કયા ગયા બધા??
ઓહ...... આટલું બધું માથું કેમ દુઃખે છે ખબર નથી પડતી?
સતત દુખાવાને લીધે એક હાથ માથા પર દબાવી રાખ્યો અને જગ્યા અજાણી હોવાથી ઉંઘતા પહેલા મારો સ્માર્ટફોન ઓશીકા ની નીચે મુકેલો હતો. તરત ઓશીકા નીચે થી મોબાઈલ કાઢ્યો અને પેટર્ન આપી લોક ખોલ્યું.બેટરી લો હતી.
મેં નેટ તો બંધ કર્યું હતું તો પણ બેટરી ઉતરી ગઈ?
મોબાઈલ ની ઘડિયાળ માં સવારના નવ વાગ્યા હતા પણ આ શું.....? આવતી કાલની તારીખ આજે......?
ફરીથી કંપારી છુટી ગઈ...
હું એક દીવસ વધારે સુઈ ગયો???
વોટ્સએપ ચાલુ કર્યુ બે દિવસ પહેલા ફ્રેન્ડ સાથે વાત થઈ હતી એ વાતને અત્યારે ૯ કલાક બતાવવા જોઈએ પણ અત્યારે તો ૩૫ કલાક પહેલાં વાત કરી હતી એવું બતાવે છે.
કંઈ સમજાતું નથી...?અને બીજા બધા ક્યાં છે?
પેલા નાથીયાને પકડવો પડશે.
એને ખબર હશે કે ક્યાં ગયા બધા?
બહાર નીકળી નાથીયાને બુમો પાડીને થાકયો પણ નાથિયો સ્કુલ માં હોય એવું લાગતું જ ન હતું.એના માટે મારું અનુમાન ખોટું નહીં પડે?કંઈ ખોટું બનશે તો એનું ઈન્વોલ્વમેન્ટ હશે જ.....
એટલામાં એક આઈડિયા આવ્યો અને મમ્મી, પપ્પા, બહેન, જીજાજી ના વોટ્સએપ ચેક કર્યા.
કોઈએ છેલ્લા ૩૫ કલાકની અંદર ઓનલાઈન નહોતા થયા,દરેકના લાસ્ટ સીન ૩૫ કલાક પહેલા ના બતાવતા હતા.એનો મતલબ એવો નીકળે કે બધાને સાથે જ બેભાન કરવામાં આવ્યાં હોવા જોઈએ. અને મમ્મી,પપ્પા, બહેન, જીજાજી કોઈક તકલીફમાં હોવા જ જોઈએ.
રુમમાં કોઈ સાબિતી શોધવા પ્રયત્ન કરવા લાગ્યો પણ કપડા અને બેગ બધું એમને એમ જ હતું. કીંમતી દાગીના પણ ત્યાં ના ત્યાં જ હતા એટલે જે કંઈ બન્યું છે એની પાછળ ચોરીનો આશય તો નથી છતાંય એક વાર નહીં ત્રણ-ત્રણ વાર આખેઆખો રૂમ ફેંદી નાખયો પણ કંઈ મળ્યું નહીં .વળી જયારે સુઈ ગયા ત્યારે જે કપડાં પપ્પા અને જીજાજી એ પહેરેલા એ ના મળ્યા એનો અર્થ એવો નીકળે કે એ લોકો ગઈકાલે ઉઠતા પહેલા જ અહીં થી જતા રહ્યાં છે અથવા એમને લઈ જવામાં આવ્યાં છે.
એટલામાં રૂમની બહાર નીકળી વિચારતા વિચારતા દરવાજાની બાજુના ખૂણામાં નજર પડી તો એક તાપણું કરવા માટે જ રાખ્યું હોય એવું સાવ બળી ગયા જેવું નાનું તપેલું પડેલુ હતું પણ જે રાખ હતી એના પરથી એવો તર્ક લગાવ્યો કે ધુમાડીયુ મારા ઉઠતા વારમાં જ ઓલવવા માં આવ્યું હતું અને ખાતરી કરવા તપેલાને અડકયો તો આટલી બધી ઠંડી માં જેટલું ઠંડું હોવું જોઈએ એના કરતા ઘણું ગરમ લાગ્યું મતલબ હું ઊંઘી ને ઊઠ્યો ત્યાં સુધી કોઈ ને કોઈ મારા પર નજર રાખીને બેઠું હશે જ......
