મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
જાગૃતિ
ધૂંધળી સાંજ હવે અંધારાના શાંત વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. ગામની દરેક શેરી, દરેક ચાર રસ્તે અંધારું જ અંધારું ફેલાઈ ગયું હતું. હા વાચકો, આ દિલ્હી કે કોઈ બીજા રાજ્યની રાજધાની નથી, પરંતુ ભારતના એક દૂર વસેલા ગામડાની લઘુકથા છે.
ગામના ચોરે સળગી રહેલા ફાનસનું જરાક જેટલું અજવાળું રસ્તા પર પણ પડી રહ્યું હતું. અરે! તમે તો ફાનસનું નામ સાંભળીને જ ચોંકી ઉઠ્યા. હા ભાઈ, આ ગેસથી ચાલતી એ જ નળી છે જે આપણે શહેરી લોકો લગ્ન અને તેની જાનમાં સાથે લઇ જઈએ છીએ અને તે આજકાલ કેરોસીનથી નહીં પણ જનરેટરની વિજળીથી ચાલે છે. ગામડામાં કેરોસીનથી ચાલતા ફાનસ ત્યારે જ સળગાવવામાં આવે છે જ્યારે ત્યાં રાત્રે કોઈ મોટું આયોજન હોય.
આ ગામનું નસીબ ખૂબ ચમકી ગયું હતું કારણકે આ વિસ્તારના વિધાનસભ્ય જે રાજ્યના વિજળી મંત્રી પણ છે તે આજે આ ચોરામાં પધારવાના હતા. જોકે એમને પધારવું પડ્યું હતું કારણકે ચૂંટણી પ્રચાર એકદમ જોરમાં ચાલી રહ્યો હતો અને કાંટાની ટક્કર હોવાને કારણે એક-એક વોટથી જીત-હારની સંભાવનાએ દરેક ઉમેદવારના હ્રદયના ધબકારા વધારી દીધા હતા.
ચોરામાં ભીડ ભેગી થયાના એક કલાક બાદ ઝંડા અને લાલ બત્તી વળી મંત્રીજીની કાર બીજી કાર અને જીપના કાફલા સાથે અહીં પહોંચી. ભીડના સ્વાગત માટે નીચે આવવાની પહેલા જ એ આખો સમૂહ ઉપર મુકેલા ખાટલાઓમાં બેસી ગયો.
નામાંકિત વ્યક્તિઓ દ્વારા ફૂલ-હાર પહેરાવી દીધા બાદ હવે મંત્રીજી જ્યારે પોતાની મીઠી મધુરી વાતો ભીડને પીરસી જ રહ્યા હતા ત્યારે ઘરડા દિનુ કાકા ઉભા થઇ ગયા.
“શું થયું કાકા? કશું કહેવું છે?” મંત્રીજીના મોઢામાંથી મધ ટપક્યું.
“ઓ ભાઈ, રમુઆ, જરાક જો તો, મંત્રીજી પોતાની કારમાં વિજળી ભરીને લાવ્યા છે કે શું?” દિનુ કાકાના કહેવાની સાથેજ આખા ચોરામાં ખડખડાટ હાસ્ય વ્યાપી ગયું.
“આ શું બોલો છો કાકા! વિજળીને તે કોઈ કારમાં ભરીને લાવી શકે?” લોકોનું હસવાનું બંધ થવાની સાથેજ રમુઆએ કહ્યું.
“આવે રમુઆ આવે. મંત્રીજી ગઈ વખત જ બોલ્યા હતા કે આગલી વખત આવીશ ત્યારે હું વિજળી લઈને આવીશ. હવે મંત્રીજી જો કારમાં આવે તો વિજળી ચાલતી ચાલતી આવે શું? જરા શોધો વિજળી આ કારમાં જ હશે.”
દિનુ કાકાના આમ કહેવાની સાથેજ ભીડે ચોરો છોડીને મંત્રીજીની કારને ચારેતરફથી ઘેરી લીધી.
મંત્રીજી હવે પોતાના લાવલશ્કર સાથે ત્યાંથી સરકવાની કોશિશ કરવા લાગ્યા.
***