Never give up - 3 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | ક્યારેય હાર ન માનો - 3

Featured Books
Categories
Share

ક્યારેય હાર ન માનો - 3

આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે શું કરવુ જોઈએ?

જ્યારે પણ તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમને જે કંઈ પણ નુક્શાની થઈ છે તેની પોતાના જીવ સાથે સરખામણી કરો કે બન્નેમાથી શું વધારે મહત્વનુ છે? દા.ત. તમે અભ્યાસમા નાપાસ થયા હોવ અને તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમે એવી સરખામણી કરો કે મારુ એક વર્ષ બગડી ગયુ એ મારી જીંદગી કરતા મોટુ છે કે મારી જીંદગી મોટી છે ? બીજી વખત મહેનત કરીને સારુ પરીણામ લાવી શકાશે પણ શું પાછો જીવ લાવી શકાશે? આવો વિચાર કરશો તો તમને સમજાઇ જશે કે જીંદગીને એક નહી પણ ૧૦૦૦ વખત ચાન્સ આપવા જોઈએ.
સીંહનુ બચ્ચુ જ્યારે પહેલીજ વખત શીકાર કરવા નિકળે અને શીકાર કરવામા નિષ્ફળ જાય તો શું તે આપઘાત કરી લે છે? નિરાશ થઈ બેસી જાય છે ? નહી એવુ ક્યારેય નહી થાય કારણકે તેમના જીવનમા નિષ્ફળતા જેવુ કશુ હોતુજ નથી. તેઓતો આ ઘટનાને એક બનાવ સમજીને ભુલી જતા હોય છે અને ફરી પાછા શીકાર પર નિકળી જતા હોય છે. પ્રાણીઓ ક્યારેય પોતાની જીંદગીને કોઇ એક બાબત પર કેન્દ્રીત રાખીને નથી જીવતા હોતા એટલા માટેજ તેઓ બધુ ગુમાવ્યાનો ભાવ નથી અનુભવતા હોતા જ્યારે આપણે સમગ્ર જીંદગીને કોઇ એકજ બાબત પર કેન્દ્રીત કરીને જીવતા હોઇએ છીએ, પછી જ્યારે આપણી નોકરી, સબંધો કે લોકોનો વિશ્વાસ ગુમાવી દેતા હોઈએ છીએ, પરીક્ષામા નાપાસ થતા હોઈએ છીએ કે ધંધામા ખોટ ખાતા હોઇએ છીએ ત્યારે આપણુ બધુજ લુંટાઇ ગયુ હોય તેવો ભાવ અનુભવાતો હોય છે જેથી આપણે આત્મહત્યા કરવાના વિચારોમા સરી પડતા હોઈએ છીએ.
પશુ પક્ષીઓ ક્યારેય એવુ વિચારતા નથી કે મારો માળો વીંખાઇ ગયો છે કે શીકાર હાથમાથી છટકી ગયો છે તો હવે મારુ આખુ જીવન નકામુ થઈ ગયુ છે કારણકે તેઓ જાણતા હોય છે કે આ બધુ જીવનનો એક ભાગ છે, તેજ સંપુર્ણ જીવન નથી. જો સામાન્ય પશુ પક્ષીઓ જીવનનુ આટલુ સરળ રહસ્ય સમજી જતા હોય તો આપણે બુદ્ધીશાળી માણસો હોવાને નાતે પ્રકૃતીનો આટલો સરળ નિયમ કેમ સમજી નહી શકતા હોઇએ. જો પ્રાણીઓ આવી ખેલદીલી દર્શાવી શકતા હોય તો આપણે કેમ ન દર્શાવી શકીએ. આપણે પણ સામાજીક પ્રાણીજ છીએને ! શું આપણે એક માણસ તરીકે એટલુય ન કરી શકીએ ? વારંવાર પડતા થઈને ફરી પાછા બેઠા કેમ થવુ એ પ્રકૃતીમાથી ખાસ શીખવુ જોઈએ. એક સામાન્ય એવા કરોડીયાનો જાળો પણ તમે વીંખી નાખો તો તે ફરી પાછો તેને બનાવવા લાગી જતો હોય છે, ફરી પાછો વીખી નાખો તો પાછો તે બનાવવા લાગી જશે પણ ક્યારેય હાર માની રડવા નહી લાગે. જો એમજ હોય તો પછી આપણેજ કેમ બુમો બરાડાઓ પાડીએ રાખીએ છીએ ? શું માણસ હોવુ ગુનો છે? નહી માણસ હોવુ ગુનો નથી પણ નીરાશ થઈ હાર માની લેવી, પોતાની શક્તીઓને ઓછી આકવી, આત્મહત્યા કરી લેવી એ ગુનો બને છે. આપણને ભગવાને આવા કામ કરવા માટે માણસ તરીકેની જીંદગી નથી આપી, માટે મહેરબાની કરી પોતાની શક્તીઓનુ અવમુલ્યન કરી તેની અવગણના કરવાનુ બંધ કરી તેને ઓળખી શ્રૃષ્ટીના વિકાસમા મદદરૂપ થવા લાગી જવુ જોઈએ. સફળતા મેળવવી એ આપણા હાથની વાત ન હોય તો પણ પ્રયત્નો કરતા રહેવુ એતો આપણા હાથનીજ વાત છેને ! આપણા હાથમા જેટલુ છે તેનોય આપણે અમલ ન કરી શકતા હોઇએ તો પછી જે નથી તેનીતો વાતજ કરવાની નથી આવતીને !! માટે યાદ રાખો કે જીવન એટલુ વિશાળ છે કે જેમા એક નાની એવી નોકરી કે પરીક્ષા ગુમાવવાનો રંજ કરવો વ્યાજબી નથી, તેમ કરવાને બદલે દરેક વ્યક્તીએ સમતોલ જીવન જીવતા શીખવાનો પ્રયત્ન કરવો જોઇએ. જીવનમા આ બધાથી પણ વિશેષ ઘણુ બધુ છે, જીવન ખુબજ વિશાળ છે તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. આ કંઈ નવુ જ્ઞાન નથી તે આપણે સમજી ન શકીએ. સમગ્ર વિશ્વ આ રીતેજ ચાલતુ હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો પ્રયત્ન કરતા રહેવુ પણ હાર ન માનવી એજ સંસારનો નિયમ હોય છે. જો સમગ્ર વિશ્વ આ રીતેજ ચાલતુ હોય તો આપણે પણ તેનો એક ભાગ હોવાને કારણે તે રીતેજ આગળ વધતા રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણકે નિષ્ફળતા કે નિરાશાઓને હરાવવાની આજ સોથી શ્રેષ્ઠ રીત હોઈ શકે છે.
જો તમને બધુજ ગીવ અપ કરી દેવાનો કે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય તો ત્યારે તમારે એક વખત તમને મળેલા અને તમારી રાહ જોઇ રહેલા કે મળવાપાત્ર સુખનો વિચાર કરવો જોઈએ, તમારા પરીવાર, મીત્રો, ભાવતુ ભોજન, ખુશનુમા રીતે પસાર કરેલો સમય, પ્રવાસના અનુભવ, હસીમજાકનો સમય, લોકો તરફથી મળતા કે મળવાના માન સમ્માનને યાદ કરવો જોઈએ અને એમ વિચારવુ જોઈએ કે હું આવા બધા સુખ શા માટે ગુમાવી દઉ ? શા માટે હું એક માણસને શોભે તેવુ જીવન ન જીવી બતાવુ ? આવો વિચાર કરશો તો તમને જીંદગી પ્રત્યે થોડો ઘણોતો લગાવ થશેજ, નવી આશાઓ બંધાશે કે જીવન જીવવાની નવી રીત સમજાશે જેમા નકારાત્મક લાગણીઓનુ કોઇજ સ્થાન નહી હોય. આમ એક પળ માટેનો આવો વિચાર પણ આપણને જીવન પ્રત્યેના ખોટા સ્ટેપ લેવાથી બચાવી આપતો હોય છે.

