ડાયનોસોરનો અસ્તિત્વવાદ : વરૂણદેવનાં વાહન ‘મકર’ વિશે શું કહેવું છે!?
(ભાગ-૧)
જુરાસિક વર્લ્ડની કલ્પનાઓ થિયેટર્સનાં મોટા પડદા પર નિહાળવામાં તો ભવ્ય લાગે છે, પરંતુ વાસ્તવમાં ડાયનોસોરની મૌજૂદગી સમયે લોકો કઈ રીતે તેમનાથી બચીને રહેતાં હશે એ વસ્તુ વિચારવાલાયક છે. થોડા દિવસ પહેલા ઈરફાન ખાનની આ હોલિવુડ ફેન્ટસી-એક્શન ફિલ્મ જોવાનું થયું. લાખો વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતાં મહાકાય પ્રાણીઓ મહાભારતકાળમાં પણ જોવા મળ્યા હશે કે કેમ એવો એક પ્રશ્ન જાગ્યો! પુષ્કળ સંસ્કૃત-સાહિત્યનો અભ્યાસ અને લેટેસ્ટ આર્કિયોલોજીકલ સાઈટ્સ પર મળેલા પુરાવાઓએ આંખો ચાર કરી દીધી!
રિસર્ચ દરમિયાન એક પ્રાણીનું નામ સામે આવ્યું : ‘મકર’! મકરને સામાન્યતઃ આપણે મગર સાથે જોડી દઈએ છીએ, પરંતુ હકીકત થોડી અલગ છે. જ્યોતિષશાસ્ત્રની બાર રાશિઓમાંની એક મકર છે (જેને અંગ્રેજીમાં ‘કેપ્રિકોન’ કહે છે.) પુરાણોમાં મકર પ્રાણીને સચિત્ર આલેખવામાં આવ્યું છે. એક એવું પ્રાણી, જે અત્યંત મહાકાય છે, અજેય છે અને પાણીમાં વસવાટ ધરાવે છે. કંબોડિયા, બર્મા, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, વિયેતનામ અને ચીન જેવા એશિયાઈ દેશોનાં પૌરાણિક સ્થળો પર મકરનાં ભીંતચિત્રો અને કોતરણી મળી આવે છે, જે ડાયનોસોરનાં દેખાવ સાથે હુબહુ મેળ ખાય છે!! (આવી જ કલાકૃતિ કર્ણાટકનાં બેલુર ખાતે આવેલા ચેન્નકેશવ મંદિરની દીવાલો પર પણ જોવા મળે છે!)
ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી એવી ગંગા તેમજ સમુદ્રનાં દેવતા વરૂણનાં વાહન તરીકે મકરને સ્વીકારાયો છે. પૌરાણિક કથા મુજબ, મકરને નિયંત્રણમાં લાવવા માટે વરૂણદેવનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેવતાઓમાં મકર પર આરૂઢ થનાર એકમાત્ર દેવ વરૂણ છે! આપણે જાણીએ છીએ કે, પહેલાનાં મનુષ્યો ઘણા શક્તિશાળી હતા તેથી સામાન્ય મગરને નિયંત્રણમાં લાવવો એ તેમનાં માટે તો ચપટીનો ખેલ માની શકાય અને આજનાં માણસો માટે પણ આ કંઈ બહુ અઘરૂ નથી! આમ છતાં વિશ્વનો એકપણ બળશાળી વ્યક્તિ એ સમયે મકર પર નિયંત્રણ ન લાધી શક્યો. આથી મકરને મગર સાથે જોડવાની સંભાવના અહીંયા ખોટી પડે છે.
ભગવદગીતાનાં દસમા અધ્યાયનાં એકત્રીસમા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે :
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम्।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी।।
(અર્થ : પવિત્ર કરનારમાં વાયુતત્વ, શસ્ત્રધારીઓમાં રામ, જલજ પ્રાણીમાં મકર અને વહેતા સ્ત્રોતોમાં હું ગંગા છું.)
