Devil Return-2.0 - 1 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 1

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 1

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-1

ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે.

રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી શહેરીજનોની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે.

આખરે આ વેમ્પાયર ફેમિલીની સચ્ચાઈ જાણવાં અર્જુન ફાધર વિલિયમને મળે છે. ફાધર જણાવે છે કે વર્ષો પહેલાં યુરોપમાં મિયારા નામનાં રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં પુત્ર જિયાનનાં ક્રૂર સ્વભાવનો ભોગ નાથન નામનાં ખેડૂતનો પરિવાર બને છે. નાથનની અને એની પત્ની નતાલીની હત્યા તથા નાથનની નાની બેન રેહાનાએ પોતાની સાથે થયેલાં દુષ્કર્મનાં લીધે કરેલી આત્મહત્યા બાદ પણ મનને શાંતિ ના થતાં જિયાન નાથનનાં સંતાનોની હત્યા કરવાં જાય છે.

નાથનનો મોટો દીકરો ક્રિસ પોતાનાં ભાઈ-બહેનોને બચાવી જંગલમાં એક ગુફામાં જઈને સંતાય છે જ્યાં એને ઓલ્ડ વેમ્પાયર વેન ઈવાન મળે છે. પોતાનાં માતા-પિતાની મોતનો બદલો લેવાં ક્રિસ વેન ઈવાન જોડે વેમ્પાયર ની શક્તિઓ માંગે છે જે આપવાં વેન ઈવાન તૈયાર થાય છે.

*****

હવે વાંચો આગળ..

ક્રિસ તો વેમ્પાયર બનવાનો હતો પણ એનાં બધાં ભાઈ-બહેનોને કેમ વેમ્પાયર બનવું પડ્યું એ અંગે ફાધર વિલિયમ અર્જુનને જણાવતાં આગળની વિતક કહે છે.

વેન ઈવાન દ્વારા પોતાને વેમ્પાયર બનાવવાની પ્રક્રિયાને બીજાં દિવસે અંજામ અપાશે એ સાંભળ્યાં બાદ ક્રિસ પોતાનાં ભાઈ-બહેનો સાથે જઈને સુઈ ગયો. સવારે ઉઠીને ક્રિસે જ્હોન અને ડેઇઝીને બ્રાન્ડન તથા ટ્રીસાનું ધ્યાન રાખવાં કહ્યું અને પોતે ઈવ અને ડેવિડની સાથે ગુફાનાં પ્રવેશદ્વાર જોડે જઈને ગોઠવાઈ ગયો જેથી જિયાન કે એનાં સૈનિકો ક્યાંક ત્યાં સુધી આવી જાય તો બચવાનો તાત્કાલિક ઉપાય શોધી શકાય.

ક્રિસે જોયું કે ડેવિડ અને ઈવ સતત એકબીજાં તરફ જોઈ મનોમન કંઈક વિચારી રહ્યાં હતાં. એ બંનેને કંઈક કહેવું હતું જે કહેવમાં એ બંને અસમર્થ હોય એવું લાગતાં ક્રિસે સામેથી એ બંનેને સવાલ કર્યો.

"હું સવારનો જોઉં છું કે તમે બંને કંઈક કહેવાની કોશિશ કરો છો પણ કહી નથી શકતાં.. બોલો શું વાત છે?"

ક્રિસનાં આમ પૂછતાં ની સાથે જ ડેવિડ ક્રિસને ભેટી રડવાં લાગ્યો. ઈવ પણ ડેવિડ ની જોડે આવી અને એની પીઠમાં હાથ ફેરવી એને શાંત રાખવાની કોશિશ કરવાં લાગી.

"એ કેમ રડે છે.. શું થયું.. ?"ક્રિસે ડેવિડનાં આંસુ લૂછતાં કહ્યું.

