પ્રકરણ – 21
વૈદેહી અંદર પ્રવેશી. વિશ્વા સાથે કઈ રીતે વાત કરવાની છે એ તેણે વિચાર્યું નહોતું. આ ગલીની ડાબી બાજુએ એક કબાટ છે અને જમણી બાજુએ બાથરૂમ તથા ટોઈલેટ છે. વૈદેહી રૂમમાં આવી. બેડથી ચારેક ડગલાં દૂર ઊભી રહી. રૂમની દીવાલો આસમાની રંગથી રંગાયેલી હતી. બેડ પર પથરાયેલી ચાદરનો અને ઓશિકાના કવરનો રંગ પણ આસમાની હતો. બધું એકદમ પ્લૅન આસમાની નહોતું! ચાદરની આસમાની પૃષ્ઠભૂમિમાં ઘેરા આસમાની અને વાદળી રંગની આડી-ઊભી લીટીઓથી ચોકઠાઓ બનેલાં હતાં અને ઓશિકાના કવર પર વાદળી રંગના ફૂલો દોરેલાં હતાં. બેડની બાજુમાં એક ચોરસ ટેબલ પડ્યું હતું, જે બેડ જેટલું જ ઊંચું હતું, તેના પર પાણીનો જગ હતો.
બેડના હેડ-બૉર્ડને ટેકો દઈને, પગ લંબાવીને બેઠેલી વિશ્વા પુસ્તક વાંચી રહી હતી. તેણે નાઈટ-ડ્રેસ પહેર્યો હતો.
“પેલા ટેબલ પર ડીશ મૂકજે. કામ ઘણું ઝડપી છે તમારું!” વિશ્વાએ ઊંચું જોયા વિના જ કહ્યું- “રાત્રે એક વાર આ જગમાં પાણી ભરવું પડશે.”
“એક્સક્યુઝ મી…” વૈદેહીને નવાઈ લાગી હતી.
વિશ્વાએ ઊંચું જોયું. વૈદેહીને જોઈને તે અચરજ પામી-
“ઓહ, વૈદેહી! મને એમ કે પેલો રૂમસર્વર ડીનર લઈને આવી ગયો! એટલે જ તો હું દરવાજો ખોલીને તરત પાછી આવી ગઈ. સોરી!”
વૈદેહી એમ જ ઊભી રહી. વિશ્વા સાથે કઈ રીતે વર્તવું, કેવા શબ્દપ્રયોગો કરવા એ તેને સૂઝતું નહોતું.
“હું અહીંયા જ જમી લઉં.” પુસ્તક બંધ કરીને વિશ્વાએ કહ્યું- “અરે, તું ઊભી કેમ છે? બેસ!”
વૈદેહી પલંગના ખૂણા પર બેઠી.
“મિશન પર હોઉં છું ત્યારે હું પુસ્તકો નથી વાંચતી!” વિશ્વાએ કહ્યું- “પણ અત્યારે મારી પાસે કાલ સવાર સુધી તમારી રાહ જોયા સિવાય અન્ય કોઈ કામ નહોતું.”
વૈદેહી હજી પણ ચૂપ રહી. વિશ્વા બેડ પરથી નિચે ઊતરી. ખૂણામાં મૂકેલાં તેના થેલાની ચેઈન ખોલીને પુસ્તક અંદર મૂક્યું. ચેઈન બંધ કરતાં તે બોલી-
“હું અહીં જ જમી લઉં. મને એમ કે તું કાલે સવારે જ આવીશ.”
વૈદેહીને નવાઈ લાગી. વિશ્વા તેની સામે જોઈને બોલી-
“તમે તો ઉતાવળ કરી! સારું કર્યું! મારું ડિનર આવતું જ હશે. હું જમી લઉં પછી આપણે નીકળીએ.”
“ક્યાં?” વૈદેહીથી પૂછાઈ ગયું.
“હં?”
“ક્યાં જવાનું છે?”
“તું મને લેવા માટે નથી આવી?”
“ના!”
હાથ કમર પર ટેકવીને, મોં જરા મચકોડીને, માથું એક તરફ ઢાળીને અને એક પગ જરા ત્રાંસો રાખીને તે ઊભી રહી, વૈદેહી સામે જોઈ રહી, અચરજ પામતી રહી, વિચારતી રહી.
“હું તને લેવા નથી આવી.” હવે વૈદેહીએ બોલવાનું શરૂ કર્યું.
“તો?” એ જ સ્થિતિમાં રહીને વિશ્વાએ પ્રશ્ન કર્યો.
