પ્રકરણ – 22
“અરે, ઊભી કેમ થઈ ગઈ” બાજુમાં હાથ મૂકીને તે બોલી- “બેસ… મૅર્વિના! ચાલ, ગીત પૂરું કરીએ… આઈ થી અખિયોં મેં લે કર ક્યા ક્યા સપને પ્યાર કે… જાતી હું દો આંસું લે કર આશાએં સબ હાર કે…. પલ પલ મનવા રોયે, છલકે નૈનોં કી ગગરિયા… કોલેજ કોલેજ દ્વારે-”
“કોણ છે તું?” વિશ્વા હજી ઊભી હતી.
“અવની.”
વિશ્વા ઘડીક તો એમ જ ઊભી રહી. અવની સામે તાકી રહી.
“મૅર્વિના, જ્યારે તને વેદ મળે ને ત્યારે તું આ ગીત તેને ગાઈ સંભળાવજે-” અવની નચિંત હતી- “અહેસાન તેરા હોગા મુઝ પર, દિલ ચાહતા હૈ વો કહને દો…. મુઝે તુમ સે મુહબ્બત હો ગઈ હૈ, મુઝે પલકોં કી છાંવ મેં રહને દો….”
વિશ્વા તેની અગાઉની જગ્યાએ બેઠી. અવનીએ ગીત આગળ ગાતી રહી-
“તુમ ને મુઝ કો હંસના શીખાયા… રોને કહોગે રો લેંગે અબ… આંસું કા હમારે ગમ ન કરો, વો બહતે તો બહને દો…. મુઝે તુમ સે મુહબ્બત હો ગઈ હૈ, મુઝે પલકોં કી છાંવ મેં રહને દો.”
“સારું ગાઈ શકો છે તમે, અવનીબેન!” વિશ્વા ઠંડે કલેજે બોલી.
“થેંક યુ, ડીઅર!” અવનીએ મકલાટ સાથે કહ્યું.
બંને ઘડીક ચૂપ બેસી રહ્યાં. બગીચામાં આમતેમ નજર દોડાવતાં રહ્યા. વિશ્વાના મગજમાં શું ચાલી રહ્યું હતું એનો અંદાજ લગાવવો અઘરો હતો. અવની નામની કોઈ અજાણી વ્યક્તિના મોઢે પોતાનું અસલી નામ સાંભળીને તેને જે આઘાત લાગ્યો હતો તેમાંથી તે ખૂબ જ ઝડપથી પોતાની જાતને સ્વસ્થ કરી શકી હતી. બીજું કોઈક તો ત્યાં જ પડી ભાંગે એવો વજ્રાઘાત અવનીએ કર્યો હતો. અવનીની ચતુરાઈ અને માનસિક સ્થિરતા તો બેજોડ છે જ પણ વિશ્વા-મૅર્વિના પણ કંઈ ઓછી નથી! અવની અને મૅર્વિનાની આ મુલાકાતથી ભૂત, ભવિષ્ય ને વર્તમાનના અસંખ્ય પ્રશ્નો એકસામટા બંડ પોકારી એ ઉઠે એ સમજી શકાય એવી વાત છે પણ એ તમામ પ્રશ્નોમાં એક પ્રશ્ન મેદાન મારી જાય- આ મુલાકાતમાં હવે શું થશે?
“મારી પાસે બે કલાક જ છે.” મૅર્વિના બોલી- “ મારે સંગીતશાળામાં જવાનું છે એ તું જાણતી હોઈશ. તું શું કામ અહીં આવી છે?”
“તારી મદદ કરવા. તારા જેવી બુદ્ધિમાન છોકરીને મદદ કરવામાં મને આનંદ થશે.”
“તું વેદને ઓળખે છે?”
“એની સાથે તારી મુલાકાત કરાવી શકીશ.”
મૅર્વિના મૌન રહી. જમીન પરનાં લીલા ઘાસને જોઈ રહી. અમુક ક્ષણો પછી તેણે અવની સામે જોયું. બોલી-
“મને મળવાનો તારો મૂળ હેતુ આ નથી, અવની! શક્ય છે કે તું વેદની સંબંધી હોય. તું મારી અને વેદની મુલાકાત ગોઠવી આપે એ પણ શક્ય છે. પણ એ બંધબેસતું નથી લાગતું. તું મને મૅર્વિના તરીકે ઓળખે છે એનો અર્થ એ થયો કે હું આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડયેલી છું એ તું જાણે છે. મારી અને વેદની મુલાકાત અન્ય કોઈ સંજોગોવશ થતી હોય તો પણ તું એમાં અવરોધ ઊભા કરે. એ ડાહ્યા અને ભલા છોકરાની મુલાકાત આતંકવાદી છોકરી સાથે તું સામે ચાલીને કેમ ગોઠવે? એક શક્યતા એ પણ છે કે એ મુલાકાત અમારી કથાનો અમ્ત બની રહે એવું કંઈક તું ગોઠવે, જેથી ભવિષ્યમાં હું કોઈ વલખાં ન મારું. તું ગમે તેમ કરીને વેદના મનમાં મારા વિશે ઝેર ભરી દે અને અમારી મુલાકાત દરમિયાન વેદ મને તરછોડી દે. પરંતુ, આ વિકલ્પો વિશે તો જ વિચારાવાનું હોય જો વેદ તારો સંબંધી હોય. એ પણ શક્ય છે કે તું વેદની દુશ્મન હોય, તારે વેદ સાથે કોઈ વેર હોય. એને અજાણતઆં જ એક આતંકવાદી છોકરાના લફરાંમાં પાડીને તું એને સમાજમાં બદનામ કરવા માંગતી હોય. તો, વાસ્તવિકતા શું છે, અવની? તું વેદની સંબંધી છે કે દુશ્મન?”
“હિતેચ્છુ.”
“એક આતંકવાદી છોકરી સાથે એની મુલાકાત ગોઠવમાં તને એનું શું હિત દેખાય છે?”
“હું એને કંઈ નુકસાન નહિ થવા દઉં.”
