મારો શું વાંક ?
પ્રકરણ - 20
જોત-જોતામાં બે વરસ પસાર થઈ ગયા... અફસાના ત્રણ વરસની થઈ ગઈ હતી. બાજુનાં શહેરની અંગ્રેજી માધ્યમની શાળામાં જાવેદનાં ત્રણેય છોકરાંઓ અને રહેમતનો આદમ હારે નિશાળે જતાં. હવે અફસાનાનો દાખલો પણ એ જ શાળામાં કરાવી લીધો તો.... જેથી પાંચેય ભાંડેળું એક હારે શાળાની બસમાં શાળાએ જાતા થઈ ગયા હતા.
આખો દિવસ ખેતર અને થોડુઘણું ઘરનું કામ અને છોકરાંનાં કલબલ વચ્ચે રહેમત પોતાનાં ઉપર બે વરસ પહેલાં આવી પડેલા અણધાર્યા દુ:ખને ભૂલવા ભારે મથામણ કરતી રહેતી... કામનાં ભારણ તળે એ બધુ ભૂલવાનો મિથ્યા પ્રયાસ કરતી રહેતી.... પણ એમાં તેને જાજી કામયાબી નોતી મળતી...
રોજ એને ઈરફાન કોઈકને કોઈક રીતે યાદ આવી જ જતો.... એવી એકેય રાત ખાલી નહીં જાતી હોય કે ઈરફાન એને સપનામાં ના આવ્યો હોય... એનાં ચહેરા પરથી એ બધાંને એવું દેખાડતી કે જાણે એ ધીરે-ધીરે બધુ ભૂલી રહી છે... પણ એવો એકેય દિવસ ખાલી નોતો જતો કે ઈરફાન તેને યાદ ના આવ્યો હોય.
એમેય જિન્નતબાનુંની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી નોતી રહેતી... હવે તો એ બિલકુલ પથારીવશ થઈ ગયા તા. રહેમત પણ થોડા દિવસોથી એની અમ્માની તબિયત સારી નોતી રહેતી એટલે ખેતરે નોતી જતી... રહેમત અને શબાના બંને મળીને જિન્નતબાનુંને ખવડાવવાથી લઈને બધી જ દૈનિક ક્રિયા પથારીમાં જ કરાવતા હતા.
જિન્નતબાનુંની તબિયત વધારે ખરાબ થતી જાતી હતી. એમણે શકુરમિયાં અને જાવેદને છેલ્લીવાર ઇરફાનને મળવાની ઇચ્છા જતાવી..... શકુરમિયાં અને જાવેદ રહેમતની સામું જોઈ રહ્યા અને જિન્નતબાનુંને કાઇં જવાબ ના આપી શકયા... ત્યાં રહેમત બોલી... ભાઈ ! સાડા અગિયાર થઈ ગયા છે... ઈરફાન એમની ઓફિસે પોગી ગયા હશે... તમે કરિયાણાવાળાની દુકાને જઈને એમની ઓફિસે ફોન કરી દો કે.... જલ્દી આવી જાય... અમ્મા એમને બોવ યાદ કરે છે.
જાવેદ તરત જ ઊભો થઈને કરિયાણાની દુકાને પોગી ગયો અને ઇરફાનને ફોન લગાડ્યો... ઇરફાનની કેબીન માં જ ફોન લગાડ્યો હોવાથી ઇરફાને જ ફોન ઉપાડયો... હેલ્લો કહેતાની સાથે જ જાવેદ એક શ્વાસે બોલી ગયો.... ઈરફાન ! અમ્માની તબીયત બોવ ખરાબ છે અને વારેઘડીએ તને જોવાની ઇચ્છા જતાવે છે તો તું આજે જ ગામે આવવા નીકળી જા...
સામે છેડેથી થોડા ઘભરાયેલા અવાજે ઇરફાનેય એક જાટકે બોલી ગયો.... હા ભાઈ ! હું અત્યારે જ નીકળી જાઉં છું, સાંજ સુધીમાં અમ્મા આગળ પોગી જઈશ... કહીને ફોનનું રિસીવર નીચે મૂકીને ભાગતા પગલે મોટા સાહેબની ઓફિસમાં પોગી ગયો અને એક શ્વાસે બોલવા લાગ્યો... સર ! મારી માતાની તબીયત બોવ ખરાબ છે એટલે અત્યારે જ હું ગામડે જાવા નીકળું છું.... સાહેબનો હા કે ના એવો કોઈ પણ પ્રકારનો જવાબ સાંભળ્યા વગર જ ઈરફાન ફટાફટ કેબીન માંથી બાર નીકળી ગયો.