“પૂછવા.” વૈદેહીને હવે વિચિત્ર પ્રકારની ગૂંગળામણ થવા લાગી હતી.
એક નિઃસાસો નાખીને વિશ્વા પલંગ પર બેઠી. પીઠ બેડના હૅડબોર્ડ પર ટેકવી, બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને ખોળામાં મૂકી. બોલી-
“તને તારા પપ્પાએ મોકલી?”
“હું મારી મરજીથી આવી છું!”
“કોઈએ તને રોકી નહિ?”
“ઘરે કોઈ નહોતું.”
“ક્યાં ગયા?”
“લ-”
“કેમ અટકી ગઈ?”
“પ્રશ્નો મારે તને પૂછવાના છે.” વૈદેહીને લાગ્યું કે પ્રશ્નોત્તરીનો પ્રવાહ અવળી દિશામાં વહી રહ્યો છે.
“એવો નિયમ કોણે બનાવ્યો?”
“તું ખોટી દલીલો ન કર! હું પૂછું એનાં જવાબ આપ!”
“ન આપું તો?” વિશ્વાએ પૂછ્યું.
“તો મારા ઘરમાં નહિ ઘૂસવા દઉં!”
વિશ્વા વૈદેહી સામે તાકી રહી. મનોમન હસી. વૈદેહીએ પ્રશ્ન કર્યો-
“તેં આ રૂમ કાલ સવાર સુધી જ બૂક કેમ કરાવ્યો છે? તને પૂરો વિશ્વાસ છે કે અમે તને સ્વીકારી લઈશું?”
“મેં રૂમ કાલ સુધી જ બૂક કરાવ્યો છે એ તને કઈ રીતે…” વિશ્વાએ કહ્યું- “તારિકભાઈ સાથે તારે કોઈ ઓળખાણ છે કે રૂપિયા ખવડાવ્યા?”
“સંબંધી છે. એ મને દીકરી સમાન માને છે?”
“તારા પપ્પા સાથે એમનો કોઈ સંબંધ છે?”
“પપ્પા સાથે એમની ઓળ….”
“શું થયું પાછું?”
“પ્રશ્નો મારે પૂછવાના છે!”
ડોરબૅલ વાગી અને વાતમાં ભંગ પડ્યો.
“જમવાનું આવી ગયું.” કહેતી વિશ્વા ઊભી થઈ.
વૈદેહી બેસી રહી. પાણીનો ખાલી જગ લઈને વિશ્વા દરવાજે ગઈ. વૈદેહીએ રૂમમાં નજર ફેરવી. ખૂણામાં પડેલી બૅગ ફંફોળવાની તીવ્ર ઈચ્છા તેને થઈ આવી. તે ઊભી થવા જતી હતી કે વિશ્વા પાછી આવી હતી. વૈદેહી રૂમમાં હોવાને કારણે વિશ્વાએ ભોજન લાવનારને દરવાજેથી પાછો મોકલ્યો હતો. પાણીનો જગ પણ અડધા કલાક પછી આપી જવાની સૂચના આપી હતી. ભોજનની મોટી ડીશ બંને હાથે પકડીને તે અંદર પાછી આવી હતી. ટેબલ પર ડીશ મૂકીને તે વૈદેહી તરફ ફરી. બોલી-
“તું જમ્યા વિના આવી હોઈશ.”
“તો?”
“જમવું હોય તો…” કહીને વિશ્વાએ ટેબલ નીચેથી એક ખુરશી બહાર ખેંચીને તેના તરફ ઈશારો કર્યો.
“તું મારા પ્રશ્નોના જવાબ નહિ આપે ત્યાં સુધી તારી સાથે નહિ જમું.” વૈદેહીએ રોફ દેખાડવાનો પ્રયાસ કર્યો.
“ભલે!” વિશ્વાએ હળવેથી કહ્યું- “ભૂખી રહે!”
વૈદેહી ક્રોધિત થઈને બેસી રહી. વિશ્વા ટેબલ તરફ ફરી. ટેબલ નીચેથી બહાર ખેંચેલી ખુરશીમાં બેસવાં જતી હતી પણ અટકી. વૈદેહી સામે જોઈને બોલી-
“મારા વિશે પ્રશ્નો પૂછવા સિવાય તારે કોઈ કામ હોય તો હું તારી સાથે વાત પતાવ્યા પછી જમીશ. એ સિવાય કોઈ કામ ન હોય તો તું જઈ શકે છે!”
“હું પોલીસને જાણ કરી દઉં તો?”
“શેની?” ટેબલની ધાર પર ટેકો દઈને, અદબ વાળીને ઊભી રહેલી વિશ્વાએ કહ્યું- “મેં તને જમવાનો આગ્રહ એની?”
