અર્ધ અસત્ય.
પ્રકરણ-૩૫
પ્રવીણ પીઠડીયા
અનંતનો ફોન કેમ બંધ આવે છે એ વિચાર ક્યારનો તેના મગજમાં ઘૂમરાતો હતો. સવારે અનંતનો ફોન આવ્યો નહીં ત્યારે જ તેણે ફોન કરી લેવો જોઇતો હતો પરંતુ આખો દિવસ તે એટલો વ્યસ્ત રહ્યો હતો કે એ વાત તેના દિમાગમાંથી સાવ નિકળી જ ગઇ હતી. અત્યારે વિષ્ણુંબાપુની હવેલીના દિવાનખંડમાં બેસીને તે અફસોસ કરવા સિવાય બીજું કશું કરી શકે તેમ નહોતો. વળી હવેલીમાં કોઇ હતું નહી એ આશ્વર્ય પણ થતું હતું. આ પહેલા એક વખત તે અહીં આવી ચૂકયો હતો ત્યારે પણ એક નોકર સિવાય બીજું કોઇ તેને દેખાયું નહોતું. કદાચ રાજગઢનાં ઠાકોર પરિવારની જાહોજલાલી ખતમ થવાના એ એંધાણ હતા જે અત્યારથી વર્તાવા લાગ્યાં હતા. વિતતા જતાં સમયની સાથે ઘણું બધું બદલાતું હોય છે કારણ કે પરીવર્તન જ નવસર્જનનો પાયો રોપે છે. રાજગઢમાં પણ અત્યારે એ જ થઇ રહ્યું હોય એવું અભયને લાગ્યું.
ઉપર કશેક દરવાજો ખૂલ્યો હોય એવો અવાજ આવ્યો અને થોડીવાર પછી વિષ્ણુંસિંહ બાપુ દાદર ઉતરીને અભય સમક્ષ આવીને ઉભા રહ્યાં.
“પ્રણામ,” અભયે સોફા ઉપરથી ઉભા થતા તેમને વંદન કર્યા. વિષ્ણું બાપુએ પ્રણામનાં જવાબમાં ફક્ત તેમનું મસ્તક હલાવ્યું. તે જ્યારે નાનો હતો અને અનંત સાથે અહીં રમવા આવતો ત્યારે ઘણીવાર તેણે વિષ્ણું બાપુને જોયા હતા. રાજગઢથી બહાર ભણવા ગયા પછી તો ભાગ્યે જ ક્યારેક તેમની મુલાકાત થઇ હશે. એ સમય વિષ્ણું બાપુની જવાનીનો હતો. એકદમ ચૂસ્ત દુરુસ્ત અને અલમસ્ત શરીર, પૂરા છ હાથ ઉંચો દેહ, આંખોમાં ખૂમારી અને ચાલમાં રાજ-પરિવારના સભ્ય હોવાનો ગરૂર… અને બોલે તો ત્રાડ નાંખતા હોય એવો ભારેખમ અવાજ. અભયને એ બધું હજું ય યાદ હતું. તેને વિષ્ણું બાપુની નજીક જવામાં, તેમની સાથે વાતો કરવામાં હંમેશા એક પ્રકારનો ડર લાગતો હતો. એવું શું કામ થતું હતું એ ક્યારેય તેને સમજાયું નહોતું. કદાચ તેમની આભા જ એવી હતી કે સામેવાળો વ્યક્તિ તેમનાથી અંજાઇ જાય. તેમનાં વ્યક્તિત્વનાં ભાર હેઠળ દબાઇ જાય. પણ ખેર, એ સમય વિતિ ચૂકયો હતો. તે જૂવાન થયો હતો અને વિષ્ણું બાપુ ઘરડા. હવે તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને ડર નાબૂદ થયો હતો. તેણે ધ્યાનથી વિષ્ણું બાપુને નિરખ્યાં. હવેલીની જેમ તેઓ પણ ખખડી ગયા હતા. ખભા થોડા નીચા ઝૂકયાં હતા અને કમરનો ઘેરાવો વધ્યો હતો. ચહેરા ઉપર કરચલીઓ અને આંખોએ ચશ્મા આવ્યાં હતા. હાથમાં લાકડી નો સહારો જરૂરી બન્યો હતો. માથે સફેદ ઝગ વાળમાં આગળથી થોડી ટાલ પડી હતી અને કાયમી ધારદાર રહેતી મૂછોનાં છેડા થોડા નમ્યાં હતા. તેમ છતાં વિષ્ણું બાપુના પહાડી શરીર સામે તે હજુંપણ ઘણો નીચો લાગતો હતો. તેમનાં બાવડામાં આજે પણ અસીમ તાકત જણાતી હતી અને મોટા કાચનાં ચશ્મા પાછળ તગતગતી તેમની આંખો… ઉફ્ફ, અભયથી વધારે વખત એ આંખોમાં જોઇ શકાયું નહી. તેણે પોતાની નજરો ફેરવી લીધી. એ આંખોમાં કોઇ હિંસક રાની પશું જેવી ચમક હતી. એવી ચમક જે શિકારને સામે જોઇને કોઇ પ્રાણીની આંખોમાં ઉદભવે! અભયને એકાએક આ હવેલીમાંથી બહાર ચાલ્યાં જવાનું મન થયું. ચો-તરફ ફેલાયેલી ખામોશી વચ્ચે તેઓ બે એકલા જ દિવાનખંડની મધ્યે ઉભા હતા.