“એટલે તું વેદના કાનમાં મારા વિશે ઝેર રેડીશ અને એના મોઢે જ મને-”
“હું એવું કંઈ નહિ કરું.” અવનીએ કહ્યું- “હું વચન આપું છું કે વેદને તો શું, હું કોઈનેય નહિ કહું કે તું આતંકવાદી છે. તારી પાસે ખૂબ જ સરસ અવસર છે વેદનું મન જીતવાનો.”
“પણ….”
“શું?”
“એ આશા મેં છોડી દીધી છે.”
“આપણે અહીં મજાક-મસ્તી નથી કરી રહ્યા, મૅર્વિના!”
મૅર્વિના ચૂપ રહી. તેની આંખમાં આંખ પરોવીને અવની ધીમા અવાજે બોલતી રહી-
“સો વાર વિચારીને એક પગલું ભરનારી મૅર્વિના આજે પાગલની જેમ અમદાવાદની કોલેજે-કોલેજે ભટકે છે અને પાછી કહે છે કે વેદની આશા છોડી દીધી છે. તું પાગલની જેમ વર્તી રહી છે, મૅર્વિના! પાટણમાં તેં વેદને પ્રથમ વખત જોયેલો. તેને આનંદ સરોવર આવવાનું કહેલું. ત્યારે વેદ નહોતો આવ્યો અને તું નિરાશ થઈ ગઈ હતી. તને વેદ પર ગુસ્સો આવ્યો હશે- પારાવાર ગુસ્સો. એ પછી તેં વેદનો પીછો કરવાનું બંધ કર્યું હતું. એ વાતને ત્રણ વર્ષ થયે તને વેદ અચાનક કેમ યાદ આવી ગયો એ સમજાતું નથી. બારમા ધોરણ પછી વેદ કઈ કોલેજમાં ભણી રહ્યો છે એ તને ખબર છે? ના. તેણે એંજીનિયરીંગમાં એડમિશન લીધું છે કે બી.એસસી.માં કે ત્રીજા કોઈ કોર્સમાં એ તને ખબર છે? ના. વેદ અમદાવાદની જ કોઈ કોલેજમાં ભણે છે એની ખાતરી છે? ના. વેદ નેશનલ લેવલની કોઈ ઈન્સ્ટીટ્યુટમાં નહિ ભણતો હોય તેની ખાતરી છે? ના. તું આ શું કરી રહી છે, મૅર્વિના? આંધળો ગોળીબાર જ કે બીજું કંઈ? ને આમાં જોખમ કેટલું બધું છે? તારી ટુકડીના કોઈ સભ્યને ખબર પડી ગઈ કે તો તારું તો આવી બનશે! તું શું ખુલાસા કરીશ? એ વિશે તો તેં કંઈ વિચાર્યું જ નહિ હોય, હેં ને? મૅર્વિના, હું તને ઓળખું છું. તારાં તર્ક અતિ ધારદાર હોય છે. કોઈ ઘટના કે ફક્ત ઈન્ફર્મેશનનું તું ગજબ વિશ્લેષણ કરી શકે છે અને સચોટ તારણો કાઢી શકે છે. ગમે તેવા ગૂંચવાડામાંથી તથ્યો સુધી પહોંચવાની તારી આવડત ખરેખર પ્રસંશનીય છે. આ બધી શક્તિઓ ક્યાંક અંધારા ખૂણામાં દબાઈ જાય છે, જ્યારે વેદ તારા મનમાં પ્રવેશે છે. મૅર્વિના, વેદની આશા છોડી દીધી છે એવું બોલીને જાતને ન છેતરીશ.”
મૅર્વિના ઘડીક ચૂપ રહી. અવની તેના પ્રત્યુત્તરની રાહ જોતી બેસી રહી. અડધી મિનિટ પછી મૅર્વિના બોલી-
“અવની, ઘણું સારું હૉમવર્ક કરી લાવી છે તું!”
“તું ખોટી દિશામાં વિચારી રહી છે.” અવની મૅર્વિનાની વાત પારખી ગઈ હતી.
“મારી દુઃખતી નસ તેં બરાબર પકડી છે!”
“ડોન્ટ બી ફૂલિશ, યાર!”
“એમ? તું મને લલચાવતી નથી, અવની?”
અવની નિરુત્તર રહી હતી.
“હા, સ્વીકારું છું કે વેદની આશા હું નથી છોડી શકી.” મૅર્વિના શાંત સ્વરે બોલતી હતી- “ આજથી પંદરેક દિવસ પહેલાં વીણાબેન અને વનિતાબેન સાથે હું એક મોલમાં ગઈ હતી. ત્યાં મેં વેદને એકદમ નજીકથી જોયો હતો. હું તો મીણનું પૂતળું બની ગઈ હતી. વેદ અમદાવાદમાં ભણે છે એવું માની લેવાય. એ કોઈક કારણોસર અમદાવાદ આવ્યો હોય એવું પણ બની શકે. હા, હું આવું કંઈ જ વિચારી નથી શકતી, જ્યારે વેદની મળવાની ઈચ્છા જાગે છે. તારી એ વાત સાથે હું સહમત છું. પણ અવની, મને તારા પર જરાય વિશ્વાસ નથી.”
“હું વિશ્વની એવી બીજી વ્યક્તિ બનવા માંગુ છું કે જેના પર મૅર્વિનાને પૂર્ણ વિશ્વાસ હોય.”
“હં!” હોઠ મરડીને મૅર્વિના બોલી- “તું મૅડમ વિશે માહિતી ધરાવે છે જાણીને મને જરાય આશ્ચર્ય નથી થયું.”
“મેં એવી અપેક્ષા પણ નહોતી રાખી.”
“એ જ પ્રશ્ન મને સતાવી રહ્યો છે, અવની. તારી અપેક્ષા શું છે? વેદ સાથે મુલાકાત ગોઠવી આપવાના બદલામાં તું મારી પાસેથી શું અપેક્ષા રાખે છે? વેદની લાલચ આપીને તું મારી પાસેથી કોઈ કામ કરાવવા માંગે છે કે કોઈ માહિતી કઢાવવા માંગે છે. શું જોઈએ છે તારે, અવની?”