"ભાઈ, તમે અમારાં બધાં માટે આટલો મોટો નિર્ણય લઈ લીધો અને અમને કહ્યું પણ નહીં.. ?"ડેવિડ ને ક્રિસ દ્વારા પુછાયેલાં સવાલનાં પ્રતિભાવ રૂપે ઈવે કહ્યું.

ઈવની વાત સાંભળી ક્રિસ સમજી ગયો કે પોતે વેન ઈવાન જોડે પોતાને વેમ્પાયર બનાવવાની જે માંગણી કરી એ વિશે ઈવ અને ડેવિડ જાણી ગયાં છે.. એટલે એ બંનેને સમજાવતાં ક્રિસ બોલ્યો.

"હું જે પણ કરવાં જઈ રહ્યો છું એમાં જ આપણાં સૌ નું ભલું છે.. જો હું એ અભિમાની અને ક્રૂર રાજકુમાર તથા રાજા નિકોલસનો પિતાનો ખાત્મો નહીં કરું તો આજે નહીં તો કાલે એ આપણાં સુધી પહોંચી જશે. પિતાજીને મેં વચન આપ્યું હતું કે હું કોઈપણ ભોગે તમારી બધાંની રક્ષા કરીશ માટે હું જે કરવાનો છું એ મને કરવાં દો. "

"પણ ભાઈ, વેમ્પાયર બનવાનો મતલબ છે કે સદીઓ સુધી એવું જીવન વિતાવવું જેમાં પારાવાર પીડા અને યાતના છે. "ઈવ બોલી.

"હું બધું જાણું છું કે આમ કરવાથી આગળ જતાં મારી હાલત શું થશે પણ આ કરવું અત્યારે જરૂરી છે. "ઈવ ને ચહેરાને હથેળી વડે સ્પર્શ કરી ક્રિસ બોલ્યો.

"તો આ બધી પીડાઓ ફક્ત તમે જ સહન કેમ કરો.. ?"ડેવિડ પોતાનાં આંસુ લૂછતાં બોલ્યો.

"મતલબ.. ?"ક્રિસ ડેવિડનાં આમ બોલતાં આશ્ચર્યથી એની તરફ જોતાં બોલ્યો.

"મતલબ કે હું પણ તમારી સાથે જ વેમ્પાયર બનવાની વિધિમાં સામેલ થઈશ.. હું પણ આપણાં માતા-પિતાની હત્યાનો બદલો લઈશ. "ડેવિડનાં અવાજમાં મક્કમતા હતી.

"તું શું બોલી રહ્યો છે એનું તને થોડું પણ ભાન છે.. ?"ક્રિસ અચરજ સાથે બોલ્યો.

"ભાઈ, ડેવિડ સાચું બોલે છે. અમે ઈચ્છીએ છીએ કે અમે પણ વેમ્પાયર બનીએ. વેમ્પાયર બનીને તમે ભલે અસીમ શક્તિનાં માલિક બની જશો પણ એક વાત સત્ય છે કે એકલાં તમારાંથી નિકોલસનાં હજારો સૈનિકોનો મુકાબલો નહીં થાય. "ઈવ ક્રિસનાં સવાલનો પ્રતિભાવ આપતાં બોલી.

ઈવ દ્વારા જે કહેવાયું એ સાંભળી ક્રિસ ઘડીભર વિચારમાં મુકાઈ ગયો. ઈવ ની વાતમાં વજન હોય એવું ક્રિસને લાગ્યું કેમકે એક વેમ્પાયર બનવાં છતાં એકલાં હાથે હજારો સૈનિકો સાથે બાથ ભીડવાની નોબત આવે તો પોતે સફળ નહીં થાય એ નક્કી હતું. આમ છતાં પોતાનાં ભાઈ-બહેનને વેમ્પાયર બનાવવાં ક્રિસનું મન નહોતું માની રહ્યું.

ક્રિસને ચૂપ જોઈ ઈવ એની તરફ જોઈ બોલી.