“બોલ, શું કામ હતું?” વિષ્ણું બાપુએ કોઇ જ ઔપચારીકતા દાખવ્યાં વગર સીધું જ પૂછયું. તેમના અવાજમાં ઠપકો હતો કે ગુસ્સો એ અભય કળી શકયો નહી.
“અનંતનું કામ હતું. એ તેની હવેલમાં નથી એટલે થયું કે અહીં હશે.” અભય થોડો અસ્વસ્થ બન્યો. કોઇ જ આવકાર વગરનો સવાલ તેને કઠયો હતો પણ તે બોલ્યો નહી.
“અનંત તેની હવેલીએ નથી? હોવો જોઇએ. કદાચ વૈદેહીનાં ઘરે હશે અથવા તો પાછળ જંગલમાં લટાર મારવા ગયો હશે. બીજું કંઈ?” વિષ્ણું બાપુનાં અવાજમાં સ્પષ્ટ જાકારો છલકતો હતો. અભયને બાપુનું વર્તન હાડોહાડ લાગી આવ્યું.
“નાં બસ, આભાર. હવે હું જઇશ. અનંત આવે તો કહેજો કે અભય તેને મળવા આવ્યો હતો.” અભય આથી વધું પોતાનું અપમાન સહન કરી શકવા અસમર્થ હતો. સ્પષ્ટ હતું કે વિષ્ણું બાપુને તેનું અહીં આવવું સહેજે ગમ્યું નહોતું અને તેઓ ઈચ્છતા હતા કે તે ચાલ્યો જાય. તે હવેલીની બહાર નિકળી આવ્યો. તેનું માથું ફરતું હતું. આટલો ઘમંડ, આટલો અહંકાર કોઇનામાં કેવી રીતે હોઇ શકે એનું આશ્ચર્ય ઉદભવ્યું હતું. આજે કેટલા લાંબા સમય બાદ તે વિષ્ણું બાપુને મળી રહ્યો હતો. તેને એમ હતું કે હવેલીમાં તેને મીઠો આવકાર મળશે. બાપુ તેની કુશળતા પૂંછશે. પણ એના બદલે તેનું અપમાન થયું હતું. જાણે હડધૂત કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યો હોય એવું દર્દ તેના દિલમાં ઉદભવ્યું હતું. ઘડીક તો થયું કે તે અંદર ગયો એ જ તેની ભૂલ હતી. પણ અનંતનો ફોન નહોતો લાગતો એટલે હવેલીમાં ગયા વગર તેનો છૂટકો નહોતો. ખિન્ન હદયે તે પાછો અનંતની હવેલીએ, જ્યાં તેણે બુલેટ પાર્ક કર્યું હતું ત્યાં આવ્યો અને તેને ટેકો દઇને વિચારતો ઉભો રહ્યો.
વિષ્ણું બાપુએ કહ્યું હતું કે અનંત તેની ફોઈ વૈદૈહીસિંહને ત્યાં હોઇ શકે અથવા તો જંગલમાં લટાર મારવા નિકળ્યો હશે. ફોઈને ત્યાં હોવાની શક્યતા તો કદાચ સાચી હોય પરંતુ આ સમયે તે જંગલમાં શું કામ લટાર મારવાં જાય! તેણે સમય જોયો. રાતનાં નવ વાગ્યાં હતા. આ વાળું નો સમય હતો. આવાં સમયે અનંત જંગલમાં જાય એ ઇમ્પોસિબલ હતું. તો વિષ્ણું બાપુએ એવું શું કામ કહ્યું હશે?
