🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 15
વિરાજને સારા પગારની નોકરી મળતાં અમ્માને ખુશી વહેંચવા ફોન કરે છે. અમ્મા પણ મંજરીને જોવા અમદાવાદથી છોકરો એના પરિવાર સાથે આવવાના સમાચાર આપી એને ગામડે અઠવાડિયા માટે આવવા કહે છે... સઘડી સંધર્ષની.....
❣️કૂબો સ્નેહનો❣️
બૉસની મંજૂરી મળતાં વિરાજ પણ ત્રણ દિવસની રજાઓ લઈને ગામડે આવી ગયો હતો. અમ્માએ અને મંજરીએ મહેમાનોના સ્વાગતમાં ચ્હા નાસ્તાની પૂરેપૂરી તૈયારી કરી દીધી હતી.
અમ્માએ પ્રિન્સિપાલ સાહેબ અને એમના પત્નીને પણ આમંત્રણ આપ્યું હતું. આવતાં વેંત વિરાજને જોઈને એમણે ખુશીથી ગળે લગાવી દીધો હતો અને બોલી ઉઠયાં,
“કંચનબેન !! લ્યો ત્યારે... આજે તો તમારી ખુશીઓ બેવડાઈ ગઈ છે..!!! કેમકે વિરુ ને મંજી… એ બેય તમારી બળવાન અને સંવેદનશીલ સંવેદનાઓ આજે એક સાથે મોજૂદ છે.”
“કેમ ના હોય ખુશી સાહેબ !!! એક તો અમદાવાદથી પ્રોફેસર પરિવાર મંજીને જોવા આવવાના છે, ને વળી વિરુના આવવાથી ઘર આનંદિત થઈ ખીલી ઉઠ્યું છે.”
“બહુ દુઃખો વેઠ્યા છે તમે જીવનમાં, હવે ખુશીઓ જ ખુશીઓ છે તમારા જીવનમાં અને એ ખુશીઓમાં વિરાજ વંચિત ન રહી જાય એનું ધ્યાન હવે ઈશ્વરે જ રાખવું રહ્યું.”
“હા એ પણ ખરું, ઉપર વાળો મારો કાળીયો ઠાકર બેઠો છે, બધું એના હવાલે કરી દીધું છે. હવે એણે ધ્યાન રાખવાનું છે..”
અનાયસે મંજરીની વિદાયની પળોના વિચારે અમ્માની આંખે ભીનાશ ફરી વળી. ગપસપ કરતાં કરતાં તડેમંકોડે મહેમાનની વાટ જોવાઈ રહી હતી અને બહારથી કાર આવવાનો ખખડાટ સંભળાયો..
પ્રોફેસર લાલભાઈ શાસ્ત્રી, એમની પત્ની સુભદ્રાબેન અને દિપકનો ઘરમાં પ્રવેશ કરાવી હોંશીલો અને મીઠડો, ભાવ નીતરતા શબ્દોથી આવકારો આપતાં અમ્માએ કહ્યું, “આવો આવો.. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને..?
"રાધા કૃષ્ણ મંદિર પછી સીધે સીધાં.. સાહેબના સમજાવેલ નક્શેકદમ વધે ગયાં બસ. એ પછી બધી સાંકડી શેરીઓ લપકામણ ગામની, છતાંયે રસ્તો કરી કરીને અહીં સુધી આવી પહોંચ્યાં." પ્રોફેસર શાસ્ત્રીએ માહોલને હાસ્યમાં તબદિલ કરતા કહ્યું.
ઘરમાં પગ મૂકતાં જ એમનાથી "આહા.." ઉચ્ચારી જવાયું.. સત્ય, પ્રેમ, કરુણા અને બિલીપત્રના વૃક્ષના છાંયડામાં હોવાનો અહેસાસ થયો.
એક દિવાલ પર કાન્હાની છબી, બીજી તરફ સુખડનો હાર ચઢાવેલી છબી, નાનકડો કિચૂડ કિચૂડ કરતો હિંચકો, સુંદર સુઘડ રાચરચીલું.. બસ મનને શાંતિ આપવા સિવાય કંઈ ન જડે એવું ઘરનું વાતાવરણ હતું..
પ્રિન્સિપાલ સાહેબ પ્રોફેસર શાસ્ત્રીને ગળે મળ્યા અને આવકારો આપ્યો. એમને ચોખ્ખી ચાદર પાથરેલી સેટ્ટી પર બેસાડી, હળવેથી અમ્માએ સાદ દીધો,
“મંજી પાણી લાવો બેટા.”
અને વિરાજની ઓળખાણ આપતાં કહ્યું, "આ મંજરીથી મોટો દીકરો વિરાજ."
અને એમણે એક બીજાની સાથે હાથ મિલાવ્યા.
પાણીનો ગ્લાસ આપતા મંજરી અને દિપકની આંખો ચાર થઈ. દિપક, મંજરીની નેહ નીતરતી આંખોના ભમ્મરિયા કૂવામાં ઊંડે ગરકાવ થઈ ગયો હતો. મંજરી શરમાઈને ઝડપથી અંદર જતી રહી. બધાં વચ્ચે થોડીઘણી ઔપચારિક વાતો થયા બાદ અમ્માએ, મંજરીને બહાર ચ્હા નાસ્તો લઈ ફરીથી મોકલી.