"ભાઈ તમે તમારાં સ્થાને સાચાં છો.. પણ તમે જ વિચારો કે તમે ત્યાં નિકોલસ અને જિયાન સાથે એકલા હાથે બદલો લેવાં ગયાં તો નક્કી તમે સફળ નહીં થાઓ અને પછી જિયાન ગમે તે રીતે અમારાં સુધી પહોંચી અમારી હત્યા કરી દેશે. એનાં કરતાં એ યોગ્ય છે કે જ્હોન, ડેઇઝી, બ્રાન્ડન અને ટ્રીસા ની રક્ષા માટે તમે, હું અને ડેવિડ ત્રણેય વેમ્પાયર બની જઈએ.. "

"જે કામ તમે કરવાં જઈ રહ્યાં છો એમાં તમારે અમારાં સાથની જરૂર છે.. "ડેવિડ ક્રિસને ઉદ્દેશીને બોલ્યો.

ઈવ અને ડેવિડની વાતો સાંભળી ક્રિસ થોડું ગહન મનોમંથન કરીને બોલ્યો.

"સારું, આજે રાતે હું વેન ઈવાન ને સમજાવી તમને બંનેને પણ વેમ્પાયર બનવાની પ્રક્રિયામાં સામેલ કરીશ. "આટલું કહી ક્રિસે પોતાની બેન ઈવ અને ભાઈ ડેવિડ ને દુઃખી હૃદય સાથે ગળે લગાવી લીધાં.

****

સાંજ પડ્યાં પહેલાં ક્રિસ અને ડેવિડ ગુફાની નજીકનાં જંગલાંથી રાતમાં સળગાવવા માટે જરૂરી લાકડાં લેતાં આવ્યાં. હાલ તો ક્રિસ અને એનાં ભાઈ-બહેનોને ભૂખ શાંત કરવાં ગુફામાં રહેલાં સફરજનનાં વૃક્ષ પર લાગેલાં સફરજન પર જ નિર્ભર રહેવું પડતું.

રાત પડતાં જ વેન ઈવાન ઉંઘમાંથી ઉઠી ક્રિસ અને એનાં ભાઈ-બહેનો જોડે આવ્યો. બ્રાન્ડન, ટ્રીસા, જ્હોન અને ડેઇઝી નાં સુઈ ગયાં બાદ ક્રિસે વેન ઈવાનને કહ્યું.

"તો હવે તમે મને વેમ્પાયર બનાવવાની વિધિ શરૂ કરો.. "

ક્રિસ ની અને વેન ની વાત-ચીત એમની જોડે ઉભેલાં ડેવિડ અને ઈવ સાંભળી રહ્યાં હોવાં છતાં ક્રિસે વેમ્પાયર બનવાની વાત કરી એનું વેન ને આશ્ચર્ય થયું.

"સારું પણ આ બે.. ?"ડેવિડ અને ઈવ તરફ જોઈ વેન ઈવાન બોલ્યો.

"એ બંને પણ મારી સાથે જ વેમ્પાયર બનશે. "ક્રિસે કહ્યું.

"તું શું કહી રહ્યો છે એનું તને ભાન છે.. આમ કરવાથી એ બંનેની જીંદગી પણ દોજખ બની જશે એનો તને અંદાજો નથી.. ?"વેન ક્રિસની વાત સાંભળી નવાઈ સાથે બોલ્યો.

"એ બંને એ સામેથી ચાલીને વેમ્પાયર બનવાની ઈચ્છા જાહેર કરી છે.. "આટલું કહી ક્રિસે વેન ઈવાન ને ડેવિડ અને ઈવ નું વેમ્પાયર બનવાની ઈચ્છા જાહેર કરવાં પાછળનું કારણ જણાવ્યું. જે સાંભળી વેન ઈવાનને પણ લાગ્યું કે એ બંનેનું વેમ્પાયર બનવાં તૈયાર થવું યોગ્ય હતું.