“તારો વિશ્વાસ.”
“અહીંયા મજાક-મસ્તી કરવા ભેગાં નથી થયા, અવની! હમણાં તેં જ કહ્યું હતું!”
“તારે મારો વિશ્વાસ કરવો જ રહ્યો, મૅર્વિના.”
“પોતે જ ઊભી કરેલી સમસ્યાઓમાંથી પારાવાર યાતના પામીને તરફડતાં અને જાનવરોની જેમ રઝળપાટ કરતાં ભૂંડા મનુષ્યોથી ખદબદતી આ દુનિયામાં મને કોઈનાય પર વિશ્વાસ નથી અને કરવો પણ નથી.”
“વેદ પર પણ વિશ્વાસ નથી કરવો?”
“…. શું જોઈએ છે તારે?”
“હમણાં જ તો કહ્યું.”
“નહિ મળે!”
“હું તને કારણો સમજાવું.”
“શેના?”
“તારે મારો વિશ્વાસ કેમ કરવો જોઈએ એના.”
“કારણો યોગ્ય છે કે કેમ એ નક્કી કરવાનો અધિકાર મારો છે.”
“બેશક! હું તારા પર જરાય બળજબરી કરવા નથી માંગતી.”
અવનીએ એક હાથ ઉંચો કરીને કંઈક ઈશારો કર્યો. ત્યાર બાદ તેણે તેનો મોબાઈલ મૅર્વિનાને આપ્યો. મૅર્વિનાએ મોબાઈલ લીધો. મેસેજ આવ્યાની રિંગ વાગી. અવનીએ એ મેસેજ જોવાનું કહ્યું. મૅર્વિનાએ મેસેજ ઓપન કર્યો. એક ફોટો દેખાયો. અહીંનો, અત્યારનો, એમનો જ ફોટો, જેમાં મૅર્વિના બોલી રહી છે અને અવની સાંભળી રહી છે. અવનીનો સહયોગી અત્યારે આ જ બગીચામાં છે, તેણે જ આ ફોટો પાડ્યો છે અને અવનીના ઈશારાથી ફોટો સેંડ કર્યો છે એ મૅર્વિના સમજી ગઈ હતી. સ્પષ્ટ હતું કે આ ફોટોએ સહયોગીના મોબાઈલમાં પણ હશે જ. મૅર્વિના અવનીનો મોબાઈલ તોડી નાખે કે ફોટો ડિલીટ કરી દે તેનાથી કોઈ જ ફરક નહોતો પડવાનો.
“આનો તું શું ઉપયોગ કરીશ?” મૅર્વિનાએ ફોન પાછો આપતાં પૂછ્યું.
“આની હાર્ડ કોપી કઢાવીને હોટૅલ મધુશ્રીમાં રોકાયેલી ગુઆન-યીનને મોકલીશ.” અવનીએ હસતાં ચહેરે જવાબ આપ્યો.
મૅર્વિના થડકી ઉઠી.
“અને સાથે એક પત્ર પણ લખીશ.” અવની મસ્તીભર્યા સ્વરે બોલતી રહી- “લખીશ- ‘આપ કુશળ હશો. અહીં બધું મંગલમય છે. તમે ઓ.ડી.આઈ.ના અગ્રેસર સભ્ય છો એ જાણી આનંદ થયો. મને તમારા વિશે અને તમારા મિશન વિશે મૅર્વિનાએ બધું જ જણાવી દીધું છે. તમને મારી વાત પર વિશ્વાસ નહિ આવતો હોય પણ તમારી વફાદાર મૅર્વિના મારી સામે બધું જ બોલી ગઈ છે. એની સાબિતી માટે એક ફોટો મોકલું છું, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મૅર્વિના મને બધું કહી રહી છે. આપના બાકીના સાથીઓને ભાવભીની યાદ.’ ને પછી તારી મૅડમને શું સમજાવવું એ તારે વિચારવાનું છે, મૅર્વિના!”
મૅર્વિના મૂક હતી. અવની બોલતી હતી-
“આટલેથી હું અટકીશ નહિ, મૅર્વિના! બંને વિજ્ઞાનીઓના પરિવારને હું તારી અસલીયત જણાવી દઈશ. તારી સાચી ઓળખ સાબિત કરવા માટે મારી પાસે અઢળક પૂરાવાઓ છે. ને હા, તારી મૅડમને હું લખીશ કે, ‘મૅર્વિનાએ બંને વિજ્ઞાનીઓને પણ બધું જણાવી દીધું છે. તમને વિશ્વાસ ન આવતો ન હોય તો તપાસ કરી આવો.’ તમારું મિશન નિષ્ફળ જશે એની જવાબદાર તું ગણાઈશ.”
થોડું અટકીને અવની બોલી-
“ને છોતરાં વેરવાના ચાલુ જ કરું તો પછી કંઈક કચાશ શા માટે રાખું! બંને વિજ્ઞાનીઓ દ્વારા પોલીસને પણ તમારી ટુકડીના આ કાવતરાની જાણ કરાવી દઈશ.”
“…..”
“મૅર્વિના, કારણોની યોગ્યતાની ચકાસણી કરી રહી છે ને તું?” કહીને અવની હસી.
