએ તળિયેથી નીકળીને પગમાં ચીરા કરે છે.’ વેલુના હાથ અનાયાસે જ પોતાના પગ પર ગયા. જાડી થઇ ગયેલી ચામડીમાં છાલા અને ચીરાઓની ભરમાર હતી. કેટલીક જગાએ પસ પણ ભરાયું ‘તું. ‘રીપેર શુંકામ? નવા જ સ્લીપર લઈશ. બંને એક જ કલરના પેરીને વટથી ફરીશ. કેટલા મુલાયમ હોય નવા સ્લીપર! છેલ્લે ભીખીથી પૈણવા વખતે પણ ભૈબંધો એ બુટ લેવડાવ્યા ‘તા. હો, સ્લીપર પાકું. બીજું શું કરીશું? બચુ માટે નવું ઉનીફોરમ પણ કરાવીશ. ને ભીખીને ઓશીકું જો’તું તું. પણ હજી તો જામ પૈસા વધશે, સાચું સોન હશે તો. બાકીના પૈસાનું?’
સ્લીપરને બાજુ માં રાખીને વેલુ એ હવે વધુ ગંભીરતાથી વિચારવા માંડ્યું. ‘પેલા તો કરીયાણાવાળાની બધી ઉધારી ચૂકવી નાખવી છે, રોજ રોજ ભીખીને ખરી ખોટી સંભળાવે છે. બચુના દેન્ગું વખતે વ્યાજુકા લીધેલા પૈસા પણ પાછા આપી દઈશ.’ દેવું જાણે અત્યારે જ ઉતરી ગયું હોય એવી રીતે વેલુ ખાટલા પર પગ પસારી દીવાલ પર પીઠ ટેકવી શેઠની જેમ બેઠો. ’બચુનો દાખલો પંચાયતી શાળા માંથી કઢાવીને અંગ્રેજી ઈસ્કુલ માં કરાવી નાખીશ. સરખું ભણશે તો મારી જેમ મજૂરી નહિ કરવી પડે. લોકો બચુ સાહેબને સલામી ઠોકશે. સલામ, બચુ સાહેબ...’ ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ બેઠા બેઠા સલામી ય ઠોકી રહ્યો. ‘પછી? બાકીના પૈસા નું શું? ને તું શું આખી જીંદગી ભંગાર જ વીણવાનો છો શું? ના રે, એક કામ કરીશું, બાકીના રૂપિયા વ્યાજે ફેરવીશ. આ જનકીયો જો ને, કેવો માલામાલ થઇ ગયો છે. ને આખો દિવસ કૈં કામ પણ કરતો નથી હવે તો. પત્તા ટીચ્યા કરે ને બાટલી પીધા કરે.’ વેલુ ધીરે ધીરે સરકતો ખાટલા પર લાંબો જ થઇ પડ્યો. એના શરીરે આળસ ચડવા માંડી. ‘તે દાડે બગીચા કને થી ઓલી લાલ ગાડી સર દઈ ને નીકળી ‘તી, તા’રે ભીખી કેવી એકીટશે જોઈ રહેલી. ભીખીને એવી જ ગાડીમાં ફેરવીશ. ભીખી જ્યાં વાસણ ઘસવા જાય છે એ શેઠની બાજુમાં જ બંગલો ય બનાવીશ.’ ખાટલા પર ચત્તા સુતા સુતા પાછું એનું ધ્યાન પેલા બેનર પર પડ્યું. ‘હર એક માટે ઘર એક’. આ વખતે એના ચેહરા પર આવેલું સ્મિત વ્યંગમાં નો’તું.
વેલુ હારને એટલા પ્રેમ અને ભક્તિથી જોવા લાગ્યો જાણે માતાજી ખુદ જ દર્શન દેવા આવ્યા હોય. ‘પણ ખોટું હશે તો?’ એ ઝબકારા સાથે ખાટલામાંથી સફાળો બેઠો થયો. એના સપના એને હાથમાંથી સરી જતા દેખાયાં. અંગો નિરાશામાં ઢીલા પડવા લાગ્યા. એ હળવેકથી ઉભો થયો ‘ને હાર ને ઝબલાંમાં વીંટાળી, ધરીમાં મૂકી, ધરીનો કમાડ બંધ કરી ને બારી માંથી દેખાતા આકાશના ચોરસ ટુકડાને શૂન્યમન્યસ્ક નજરે જોઈ રહ્યો.
હાર્દિક રાયચંદા (૧૪-૧૦-૨૦૧૬)