અમઝદ ખાન
“શોલે”ના શૂટિંગના પ્રથમ દિવસે જ અમઝદખાનનો અવાજ સેટ પર ઉપસ્થિત રહેલા સલીમ જાવેદ સહીત તમામને થોડો પતલો લાગ્યો હતો. ગબ્બરસિંહ જેવા ખૂંખાર ડાકુનો અવાજ તો પહાડી જ હોવો જોઈએ તેવી સ્ક્રિપ્ટની પણ ડીમાન્ડ હતી. ચાર પાંચ દિવસના શૂટિંગ બાદ અમઝદખાનને ડીપ્રેશન જેવું લાગવા માંડયું હતું. તે દિવસોમાં સેટ પર અમઝદખાનને ફિલ્મમાંથી પડતા મુકાશે તેવી પણ હવા ઉડી હતી. ખૂબ જ અપસેટ થઇ ગયેલા અમઝદખાને તેની માતાને પૂછ્યું હતું... ”અમ્મીજાન મેરા ક્યા હોગા ?” નમાઝ પઢીને અમ્મીજાને એકદમ સ્વસ્થતાથી કહ્યું હતું... ”સબ અચ્છા હી હોગા બેટે. યહી ફિલ્મ તેરી કિસ્મત બદલ દેગી. ”.
હિન્દી સિનેમાજગતમાં ડાકુની છબી ઘણા વર્ષોથી પરંપરાગત ચાલી આવતી હતી. જે પ્રમાણે ડાકુ હમેશા ધોતી, કુર્તા, માથા પર પાઘડી અને કપાળ પર લાંબા તિલક સાથે જ દેખાતો. અમઝદખાને હિન્દી ફિલ્મોમાં ડાકુની ઈમેજ ધડમૂડથી બદલી નાખી હતી. પેન્ટ, શર્ટ અને ખભે કારતુસની પેટી ધરાવતો ગંદા દાંત વચ્ચે તમાકુ ચાવીને (સંવાદ બોલતા પહેલાં હાક થૂ બોલીને) ખંધુ હસતો ડાકુ ભારતીય સિનેમાના દર્શકોએ “શોલે” અગાઉ ક્યારેય જોયો નહોતો. અમઝદ ખાને “શોલે” માં પહેરેલો ડ્રેસ તેની ખુદની પસંદનો હતો, જે મુંબઈના ચોર બજારમાંથી ખરીદેલો હતો. બહુ જ ઓછા લોકોને ખબર છે કે અમઝદ ખાને ડાકુના પાત્રને સમજવા માટે પત્રકાર તરુણકુમાર ભાદુરી( જયાભાદુરીના પિતા)એ લખેલ પુસ્તક અભીશપથ-ચંબલ બે વાર વાંચી હતી. એક જમાનામાં ચમ્બલના ડાકુઓનો ખોફ કેવો હતો તેની પ્રતીતિ “શોલે” માં અમઝદખાન એક ડાયલોગ મારફત કરાવે જ છે. “યહાંસે પચાસ પચાસ કોસ દૂર જબ બચ્ચા રાત મેં રોતા હૈ તો મા કહેતી હૈ સોજા.. બેટા .. સોજા, વરના ગબ્બર આ જાયેગા”.
અમઝદ ખાનનો જન્મ તા. ૧૨/૧૧/૧૯૪૦ ના રોજ પેશાવરમાં થયો હતો. પિતા જયંત વીતેલા જમાના ના મશહુર ચરિત્ર અભિનેતા અને વિલન હતા. બે ભાઈઓ ઈમ્તિયાઝઅલી ખાન અને ઇનાયતખાન પણ ફિલ્મોમાં કામ કરતા હતા. અમઝદખાનનું સ્કૂલનું ભણતર મુંબઈમાં બાન્દ્રા સ્થિત સેન્ટ થેરેસીસ હાઇસ્કૂલમાં થયું હતું. અમઝદખાનને આર. ડી. નેશનલ કોલેજમાં ભણતી વખતે જ નાટકોમાં અભિનય કરવાનો શોખ જાગ્યો હતો. અમઝદખાને માત્ર ૧૧ વર્ષની ઉમરે બાળકલાકાર તરીકે ૧૯૫૧ માં પ્રથમ વાર કેમેરાનો સામનો કર્યો હતો. ફિલ્મ હતી “નાઝનીન”. ૧૯૫૭ માં રીલીઝ થયેલી ફિલ્મ “અબ દિલ્હી દૂર નહિ “માં સત્તર વર્ષનો અમઝદખાન તેના પિતા જયંત સાથે દેખાયો હતો.
કે. આસિફ જેવા ધુરંધર ફિલ્મ નિર્માતા જયારે “લવ એન્ડ ગોડ” ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેમના આસીસ્ટંટ તરીકે અમઝદખાને કરિયરની શરૂઆત કરી હતી. જોકે તે ફિલ્મનો પ્રોજેક્ટ અધુરો મુકાયો હતો અને અમઝદ ખાને ચેતન આનંદની ફિલ્મ “હિદુસ્તાન કી કસમ” માં પાકિસ્તાની પાયલોટની ભૂમિકા ભજવી હતી જેની જરા સરખી પણ નોંધ કોઈએ લીધી નહોતી. ”લવ એન્ડ ગોડ” આખરે ૧૯૮૬ માં પૂરું થયું હતું. જોકે તે પહેલાં તો ભારતીય સિનેમાજગતમાં અમઝદખાનના નામનો ઈતિહાસ રચાઈ ગયો હતો.