મૅર્વિના ફિક્કી પડી ગઈ હતી. અવનીએ તેને બરાબર ભીંસમાં લીધી હતી. અવની બોલી-
“તો, તારી ભાવિ સમસ્યાઓને હિસાબ કરી લઈએ. બગીચાના બાંકડે બેસીને તેં બધી જ ગુપ્ત વાતો કોઈકની આગળ ઓકી નાખી છે જાણીને મૅડમ તારા પર કાળો કેર વરસાવશે. વત્તા, તેં બંને વિજ્ઞાનીઓને બધું જ સાચેસાચું જણાવી દીધું છે અને મિશનની પથારી ફેરવી નાખી છે એ જાણીને તારી મૅડમનો ગુસ્સો સાતમે નહિ, આઠમે આસમાને પહોંચશે. વત્તા, તમારું મિશન નિષ્ફળ જશે એથી તારી ટુકડીના તમામ સાથીઓ તારા પર ક્રોધિત થશે. વત્તા, પોલીસ તમારી પાછળ પડશે. પોલીસને જ્યારે લાગશે કે આ લોકો ખૂબ જ ખતરનાક આતંકવાદીઓ છે એટલે એ લોકો સી.બી.આઈ.ને કે પછી ‘એન્ટી-ટૅરેરિસ્ટ સ્ક્વૉડ’ને જાણ કરશે. હા, હું તો પાછી એમને મદદ કરતી જ રહીશ- પડદા પાછળ રહીને! તમારું તો આવી બનશે, બકા! આ બધું કોના કારણે થશે? મૅર્વિનાને કારણે! તારી ચાઈનીઝ ચૂડેલ તો…. ઓહોહોહો! બિચારી મૅર્વિના! અરે, હું મુખ્ય વાત તો ભૂલી જ ગઈ હતી… આ બધી અફડાતડફી વચ્ચે પણ તું જાતે જ વેદનો મામલો સંભાળી લઈશ ને?”
મૅર્વિના કોઈ જાતની ક્રિયા-પ્રતિક્રિયા વિના બેસી રહી. જીવનમાં પ્રથમ વાર તેણે આટલી ગભરામણ અનુભવી હતી. જન્મી ત્યારથી તે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાઈ હતી. ઘણીય વાર તે ઘોર સંકટમાં ફસાઈ હતી અને તેમાંથી બચી નીકળી હતી. ભયનું સ્તર આટલું ઊંચું ક્યારે નહોતું ગયું… અવનીએ જે કોન્ફિડન્સથી હિસાબ માંડ્યો હતો!!
એવું નહોતું કે મૅર્વિનાના તર્ક અત્યારે થીજી ગયા હતા. તે વીજળીવેગે તર્ક કરી રહી હતી. અવનીએ પાસાં જ એવા ફેંક્યા હતાં કે તેને બચવાનો કોઈ ઉપાય નહોતો જડતો. માણસને સમસ્યાની પીડા નથી હોતી, સમસ્યાનું સમાધાન ન હોવાની પીડા હોય છે.
કોઈને મધદરિયે ફેંકી દેવામાં આવે તો તે શું કરે? ગમે તે દિશામાં તરવા માંડે. હાથ-પગ વીંઝવા લાગે. આમથી તેમ ડાફોળિયા મારે. દૂર દૂર સુધી કશું દેખાતું ન હોય. જ્યાં સુધી નજર પહોંચતી હોય ત્યાં બસ પાણી અને આકાશ દેખાતાં હોય. તેનું શરીર પૂરી તાકાત લગાવી દે. અંગેઅંગ જોર કરી છૂટે. પણ કોઈ બચવાની કોઈ દિશા મળતી ન હોય. બસ, એવી જ સ્થિતિ મૅર્વિનાના તર્કની હતી.
“તું એ બધું કરે…” છેવટે મૅર્વિનાથી બોલાઈ ગયું- “ એ પહેલાં હું તારું ખૂન કરી નાખીશ.”
“ઓહો!” અવની મલકીને બોલી- “પ્રયત્ન કરી જોજે!”
હવે મૅર્વિનાનું મગજ બંધ પડી ગયું હતું!
“તો, આ કારણોની યોગ્યતા બાબતે તું ગહન વિચાર કર. હું નીકળું!” કહીને અવની ઊભી થઈ. બંને હાથ પાછળની તરફ ખેંચીને, માથું એક તરફ નમાવીને તેણે આળસ મરડી. તે ચાલવા જતી હતી ત્યાંજ મૅર્વિના બોલી-
“અવની….”
“હં?” તે અટકી.
“પ્લીઝ!”
“હં!” મૅર્વિનાના માથા પર એક ટપલી મારીને તે બાંકડે બેઠી અને બોલી- “હવે લાઈન પર આવ્યા બેન!”
“આજ સુધી મને કોઈ આ હદે વિવશ નથી કરી શક્યું. તું પહેલી છે.”
“વાંધો નહિ! ઘણું બધું પહેલી વાર બનતું હોય છે.” અવનીએ કહ્યું- “ને હવે તો ઘણું બધું એવું બનવાનું છે કે જે તારા માટે ફર્સ્ટ ટાઈમ હશે.”
“વિસ્તારથી સમજાવ!”
“જો મૅર્વિના, હું તને કોઈ જ જાતની તકલીફ આપવા નથી માંગતી. હા, હું એ બધું કરી શકું છું, જે મેં હમણાં ગણાવ્યું. પણ મારે તારો વિશ્વાસ જોઈએ છે. હું જરાય નથી ઈચ્છતી કે તું ભયને કારણે મારી સાથે કામ કરવા તૈયાર થાય. તું મારા પર વિશ્વાસ જ્યારે કરે ત્યારે, પણ મને તો અત્યારથી જ તારા પર પૂરો વિશ્વાસ છે.”
“મારી પાસે વધુ સમય નથી એ તું જાણે છે, અવની!”
મૅર્વિના અવનીની વાત માનવા આટલી ઝડપથી તૈયાર થઈ ગઈ હતી એની અવનીને પણ નવાઈ લાગી હતી. અવનીનું આયોજન આવતીકાલે મૅર્વિનાની બીજી મુલાકાત લેવાનું હતું. અવનીને એ તો વિશ્વાસ હતો કે પોતે મૅર્વિનાને બરાબરની ભીંસમાં લીધી છે. બીજી મુલાકાત વખતે મૅર્વિના પોતાની વાત માનવા તૈયાત થઈ જશે અને ત્યારે પોતે તેને બધું જણાવશે એવું અવનીએ વિચારી રાખ્યું હતું. મૅર્વિના તો એ જ દિવસે તૈયાર થઈ ગઈ હતી! હા, અવનીને એ સમજતાં જરાય વાર નહોતી લાગી કે મૅર્વિના ઢોંગ કરી રહી હતી. અવની જાણતી હતી કે ‘વેદની લાલચ આપીને મારી પાસેથી કોઈ કામ કે માહિતી કઢાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે’ એવો આક્ષેપ મૅર્વિના કરશે જ. મૅર્વિના ધારદાર દલીલો કરશે એ અવની જાણતી હતી. અવનીના ધાર્યા મુજબ જ વાતચીતની શરૂઆત થઈ હતી. પણ પાંચ-સાત મિનિટ પછી ‘લાલચ’નો આક્ષેપ થવો જોઈતો હતો, જ્યારે મૅર્વિનાએ એક-દોઢ મિનિટમાં એ આક્ષેપ કર્યો હતો. મૅર્વિનાની આટલી અદ્ભૂત વિશ્લેષણ ક્ષમતા જોઈને અવનીએ ગાંઠ બાંધી લીધી હતી કે આ બેનબા આજે તો તૈયાર નહિ જ થાય! પણ એ બીજા દિવસે તો શરણાગતિ સ્વીકારશે જ એવોય અવનીને વિશ્વાસ હતો!