“હું અહીં મજાક કરવા આવી છું?” વૈદેહી ગુસ્સે થઈને બોલી.
“તો કંઈક વ્યવસ્થિત વાત કર!”
“કોઈ ટોળકી અમારા પર સતત નજર રાખતી હોય તો અમે પોલીસને જાણ કરીએ એમાં તને શું વાંધો? કેમ ના પાડે છે તું?”
“નેક્ષ્ટ ક્વેશ્ચન, પ્લીઝ!”
“નાટક ન કર!” ગુસ્સાના કારણે વૈદેહી ઊભી થઈ ગઈ.
“બૂમો ન પાડ!” વિશ્વાએ શાંતિથી કહ્યું.
“તું મારા પ્રશ્નોના જવાબ આપ!”
“તું આપણા બંનેનો સમય બગાડે છે, વૈદેહી! મારું ભોજન ઠંડું થઈ રહ્યું છે.”
“તું પપ્પાને અને કાકાને છેતરી શકે, મને નહિ!” વૈદેહી વિશ્વા તરફ ચાલી રહી હતી, રુઆબભેર બોલી રહી હતી- “તને લાગે છે કે તારું આ નાટક કામ કરી જશે. હું તને ખોટી સાબિત કરીને જ રહીશ.”
વિશ્વા વૈદેહીને સાંભળતી રહી. વૈદેહી વિશ્વાની સામે આવીને ઊભી રહી-
“તું પોતાની જાતને જાસૂસ ગણાવે છે ને?”
“છું!” વિશ્વાએ કહ્યું- “ઈન્ડિયન સિક્રેટ સર્વિસ એજન્સીની એજન્ટ છું.”
“શું સાબિતી છે એની?”
વિશ્વા ટટ્ટાર ઊભી રહી. વૈદેહીની આંખમાં આંખ પરોવીને બોલી-
“તારી આગળ મારી ઓળખ સાબિત કરવા હું બંધાયેલી નથી.”
“લાવ, તારું આઈ-કાર્ડ દેખાડ!” વૈદેહીએ એક હાથ વિશ્વા તરફ લંબાવ્યો.
વિશ્વા ખુરશીમાં બેઠી. જમવાના પાત્રો ખોલવા લાગી. બોલી-
“તું જઈ શકે છે!”
“મારે નથી જવું!”
“તારિકભાઈની હોટેલના એક રૂમમાં પૂરાઈને માર ખાવો ગમશે તને?”
“મારે તારું આઈ-કાર્ડ જોઈએ, બસ!”
વિશ્વાએ ડિશ તૈયાર કરી. એમ લાગતું હતું કે વૈદેહી વિશ્વાને ભીંસમાં લઈ રહી હતી. વિશ્વા આઈ-કાર્ડ દેખાડવાની ના કેમ પાડતી હતી? વૈદેહી અયોગ્ય પ્રશ્નો પૂછી રહી હતી કે પછી વિશ્વા પાસે કોઈ ખુલાસા નહોતા? વૈદેહી અણધારી રીતે આવી ગઈ હતી. વિશ્વાને આવી કોઈ અપેક્ષા નહોતી. વૈદેહી વિશ્વાની ઓળખની સાબિતીની જિદ પકડીને બેઠી હતી. વિશ્વા જમવાનું શરૂ કરવા જતી હતી. વૈદેહી તેની ખુરશીની પડખે ઊભી હતી. વિશ્વા ચૂપ હતી.
“ચૂપ કેમ છે?” વૈદેહી વિશ્વા પર તાડૂકી રહી હતી- “તમારી સંસ્થા તમને ઓળખપત્ર તો આપતી જ હશે ને? દેખાડ મને!”
વિશ્વા મૌન હતી. તેને વૈદેહીના પ્રશ્નો સાવ નકામા લાગતા હતાં એટલે તે ચૂપ હતી કે પછી તેની પાસે એ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા? વૈદેહી બોલતી રહી-
“અમને છેતરવા નીકળી હતી! એટલે જ તો તું પોલીસને જાણ કરવાની ના પાડે છે! જો આ વાતમાં પોલીસ વચ્ચે આવે તો એમની આગળ તો તારે તારી ઓળખ સાબિત કરવી જ પડે, ત્યારે તારું નાટક પકડાઈ જાય!”
વિશ્વા ત્રાંસી નજરે વૈદેહી સામે જોઈ રહી. વૈદેહીએ હુકમ કર્યો-
“તારી ઓળખ સાબિત કર!”
