વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 131
બૉલીવુડ અને અંડરવર્લ્ડ વચ્ચે મજબૂત સંબંધ બંધાયો એની પાછળ માત્ર અંડરવર્લ્ડની ધાક જ કારણભૂત નહોતી. ઘણા ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ પોતાની મરજીથી ‘ભાઈલોગ’ સાથે સંબંધ રાખતા હતા. દાઉદે મુંબઈ છોડીને દુબઈમાં ધામો નાખ્યો એ પહેલાંથી જ ઘણા ફિલ્મસ્ટાર્સ તેના દરબારમાં કુર્નિશ બજાવવા જતા હતા. ઘણા સ્ટાર્સને મુંબઈના ટેમકર મહોલ્લામાંથી દાઉદ અને નૂરા કે અનીસનું તેડું આવે એટલે સ્ટાર્સ બધા કામ પડતા મૂકીને દાઉદ ઈબ્રાહિમના ‘દરબાર’માં પહોંચી જતા. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં દાઉદના વતન મુંબકા ગામમાં દાઉદે ભવ્ય બંગલો બંધાવ્યો હતો. ત્યાં પણ અનેક વખત પાર્ટીનું આયોજન કર્યું હતું અને એ પાર્ટીમાં ડઝનબંધ ફિલ્મસ્ટાર્સ હાજરી આપવા જતા. મુંબકા ગામમાં દાઉદની પાર્ટી યોજાતી ત્યારે જાતભાતની કારનો કાફલો ખડકાઈ જતો.
દાઉદે દુબઈ જઈને ત્યાં જુમૈરાહ વિસ્તારમાં ‘વ્હાઈટ હાઉસ’નામનો બંગલો 20 વર્ષની લીઝ પર લીધો એ પછી એ બંગલોમાં પણ ફિલ્મ સ્ટાર્સની હાજરી સાથે અનેક પાર્ટીઓ યોજાઈ હતી. એવી જ રીતે દુબઈથી 40 કિલોમીટર દૂર અલૈમમાં દાઉદે 10 હજાર મીટરમાં પૅલેસ જેવો બંગલો બનાવ્યો એ પછી ત્યાં પણ વારતહેવારે ભવ્ય પાર્ટીઓનું આયોજન થતું હતું. દાઉદ, તેના બાળકો કે પછી દાઉદના ભાઈ નૂરા કે અનીસના જન્મદિવસની પાર્ટી યોજાય એમાં ફિલ્મ સ્ટાર્સ હોંશે હોંશે પહોંચી જતાં. 1992માં અનીસની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપવા મિથુન ચક્રવર્તીની આગેવાની હેઠળ સંખ્યાબંધ ફિલ્મસ્ટાર્સ દુબઈ પહોંચી ગયા હતા. એ પાર્ટીમાં અનુ મલિકે ગીતસંગીતની મહેફિલ જમાવી હતી. એ જ રીતે દાઉદ અને છોટા રાજન ગાઢ મિત્રો હતા એ વખતે છોટા રાજનના લગ્નસમારંભને યાદગાર બનાવવા માટે દાઉદ અને તેના ભાઈઓએ અનેક ફિલ્મસ્ટાર્સને દુબઈ બોલાવીને જલસો ગોઠવ્યો હતો.
જો કે મુંબઈમાં 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા પછી અને એ કેસમાં દાઉદનું નામ બહાર આવ્યું એ પછી ઘણા ફિલ્મસ્ટાર્સે ગભરાઈ ને દાઉદના દરબારમાં જવાનું ઓછું કરી નાખ્યું હતું. દાઉદ કે તેના ભાઈઓ ફોન આવે એટલે કોઈ ફિલ્મ સ્ટાર્સ દાઉદની પાર્ટીમાં ગયા હોય અને ત્યાં તેમને દાઉદ તરફથી હીરાજડિત ઘડિયાળ કે બીજી કોઈ મોંઘીદાટ ભેટ મળી હોય એ ગૌરવથી બીજાઓને બતાવતા અને કહેતા કે “દાઉદભાઈએ ભેટ આપી છે!” પણ બૉમ્બ બ્લાસ્ટ્સ પછી ફિલ્મ સ્ટાર્સ દાઉદ સાથેના સંબંધ છુપાવવા માંડ્યા. પણ એમ છતાં દાઉદે દુબઈ છોડીને કરાચીની વાટ પકડી ત્યાં સુધી દુબઈમાં દાઉદની પાર્ટીઓમાં ફિલ્મસ્ટાર્સ આવનજાવન તો ચાલુ જ રહી હતી.