પરંતુ, મૅર્વિના તો એ જ દિવસે અવનીની વાત સાંભળવા તૈયાર થઈ ગઈ હતી…. ખરેખર?… ના! અવની સમજી ગઈ હતી કે મૅર્વિના ઢોંગ કરી રહી છે. એક દાવ તે રમી રહી હતી. અવનીએ મૅર્વિનાનો બરાબર અભ્યાસ કર્યો હતો. મૅર્વિના કોઈનોય વિશ્વાસ નથી કરતી. કોઈનેત તાબે થવાનું તો પસંદ ન જ કરે, ભલે આભ તૂટી પડે કે ધરતી ફાટે! તો મૅર્વિના શું કરી રહી હતી? તે અવનીની વાત સાંભળવા માંગતી હતી. અવની તેની સંપૂર્ણ વાત કહી દે પછી પોતે કંઈક ચાલાકી કરી શકશે એવું મૅર્વિનાએ વિચાર્યું હતું. તે જાણવા માંગતી હતી કે અવનીને શેમાં રસ છે. અવનીની અપેક્ષાઓ તેને સમજાઈ જાય એ પછી તે આગળના દાવ ગોઠવી શકે અને અવનીનો ‘ફેંસલો’ કરી શકે. એટલે જ તેણે આ નાટક શરૂ કર્યું હતું.
અવનીને આજે ખુલાસાઓ કરવામાં કોઈ વાંધો નહોતો. તે મૅર્વિનાથી કોઈ વાત છૂપાવવાની નહોતી. એ દિવસે નહિ તો બીજા દિવસે અવની માંડીને વાત કરવાની જ હતી. એટલે જ મૅર્વિનાની ચાલ સમજી ગઈ હોવા છતાં અવનીએ વાત શરૂ કરી-
“અત્યારે તમે જે મિશન શરૂ કર્યું છે પૂરું કરો. પછી આપણે સાથે મળીને ખૂબ જ મહત્વનું કામ કરવાનું છે. એમાં તારો પૂરો સહયોગ જોઈશે.”
“આવી ગયાંને તમે પણ લાઈન પર…!”
“એ કામમાં તને જ ફાયદો થવાનો છે.”
“ઓહોહો! ધન્ય છે આપનો સેવાભાવ, અવનીદેવી!”
કુહાડીની જેમ ચાલતી મૅર્વિનાની જીભથી જરાય ઘવાયા વિના, જરાય ઉત્તેજિત થયા વિના, પોતાની મૂળ વાત અને અભિગમ જાળવી રાખીને વાતચીત આગળ વધારવાની આવડત અવનીમાં હતી. મૅર્વિના એ જ કટાક્ષમય સ્વરે બોલી-
“મૅર્વિના નામની આ નિરાધાર બાળાને આપશ્રી તરફથી કેટલી સહાયતા પ્રદાન થઈ રહી છે!”
“હં!” આશીર્વાદ આપતી કોઈ દેવીની જેમ હાથ રાખીને અવની બોલી- “મૅર્વિના નામની આ બાળા નિરાધાર છે એ અમે જાણીએ છીએ, વત્સ!”
“હેં?” મૅર્વિના ડઘાઈ ગઈ હતી.
“હાસ્તો!” અવની ફરી નોર્મલ પોઝિશનમાં આવીને બોલી- “આ મિશન પત્યાં પછી એ જ કામ કરવાની વાત કરું છું.”
“કયું કામ?”
“તને મારા પર વિશ્વાસ છે કે નહિ?”
“કયું કામ?”
“જિદ્દી!” અવની બોલી- “તારા જન્મદાતાને શોધવાનું કામ.”
મૅર્વિના એક અક્ષર પણ ઉચ્ચારી નહોતી શકી.
“મને પૂરી ખાતરી નથી પણ મારું માનવું છે કે-”
“શું?” મૅર્વિના અધીરી થઈ હતી.
“તારા નામ સાથે કંઈક જોડાયેલું હોવું જોઈએ. ‘મૅર્વિના’ શબ્દ સાથે કોઈક આંકડો કે પછી કોઈ મૂળાક્ષર કે એવું કંઈક.”
“તને કેવી રીતે…”
“સાચ્ચે એવું છે?”
“હા….” મૅર્વિના સાવ ફિક્કી પડી ગઈ હતી- “મૅર્વિના નાઈન્ટીન. મારી પૂરી ઓળખ છે, મૅર્વિના-19. આ અતિશય ગુપ્ત વાત છે. તને એ કેવી રીતે ખબર પડી?”
“મને ક્યાં ખબર હતી? તેં જ તો જણાવ્યું, મૅર્વિના નાઈન્ટીન!”
“પણ તને અંદાજ તો હતો ને! કેવી રીતે?”
“છોડ એ વાત! આપણે મૂળ વાત પર પાછા આવીએ.”
“આપણે શું કરવાનું છે?” મૅર્વિના હવે ખરેખર અવનીની શરણે ચાલી ગઈ હતી!
