બ્રહ્માસ્ત્ર : પૌરાણિક કાળનું Nuclear Weapon..!
આપણા વેદ-પુરાણો અને મહાકાવ્યોમાં ઘણી બધી જગ્યાઓએ શક્તિશાળી અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ થતો દેખાડાયો છે. નાગાસ્ત્ર, પાશુપશાસ્ત્ર, વજ્રાસ્ત્ર જેવા કંઇ-કેટલાય હથિયારો દ્વારા યુધ્ધભૂમિમાં વિધ્વંશ સર્જાયો છે! દૈવી શસ્ત્રોની અમાપ શક્તિ મેળવવા માટે ઋષિ-મુનિઓથી માંડીને ક્રુર રાક્ષસોએ ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ)ની ઘોર તપસ્યા કરી હોવાની કથાઓ આપણે નાનપણમાં ખૂબ સાંભળી છે. પરંતુ આજે આપણે જે શસ્ત્ર વિશે વાત કરવાનાં છીએ એનાં વર્ણનો પુરાણોમાં ખૂબ વિસ્તારપૂર્વક આપવામાં આવ્યા છે. બ્રહ્માંડનાં સૌથી શક્તિશાળી હથિયાર ગણાતાં ‘બ્રહ્માસ્ત્ર’નો ઉપયોગ કરી શકવાની વિદ્યા ખૂબ ઓછા લોકો પાસે હતી. દુશ્મન પર તેનો વાર કર્યા બાદ જોવા મળેલી વિધ્વંશક અસરો આજે પણ અમુક સ્થળોએ જોવા મળી રહી છે. શું ખરેખર પ્રાચીન ભારત પાસે આવા ન્યુક્લિયર હથિયારો બનાવી શકવાની કળા હસ્તગત હતી? અગર હા, તો પછી આ શસ્ત્રોને કઇ જગ્યાએ અને કોના પર છોડવામાં આવ્યા?
શાસ્ત્રોમાં આપેલા વર્ણન અનુસાર, બ્રહ્માસ્ત્રનાં સર્જક જગતપિતા બ્રહ્મા છે. યુધ્ધ સમયે ઉપયોગમાં લેવાઈ રહેલ સૌથી ઘાતક અસ્ત્રોમાં બ્રહ્માસ્ત્રનો સમાવેશ થતો. તેનાં વારથી બચી શકવાની સંભાવના લગભગ નહિવત ગણાતી. કારણકે બ્રહ્માસ્ત્રને રોકવા માટે અન્ય કોઇ અસ્ત્ર કામ ન લાગતું. અલબત્ત, સામે છેડેથી પણ જો બ્રહ્માસ્ત્ર અથવા તેનાં જેવું જ અન્ય હથિયાર (બ્રહ્મશીર્ષ અને બ્રહ્માંડ-અસ્ત્ર) છોડવામાં આવે તો તેને રોકી શકવું સંભવ હતું. પરંતુ પહેલા જણાવ્યું એમ, બ્રહ્માસ્ત્રને જાગૃત કરવા માટેની વિદ્યા આંગળીને વેઢે ગણાય એટલા લોકોને પારંગત હતી! હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આજનાં એટમ, ન્યુક્લિયર અને થર્મોન્યુક્લિયર બોમ્બની ક્ષમતા અને વિનાશકારી અસરો બ્રહ્માસ્ત્ર સાથે અદ્દલોદલ મેળ ખાય છે.
બ્રહ્માસ્ત્રને જાગૃત કરવા માટે અમુક ખાસ મંત્રોનો ઉપયોગ થતો. પરમપિતા બ્રહ્મા અથવા પોતાનાં ગુરૂનું ધ્યાન ધર્યા બાદ જ બ્રહ્માસ્ત્રને સક્રિય કરી શકાતું. મંત્રશક્તિની ઉર્જા વિશે આપણે આ કોલમમાં પહેલા ઘણીવાર વિગતે ચર્ચા કરી ચૂક્યા છીએ. વિશ્વમાં ધર્મ અને સત્યનું સંતુલન જળવાઈ રહે એ માટે ભગવાન બ્રહ્માએ બ્રહ્માસ્ત્રનું નિર્માણ કર્યુ હોવાની માન્યતા છે. મહાભારતકાળમાં પરશુરામ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, કૃપાચાર્ય, અર્જુન, અશ્વત્થામા, યુધિષ્ઠિર, વિકર્ણ અને અન્ય કેટલાક મહારથીઓ પાસે બ્રહ્માસ્ત્રને સક્રિય કરી શકવાનું જ્ઞાન પ્રાપ્ય હતું.