ઈરફાન બારોબાર ઓફિસેથી જ ગામડે જાવા નીકળી ગયો... આ વિશે પોતાની બીજી પત્નીને પણ ઘરે ફોન કરીને જણાવી દીધું... એમ તો એની પત્ની ઓફિસમાં એની સાથે જ કામ કરતી તી પણ છ મહિના પહેલા ઇરફાનને ત્યાં દીકરીનો જનમ થયો હતો એટલે એની બીજી પત્ની મેટરનીટી લીવ ઉપર હતી.
સાંજ પડતાં સુધીમાં તો ઈરફાન ગામડે પહોંચી ગયો... બે વરસ પછી એ પોતાનાં ઘરની ડેલી પાર કરી રહ્યો તો.... બે વરસથી એણે પોતાનાં માં-બાપની ખબર નથી લીધી એનો ભારોભાર અફસોસ એનાં ચહેરા પર વરતાઈ રહ્યો તો...
ઓસરી પાર કરીને એ એની અમ્માનાં ઓરડામાં દાખલ થયો તો ઘરનાં બધાં સદસ્યો જિન્નતબાનુંની પાસે બેઠા હતા... રહેમત એની અમ્માને ટેકો આપીને પાણી પીવડાવી રહી હતી.
ઇરફાનને જોઈને કઇં કેટલાય દિવસથી બેશુદ્ધ અવસ્થામાં હોય એમ પડ્યા રહેતા જિન્નતબાનુંનાં શરીરમાં જાણે કે નવો પ્રાણ ફૂંકાયો હોય એમ એ ઇરફાનની સામે હાથ લાંબા કરવા લાગ્યા અને નાનકડું અમથું સ્મિત પણ એમનાં ચહેરા ઉપર આવી ગયું.
ઈરફાન દોડીને જેમ નાનકડું બાળક પોતાની માં ની છાતીમાં સમાઈ જાય છે એવી રીતે જિન્નતબાનુંને વળગી પડ્યો અને જોર-જોરથી રડીને બોલવા માંડ્યો... અમ્મા ! હવે તો હું આવી ગયો છું , તમારે હવે જલ્દી સાજા થવું જ પડશે.... અમ્મા ! તમે મને મારો... ખીજાવ.... જે કહેવું હોય એ કહો પણ મારી હારે વાત કરો.... આમ ચૂપ ના રો અમ્મા.... કહીને નાના બાળકની જેમ ઈરફાન ફૂટી-ફૂટીને રડવા માંડ્યો.
જાવેદે ઈરફાનનાં ખભે હાથ મૂક્યો અને જિન્નતબાનુંને પાણી પીવડાવવાનું કહ્યું... અને તેના હાથમાં ગલાસ અને ચમચી આપ્યા... ઇરફાને ચમચીમાં પાણી ભર્યું અને જિન્નતબાનુંને બે-ત્રણ ચમચી પાણી પીવડાવ્યું જે એમનાં ગળા નીચે ઉતરી ગયું... પાણી પીધા પછી જિન્નતબાનું એ ફરીથી હાથ ઊંચો કર્યો અને આખા પરિવાર સામે એક નજર માંડીને પોતાની આંખો બંધ કરી દીધી એટલી વારમાં જ એમની રુહે શરીર છોડી દીધું. ઇરફાનની અંદર જ એમનો જીવ અટકેલો હતો.... ઇરફાનને મળ્યા એની થોડીવારમાં જ જિન્નતબાનું ગુજરી ગયા.