“કોઈ ફિક્સ પ્લાનિંગ હજી સુધી થયું નથી.” અવની ગંભીર થઈને બોલી- “કામ ખૂબ જ અઘરું છે. આ વિજ્ઞાનીઓની શોધનું મિશન પતી જાય પછી આપણે આ કામ શરૂ કરીશું.”
“પણ આ મિશન કેટલું ચાલશે એ કંઈ કહેવાય નહિ. હજી તો એ લોકોએ તેમની શોધ વિશે સૈદ્ધાંતિક ચર્ચાઓ જ કરી છે. એ શોધ સાકાર થવામાં જ મહિનાઓ વીતી જશે. મિશન ઘણું લાંબું ચાલશે.”
“હં.” અવનીએ જરા વિચારીને કહ્યું- “ઝટ પતાવવું પડશે.”
“એટલે તું પણ એમાં જોડાઈશ?”
“ગુઆન-યીન અણસાર સુધ્ધાં નહિ આવે.”
“મૅડમ સિવાય બીજા બે સાથીઓ પણ છે.” મૅર્વિના હવે અવની આગળ બધું બોલવા લાગી હતી.
“એમને પણ ખ્યાલ નહિ આવે.” અવની જરા હસીને બોલી- “હું આજે તને મળી ન હોત તો તને પણ કંઈ ખબર ન પડત!”
“સાચું કહ્યું!” મૅર્વિના પ્રથમ વખત અવની સાથે સહમત થઈ. તે પૂછવા જતી હતી- “પણ તેં આ બધું કઈ-”
“એ દિશામાં ન વિચારીશ!” અવનીએ એની વાત તરત જ કાપી નાખી.
“કઈ જાસૂસી સંસ્થામાં ડિટેક્ટીવ છે તું?”
“તું તારા મિશન વિશે વિચાર.” અવની જરા હસીને બોલી.
“પણ…. મૅર્વિના-19નો અર્થ શું?”
“એ તને ખબર હોવી જોઈએ, બહેન!” અવની મીઠા લ્હેકા સાથે બોલી- “તારું નામ છે એ!”
“મૅડમને પૂછવાની બળવત્તર ઈચ્છા ઘણી વાર થયેલી.”
“પૂછ્યું નહિ?”
“અધિકાર નથી.” મૅર્વિના દૂરના બાંકડે નજર સ્થિર કરીને બોલતી હતી- “મૅડમ જ્યારે અન્ય સાથીઓને મળે… ઓ.ડી.આઈ.ના સાથીઓ… તું જાણે છે ઓ.ડી.આઈ. શું છે…..”
“હા, ઓર્ગેનાઈઝેશન ટુ ડિસ્ટ્રોય ઈન્ડિયા.” અવનીએ કહ્યું- “નવું જ સંગઠન છે. વિશ્વના ટોપ લૅવલના આતંકવાદીઓ એક થયાં છે અને ભારતને ખેદાન-મેદાન કરી નાખવાનું બીડું ઝડપ્યું છે.”
“બિલકુલ સાચું. હું એ સંગઠનની સભ્ય છું.”
“કહેવાય છે કે આ સંગઠન નવું છે.” અવનીએ કહ્યું- “પણ મને છેકથી એમ થાય છે કે આ સંગઠનની રચના બહુ પહેલેથી થઈ ગઈ હશે. તું મારી આ વાતની સાબિતી છે. તું જન્મી ત્યારથી આ સંગઠનમાં છે. અર્થાત્ આ સંગઠન નવું નહિ, ઓછામાં ઓછા વીસ વર્ષ પહેલાં રચાયેલું છે. પણ એ બધું પછી વિચારીશું! તું કંઈક કહેતી હતી…”
“હા, એ સાથીઓ સાથે મુલાકાત થાય છે ત્યારે શરૂઆતમાં મારી ઓળખાણ મૅર્વિના-19 તરીકે અપાય છે. પછી સૌ કોઈ મને મૅર્વિના કહીને જ બોલાવે છે.”
“મને નથી લાગતું કે આ રહસ્ય તારી મૅડમ ઉકેલી આપે!” અવનીએ કહ્યું- આપણે જાતે જ મથવું પડશે.”
“પણ આ મારા આ રહસ્ય સાથે તારે શું લેવાદેવા, અવની?”
“મને આ રહસ્ય મૂંઝવે છે, મૅર્વિના-19”
“પણ તું કેમ મૂંઝાય છે? મારી ઓળખ ગમે તે હોય, તને એનાથી શું ફેર પડે?”
“તારું બાળપણ ક્યાં વીત્યું હતું?”
“ચીનના દાશેતાઈ શહેરમાં.” મૅર્વિના અવનીનો વિશ્વાસ કરવા લાગી હતી એ તેના પોતાના જ ધ્યાન બહાર હતું!
“ગજબ રહસ્ય છે!” પહેલી આંગળીથી માથુ ખંજવાળતા અવની બોલી- “તારું શૈશવ ચીનમાં વીત્યું, તારો દેખાવ ભારતીય છે અને તારું નામ તો નથી ભારતીય કે નથી ચાઈનીઝ! આમાં કઈ રીતે સાંધા જોડવા?”
મૅર્વિના ચૂપ હતી. અત્યારે તે કોઈ જ રમત નહોતી રમતી. તે જાણે અવનીની મિત્ર હોય, બહેનપણી હોય તેમ વર્તી રહી હતી. અવની તેને એ પ્રમાણે વર્તવા પ્રેરી રહી હત. હા, જીવનમાં પ્રથમ વાર મૅર્વિના આ પ્રકારે વર્તી રહી હતી. જીવનમાં પ્રથમ વખત તે આટલી સહજતાથી કોઈકની સાથે વાત કરી રહી હતી. તેને પોતાને જ તેનું આ આ વર્તન વિચિત્ર લાગતું હતું. તેનામાં કોઈના પ્રત્યેનો વિશ્વાસ કઈ રીતે જાગ્યો એ તેને નહોતુ સમજાતું. હા, માનવત્વનીએ અનુભૂતિ હતી….
“અવની….” તે બોલી- “મારે વેદને મળવું જોઈએ?”
“તું…” અવનીએ પૂછ્યું- “તું મારી સલાહ માંગી રહી છે?”
