. અડાબીડ જંગલમાં
અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તર ને બદલે દક્ષિણે.
હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની તૈયારીમાં હતો. એટલે હું બેંગકોકથી પણ પુર્વમાં હતો. નીચે કદાચ ઓસ્ટ્રેલિયાની જમણી બાજુ.
જાન બચી તો લખો પાયે. બધા જ 239 ઉતારુઓ સલામત ઉતરેલા. કોઈ અજાણી જગ્યાએ.
અમે દોરડાંની મદદથી નીચે ઉતર્યા. ઉતારુઓને અંદર જ રહેવા કહ્યું. ત્યાં તો ગીચ ઝાડીમાંથી ઝેરી તીરોની વર્ષા થઈ. મેં શરણાગતિ દર્શાવવા સફેદ કપડું હલાવ્યું. એ લોકોએ વિમાનને નુકસાન પહોંચે એમ, એકાદ તીર ફ્યુએલ ટેન્ક પર જ માર્યું. હજુ થોડું સદ્ભાગ્ય બચ્યું હશે એટલે એ તીર ખાલી ટેન્ક પર વાગ્યું. મેં અને કો પાઇલોટે ફરી હાથ ઊંચા કર્યા અને કપડું ફરકાવ્યું. ફરી તીર વર્ષા. એ લોકો કપડું ફરકાવવું એટલે શાંતિ કે શરણાગતિ એવું સમજતા ન હતા એમ લાગ્યું.
કોઈ પ્રતિકાર જરૂરી હતો. મેં એર હોસ્ટેસને પૂછ્યું કે કોઈ લાંબી ચીજ છે? કોઈ લાકડી કે પાઇપ જેવી? કોઈ ન હતી. તો પણ હાજર સો હથિયાર. એણે કોઈ પેસેન્જરની ખાધેલી ડીશ આપી જેનો મેં ઘા કર્યો. એને એ લોકો હથિયાર માની બેઠા. એર હોસ્ટેસે જ કોઈ પેસેન્જરની વોકિંગ સ્ટિક પર સળગાવેલું કપડું વીંટી અગ્નિ પેલા હુમલાખોરોને બતાવ્યો. કિચનમાંથી બટેટા અને એવી ચીજો બહાર ફેંકવી શરુ કરી. અહીં પથરાઓ નજીક હશે નહીં. એ લોકો ચિચિયારીઓ પાડતા તીક્ષ્ણ ચીજો અમારી તરફ ફેંકતા ઝાડીમાં દોડી ગયા. વિમાનના વ્હીલ પર જ તીર વાગેલું. બંને પાંખોને નુકસાન થયેલું.
હવે આ વિમાન ઉડવા માટે નકામું.
અમે ક્રુ મેમ્બરો હાથ ઊંચા કરી ઇમર્જન્સી ગેટ ખોલી પાંખ પર આગળ વધ્યા પણ હવે કોઈ દેખાયું નહીં . અમે હવે ઉતારુઓને નીચે ઉતરવા માટે ઇમર્જન્સી સહિત બધા ગેઇટ ખોલી નાખ્યા.
આટલે ઊંચેથી નીચે ઉતરવું કેમ? અહીં કઈ સીડી મળવાની હતી?
વિમાનમાં નીચે મજબૂત દોરડાંઓ તો હતાં. અમે નક્કી કર્યું કે જે ઉતરી શકે એ પાંખ અથવા ગેઇટ પરથી દોરડાં બાંધી અને દોરડેથી સરકીને ઉતરે. જેમને ફાવે એટલા યુવાનો કે શક્તિશાળી ઉતારુઓ એમ ઉતર્યા , બાકીનાઓ માટે ભંડાકીયામાંથી સામાન ફેંકી બેગોનો ટેકરો, નીચે સામાન ફેંકતા જઈ બનાવ્યો. બીજા તેના પર કૂદીને ઉતર્યા. ટેકરો એટલો તો ઊંચો હતો કે થોડું કૂદી એના પરથી લસરીને કે ટેકો દઈ, લટકતા થઈ પગ મુકી ઉતરી શકાય. હજુ ન ફાવે એ લોકોને મેં, કો પાઇલોટે અને એર હોસ્ટેસોએ મદદ કરી.
