એક સાંજે સૂર્ય પોતાની લાલિમાં વિખેરીને ક્ષિતિજના પ્રેમમાં ગળાડૂબ ડૂબી રહ્યો હતો. આકાશે ઉડતા પંખીઓ નો કલરવ એ શીતળ સાંજને વધુ સુંદર બનાવી રહ્યો હતો. બીજી તરફ આ ખુશનુમા મૌસમમાં ખડખડ વેહતી નદીનું મધુર સંગીત, વાતાવરણને વધુ રમ્ય બનાવી રહ્યું હતું.
આ ખુશનુમા મૌસમમાં નિતીન પોતાની રજાના પળોને કુદરતના સાનિધ્યમાં માણી રહ્યો હોય છે. એ એક ચિત્ત થઈ સૂર્યના લાલિત્યને, વેહતી સરિતાના મધુર સંગીતને માણી રહ્યો છે. દરેક રવિવારે નિતીન પોતાની રજાની પળો અહીં જ કુદરતના સાનિધ્યમાં વિતાવતો અને પોતાના બધા સ્ટ્રેસને ભૂલી તે કુદરતની સુંદરતામાં ખોવાઈ જતો.પણ આજનું આ કુદરતી સૌંદર્ય નિતીનના મનમાં કાંઈક નવા જ અનુભવ કરાવી રહ્યું હતું. એટલે તેને આ સૌંદર્યને કાગળ પર કંડારવા કાગળ-કલમ હાથમાં લીધી.
નિતીન આમ કાગળ-કલમ હાથમાં લઈ, આ કુદરતી સૌંદર્યને કાંઈક લખવા જ જતો હતો. પણ ત્યાંજ એક સુંદર અવાજ સંભળાયો,"અરે વાહ, નિતીન તમે અહી!" આશ્ચર્ય સાથે નિધિ બોલી. નિતીન પણ 'નિધિ' ને સામે જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો.
"અરે નિધિ, કેમ છે?" નિતીન બોલ્યો.
નિધિ અને નિતીન બંને કોલેજમાં ક્લાસમેટ હતા. બન્ને કોલેજ ટાઇમમાં એકબીજાને મનોમન પસંદ પણ કરતા હતા,પણ ક્યારેય એકબીજાને પોતાની લાગણી જણાવી જ નહતી.
નિધિ: અરે હું મજામાં.. તું કેમ છે?.. તું ક્યા રે છે? અને કોલેજના annual function કેમ નહતો આવ્યો?
નિધિ જાણે સવાલો તૈયાર કરીને જ આવી હોય તેમ, બધા સવાલોનો વરસાદ, નિતીન પર વરસાવી દીધો.
નિતીન: "બસ મજામાં,અરે હું કંપનીના કામમાં વ્યસ્ત હતો એટલે function માં નહતો આવ્યો. અને કોલેજ પછી હું જૂનાગઢ શિફ્ટ થઈ ગયો છું." "પણ આજે તું અચાનક અહીં?"
નિધિ : (મીઠા સ્મિત સાથે) "હા! બસ આજે કુદરતની સુંદરતા માણવાની ઇચ્છા થઈ એટલે અહીં ચાલી આવી."
ત્યાંજ નિધિ થોડી મસ્તીમાં આવી બોલી,
'મિસ્ટર હેન્ડસમ, તમેં લગ્ન કરી લીધા કે નહીં?'
નિતીન :- નિધિ સામે જુવે છે, ને જાણે હોઠ એના કહ્યા વગર હરકત કરે છે,
"बैठे थे जिसके इंतजार मे,
वो आके आज हमशे पूछ रहे,
घर बसाया या ऐसे ही बैठो हो?"
નિધિ થોડું શરમાણી અને નિતીનના શબ્દો ને ઝીલી લીધા.
નિધિ :
"जनाब मोहब्बत तो हमे भी आपसे बेहद थी,
पर मौका आपने दिया ही नहीं इज़हार का!"
સૂર્ય પણ આથમતા- આથમતા કાંઈક શબ્દો વિખેરી ગયો,
"પ્રેમ આમ જ પાંગરે, ઝળહળ વેહતા નીરે,
આથમું રોજ આમ,જો થાય મુલાકાતો તીરે."
નદીના નીર આ શબ્દોમાં સંગીત પૂરે છે અને નિતીન, નિધિની આંખોમાં જોઈ રહે છે. આમ ધ્યાન નિધિ તરફ હતું એટલે આમ ઊભા થવા જતા પગ લપસે છે. પગ લપસે છે નિતિનનો પણ આહ નિધિના મુખેથી નીકળે છે.
નિધિ ચિંતાસ્પદ ભાવ સાથે,નિતીનને પૂછે છે,
" તને વાગ્યું તો નથીને? "
નિતીન એક ઉત્સાહ સાથે શાયરીમાં જવાબ આપે છે,
"ક્યાં ક્યાં વાગ્યું છે કોને બતાવું હવે,
ઈશ્કની મહેફીલનો ગુનેગાર હું,
ગિરફતારી ક્યાં કરાવું હવે..."
નિધિ શરમાઈ ને મુખ ઢાંકી દે છે.
નિધિ અને નિતીન એકબીજાની આંખોમાં પ્રેમને માણી રહ્યા. આ પ્રેમની સાક્ષી સૂરજ, ક્ષિતિજ, એ ખળખળ વેહતું નદીનું વહેણ અને સુંદર ખીલેલી પ્રકૃતિ પૂરી રહ્યું હતું. ખીલેલા પુષ્પો અને શાંત બની બેઠેલા આ પ્રેમીઓ જીવનની શરૂઆત આજ સાનિધ્યમાં કરે છે.
આ સુંદર સાંજ નિધિ - નિતીન નો જીવનભરના સંગાથનુ કારણ બન્યું અને એક સુંદર સંભારણું પણ. એટલે આજે વર્ષો પછી પણ જ્યારે પણ સમય મળે છે, ત્યારે નિધિ અને નિતીન પોતાના જીવનની એ અનોખી અદ્ભુત સાંજની યાદ તાજી કરવા એ જ કુદરતી સાનિધ્યમાં અચૂકથી જાય છે.