આખા ઘરમાં માતમનો માહોલ છવાયો તો... કોણ કોને સંભાળે એ સમજાતું નોતું.... નળિયા વગર જેમ ઘરની છત ખુલ્લી થઈ જાય એમ આજે જિન્નતબાનું વગર શકુરમિયાંનું ઘર ખુલ્લું નોંધારું થઈ ગયું તું... રાશીદ અને આસિફાનેય ખબર પહોંચાડી દેવામાં આવી હતી એટલે એ લોકો પણ પહોચી ગયા હતા... આખું ગામ શકુરમિયાંનાં ઘરે ભેગું થયું હતું... હોય પણ કેમ નહીં ! જિન્નતબાનું બધાનાં દુ:ખમાં ભાગ લેતા અને પોતાનાથી થઈ પડતી બધી જ મદદ કરતાં.
આખરે ભારે હૈયે જિન્નતબાનુંની દફનવિધિ સંપન્ન કરવામાં આવી અને ત્રીજા દિવસે તેમની ઝિયારત રાખવામાં આવી... જેમાં જિન્નતબાનુંને ભાવતી વાનગી બનાવવામાં આવી.. જેમાં મદરેસાનાં નાનાં માસૂમ બાળકો, પરિવારજનો અને ગામવાળાઓને ભોજન કરવવામાં આવ્યું.
ઈરફાન પોતાનાં ઘરની ઓસરીમાં સુમીત અને બીજા મિત્રો સાથે ગુમસુમ બેઠો તો... ત્યાં એની નજર પોતાનાં ઓરડાની બહાર ચાર-પાંચ સ્ત્રીઓ સાથે બેઠેલી રહેમત પર પડી. ગામડે આવ્યો ત્યારથી રહેમત સામે જોવાની એની એકેયવાર હિમ્મત નોતી થઈ... બે વરસ પછી આજે એણે રહેમતને જોઈ....
ઇરફાને નોંધ્યું કે વીસ વરસની નાની ઉંમરમાં રહેમતની અંદર આધેડ સ્ત્રી જેટલી પાકટતા આવી ગઈ હતી... પોતે હતો ત્યારે તેનું શરીર સપ્રમાણ ભરાવદાર હતું જે હાલમાં સૂકાઈને અડધું થઈ ગયું તું... પરંતુ તેની ખૂબસૂરતી હજુ અકબંધ હતી.. બેય ગોરાં ગુલાબી ગાલની લાલીમા હજી સુધી બરકરાર હતી અને હાથનાં ગોરાં પંજાઓની લીલી નસો સ્પષ્ટ આંખોમાં તરી આવતી હતી.. પોતે હતો ત્યારે બેય હાથમાં ખનન.... ખનન.... થતી કાચની બંગળીઓ પહેરી રાખતી પણ અત્યારે એના હાથનાં બેય કાંડાઓ બંગળી વગર સૂના-સટ્ટ હતા... જે ઇરફાનને બતાવતા હતા કે એનાં ગયા પછી રહેમતનાં જીવનમાં કેટલો ખાલીપો વ્યાપેલો છે. ઝિયારત પતી જતાં બધાં સગાઓ જમીને વિદાય લેવા માંડ્યા... એક-એક કરીને બધાં જતાં રહ્યા અને આખું ઘર સૂનુંસટ થઈ ગયું.. જિન્નતબાનું વગર શકુરમિયાંનાં ઘરની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી જે અત્યારે હકીકત બની ચૂકી હતી....
અદ્દલ પોતાનાં જેવી લાગતી નાની અફસાનાને જોઈને ઇરફાને દોડીને અફસાનાને ઉપાડી લીધી... ઇરફાનને અજાણ્યો માણસ સમજીને જાવેદ સામે હાથ લાંબો કરીને અફસાના જોર-જોરથી રડવા માંડી... જાવેદે તરત આવીને અફસાનાને ઉપાડી લીધી અને બોલ્યો.... ના... મારી ઢીંગલી ! ચૂપ થઈ જા... આવી રીતે ના રડાય.
ત્યાં વળી આદમને જોઈને ઇરફાને એને હાથ પકડીને પોતાની પાસે ખેંચ્યો અને ઉપાડવા જઈ રહ્યો તો ત્યાં આદમ ઇરફાનનો હાથ જાટકીને ઓરડા આગળ ઊભેલી રહેમતને ચોંટી ગયો... રહેમત મૂક નજરે આ બધું જોઈ રહી હતી.. રહેમત એકધારું ઈરફાન સામે તાકી રહી... જેની યાદમાં પોતાનું આખું શરીર નિચોવાઈ ગયું.... એ ઇરફાનનું શરીર બીજા લગન પછી ખાસ્સું વધી ગયું હતું... જાણેકે રહેમતનાં હોવા કે ના હોવાથી એને કોઈપણ જાતનો ફરક ના પહેલા પડ્યો તો કે ના હાલમાં પડે છે.. ઈરફાન પોતાનાં જીવનમાં ખૂબ ખુશ છે... એવું ઇરફાનને જોઈને રહેમતને લાગ્યું...
