મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
ભાગનું દૂધ
ઊંઘરેટી આંખોને ચોળતી ચોળતી એ પોતાના પતિની નજીક આવીને બેસી ગઈ. એ દિવાલના ટેકે બેઠો બેઠો બીડીના કશ લઇ રહ્યો હતો.
“મુન્નો સુઈ ગયો...?”
“હા, લ્યો દૂધ પી લ્યો.” ચાંદીનો જુનો ગ્લાસ તેણે પેલાની સામે ધર્યો
“ના, મુન્ના માટે રહેવા દે. જ્યારે જાગે ત્યારે...” તે ગ્લાસને સતત જોઈ રહ્યો હતો.
“હું તેને મારા ભાગનું દૂધ પીવડાવી દઈશ.” તેને વિશ્વાસ હતો.
“ગાંડી, બીડીની ઉપર ચા-દૂધ કશું જ ન પીવાય. તું પી લે.” તેણે બહાનું બનાવીને દૂધ પેલીની નજીક સરકાવી દીધું.
ત્યાંજ...
બહારથી હવાની સાથેજ એક અવાજ તેના કાન સાથે અથડાયો. એની આંખો એના ઝભ્ભાના ખાલી ખિસ્સામાં ઘુસી ગઈ.
“સાંભળ, ચા બનાવી દે.”
પત્નીને આટલું કહેતા તો એનો અવાજ બેસી ગયો.
***