તો શું થઈ ગયુ કે તમારો આજનો દીવસ ખરાબ ગયો ! એક દીવસ ખરાબ જવાથી કંઇ આખી જીંદગી ખરાબ જશે તેવુ થોડુ માની લેવાય ? આજનો દિવસ ખરાબ ગયો હોય તો આવનારા દિવસો ખરાબ ન જાય તેની કાળજી કે વ્યવસ્થા કરવા લાગી જવુ જોઇએ, પોતાની ભુલોમાથી કંઇક નવુ શીખી તેનો કાયમી ધોરણે અમલ કરવો જોઇએ. આ રીતે કંઇ માથે હાથ રાખી બેસી થોડુ જવાય ? જીંદગીમાતો એક પછી એક નવા નવા દિવસો આવ્યેજ કરવાના છે. આજે ખરાબ દિવસ ગયો છે તો કાલે સારો દિવસ પણ આવી શકે છે તો આપણે એ દિવસની રાહ જોઈ પ્રયત્નો કરતા રહેવુ જોઈએ. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ બધુ બદલાતુ જતુ હોય છે. તમારા જીવનમા શું થયુ છે તેવુ કાયમી કોઇ યાદ રાખવા નવરુ નથી હોતુ. તમને કદાચ ઓછા માર્ક્સ આવી જાય તો પણ લોકોતો એ બધુ અઠવાડીયામાજ ભુલી જવાના છે કારણકે એમના જીવનમા પણ પોતાની અલગ અલગ સમસ્યાઓ હશે જેને તેઓ પહેલી પ્રાથમિકતા આપતા હશે. તો હવે જો લોકો બધુ ભુલીજ જવાના હોય કે તેઓ માટે તેમની સમસ્યાજ વધારે મહત્વની હોય તો પછી ઓછા માર્ક્સ આવી જવાથી કે કોઇ ભુલ કરી દેવાથી લોકો શું કહેશે ને શું નહી કહે તેવી ચીંતા શા માટે કરવી જોઇએ ? તેના કરતા આપણે આપણા ભવિષ્યને સુધારવા લાગી ન જઈએ ! લોકો શું કહેશે તેની ચીંતા કરશુ તો દુ:ખ, ટેન્શન અને નીરાશા સીવાય બીજુ કશુ મળવાનુ નથી, પણ જો આપણે આપણા ભવિષ્ય કે ભુલોને સુધારવા લાગી જશુ તો સારા દિવસો ચોક્કસ લાવી શકાતા હોય છે અને એ તમામ લોકોના મોઢા બંધ કરી શકાતા હોય છે કે જેઓ આપણી નાની નાની ભુલો પર હાંસી ઉડાવતા હોય. માટે યાદ રાખો કે ક્યારેય બધા દિવસો સરખા હોતા નથી. આજે નિષ્ફળતા મળી છે તો કાલે સફળતા પણ મળી શકે છે. જો નિષ્ફળતાને કારણે આપણે આત્મહત્યા કરી લેશુ તો કાયમને માટે આપણા ઉપર નિષ્ફળ વ્યક્તીનુ લેબલ લાગી જશે. તેના કરતા જો સતત પ્રયત્નો કરતા રહીશુ, નવા નવા ઉપાયો અજમાવતા રહેશુ તો એકને એક દિવસ સફળતા ચોક્કસ મેળવી શકાશે. આ રીતેતો નિષ્ફળતાનુ લેબલ પણ ધોવાઇ જતુ હોય છે અને જીંદગીમા સુખના દિવસો પણ પાછા લાવી શકાતા હોય છે.