પોતાનાં બેય બાળકો એનાં સગા બાપથી દૂર ભાગે છે એ જોઈને ઈરફાનનું હૈયું ભરાઈ આવ્યું.... પછી એ મનોમન વિચારવા લાગ્યો... મેં પોતે જ તો મારા બાળકોને પોતાનાંથી દૂર પ્રેમથી વંચિત રાખ્યા છે... અને હવે ક્યા મોંઢે એ મને બાપ કહે અને એમનો પ્રેમ આપે એવી આશા રાખું છું ! વિચારીને ઇરફાનનું માથું શરમથી ઝૂકી ગયું... આખો પરિવાર મૂક નજરે ઇરફાનને જોઈ રહ્યો તો... પણ કોઈનાં મોંઢામાં એને કહેવાનો એક શબ્દ પણ નહોતો ...
ઇરફાને પોતાની પાસબુકમાંથી એક કોરો ચેક ફાડયો અને રકમ ભરીને સાઇન કરીને રહેમતને આપ્યો અને બોલ્યો.... રહેમત ! આ ચેક લઈ લે.... બાળકોનાં ભણતરમાં કામ લાગશે... આનાથી વધારે હું મારા બાળકો માટે કાઇ કરી શકું એવી સ્થિતિમાં નથી...
રહેમતે તિરસ્કારભરી નજરે ઈરફાન સામે જોયું અને ચેક ફાડીને ફેંકી દીધો.... અને બોલી.... અત્યારે અમ્મા આપણને મૂકીને જતાં રહ્યા છે અને હમણાં હું કાઇં વધારે બોલવા નથી માંગતી અને જે દી તમે અમને મૂકીને જતાં રહ્યા છો ત્યારથી આ સંબંધ પૂરો થઈ ગયો છે... અને કાન ખોલીને સાંભળી લે જો આ બેય છોકરાંવ ફક્ત અને ફક્ત મારાં જ છે... તો એમનાં ભણતરની કે કોઈ બીજી ચિંતા કરવાની તમારે જરૂર નથી... એમને મોટાં કરવાની અને ભણાવવાની ત્રેવડ અલ્લાહે મને આપી છે... અને હા.... મારો આ આખો પરિવાર મારી હારે છે.. તો બીજીવાર આવી રીતે પૈસાનો ચેક આપવાની હિમ્મત ના કરતાં... મારે કે મારાં છોકરાંવ ને તમારા પૈસાની કોઈ જરૂર નથી.
ઈરફાન શકુરમિયાં અને જાવેદ પાસે જઈને પોતાની નોકરી ચાલુ હોવાથી શહેર પાછા જાવાની રજા માંગી... રહેમત પાછી કટાક્ષ કરતાં બોલી... ગામડામાં તમારા અબ્બા રહે છે એ હવેથી યાદ રાખજો.... કારણકે અમ્માનાં ગયા પછી એમને હવે એમનાં બાળકોની વધારે જરૂર પડશે.... ઔલાદને ભલે માં-બાપ યાદ નો આવે પણ માં-બાપ કોઈ કાળે ઔલાદને ભૂલી નથી શકતા... તો ટાઇમ કાઢીને થોડીવારેય અબ્બાને મળવા આવતા રે જો જેથી અબ્બાનેય સારું લાગે....
ઈરફાન શકુરમિયાં સામે ભીની આંખે જોઈને બોલ્યો.... અબ્બા ! હું તમને મળવા આવતો રહીશ અને જાવેદ ભાઈ કોઈપણ કામ હોય મને એક ફોન કરજો.... હું તરત પહોચી જઈશ... બોલીને ઈરફાને ભારે પગલે ઘરની ડેલીની બાર કદમ મૂક્યો..
***