એ વાત તો ખૂબ જાણીતી છે કે ગબ્બરસિંહ માટે સૌથી પહેલી પસંદ ડેની હતો. ડેની અફઘાનિસ્તાન ખાતે “ધર્માત્મા” ના શૂટિંગમાં વ્યસ્ત હતો તેથી “શોલે” માટે તારીખો ફાળવવાની સમસ્યા હતી. આખરે ડેનીએ ગબ્બરસિંહનો રોલ લીટરલી જવા દીધો હતો. લેખક બેલડી સલીમ જાવેદે રમેશ સિપ્પીને ગબ્બરસિંહના રોલ માટે અમઝદખાનની ભલામણ કરી હતી. ડેનીએ વર્ષો બાદ એક ઇન્ટરવ્યુમાં નિખાલસતાથી કહ્યું હતું. ” અગર મૈને “શોલે” ફિલ્મ કી હોતી તો ભારતીય સિનેમાજગત કો અમઝદખાન જૈસા અદ્ભૂત કલાકાર નહિ મિલતા”.
અમઝદખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું... ”મેરી એક્ટિંગ જીતના હી શ્રેય મેરે અઝીઝ દોસ્ત આર. ડી. બર્મન કો જાતા હૈ. ફિલ્મમેં જીતની બાર ગબ્બરસિંહકી એન્ટ્રી આતી હૈ ઉતની બાર પંચમને કમાલ કા બેકગ્રાઉન્ડ મ્યુઝીક દે કે ગબ્બરસિંહ કે રોલ કો ચાર ચાંદ લગા દિયે થે”.
થોડા વર્ષો પહેલાં હિન્દી સિનેમાજગતના સો વર્ષ પુરા થયા તેના પ્રોગ્રામમાં હિન્દી ફિલ્મોના ટોપ ટેન લોકપ્રિય સંવાદોમાં “શોલે” ના “કિતને આદમી થે?” ડાયલોગને સ્થાન મળ્યું હતું. જેનું મુખ્ય કારણ આ ત્રણ શબ્દો બોલવામાં અમઝદખાનની બોલવાની લઢણ જ જવાબદાર હતી તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અમઝદખાન એક માત્ર એવો વિલન હતો જેણે વિજ્ઞાપન પણ કર્યું હતું. યાદ કરો.. ગબ્બર કી અસલી પસંદ... બ્રિટાનીયા ગ્લુકોઝના બિસ્કીટની જાહેરાતમાં આપણે અમઝદખાનને વર્ષોથી જોતા આવ્યા છીએ.
“શોલે” ની જોરદાર સફળતા બાદ અમઝદખાનની વિલન તરીકે ધડાધડ ફિલ્મો રીલીઝ થવા લાગી હતી. જેમાં અમિતાભની મુકદ્દર કા સિકંદર , મિસ્ટર નટવરલાલ,સત્તે પે સત્તા કાલીયા જેવી અઢળક સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે માત્ર ખલનાયક તરીકેની જ ભૂમિકા ભજવવાને બદલે અમઝદખાને “લાવારીસ” અને “યારાના” માં હકારાત્મક ભૂમિકા પણ ભજવી હતી. અમઝદખાને “લવસ્ટોરી” અને “કુરબાની” માં કોમેડી પણ કરી હતી. પ્રેમચંદ મુનશીની વાર્તા પર આધારિત સત્યજીત રે ની “શતરંજ કે ખિલાડી” માં તેણે વાજીદઅલી શાહનું કિરદાર પણ નિભાવ્યું હતું. ૧૯૮૮ માં રીલીઝ થયેલી મર્ચન્ટ આઈવરીની અંગ્રેજી ફિલ્મ “ધ પરફેક્ટ મર્ડર” માં તેની અન્ડરવર્લ્ડ ડોનની ભૂમિકા ખૂબ વખણાઈ હતી.
ગોવા ખાતે “ધ ગ્રેટ ગેમ્બલર” ના શૂટિંગમાં બાયરોડ જઈ રહેલા અમઝદખાનને ભયંકર અકસ્માત નડયો હતો. તેર પાંસળીઓ તૂટી ગઈ હતી. ખાસ્સા સમય સુધી બેડરેસ્ટને કારણે તેનું વજન ડબલ થઇ ગયું હતું. અમઝદ ખાને “ચોર પોલીસ” અને “અમીર આદમી ગરીબ આદમી” નું નિર્દેશન પણ કર્યું હતું. જોકે બંને ફિલ્મો ફ્લોપ હતી. લગભગ બસ્સો જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર અમઝદખાનની છેલ્લી ફિલ્મ “સૌતેલા ભાઈ” હતી. તા. ૨૭/૭/૧૯૯૨ ના રોજ અમઝદખાનનું હાર્ટ એટેકને કારણે માત્ર ૫૧ વર્ષની ઉમરે અવસાન થયું હતું.
સમાપ્ત