બ્રહ્માસ્ત્રનાં વાર વડે યુધ્ધભૂમિનો તો સાવ ખાત્મો જ બોલી જતો. વેદમાં જણાવાયું છે કે, બ્રહ્માસ્ત્રનાં ઘાત સમયે હજારો સૂર્ય જાણે એકીસાથે ચમકી ઉઠ્યા હોય તેવો પ્રચંડ વિસ્ફોત થતો. જે જગ્યાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થતો ત્યાંની જમીન ૧૨ વર્ષોનાં લાંબા સમય માટે બંજર બની જતી. ત્યાંનુ પાણી સૂકાઈ જતું અને ૧૨ વર્ષ સુધી વરસાદનું પણ નામોનિશાન મટી જતું. બ્રહ્માસ્ત્રની વિનાશક અસરને લીધે સ્થાનિક લોકો મૃત્યુ પામતાં અને બચી ગયેલ ગણ્યા-ગાંઠ્યા સ્ત્રી-પુરૂષ આજીવન નપુંસક થઈ જતાં. તેમનાં પછીની પેઢીનાં બાળકોનું ભવિષ્ય ખોડ-ખાંપણયુક્ત અને અંધકારમય જીવન સાથે વીતી જતું! દુષ્કાળનો ગાળો એટલો બધો લાંબો ચાલતો કે લોકો પાસે ઘર-બાર છોડી સ્થળાંતર કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો!
ઉપરોક્ત તમામ વાતોને આજનાં સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડી દઈએ તો એક નામ સામે આવે : ન્યુક્લિયર બોમ્બ! એટોમિક બોમ્બ ડેવલપર વૈજ્ઞાનિક રોબર્ટ ઓપેનહેમર પોતે પ્રાચીન સંસ્કૃત સાહિત્યનાં ગહન અભ્યાસુ હતાં. મેક્સિકો ખાતે જ્યારે સૌપ્રથમ વખત અણુબોમ્બનો સફળ પ્રયોગ થયો તેના સાત વર્ષ બાદ રોબર્ટ ઓપેનહેમરે એક ઇન્ટરવ્યુ આપ્યું. જેમાં મીડિયાએ તેમને એક સવાલ કર્યો કે, મેક્સિકોમાં થયેલ અણુબોમ્બ-ધમાકો ઇતિહાસમાં પહેલી જ વખત થયો હતો કે કેમ!? રોબર્ટ ઓપેનહેમરે શું જવાબ આપ્યો ખબર છે? ‘નરો વા કુંજરો વા’! તેણે કહ્યું કે, “Well - Yes, in modern times, ofcourse!” (હા, આધુનિક સમયમાં તો પહેલી જ વખત..!) આશ્ચર્યજનક બાબત એ છે કે અણુબોમ્બનાં પ્રથમ વિસ્ફોટ બાદ તેણે ભગવદગીતામાં અપાયેલ કેટલાક વાક્યોનું ઉચ્ચારણ કર્યુ હતું, “એકીસાથે હજારો સૂર્ય જાણે આકાશમાં ચમકી ઉઠ્યા હોય તેવો પ્રકાશ છવાઈ ગયો! હવે, હું વિશ્વસંહારક મૃત્યુ બની ગયો છું!”
સંસ્કૃત સાહિત્યોમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થયાનાં પુષ્કળ દાખલાઓ મૌજૂદ છે. ઋષિ વિશ્વામિત્રે પોતાનાં સિધ્ધ બ્રહ્માસ્ત્રનો વાર ઋષિ વશિષ્ઠ પર કર્યો હતો. પરંતુ તેને બ્રહ્માનાં એકમાત્ર (બ્રહ્માસ્ત્રથી વધુ ઉર્જા ધરાવનાર) શક્તિશાળી અસ્ત્ર ‘બ્રહ્મદંડ’ વડે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો. રામાયણમાં મારિચ રાક્ષસ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયેલો. ત્યારબાદ, લંકા પર ચઢાઈ કરતી વેળાએ સમુદ્ર ઓળંગવો જરૂરી બની ગયો હતો. જેથી ભગવાન શ્રી રામ લંકાસાગરનાં ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડે તો અને તો જ વાનરસેના દરિયો ઓળંગીને સામે પાર જઈ શકે. શ્રી રામે પોતાની મંત્રશક્તિ વડે જેવું બ્રહ્માસ્ત્રને સક્રિય કર્યુ કે તરત વરૂણદેવ પ્રગટ થયા અને રામને કહ્યું કે અગર સમુદ્ર પર બ્રહ્માસ્ત્રનો વાર થયો તો તેની અંદર શ્વાસ લઈ રહેલી સમગ્ર જળસૃષ્ટિ નાશ પામશે અને કરોડો-અબજો નિર્દોષ જીવોની હત્યાનું પાપ તેમને લાગશે! પરંતુ હવે કશું થઈ શકે એમ નહોતું કારણકે બ્રહ્માસ્ત્રનું આહ્વાન તો પહેલા જ કરી દેવાયું હતું, આથી હવે તેને નિષ્ક્રિય કરી શકાય એ શક્ય નહોતું. આથી શ્રીરામે પ્રાણીસંહાર અટકાવવા માટે બ્રહ્માસ્ત્રની દિશા બદલી નાંખી. ‘ધ્રુમાતુલ્ય’ (આજનાં સમયનું રાજસ્થાન) નામક એક ઉજ્જડ-વેરાન પ્રદેશ પર તેને છોડી મૂકવામાં આવ્યું. ધ્રુમાતુલ્યમાં બ્રહ્માસ્ત્રને લીધે હજારો કિલોમીટરનું રણ બની ગયું. આજે પણ રાજસ્થાનમાં આપણે સૌથી વધુ ગરમી અને વિશાળ રણપ્રદેશ જોઇ શકીએ છીએ. તો શું શક્ય છે કે રાજસ્થાનનો રણપ્રદેશ એ બીજું કંઈ નહી, પણ બ્રહ્માસ્ત્રની સંહારક અસર વડે નિર્માણ પામેલ ઉજ્જડ-વેરાન જમીન છે જ્યાં હજુ સુધી ફળદ્રુપતા નથી આવી!?