દાઉદે દુબઈ છોડી દીધું એ પછી પણ દુબઈમાં દાઉદના ભાઈઓ અને સાથીદારોની પાર્ટીઓ યોજાતી રહેતી. 1997માં અબુ સાલેમે ઑડિયોકિંગ ગુલશનકુમારનું ખૂન કરાવ્યું એ પછી ફિલ્મસ્ટાર્સ ગભરાઈ ગયા. ગુલશનકુમારના ખૂનનું કાવતરું 15 જૂન, 1997ના દિવસે દુબઈથી 50 કિલોમીટર દૂર ઉલ-અલ-કુબૈરા વિસ્તારમાં ‘રૉયલ અમ્પાયર’ હોટેલમાં ઉદ્દઘાટન સમારોહ દરમિયાન ઘડાયું હતું. ડ્રગ્સ સ્મગલર વીકી ગોસ્વામીની માલિકીની ‘રોયલ અમ્પાયર’ હૉટેલના ઉદ્દઘાટન સમારંભમાં બોલીવૂડ અને અંડરવર્લ્ડના ઢગલાબંધ ખેરખાંઓ ઉપસ્થિત હતા, એ અગાઉ 12 જૂન, 1997ના દિવસે દુબઈમાં પણ એક સ્ટેજ શોનું આયોજન થયું હતું. દુબઈ અને ઉમ્મ-અલ-કુબૈનના એ સ્ટેજ શૉની આગેવાની ગુલશનકુમારની હત્યાના આરોપી સંગીતકાર નદીમે લીધી હતી. નદીમ પોતાની સાથે શાહરૂખ ખાન, સલમાન ખાન, પૂજા ભટ્ટ, કુમાર શાનુ, દિપ્તી ભટનાગર, જેકી શ્રોફ, ચંકી પાંડે, આદિત્ય પંચોલી, મમતા કુલકર્ણી, સુમન રંગનાથન, અલકા યાગ્નિક, દિપક તિજોરી, અભિજિત, સપના મુખરજી, બાબુલ સુપ્રિયો, જસવિંદર નરુલા, સાજિદ ખાન, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, પદ્મિની કોલ્હાપુરીની બહેન તેજસ્વિની કોલ્હાપૂરી, અતુલ અગ્નિહોત્રી અને આયેશા ઝુલ્કા સહિત અનેક ફિલ્મસ્ટાર્સ અને ગાયકોને દુબઈ લઈ ગયો હતો. ગુલશનકુમારની હત્યા પછી મુંબઈ પોલીસે એ બધાની પૂછપરછ કરી હતી. એ બધાએ પોલીસને કહ્યું કે અમે તો માત્ર હૉટેલના ઉદ્દઘાટન સમારંભ માટે તથા દુબઈમાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓનું મનોરંજન કરવા ગયા હતા.
જોકે ગુલશનકુમારનું ખૂન થયું એ પછી મુંબઈ પોલીસે ફિલ્મસ્ટાર્સની આકરી ભાષામાં પૂછપરછ કરી એ પછી ફિલ્મ સ્ટાર્સ ચાંપલા થઈને ‘ભાઈલોગ’ની ખિદમતમાં પહોંચી જતા હતા એનું પ્રમાણ ઘણું ઘટી ગયું અને એ સાથે અંડરવર્લ્ડ તરફથી બૉલીવુડમાં એક ખોફ પણ ઊભો થયો. અને એ ખોફનો લાભ ઊઠાવીને ‘ભાઈલોગ’ બૉલીવુડમાં તગડી ખંડણી ઉઘરાવવા માંડ્યા. તો વળી ફિલ્મસ્ટાર્સને અને ટોચના ડિરેક્ટર્સને ધાકધમકી આપીને તેમને પોતાના બગલબચ્ચા જેવા પ્રોડ્યુસર્સની ફિલ્મમાં સાઈન કરાવવા માટે ઑર્ડર અપાવા માંડ્યા. 2000માં છોટા શકીલે એક સફળ હીરોને ધમકી આપી કે “તને જોઈએ તે દિગ્દર્શક અને હિરોઈન નક્કી કરી લે અને ચોક્કસ ફિલ્મ છ અઠવાડિયામાં પૂરી કરી નાખ. તને રૂપિયા એક કરોડ મળી જશે.”