“મારે મળવું તો છે જ.”
“મુલાકાત તો કરાવવાની જ છું.”
“ક્યારે?”
“સમય લાગશે.”
“કેટલો?”
“યોજના વિચારવી પડશે.”
“તારે આટલી અમથી વાત માટે વિચારવાની જરૂર પ-”
“તને શું લાગે છે, ફક્ત ‘હાય-હેલ્લો’ કરવા માટે તારે વેદને મળવું છે?”
“મુલાકાત એક-બે કલાકની તો હોવી જોઈએ.”
“કલાક નહિ, દિવસ.”
“શું? ખરેખર?”
“હાસ્તો, એક-બે દિવસની મુલાકાત હશે.”
“તું મજાક કરી છે ને?”
“સાવ સાચ્ચું કહું છું, બહેન!”
ક્ષણવાર મૅર્વિના નિઃશબ્દ બનીને બેસી રહી હતી. હવે તે હરખાઈ રહી હતી, જે ન થવું જોઈએ- ગુઆન-યીનના અનુશાસન મુજબ! અવની બોલી-
“વેદને મિશનમાં લાવવો પડશે.”
“કયા મિશનમાં?”
“હાલ જે ચાલી રહ્યું છે તેમાં.” અવનીએ કહ્યું- “જો તું વેદને તારો બનાવવામાં સફળ થઈશ તો તારા જન્મનાં રહસ્યને ઉકેલવાના મિશનમામ પણ એ સહયોગ કરશે જ.”
“મારે નથી મળવું વેદને.”
“હેં….”
“વેદને આ મિશનમાં નથી ઢસડવો.”
“વાહ રે, પ્રેમી પંખીણી, વાહ!” અવની સહેજ ચાળા કરીને બોલી- “હું વેદના પ્રેમમાં, તેની યાદમાં જીવનભર તરફડતી રહીશ પણ તેને જરીય આંચ નહિ આવવા દઉં!”
“આ મજાકની વાત નથી, અવની!”
“વેદને સાચવવાની જવાબદારી મારી.”
“તારો વિશ્વાસ….” મૅર્વિના અટકી.
“છે ને?”
“વેદને કંઈ ન થવું જોઈએ.”
“જીવઓ રહેશે.”
“કશ્શું જ ન થવું જોઈએ.”
“એ પછી જોઇશું!” અવનીએ વાત બદલી- “આપણે અત્યારે ચાલી રહેલું મિશન વહેલી તકે પૂરું કરવું જોઈએ.”
“મારા જન્મનું રહસ્ય ઉકેલવા માટે તું અમારા આ મિશનની સફળતા માટે અમને મદદ કરીશ?”
“મેં એવું ક્યાં કહ્યું કે આ મિશન પાર પાડવામાં હું તનમે સહાય કરીશ?” અવનીએ કહ્યું- “હું તો આ મિશન ઝડપથી પૂરું કરવાની વાત કરું છું. મિશનની સફળતા કે નિષ્ફળતા એ તમારી જવાબદારી છે, મારી નહિ!”
મૅર્વિના વિચારમાં પડી. તે અવનીને સમજી શકતી નહોતી. અત્યારે તો મૅર્વિના પોતાને જ સમજી નહોતી શકતી. તે કેમ અવનીનો વિશ્વાસ કરતી હતી? અવનીના નામ સિવાય તે અવની વિશે કંઈ જ જાણતી નહોતી, કશું જ નહિ. પોતે અવનીને બધું જણાવી રહી હતી. મૅર્વિનાને સંદેહ તો હતો જ અવની કોઈ સંસ્થાની જાસૂસ હોવી જોઈએ. કદાચ, અવની ‘ભારતીય જાસૂસ’ કહી શકાય એવી પોસ્ટ પર હોય. પોતે એક એવા સંગઠનની આતંકવાદી છે કે જે ભારતનો નાશ કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યું છે અને છતાં ભારતીય જાસૂસ સામે તે બધું બોલી રહી છે. કેટલું ભયંકર જોખમ ખેડી રહી તે! તેને સમજાતું નહોતું કે તે આવું કેમ કરી રહી છે. તે બોલી-
“અવની, મિશન ઝડપથી પૂરું કરવા માટે કોઈ આઈડિયા છે?”
“તમે આ મિશનમાં શું કરવાના છો એ મને ક્યાં ખબર છે?”
“વશિષ્ઠકુમાર અને વિનયકુમાર હજી તો એમની શોધ બાબતે સૈંદ્ધાંતિક ચર્ચાઓ કરી રહ્યાં છે.”
“પણ એ લોકો આવી શોધ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે એવી તમને કેવી રીતે જાણ થઈ?”
“BRTS બસમાં મેં એમને સાંભળ્યા હતા.” મૅર્વિનાએ ખુલાસો કર્યો- “એક દિવસ હું કોમર્સ છ રસ્તાની બસમાં બેઠી હતી. મારી આગળની સીટમાં એ બંને બેઠાં હતા. એ બંનેને એવી અક્કલ છે જ નહિ કે આવી વાતો ગમે ત્યાં ન કરાય. મેં એમની ચર્ચા સાંભળી. મને લાગ્યું કે આ શોધ અમારા હાથમાં આવી જાય તો અમે દેશના પ્રધાનમંત્રીનું ખૂન પણ એકદમ સરળતાથી કરી શકીએ. મેં મૅડમને આ વાત જણાવી. તેમનાં મનમાં આ શોધના ઉપયોગનું લિસ્ટ તૈયાર થઈ ગયું! આ શોધ અમારા માટે અત્યંત ફાયદારૂપ છે. એ વિજ્ઞાનીઓ સફળ થાય કે તરત જ એ શોધ ચોરી લેવાનું અમારું લક્ષ્ય છે. પહેલાં એ ખાતરી કરવી આ આવશ્યક હતી કે આ વિજ્ઞાનીઓમાં એ શોધ સાકાર કરવાની ક્ષમતા છે કે ખાલી વાતો જ કરે છે. જો લાગે કે એ બંને ખરેખર આ કામ કરી દેખાડશે તો જ આગળનું વિચારાય. પછી એવી ગોઠવણ પણ કરવી પડે કે જેથી અમે એ શોધ ચોરી શકીએ અને કોઈ અમને રોકી કે પકડી ન શકે. એ માટે જ તો ‘વિશ્વા’ નામનું પાત્ર ઊભું કરવામાં આવ્યું છે. એ ખાતરી તો થઈ ગઈ છે કે આ બંને ભેગાં મળીને એ શોધ સાકાર કરી દેખાડશે. હવે અમારે ચોરી કરવાની યોજના બનાવવાની છે.”