અભયનું માથું ઠનક્યું. એકાએક તેને અનંતની ચિંતા ઉદભવી. ક્યાંક તે કોઇ મુસીબતમાં તો નહીં મુકાયો હોય ને! અભયને કશુંક અમંગળ ઘટવાનાં ભણકારાં સંભળાતા હતા. તે વિચારમાં પડયો. હવેલીઓની બરાબર પાછળથી જ ગીચ જંગલ વિસ્તાર શરૂ થતો હતો. કેટલાંય કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલું જંગલ જંગલી પ્રાણીઓ અને આદીવાસી કબિલાઓને પોતાની અંદર સમાવીને બેઠું હતું. રાત્રીનાં સમયે આવા ગીચ અને ખતરનાક વિસ્તારમાં અનંત લટાર મારવા જાય એ અસંભવ સમાન હતું. અચાનક તે અટકયો, અને પોતાના જ વિચારોથી તે ચોંકી ઉઠયો. જંગલમાં કબિલાઓ હતા. આદીવાસી કબિલાઓ… ભિલ કબિલાઓ! માયગોડ, અભયની ધડકનો તેજ થઇ ઉઠી. આ વાત તો તે સાવ વિસરી જ ગયો હતો. આજે જ તેણે વાંચ્યું હતું કે હવેલીઓની પાછળ આવેલા જંગલોમાં વર્ષો પૂર્વે ભિલોનાં કબિલાઓ હતા. તેમાનાં એક કબિલાની એક ભિલ કન્યાં અનંતના દાદા પૃથ્વીસિંહજીની જેમ જ અચાનક ક્યાંક ગાયબ થઇ ગઇ હતી. તેનો કેસ દર્જ થયો એ તારીખ તો તેણે કેસ પેપરમાં વાંચી હતી પરંતુ અનંતના દાદા કઇ તારીખે ગાયબ થયા એ ખબર નહોતી. એ તારીખ જાણવા માટે જ સવારે તેણે અનંતને ફોન કર્યો હતો. તેને બરાબર યાદ હતું કે એ સમયે અનંત વિષ્ણું બાપુની હવેલીએ હતો. તે ચકરાઇ ઉઠયો. ક્યાંક, કશુંક અસંગત હતું પરંતુ એ આપસમાં જોડાઇ રહ્યું હતું. એ શું હતું તે સમજાતું નહોતું પરંતુ અભય ચોંકયો જરૂર હતો. એકાએક તેને અનંતની ભાળ મેળવવી અત્યંત જરૂરી લાગી. ચોક્કસ એ કોઇ ભયંકર મુસીબતમાં છે એવા ભણકારા તેને વાગતાં હતા. અને… તે બિલકુલ ખોટો નહોતો. અનંત ખરેખર મુસીબતમાં હતો.
અનંતનસિંહની હવેલીની બહાર બુલેટનાં ટેકે ઘોર અંધકાર મઢયા માહોલમાં ઉભેલો અભય ગહેરા વિચારોમાં ઉલઝતો ગયો હતો. હજું એક કોકડું ઉકલ્યું ન હતું ત્યાં તો બે નવાં મામલા તેની સમક્ષ આવ્યાં હતા. એક પેલી ભિલ યુવતીનો અને બીજો અનંતનો. સૌથી પહેલા તો અનંતનો પત્તો મેળવવો ખૂબ જરૂરી હતો. તેણે સૌ પ્રથમ વૈદેહીસિંહના ઘરે જવાનું મન બનાવ્યું અને પછી ઉતાવળે બુલેટ શરૂ કરીને તે હારબંધ હવેલીઓનાં છેવાડે આવેલી છેલ્લી હવેલી તરફ બુલેટ ભગાવ્યું અને તેના પોર્ચમાં આવીને ઉભો રહ્યો. આ હવેલી પણ ખખડી ગઇ હતી અને ડરામણી ભાસતી હતી. અભયને સમજાતું નહોતું કે આ લોકો આવાં સ્થળે શું કામ રહે છે? શું તેમની પાસે એટલી મિલ્કત પણ બચી નહોતી કે તેઓ અન્ય કોઇ સારી જગ્યાએ જઇને વસી ન શકે!
@@@
વૈદેહીસિંહ ધાર્યા કરતા ઘણાં વધું પ્રેમાળ હતા. વિષ્ણું બાપુનાં સ્વભાવનો પરિચય હમણાં જ અભયને થયો હતો એટલે તે થોડો ડરતો હતો પરંતુ વૈદેહીસિંહને મળ્યાં પછી તેને ઘણી રાહત ઉદભવી હતી. તેણે અનંત વિશે પૂછયું કે તે અહીં આવ્યો હતો કે નહી?
“એ અહીં ઓછો આવે છે. મોટેભાગે તો ભાઈનાં ઘરે જ રહેતો હોય છે. મેં ગઇકાલનો તેને જોયો નથી.” વૈદેહીસિંહે કહ્યું. અભય વિચારમાં પડયો. તો આખરે અનંત ગયો ક્યાં?
(ક્રમશઃ)