"હું તૈયાર છું તમને બધાં ને વેમ્પાયર બનાવવાં માટે.. આમ છતાં હું તમને પુનઃ પૂછું છું કે આમ કરવાં તમે માનસિક અને શારીરિક રીતે તૈયાર તો છો ને.. ?"વેન ઈવાન બોલ્યો.

વેનનાં સવાલનો જવાબ આપ્યાં પહેલાં ક્રિસે પોતાનાં ભાઈ ડેવિડ અને બહેન ઈવની તરફ જોયું. ઈવ અને ડેવિડનાં ચહેરા પર ની મક્કમતા જોઈ ક્રિસ બોલ્યો.

"હા અમે તૈયાર છીએ.. "

ક્રિસનાં આમ બોલતાં જ વેન ઈવાન એ ત્રણેયને લઈને ગુફાની મધ્યમાં આવ્યો જ્યાં ઉપરથી ચંદ્રની આછી રોશની આવી રહી હતી. અહીં પહોંચી વેને ક્રિસને મશકમાં પાણી ભરી ત્યાં મોજુદ ખાડા જેવાં ભાગમાં એ પાણી નાંખવા કહ્યું. ક્રિસ અને ડેવિડે પાણી વડે એ ખાડો પૂર્ણતઃ ભરી દીધો એટલે વેને એ બધાં ને ખાડા ફરતે ગોઠવાઈ જવાં કહ્યું.

"જોવો.. હવે તમારે આંખો બંધ કરી ત્યાં સુધી પાયમોન દેવની આરાધના કરવાની છે જ્યાં સુધી આ પાણીમાંથી નીકળતી બાષ્પ તમને ના સ્પર્શે. "વેનની વાત સાંભળી ક્રિસ, ડેવિડ અને ઈવ એનાં કહ્યાં મુજબ નર્કનાં રાજા લ્યુસિફરનાં ભક્ત એવાં પાયમોન દેવની આરાધના કરવામાં લાગી ગયાં.

ધીરે-ધીરે આ નિષ્કપટ બાળકોનાં મનમાંથી જેવી બધી સારપ નષ્ટ થઈ ગઈ એ સાથે જ પાણી અચાનક ઉકળવા લાગ્યું અને એની અંદરથી નીકળતી વરાળ ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ને સ્પર્શવા લાગી. આમ થતાં ક્રિસ, ડેવિડ અને ઈવે આંખો ખોલી પોતાની સામે બેસેલાં વેન ઈવાન તરફ જોયું તો એ લોકોની આંખો ફાટીને ફાટી રહી ગઈ.

વેનનું આખું શરીર આગની જ્વાળાઓમાં લપેટાયું હોય એમ સળગી રહ્યું હતું. એની આંખો પણ અંગરાની માફક ધગી રહી હતી. વેન ઈવાને ક્રિસની તરફ જોયું અને એને પોતાની તરફ ઈશારાથી આવવાં કહ્યું. વેનની આજ્ઞા માની ક્રિસ એની જોડે ગયો એટલે વેને એક ધારદાર છુરી લઈને પોતાનાં ગરદન પર એક કાપો કર્યો જેમાંથી નીકળતું લોહી વેને ક્રિસને પીવાં કહ્યું.

શરૂવાતમાં તો ક્રિસ આ બધાં માટે ખચકાયો પણ પછી એની અંદર રહેલી બદલો લેવાની ભાવનાએ એને આમ કરવાં મનાવી લીધો. ક્રિસ દ્વારા જેમ-જેમ વેનનું લોહી પીવામાં આવતું એમ-એમ વેનનું શરીર પહેલાંની માફક હતું એવું ને એવું થઈ ગયું.