જમણા હાથની કોણી ટેબલ પર ટેકવીને એ હાથની હથેળીમાં માથું ટેકવીને વિશ્વાએ વૈદેહી સામે જોયું. પૂછ્યું-
“કઈ લાયકાતના જોરે તું મને મારી ઓળખ સાબિત કરવાની ફરજ પાડી શકે?”
વૈદેહી ચૂપ રહી.
“પ્રશ્ન ન સમજાયો કે જવાબ નથી મળતો? રફ લેંગ્વેજમાં કહું?” વિશ્વાએ પૂછ્યું- “તારી હૈસિયત નથી મારું આઈ-કાર્ડ માંગવાની.”
તાપ પરથી તાજી જ ઉતારેલી કીટલીમાં બંધ ચાની માફક વૈદેહી ઉકળત હતી. અચાનક જ તે પેલાં ખૂણામાં પડેલાં થેલા તરફ ચાલી.
“શું કરે છે?” વિશ્વા ઊભી થઈ.
“તારી અસલીયત હમણા જ સામે આવી જશે.” વૈદેહી એ થેલા પાસે પહોંચી ગઈ હતી.
“રહેવા દે!” વિશ્વા તે તરફ ધસી હતી.
વૈદેહી નીચી નમી. થેલાની ચેઈન ખોલી. ઉપર જ પડેલું પુસ્તક તેણે બે પર ફેંફ્યું. નીચે કપડાં હતા. વૈદેહીએ કપડા હાથમાં પકડ્યાં ત્યારે તેના ડબા ખભા પર વિશ્વાનો હાથ મૂકાયો. વિશ્વાએ તેને ઝાટકા સાથે પાછળ ખેંચી. વૈદેહી પાછળની તરફ ખેંચાઈ. તેના હાથમાંના કપડાં થેલામાંથી બહાર આવ્યા. વિશ્વાએ તેના પગમાં પગ ભરાવ્યો અને તેને પોતાની તરફ ફેરવી. તે લથડી. તે પડતી હતી એ જ વખતે વિશ્વાએ તેને જોરથી એક લાફો ઠોકી દીધો. વૈદેહી નીચે પડછાઈ હતી. તેના હાથમાં વિશ્વાના કપડાં હતા તે અહીંતહીં ફેંકાયા હતા.
“વધારે હોંશિયારી ન કર, વૈદેહી!” નીચે પડેલી વૈદેહીને વિશ્વાએ ધમકાવી- “આમ અચાનક અહીં આવીને તેં કંઈ સારું કામ નથી કર્યું. પોતાની જાતને સમજે છે શું તું?”
વૈદેહીના ગુસ્સાનો પાર નહોતો. તે બેઠી થઈ. તેની ડાબી બાજુ વિશ્વા ઊભી હતી. વૈદેહી થેલા સામે જોઈ રહી.
“વિચારતી પણ નહિ!” વિશ્વાએ તેને ચેતવી.
“હું એ થેલો તપાસીને જ રહીશ.”
વૈદેહી ઊભી થવા જતી હતી પણ વિશ્વા એ પગ વાળીને ઢીંચણ તેની છાતીમાં ઠોક્યો. વૈદેહી અડધી ઊભી થઈ હતી ને આ પ્રહાર થયો. તે નીચે બેસી પડી. વિશ્વા ઘણી ચપળ હતી. વૈદેહી હજી નીચે બેઠી જ હતી કે તેણે એ જ પગથી એક લાત તેની છાતીમાં મારી. વૈદેહીની છાતી પર આવો માર જીવનમાં પ્રથમ વખત વાગ્યો હશે. બંને હાથ છાતી પર દબાવીને તે બેસી રહી. ઘડીક તો તેને લાગ્યું કે હ્યદય બંધ પડી જશે.
“હવે અક્કલ ઠેકાણે આવી કે હજી વધુ માર ખાવો છે?”
“અક્કલ તો તારી ઠેકાણે લાવવાની છે…” છાતી પર ગોઠવેલાં બંને હાથ એકમેકમાં ભરાવીને વૈદેહીએ પૂરા બળથી મુક્કો વિશ્વાના ડાબા પગ પર વીંઝ્યો. ખૂબ જ ચપળાતાથી વિશ્વાએ ડબો પગ પાછળની તરફ હવામાં ઊંચકી લીધો. વૈદેહીનો પ્રહાર ખાલી ગયો. તેનું બળ હવામાં વીંઝાઈ ગયું. બીજી જ ક્ષણે વિશ્વાએ ઊંચો કરેલો પહ પૂરા બળથી વૈદેહીના પડખામાં ઠોક્યો. વિશ્વાની એ લાતથી વૈદેહી એ પડખું હાથથી દબાવીને તે તરફ ઢળી પડી. દુઃખાવાના કારણે મોં બગાડતી રહી.