આ ઉપરાંત, સુશ્રુતસંહિતા અને ભગવદપુરાણ અને શ્રીમદ ભગવતમમાં પણ ભયાનક ઉભયજીવી પ્રાણીઓનો ઉલ્લેખ છે. આ તમામ વર્ણનોને આજનાં વિજ્ઞાને આપેલા ડાયનાસોર સાથે સરખાવીએ તો બંને વચ્ચે અઢળક સામ્યતા જોવા મળે છે. ડાયનોસોરની જ અન્ય પ્રજાતિ ‘પિલોસોર’નાં અવશેષ ૨૦૦૩માં ઇંગ્લેન્ડનાં ડોરસેટમાંથી મળી આવ્યા, જે લગભગ ૧૫ કરોડ ૫૦ લાખ વર્ષ પુરાણા છે! પાષાણયુગનાં રહસ્યો શોધવાનાં નિષ્ણાંત ડૉ. રિચાર્ડ ફોરેસ્ટે બીબીસી ચેનલનાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કરોડો વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતાં પિલોસોરનાં શારીરિક કદ જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેઓ કેટલા વિશાળ હશે! કદાચ એ સમયનાં સૌથી ખૂંખાર પ્રાણી! તેમનો ઉદભવ પાણીમાં થયો હોવો જોઈએ.
પિલોસોરનાં અવશેષો પર સંશોધનો થયા બાદ સાબિત થયું કે તેમનું અસ્તિત્વ લગભગ છ કરોડ વર્ષ જૂનું હોઈ શકે! પાકિસ્તાનમાંથી પણ પિલોસોરનાં કંકાલ મળ્યા છે. (જે પહેલાનાં સમયનાં ભારતનો હિસ્સો હતું!) અહીં ફરી પાછો એક સવાલ ઉભો થાય કે ધર્મગ્રંથોમાં મકર સિવાયનાં ડાયનાસોર અથવા અન્ય કોઈ વિશાળકાય પ્રાણીઓ વિશે લખાયું હશે? કારણકે વૈજ્ઞાનિકોનાં મત મુજબ તો એ સમયમાં ડાયનાસોર સિવાયનાં પણ ઘણા ખૂંખાર પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતાં હતાં.
અહીંયા મુશ્કેલી એ છે કે આપણા વેદ-પુરાણોને ‘રેકોર્ડ-કીપિંગ’ સાહિત્ય તરીકે લખાયા હતાં. પરંતુ તેમાં કોઈ વિશેષ પ્રજાતિ કે પશુ-પ્રાણીનાં સમુદાય વિશે વિસ્તૃતમાં કશો ચિતાર નથી અપાયો. છતાં દેવતાઓનાં વાહન તરીકે ઉપયોગમાં આવતાં અમુક સસ્તન પશુ-પ્રાણી વિશે આછડતો ઉલ્લેખ તો થયો જ છે. ભગવદ પુરાણનાં આઠમા અધ્યાયમાં દેવ-દાનવ વચ્ચે થયેલા યુધ્ધનું વર્ણન છે. જેમાં દેવતા તેમજ તેમનાં સૈન્ય દ્વારા વાહન તરીકે ઉપયોગમાં લેવાયેલા કેટકેટલાય પ્રાણી-પશુ વિશે જણાવાયું છે, જેમાંનુ એક નામ ધ્યાનાકર્ષક છે : વિકૃત-વિગ્રહ, જેનું શરીર કુરૂપ-વાંકા અંગઉપાંગવાળુ છે તેવું! પ્રાચીનકાળમાં ગરોળી તથા કાચિંડાને આવા નામ અપાતાં હતાં. તો શું શક્ય છે કે કોઈ દેવતાએ હાથી-ઘોડા ઉપરાંતના અન્ય મહાકાય સરિસૃપ જીવો (જેમકે, નાગ અથવા ગરોળી)ને પોતાનાં વાહન બનાવ્યા હોય? (જે આધુનિક વિજ્ઞાનનાં મત મુજબ ડાયનાસોર પ્રજાતિનું કોઈ પ્રાણી હોઈ શકે!)