પાંચ મિનિટ સુધી વેન ઈવાનનાં શરીરનું રક્ત પીધાં બાદ જેવું ક્રિસે વેનની ગરદન પરથી મોં દૂર કર્યું એ સાથે જ વેન જમીન પર ઢળી પડ્યો. વેનની આ હાલત જોઈ ક્રિસ ચિંતિત બની વેનનું માથું પોતાનાં ખોળામાં મૂકીને બોલ્યો.

"શું થયું તમને.. ?"

"ક્રિસ, મને મુક્તિ મળી ગઈ. હવે હું સામાન્ય મનુષ્યની જેમ મોત ને ગળે લગાવી શકીશ.. "વેનનાં અવાજમાં ખુશી હતી.

"પણ હવે ડેવિડ અને ઈવનાં વેમ્પાયર બનવાનું શું.. ?"ક્રિસે વેનની તરફ જોઈને પૂછ્યું.

"ક્રિસ, મેં મારી સઘળી શક્તિઓ તને આપી દીધી છે.. હવે તું તારાં લોહીની દસ-બાર બુંદ પીવડાવીને પણ તારાં ભાઈ-બહેનને વેમ્પાયર બનાવી શકીશ.. પણ એ લોકોની શક્તિ તારી શક્તિઓ કરતાં ઓછી જ રહેશે. "વેન ત્રુટક સ્વરે બોલ્યો.

"પણ હવે તમે શું કરશો.. ?"ક્રિસે વેનને સવાલ કર્યો.

"ક્રિસ, હવે હું થોડીક શ્વાસોનો જ મહેમાન છું.. તું તારાં ભાઈ-બહેન ને વેમ્પાયર બનાવીને તારાં પરિવારને વેર-વિખેર કરનારાં એ રાજા નિકોલસ અને એનાં પુત્ર જોડે બદલો લેવાની તૈયારી કર. "વેન બોલ્યો.

વેનને વ્યવસ્થિત સુવડાવી ક્રિસે વેનનાં કહ્યાં મુજબ છરી વડે પોતાનાં હાથમાં એક ચીરો કરી પોતાનું રક્ત ઈવ અને ડેવિડ ને પીવડાવ્યું. આ સાથે જ નાથનનાં સાત સંતાનો પૈકી સૌથી મોટી ત્રણ સંતાન પોતાનાં માતા-પિતા અને ફોઈનાં હત્યારા જિયાન અને નિકોલસ નો બદલો લેવાં રક્તપિશાચ બની ગયાં.

વેમ્પાયર બનતાં ની સાથે જ ક્રિસ, ડેવિડ અને ઈવ નાં શરીરમાં પરિવર્તન આવવાં લાગ્યું.. એમનાં સ્નાયુઓ પહેલાં કરતાં વધુ કસાયેલાં બની ગયાં. આંખોનો રંગ પણ ભૂરામાંથી કાળો થઈ ગયો અને મોંની અંદર બે અણીદાર દાંત ફૂટી નીકળ્યાં.

જો બ્રાન્ડન, ડેઈઝી, જ્હોન અને ટ્રીસા જાગી જાય અને એમને આ રૂપમાં જોઈ જાય તો સેંકડો સવાલો કરે જેનો જવાબ એ લોકો ત્યારે આપી ના શકે એમ વિચારી એ જ રાતે ક્રિસે મિયારાનાં રાજા નિકોલસનાં મહેલ પર હુમલો કરવાનું મન બનાવી લીધું. આ સાથે જ મનુષ્ય મટી વેમ્પાયર બનેલાં ક્રિસ, ઈવ અને ડેવિડ ચાલી નીકળ્યાં રાજા નિકોલસનાં મહેલની તરફ. !

★★★

વધુ આવતાં ભાગમાં.

ક્રિસ જિયાન અને નિકોલસ જોડે બદલો લઈ શકશે.. ?ક્રિસ, ઈવ અને ડેવિડ સિવાયનાં નાથનનાં બાકીનાં સંતાનો કેમ વેમ્પાયર બન્યાં. ?અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે.. ?અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

****