દિપકને પહેલી નજરે જ મંજરી ગમી ગઈ હતી. એના હ્રદયમાં સુંવાળો સળવળાટ શરૂ થઈ ગયો હતો. એણે ઈશારો કરીને મા સુભદ્રાબેનને જણાવ્યું કે 'મંજરી એને પસંદ છે.' એમણે અમ્માને, દિપક અને મંજરીની એકબીજા સાથે વાતચીત કરવા બીજી રૂમમાં બેસાડવાની ગોઠવણ કરવા જણાવ્યું.
બાજુની રૂમમાં બે ખુરશીઓ ગોઠવી વિરાજ, દિપકને અંદર લઈ ગયો, ધ્રુજી રહેલી મંજરીને વ્હાલ પૂર્વક સમજાવી, એને હિંમત રાખવાનું કહી વિરાજ એને રૂમમાં લઈ આવ્યો. શરમાઈ રહેલી મંજરીને આંખથી ઈશારો કરી બેસવાનું કહી બહાર આવ્યો.
મંજરી સાથે દિપકની વાતચીત પુરી થઈ ગઈ હતી. રાધાકૃષ્ણ મંદિરના ઝાલરનો ગુંજારવ ભેળવ્યો હોય એવો રણકદાર મંજરીનો અવાજ દિપકના કાનમાં ક્યાંય સુધી ગુંજતો રહ્યો. એની તેજ આભાથી અંજાઈ ગયો હતો.
બહાર આવી દિપકે સુભદ્રા બેનને હા ભણતાં એમણે પ્રોફેસર શાસ્ત્રીને જણાવ્યું કે, “દિપકને મંજરી પસંદ છે.”
પ્રોફેસર શાસ્ત્રી સીધીસટ્ટ ચોખ્ખી વાત કરતાં બોલ્યા, “અમને પસંદ છે મંજરી.. તમારા તરફથી નક્કી કરી કહો.”
મંજરીની ઈચ્છા જાણવા અમ્માએ વિરાજને ઈશારો કર્યો. વિરાજ અંદર ગયો. મંજરીનું મોંઢું જોઈ સમજી ગયો કે મંજરીની પણ હા છે. છતાં એને ચિડાવતાં બોલ્યો, “મંજી મોઢું થોડું વાંકુ છે, ને આંખે નંબરના ચશ્મા પણ પહેરે છે. તો શું કરવું છે?”
મંજરી શરમાઈ જતાં બોલી,
“મને મોઢું વાંકું ન લાગ્યું ! અને ભઈલું, બહુ ભણે એને નંબરના ચશ્મા હોય એનો શું વાંધો છે.”
એને છંછેડતા વિરાજ બોલ્યો,
“મારે તો નથી ચશ્મા..!” મંજરી શરમાઈને લાલ ટામેટાં જેવી થઈ ગઈ હતી.
વિરાજે બહાર આવી મંજરીની હા ની મહોર લગાવી દીધી. ખુશીથી ઘરનો માહોલ પ્રસન્ન થઈ ખીલી ઉઠ્યો. વેવાણ થવાને નાતે અમ્મા અને સુભદ્રાબેન ઘડીક હરખથી એકબીજાને ભેટી પડ્યાં અને સ્વાગત કરીને એકબીજાને વધાઈ આપી, ગોળધાણા ખવડાવીને સૌએ એકબીજાનું મોઢું મીઠુ કર્યુ હતું.
પ્રિન્સિપાલ સાહેબ હળવેકથી ટાપસી પૂરતા બોલ્યા,
“લેવડદેવડની ચોખવટ કરી લઈએ તો આગળ જતાં સબંધમાં મીઠાસ જળવાઈ રહે!!”
પ્રોફેસર શાસ્ત્રીએ પણ હોંકારો ભણતા કહ્યું,
“હા, હો…. એ સો ટચ સોના જેવી વાત કહી સાહેબ તમે.. !!
બિલીપત્રના વૃક્ષના છાંયડામાં જે બાળકોનો ઉછેર થયો હોય, ચોવીસ કેરેટ સોનાને તપાવી તપાવીને ઘાટ ઘડાયા હોય અને બારીકાઈથી કવરફૂલ મીનો ભર્યો હોય એમ સંસ્કાર નામનું સિંચન થયું હોય, એજ અમારાં માટે મોટું દહેજ છે.
મંજરી એક જોડ પહેરેલા કપડાંમાં અમારે ઘરે આવશે તો પણ અમારું ઘર ઝગારા મારશે. અમારે બીજું કંઈ નહીં જોઈએ.”
“તો કરો કંકુના !!” પ્રિન્સિપાલ સાહેબ બોલી ઉઠ્યાં.
અમ્માની આંખો ઝળહળી ઉઠી અને ત્યાં જ અચાનક વચ્ચે દિપક બોલી ઉઠ્યો, “મારે કંઈક કહેવું છે, એક વાત કહેવા માગું છું હું..”
ઘડીક થોડીક ક્ષણો માટે નિસ્તબ્ધતા વ્યાપી ગઈ. એકદમ સૌની આંખો એક થઈ એકબીજા સામે ટકરાઈ પડી. 'દિપક શું કહેવા માંગતો હશે...?' અમ્મા અને વિરાજનું હૈયું ક્ષણભર માટે ધડકી ગયું હતું..©
ક્રમશઃ વધુ પ્રકરણ : 16 માં દિપક શું કહેવા માંગે છે.? દહેજની માંગણી કરીને શું અમ્મા અને વિરાજની જવાબદારી વધારી દેશે?!!
-આરતીસોની