“તમને સૌથી વધુ નડતું પરિબળ કયું?”
“અમદાવાદ.” મૅર્વિનાએ કહ્યું- “અહીંની પોલીસ અને અહીંની ભીડ. ડગલે ને પગલે અમને જોખમ અનુભવાય છે. મારાં ભારતીય દેખાવને કારણે મને તો કંઈ વાંધો નથી આવતો. મૅડમ તો હોટૅલની બહાર જ નીકળી નથી શકતા. એમનાં ચાઈનીઝ લૂકને કારણે તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. બધાં એકીટસે તેમની સામે જોઈ રહે છે. તેઓ કંઈ કામ જ નથી કરી શકતા.”
“હં! અમદાવાદ છોડવું જ પડે.”
“સ્થળાંતર એ પરિવારોએ કરવાનું છે.”
“એમને ડરાવી દો!” અવનીએ કહ્યું.
“તેઓ ડરેલાં તો છે જ.”
“તેમને વિશ્વા પર વિશ્વાસ છે.”
“તો? જો વિશ્વા એમને દગો દે તો તેઓ સીધા પોલીસ પાસે જશે.”
“એ તો ન જ થવું જોઈએ.”
“હં!”
“એ લોકોને એવું લાગવું જોઈએ કે વિશ્વા સાથે છે તો પણ જોખમ તો છે જ.” અવનીએ કહ્યું.
“હું પણ એમ જ વિચારી રહી છું.” મૅર્વિનાએ કહ્યું- “એ લોકોને એ હદે ડરાવવા પડે કે વિશ્વાની સાથે ઘરની બહાર નીકળતાં પણ તેઓ ફફડે. પછી તો વિશ્વાએ એટલું બોલાવાનું જ રહે કે, ‘અમદાવાદ છોડવું પડશે’. પછી કામ સરળ થઈ જશે.”
“સરસ!” અવનીએ કહ્યું- “તારે ગુઆન-યીનને વાત કરવી પડશે.”
“મૅડમને તો આ વિચાર ખૂબ જ ગમશે. તેઓ પણ આવું કંઈક વિચારતાં જ હશે. તેઓ તો બરાબર કંટાળ્યા છે.”
અડધી મિનિટ બંને ચૂપ રહ્યા. મૅર્વિના બોલી-
“અવની, છેલ્લો પ્રશ્ન..”
“પૂછ!”
“આ મિશન પછી મારા જન્મનું રહસ્ય ઉકેલવાનું છે. એ માટે મારે તારી સાથે કામ કરવું પડશે. એ વાત મૅડમથી છાની કઈ રીતે રાખીશું?”
“એ બધું થઈ પડશે!” અવની હસીને બોલી- “અત્યારે તું આ વિજ્ઞાનીઓનું સ્થળાંતર કરાવ.”
“હં!”
“ચા, હું નીકળું!”
અવની ગઈ કે તરત જ મૅર્વિનાન મનમાં ઉલ્કાપ્રપાત શરૂ થયો… તે પોતાની સાથે સંઘર્ષ કરી રહી હતી….
આ શું કર્યું તેં?
શું?
અવનીને બધું જણાવી દિધું….
તો, એમાં શું ખોટું કર્યું?
અરે, અવની ભારતીય જાસૂસ હોઈ શકે છે.
એ તો ફક્ત શક્યતા જ છે ને!
અવની આતંકવાદીઓ વિશે કેટલી બધી માહિતી ધરાવે છે એ ન જોયું? એ જાસૂસ જ છે.
પણ એ મારી સાથે દગો નહિ કરે.
કેમ ન કરે? આતંકવાદીઓને જેલ ભેગા કરવાનું કામ છે તેનું. એનો તો પગાર ખાય છે એ.
આ કિસ્સામાં એ કંઈક અલગ કરવાની છે?
શું કરવાની છે? ખબર છે કંઈ?
મારી મદદ કરવાની છે.
ભૂલ કરી રહી છે તું, મૅર્વિના!
છોડ….
અવની જ્યાં બેઠી હતી ત્યાં મૅર્વિનાની નજર ગઈ. એક કાગળ પડ્યો છે. અવની મૂકતી ગઈ હશે. મૅર્વિનાએ એ કાગળ ઉઠાવ્યો. અંદર લખેલું છે-
બસ, હવે બહુ થયું, બહેન! ચાઈનાની ચૂડેલની ગુલામીમાંથી મુક્ત થવાનો સમય પાકી ગયો છે. એ ડાકણ દ્વારા તારામાં ઠોંસાયેલી માન્યતાઓને પડકારવાનો, સ્વયંને જાણવાનો અને સ્વતંત્રતાપૂર્વક વિચરવાનો સમય પાકી ગયો છે.
-તારી બહેન, અવની.
એ પત્ર વાંચીને મૅર્વિનાએ આખા શરીરમાં એક ઝણઝણાટી અનુભવી હતી. એ કાગળ લઈને તે સંગીતશાળામાં ગઈ હતી. વૈદેહીને સાથે ઘરે પાછી આવી હતી. તે અકળામણ અનુભવતી હતી. ઘરની છત પર જઈને તે ક્યાંય સુધી બેસી રહી. ઊંચી ઈમારતોની પાછળ અસ્ત થતાં સૂર્યને જોઈ રહી. પેલો કાગળ તે વારંવાર વાંચતી. એ કાગળમાં લખ્યેલો એક એક શબ્દ તેને યાદ રહી ગયો હતો.
(ક્રમશઃ)