મોટા ભાગે લોકો દુ:ખી, નિરાશ થઈ જાય છે તેનુ સૌથી મોટુ કારણ એજ હોય છે કે તેઓ નિષ્ફળતા કે તકલીફોને કાયમી સમજી લેતા હોય છે. આજે નિષ્ફળતા મળી હોય તો હવે આખી જીંદગી આપણને નિષ્ફળતાજ મળશે, હવે પછી ક્યારેય સફળ થઈ શકશુ નહી તેવુજ તેઓ માની બેસતા હોય છે એટલા માટેજ તેઓ નિરાશામાથી બહાર આવી શકતા હોતા નથી. જો લોકો નિષ્ફળતાને એક ઘટના સમજી ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરે, ભુલોને સુધારવાનો પ્રયત્ન કરે તો નિષ્ફળતાને સફળતામા ફેરવી એ તમામ લોકોની બોલતી બંધ કરી શકતા હોય છે કે જેઓ તેને કાયમી નિષ્ફળ વ્યક્તી માની બેઠા હોય.

એક વાત હંમેશા યાદ રાખો કે મુશ્કેલી, તકલીફ કે નિષ્ફળતાના સમયે તમે આત્મહત્યા કરી લેશો તો નિષ્ફળ વ્યક્તીનો સ્ટેમ્પ તમારા કપાડ પર કાયમને માટે લાગી જશે. પણ જો તમે મહેનત કરીને તે નિષ્ફળતાને સફળતામા ફેરવી બતાવશો તો લોકો તમારા નામના દાખલાઓ આપતા થઈ જશે કે પેલા વ્યક્તી પર આટ આટલી તકલીફો આવી પડી, આટલી વખત નિષ્ફળ થયો તેમ છતા પણ તેણે હીંમત હારી નહી અને આખરેય તેણે સફળતા મેળવી બતાવી. આમ જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારા નામના દાખલાઓ આપે તો તમારા જીવનમા બે ઘટના ઘટવી જરુરી છે એકતો નિષ્ફળ થવુ અને બીજુ તે નિષ્ફળતામાથી પણ સફળ થઈ બતાવવુ. અત્યારે નિષ્ફળતા નામની ઘટના ઉદ્ભવી ચુકી છે એટલે ૫૦ % સફળતાતો તમને સરળતાથી મળી ગઈ છે. એટલે હવે તમારે દુ:ખી થવાને બદલે ખુશ થવુ જોઇએ કારણકે હવે જો તમે તમામ પ્રકારની ભુલ સુધારણા કરી થોડીક પદ્ધતીસરની મહેનત કરી બતાવો તો કાયમને માટે ઇતીહાસમા અમર થઈ શકો તેવા પરાક્રમો દર્શાવી શકતા હોવ છો. આમ નિષ્ફળતા એ ઇતીહાસમા, સમાજમા અમર થઈ જવાની તક છે. તેને ઉત્સાહથી જડપી લેવામા આવે તો જીંદગી આખી સુધારી શકાતી હોય છે. જો તમને પહેલેથીજ કે સરળતાથી સફળતા મળી ગઈ હોત તો તમને કોઇજ યાદ રાખવાનુ ન હોતુ કારણકે તેમા શીખવા જેવુ લોકોને કશુજ મળેત નહી. પણ જો તમે ૧૦ વખત નિષ્ફળ થવા છતા પણ સફળતા મેળવી બતાવો તો સમગ્ર વિશ્વ માટે તે ચર્ચાનો વિષય બની જતો હોય છે અને તમે પ્રખ્યાત બની જતા હોવ છો. આમ હવેતો નિષ્ફળતા, ગરીબી, તકલીફો એ બધુ તમારા માટે વરદાન સમાન છે કારણકે હવેજતો તમારુ નામ અમર થઈ જવાનુ છે !