બીજા એક હીરોને અબુ સાલેમે ધમકી આપી હતી કે “તેં જે ફિલ્મ સાઈન કરીને વળતર તરીકે ઓવરસીઝ રાઈટ્સ (દરિયાપારના વિતરણ હક) મેળવ્યા છે એ મને આપી દે. હું તને થોડાઘણા રૂપિયા આપી દઈશ.” હીરોએ પહેલા ગલ્લાતલ્લાં કર્યાં અને પછી આજીજી કરી એટલે બીજા જ દિવસે તેણે તે ફિલ્મ ગુમાવવી પડી અને દિવસો સુધી ખોફ હેઠળ જીવવું પડ્યું. અને તેના સ્થાને તેનો હરીફ હીરો એ ફિલ્મમાં ગોઠવાઈ ગયો! આવી રીતે વિતરકો પાસેથી પણ અમુક ટેરીટરીના વિતરણ હક છીનવી લેવાનો ‘ધંધો’ ચાલુ થઈ ગયો હતો. હિન્દી ફિલ્મોના ઓવરસીઝ રાઈટ્સની જેમ સેટેલાઈટ રાઈટ્સ પણ મફત અથવા તો પાણીના મૂલે પડાવી લેવાતા હતા.
આમ છતાં એ વાત નોંધપાત્ર હતી કે અંડરવર્લ્ડ તરફથી મોટે ભાગે એવા ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સને જ ધમકી મળતી હતી કે જેમના પગ કૂંડાળામા પડેલા હોય. અપવાદરૂપ કિસ્સાઓમાં કોઈ ફિલ્મ સુપરહિટ થઈ જાય તો તેના નિર્માતાને અંડરવર્લ્ડ સાથે સંબંધ ન હોય તો પણ ધમકીઓ મળતી. પણ સામાન્ય રીતે તો એવા નમૂનાઓને જ ધમકીઓ મળતી કે જે ‘કાચના ઘરમાં’ રહેતા હોય. દાઉદ ગેંગમાંથી ઘડાઈને બહાર પડેલો અલી બુદ્દેશ ઉર્ફે અલીબાબા પણ પોતાની આગવી ગેંગ ઊભી કરીને બોલીવૂડમાંથી તગડી કમાણી બેઠા બેઠા તે બોલીવૂડના ખેલાડીઓને દબડાવીને કમાણી કરતો થઈ ગયો હતો. અલી બુદ્દેશે એકવાર એક ટીવી ન્યૂઝ ચેનલને મુલાકાત આપીને ભાંડો ફોડ્યો હતો કે, અમે બૉલીવુડના એવા બકરાઓને જ નિશાન બનાવીએ છીએ જેમને અમારી સાથે કંઈક લેવા દેવા હોય!
પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક પેગ બનાવવા માટે અને નવી ફાઈવફાઈવ સળગાવવા માટે નાનકડો બ્રેક લીધો અને વાતનો દોર સાધતા ક્હ્યું, “અંડરવર્લ્ડ અને બોલીવૂડની નેક્સસ પણ મજેદાર છે...”
અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી અને મોબાઈલ ફોનના સ્ક્રિન પર ફ્લેશ થયેલો નંબર જોઈને તેના ચહેરા પર તનાવનો ભાવ ઉભરી આવ્યા. તેણે કહ્યું, “સૉરી, પણ મારે અર્જંન્ટ ક્યાંક જવું પડશે.”
ફરી મળવાનો સમય નક્કી કરીને અમે છૂટા પડ્યા.
એ વખતે પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું, આ માણસનો પગ ફરીવાર અંડરવર્લ્ડનાં કૂંડાળામાં પડી ગયો છે.
(ક્રમશ:)