મહાભારતમાં અર્જુન અને અશ્વત્થામાએ એકબીજા પર બ્રહ્માસ્ત્રનો વાર કર્યો હતો. શ્રીકૃષ્ણની સમજાવટથી અર્જુને પૃથ્વી પર માનવજાતિનું રક્ષણ કરવા માટે પોતાનાં બ્રહ્માસ્ત્રને પાછું બોલાવી લીધું પરંતુ અશ્વત્થામા પાસે આ વિદ્યા નહોતી. જેનાં લીધે અશ્વત્થામાએ ઉત્તરાનાં ગર્ભમાં રહેલા પરીક્ષિત પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી તેને મારી નાંખ્યો ત્યારે શ્રીકૃષ્ણ પાસે પોતાનાં તપોબળનો ઉપયોગ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો બચ્યો. સૌકોઇ જાણતાં હતાં કે બ્રહ્માસ્ત્રનો વાર કદી એળે નથી જતો. પરીક્ષિત મૃત જાહેર થયો ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને ઘણા અપશબ્દો કહ્યા. કારણકે કૃષ્ણે પોતાની સખીને વચન આપ્યું હતું કે તેના વંશનો સર્વનાશ નહી થવા દે. પરંતુ પરીક્ષિતનાં મૃત્યુ પામતાંની સાથે જ પાંડવોના વંશનો અંત આવી ગયો હતો. આથી પોતે આપેલા વચનને પૂરું કરવા શ્રીકૃષ્ણે પોતાની યોગશક્તિ વડે પરીક્ષિતને ફરી સજીવન કર્યો. પ્રાચીન અસ્ત્રો-શસ્ત્રોની સૌથી ખાસ બાબત એ હતી કે સાધકમાં પૂરતું યોગબળ હોય તો ઘાસનાં પાતળા તણખલાને પણ બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાતું! એ સમયે શક્તિ અસ્ત્રમાં નહી, પરંતુ સાધકનાં મંત્રોચ્ચાર અને મનોબળમાં હોવી જોઈએ એવું માનવામાં આવતું.
મહાભારતનાં ‘વન પર્વ’માં પૃથ્વીનાં અંત વિશે ખૂબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે કળિયુગનાં અંતિમ સમયમાં પૃથ્વીનાં વાતાવરણમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળશે. પ્રચંડ ધમાકાઓ થશે અને જીવસૃષ્ટિનો ખાત્મો બોલી જશે! (આજે ખરેખર આપણે ન્યુક્લિયર વોરનાં ભય હેઠળ જીવી રહ્યા છીએ. આગામી ભવિષ્યમાં આ ખતરો હજુ વધારે તીવ્ર બનવાની સંભાવના છે!)
અહીં ખરેખર એક વાત વિચારવા જેવી છે કે પહેલાનાં સમયનાં હથિયારોમાં શું ખરેખર એટલી ઉર્જા હતી જેનાં કારણે સમગ્ર માનવજાતનો સફાયો બોલી જાય!? કારણકે અત્યારે આપણે જે ન્યુક્લિયર બોમ્બ, મિસાઇલ્સની શોધ કરી રહ્યા છીએ તે ફક્ત અમુક પ્રદેશ કે રાજ્યનો નાશ કરી શકવા સક્ષમ છે, સમગ્ર પૃથ્વીનો નહીં! બીજું એ કે, બ્રહ્માસ્ત્ર સિવાયનાં પણ ઘણા અસ્ત્રો પ્રાચીનકાળમાં ઉપયોગમાં લેવાયા. જેમનાં નામ પરથી એવું સમજી શકાય કે તેઓ કોઇ સામાન્ય હથિયાર નહી, પરંતુ બાયોલોજિકલ વેપન હતાં!! લેખની શરૂઆતમાં લીધેલા અસ્ત્રોનાં નામ યાદ છે? ‘નાગાસ્ત્ર’ અને ‘પાશુપશાસ્ત્ર’? શું એ શક્ય છે કે સાપનાં ઝેરનો ઉપયોગ કરીને અમુક ખાસ પ્રકારનાં જૈવ-રાસાયણિક શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય, જેને નામ અપાયું હોય ‘નાગાસ્ત્ર’?
bhattparakh@yahoo.com