તમે કહેશો કે એક-બે ઉદાહરણોથી કશું ન થાય, અમને તો નક્કર પુરાવા દેખાવા જોઈએ! ઓકે. મહાભારતનાં એક પ્રસંગ પર નજર કરીએ. અભિમન્યુનાં પુત્ર પરીક્ષિતને સર્પદંશથી મૃત્યુ પામવાનો શ્રાપ મળ્યો હતો. જે સમય આવ્યે સત્ય પુરવાર થયો. પરીક્ષિતનાં મૃત્યુનાં સમાચાર સાંભળી ક્રોધે ભરાયેલ તેનાં પુત્ર જનમેજયાએ સંપૂર્ણ નાગવંશનો સફાયો બોલાવી દેવાનું નક્કી કર્યુ. (એ સમયમાં પેટે સરકતાં પ્રાણી ઉપરાંત ડ્રેગન-ડાયનોસોરનો સમાવેશ પણ નાગ-પ્રજાતિમાં થતો હતો) આ માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટાભાગની સર્પ-પ્રજાતિનો અંત આવી ગયો. આમાંથી અમુક પ્રાણીઓ (ડ્રેગન-ડાયનોસોર) એવા પણ હતાં જે મુખમાંથી જ્વાળા છોડી અન્યને ભસ્મ કરી શકતાં તથા એક ઝાટકે આખેઆખા વૃક્ષને ઉખાડી ફેંકી શકતાં! સંપૂર્ણ પ્રજાતિ નાશ પામે એ પહેલા ‘અસ્તિકા’ નામના એક સાધુ દ્વારા જનમેજયાનો યજ્ઞ રોકી દેવામાં આવ્યો. બ્રાહ્મણ પિતા અને નાગ માતાનાં મિલનથી અવતરેલ અસ્તિકાએ પાંડવો અને નાગ વચ્ચેની દુશ્મનીનો અંત આણી બંને વચ્ચે સમાધાન કરાવ્યું. જેનાં પ્રતીકરૂપે બારદાનમાં અરવિંદ નદીનાં કિનારે ‘પરીક્ષિત કુંડ’નું નિર્માણ કરાવ્યું. હાલમાં આ વિસ્તાર પરહમનાં મણિપુરી જિલ્લામાં આવેલો છે, જ્યાં આજે પણ પરીક્ષિત કુંડનુ અસ્તિત્વ છે. સ્થાનિક લોકો તેને ‘ગૌદવન’ તરીકે ઓળખે છે. જનમેજયાએ કરેલ યજ્ઞનું વર્ણન પૌરાણિક ગ્રંથોમાં મળી આવે છે :
“ઋષિ-મુનિઓએ પવિત્ર યજ્ઞનો અગ્નિ પ્રગટાવી મંત્રોચ્ચાર શરૂ કર્યા. જ્યારે યજ્ઞકુંડની જ્વાળા તીવ્ર બનતી ગઈ અને મંત્રોચ્ચારનો ધ્વનિ સમગ્ર વાતાવરણમાં કંપન પેદા કરવા લાગ્યો ત્યારે સર્પ પ્રજાતિનાં વિવિધ જીવો ઝેર ઓકી રાખમાં પરિવર્તિત થઈ ગયા. અમુક યોજન (૧ યોજન = ૮-૧૫ કિલોમીટર)ની લંબાઈનાં હજારો-લાખો જીવો યજ્ઞકુંડની આગમાં બળીને ખાખ થયા.”
જેમાં વાસુકી નાગનાં વંશજો (હિરણ્યવાહુ, મનસા, પૂર્ણા, કક્ષક વગેરે), તક્ષકનાં વંશજો (મંડલકલા, વિરોહના, સિલિ વગેરે), ઇરાવતીનાં વંશજો (પ્રમોદ, પારિજાત, મેદ વગેરે), કૌરવ્યનાં વંશજો (એરકા, વેનિસ્કંધા, કુંડલ વેણી, અસ્તકા વગેરે), ધૃતરાષ્ટ્રનાં વંશજો (વ્યય, વેગાવત, પૂર્ણમુખ વગેરે) અને વરાહકનાં વંશજો (ચિત્રવેગિકા, મનિસ્કંધા, સુચિત્રા, પરાસર વગેરે) નો સમાવેશ થતો હતો.
આ તમામ જીવોનાં વર્ણનમાં તેમનાં વિશાળકાય શરીરનો ઉલ્લેખ છે, જે આધુનિક યુગની ડાયનોસોર થિયરી સાથે મેળ ખાય છે. ઉપરાંત, વિજ્ઞાનમાં ડાયનાસોર પ્રજાતિનાં અન્ય જીવો વાત કરાઈ છે તે આ ઘટના સાથે બંધ બેસે છે. મણિપુરીમાં આવેલો પરીક્ષિત કુંડ એ વાતની સાબિતી આપે છે કે મહાભારતકાળમાં ડાયનાસોર જેવા કોઈક જીવનું અસ્તિત્વ હતું તો ખરૂ! આ તો સમજ્યા ચાલો, પણ માણસ અને ડાયનાસોર એકીસાથે વસવાટ કરી શકે એવું કઈ રીતે શક્ય બન્યું!? જેનો જવાબ આવતાં અંકમાં મેળવીશું…
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com