ક્રીકેટની રમતમા જ્યારે બધાજ સારા સારા બેટ્સમેનો આઉટ થઈ જાય છે ત્યારે કોમેન્ટેટરો કે પ્રેક્ષકો શું કહેતા હોય છે જાણો છો ! તેઓ કહેતા હોય છે કે બસ હવે તો તે ગમે તેમ કરીને પીચ પર ટકી રહે અને ચોગ્ગા છગ્ગાને બદલે એક એક રન લેય તો પણ મેચ જીતી શકાય તેમ છે. આમ કટોકટીના સમયે ચોગ્ગા છગ્ગા મારવાને બદલે વિકેટ જાળવી એક એક રન લઈને પણ આગળ વધતા રહેવામા આવે તો પણ મેચ જીતી શકાતો હોય છે. આઉટ થઈ જનારા લોકો ક્યારેય મેચ નથી જીતાળી શકતા હોતા પણ એક એક રન લઈને પણ ટકી જનારા ખેલાડીઓ ચોક્કસ મેચ જીતાડી જતા હોય છે. જીવનનુ પણ કંઈક આવુજ હોય છે. જીવનમા પણ અનેક પ્રકારની તકલીફો કે કટોકટીઓ ઉત્પન્ન થતી હોય છે તો આવા સમયે હવે ગેમ ઓવર સમજીને આત્મહત્યા કરી લેનારા લોકોને બદલે ગમે તેમ કરીને થપાટો ખાઇને પણ ટકી જનારા વ્યક્તી આખરે બાજી જીતી જતા હોય છે. બસ જીવનનુ આટલુ ગણીત જો લોકો સમજી જાય તો તેમનો બેડો પાર થઈજ ગયો સમજો. માટે હવેથી જ્યારે પણ તમને નિષ્ફળતા મળે ત્યારે એટલુ ચોક્કસથી વિચારજો કે આતો હજી ઇનીંગનો પહેલોજ બોલ છે, પહેલાજ દડામા છગ્ગો ન લાગે તો આખી મેચ હારી ગયા છીએ એવુ થોડુ કહી શકાય ? કોણ જીતશે અને કોણ હારશે એ તો છેલ્લા દડેજ નક્કી થતુ હોય છે, માટે આપણે પણ તે છેલ્લા દડા સુધી બહાદુરીથી ટકી રહેવુ જોઇએ.

અહી એક વાત હંમેશા યાદ રાખો કે નિષ્ફળતા એ બીજુ કંઇ નહી પણ સફળતા પહેલાનો વેઇટીંગ પીરીયડ હોય છે કે જેમા આપણે થોડી ધીરજ રાખી સતત નવુ નવુ જ્ઞાન મેળવી આવળતોની ધાર કાઢી પોતાને સફળતાને લાયક બનાવવાના હોય છે. નિષ્ફળતા એટલે બધુ ખતમ એમ નહી પણ નિષ્ફળતા એ તો શરુઆત છે, એવી શરુઆત કે જે તમને મહાન સફળતા કેમ મેળવવી તેના પાઠ શીખવે છે. જો તમે આ બધા પાઠ શીખી લ્યો તો બધાથી આગળ નીકળી શકતા હોવ છો પણ જો ન શીખો તો હતા ત્યાંથી પણ નીચે ઉતરી જતા હોવ છો. માટે હવે નક્કી આપણે કરવાનુ છે કે હતા ત્યાંથી પણ નીચા ઉતરી જવુ છે કે સતત આગળને આગળ વધતા રહેવુ છે.