અને હું કયારે ઉઠું છું એ ખબર પડતા જ એ લોકો સતર્ક થઈ જવા માંગતા હોય...?... એવું બની શકે
તેમજ અત્યારે જેટલી તીવ્રતાથી માથામાં દુખાવો થાય છે એટલો દુખાવો મારા સીવાય બીજું કોઇ હોય તો પથારીમાંથી ઊભું જ ના થાય એવું એ લોકો માનતા હશે.(પણ એ વાત હું જ જાણું છું કે બહુ વિચાર કરવાની અને તર્ક લગાવ્યા કરવાની આદતને કારણે માથાનો દુખાવો મારા માટે ૨૪ કલાક ૩૬૫ દીવસની બીમારી હોવાથી મને ગમે તેટલું માથું કેમ ના દુખે?.....એનાથી મને કોઈ જ ફરક ના પડે.)એટલે મારી હલન ચલન જોઈને મારી પર નજર રાખવાવાળો મને એમનો એમ છોડી જઈને આગળ કોઈ ને મારા ઉઠવાનો મેસેજ આપવા ગયો લાગે છે અથવા ફરીથી બેભાન કરવા માટે કોઈકને બોલાવવા ગયો લાગે છે.એટલે કોઈ ફરીથી મારા રૂમ બાજુ થોડીવારમાં ચક્કર મારવા જરૂર આવશે.
આવો વિચાર આવતા જ રૂમનું બારણું અંદરથી બંધ કર્યું હતું જેથી અચાનક એટેક કરે તો મને એનાથી બચવા જેટલો સમય મળી રહે સાથે સાથે મગજમાં એક પ્લાન ઘડાવવા લાગ્યો કે જો .....એ રુમમાં કોઇ સ્પ્રે છાંટી ને જો મને બેભાન કરે તો મને ભાનમાં રહેવાનો મોકો ના મળે એવી શક્યતા વધારે હોવાથી મારો હાથરૂમાલ મોંઢા અને નાક પર બાંધી દીધો અને પાણીનો ગ્લાસ ભરીને મોંઢા અને નાકવાળા ભાગના રૂમાલ પર ખાલી કરી દીધો જેથી જો બેભાન કરવા સ્પ્રે નો ઉપયોગ કરે તો સ્પ્રે ની સ્મેલ ભીના રૂમાલને લીધે શ્વાસ માં જાય નહીં અને હું બેભાન થવું નહીં પછી મારી પથારી માં જઈને હું સુઈ જવાનું નાટક કરવા લાગ્યો અને નાક-મોઢા પર ભીનો રૂમાલ દેખાય નહીં એમ અને આંખો ઢંકાઈ ના જાય એ રીતે ચોરસો ઓઢયો.
હવે કોઈ આવવું જોઈએ એમ સતર્ક રહીને ઊંઘવાનું નાટક કરવા લાગ્યો.હવે રાહ જોવાની હતી.
મન મમ્મી પપ્પા ના વિચારે ચડી ગયું અને ફરી એકવાર શરીરની અંદર કંપારી છુટી ગઈ કે શું કરતા હશે એ લોકો??કંઇ થયું તો નહીં હોય ને??
વિચાર કર્યા કરવાની આદતને લીધે મગજનું તો તર્ક લગાવવાનું ચાલું જ હતું કે હું પણ બેભાન જ હતો એટલે એ લોકો મને મારી નાંખી પણ શકતા હતા છતાં મને જીવતો રાખ્યો છે અને મને જ એકલો છોડી દીધો છે.....કેમ મને ના લઈ ગયા?મારી જગ્યાએ બીજા કોઈને મુકીને કેમ ના ગયા? શું હશે આની પાછળ નું રહસ્ય?
જો મારું અનુમાન સાચું પડે અને કોઈ મને ફરીથી બેભાન કરવા આવે તો એનું પગેરું મને મમ્મી, પપ્પા, બહેન, જીજાજી ક્યાં છે એ બાજું લઈ જશે.
એટલામાં ચંપલ ઘસાવાનો અવાજ કાનમાં પડ્યો....
(વધું આવતા અંકે)