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”
એ કડી હું જીવ્યો. મને આનંદ થયો, કોઈ મુકામ તો આવ્યો!
સહુ સલામત ઉતર્યા. પણ મને રંજ રહી ગયો કે આ મુકામ ઉતારુઓનો નિર્ધારિત મુકામ નથી. મારે હવે જીવવાની, સાબિત કરી બતાવવાની કડી
“વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”
અહીંથી ઉડીશ તો ગમે તેમ કરી સહુને ઘેર જરૂર પહોંચાડીશ. જો બીજી કડીઓ સાચી પડી તો આ પડશે જ.
“નાનકડા હૈયામાં મારા હોંશ નથી કંઈ નાની.” મેં મને જ કહ્યું.
અમે વિવિધ ટુકડીઓ બનાવી અને આસપાસથી જે કંઈ ખાવા મળ્યું એ એકઠું કર્યું. બે ત્રણ દિવસ માટેનો તો વિમાનમાં જ પુરવઠો હતો. જોતજોતામાં રાત પડી અને ઘોર અંધારું થઇ ગયું. અમે ઝાડની ડાળીઓ એકઠી કરી આગ સળગાવી. લીલી ડાળીઓ માંડ સળગી. પથરાળ જમીન પર જ્યાં મળ્યું ત્યાં અમે સુતા. આખી રાત મચ્છરો અને ઝેરી જીવડાં અમને કરડતાં રહયાં.
અમારી શોધ ચાલતી હશે? જરૂર ચાલતી તો હોવી જોઈએ. સવારની રાત પડી ગયેલી.
મારી જેમ કોઈ ઉતારુ કાવ્યનો શોખીન હશે. એણે ગાયું “ ક્યાં જાઉં રે વેરણ રાત મળી” બીજાઓને કહે એ અમારું ગુજરાતીઓના કવિ નરસિંહનું ભજન છે. સારું, એમ પણ તેઓ કઇંક હિમ્મતમાં રહેતા હોય તો. અને આ ઉતારુઓ તો મિશ્ર વસ્તીના હતા. એ લોકોને ઇન્ડિયા શું એ માંડ ખબર હોય. એમાં ‘અમારું ગુજરાત’ કેમ ખબર પડે? ઘણાખરા તો ચીબા ચીનીઓ હતા. એમની ઊંચાઈ પણ ઓછી. સ્ત્રીઓ એકદમ લીસ્સી ત્વચા ધરાવતી, એકદમ ગોરી, સુંદર. દરેક પ્રકારના ઉતારુઓ એકઠા થયા. સહુના મોં પર ચિંતા હતી- હવે અહીંથી ઉગરવુ કેમ?
દૂર કોઈ જહાજ પસાર થાય એની લાઈટો દેખાય તો બોલાવીએ. પણ આ કોઈ નિર્ધારિત દરિયાઈ માર્ગ ન હતો. સાવ અંતરિયાળ કોઈ ટાપુ. ઇન્દિરા પોઇન્ટથી પણ નીચે ભારતનો હશે? ઇન્ડોનેશિયાનો? કે કોઈ સાવ અજાણ્યો?
થોડી વધુ ડાળીઑ કાપી અગ્નિ તો પ્રગટાવ્યો. ઉપરથી એક બે વિમાનો પસાર પણ થયાં . આ ટાપુ કોઈ ચોક્કસ હવાઈ માર્ગ પર પણ નહીં હોય. જો હોય તો મને અને કો પાઇલોટને ખ્યાલ હોય જ. અને તો વિમાનો પણ દર કલાકે પસાર થાય. આ વિમાનો ચોક્કસપણે અમને ગોતવા માટેનાં જ હતાં. અમારી આગ એમને દેખાઈ નહીં. જળમાર્ગે કોઈ આવે તો ખબર પડે એટલા માટે કોઈએ વગર કુહાડીએ મહા મહેનતે ઊંચી, લાંબી ડાળી તોડી એની ઉપર કોઈ કપડું ફરકાવ્યું અને અમે સહુ કાલે બચવા શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. એમને એમ રાત્રી પુરી થવા આવી હોય એમ લાગ્યું. તેઓ થોડી ઊંઘ લેવા પથ્થર, ઘાસ કે જ્યાં જગ્યા મળે ત્યાં સુતા.