“હવે ધરાઈ ગઈ?” વિશ્વા બેડ પર બેસીને બોલી- “મેં તો તને ભોજનનું આમંત્રણ આપ્યું હતું પણ તારે તો માર જ ખાવો હતો!”
વૈદેહી કંઈ બોલવા જેવી હાલતમાં નહોતી. તેના જેવી કોમળ કન્યા માટે આટલો માર પણ અસહ્ય ગણાય! વિશ્વા બોલી-
“તારા પપ્પા અને તારા કાકા કોઈક અદ્ભૂત શોધ માટે મથી રહ્યા છે. આતંકવાદીઓને એ શોધ વિશે જાણ થઈ ગઈ છે. એ શોધ ચોરવા માટે તેઓ ગમે તે કરી છૂટશે. એ બંને વિજ્ઞાનીઓને એવી સમજણ નથી પડતી કે આ શોધ ગુપ્ત રીતે થવી જોઈએ. ગમે તે જાહેર સ્થળે એના વિશે ચર્ચા કરતાં ફરે છે. હવે આપણે સાવચેતી નહિ રાખીએ તો અસંખ્ય જોખમો આવી પડશે. સમજાય છે તને?”
વૈદેહી મૂંગી પડી રહી. વિશ્વા બોલતી રહી-
“અમારું કામ એકદમ ગુપ્ત હોય છે. અમે ગમે તેવું પરાક્રમ કરીએ તો પણ ન્યૂઝવાળાને એની ખબર નથી પડવા દેતા. જ્યારે પોલીસ નાનું અમથું કામ કરે તો પણ બીજા દિવસે છાપામાં તેની માહિતી આવી જાય છે. તું આટલી ભયંકર વાત પોલીસને જણાવે એ મૂર્ખતા નહિ તો બીજું શું કહેવાય? ને તું પોલીસને શું કહીશ? પોલીસ તપાસ શરૂ કરશે એટલે સૌથી પહેલાં શું શોધવાનો પ્રયત્ન કરશે? એ ટોળી કેમ તમારો પીછો કરે છે એનો જવાબ શોધવાનો પ્રયત્ન પોલીસ સૌપ્રથમ કરશે. કથાના પ્રથમ અધ્યાયમાં જ તમારી શોધની ગુપ્તતાની પથારી જશે. એ પછી પણ તમારે વારંવાર પોલીસ સ્ટેશને જવું પડશે અને પોલીસની જીપ વારંવાર તમારા ઘરે આવશે. આખાય અમદાવદમાં તમે લોકો ચર્ચાનો વિષય બની જશો. તમે જ્યાં જશો ત્યાં લોકો જાતજાતનાં પ્રશ્નો પૂછશે. કોને કોને સમજાવીશ તું? હા, પોલીસખાતામાં ઓઅણ કાબેલ અફસરો હોય છે, જેઓ આ પ્રકારના કામ છૂપી રીતે કરી શકે. છતાંય, એ લોકોને અમુક મર્યાદો નડતી હોય છે એવા સમયે તેઓ અમારો સંપર્ક કરે છે. કેમ કે અમને એવી કોઈ જ મર્યાદા નથી નડતી. અમને સખત ટ્રેઈનિંગ આપવામાં આવે છે આ પ્રકારનાં ઓપરૅશન્સ પાર પાડવાની. બોલ, આ વાત પોલીસને જણાવાય?”
“તારી વાત સાચી છે, વિશ્વા!” વૈદેહી બેઠી થઈ.
“અત્યારે અહીં આવીને તેં બહુ મોટી ભૂલ કરી નાખી છે, વૈદેહી!’ વિશ્વા ઊભી થઈને બોલી- “તું તારા પરિવાર સાથે લગ્નમાં ગઈ હોત તો એ એક સામાન્ય ઘટના ગણાત. અહીં આવીએ તેં એ લોકોને વધુ વિચારવા માટે સઘન તપાસ કરવા માટે પ્રેર્યા છે. મારી સાચી ઓળખ એ લોકોથી છૂપી રાખવી અત્યંત જરૂર છે. તારી આ ભૂલને કારણે એ લોકો મારી પાછળ પડશે.”
“ઓહ નો! આઈ એમ રીઅલી સોરી, વિશ્વા!”
“હવે ફટાફટ ઘરભેગી થા.”
વૈદેહી ઊભી થઈ. આમતેમ ફેંકાયેલા કપડાં વ્યવસ્થિત કરીને વિશ્વાને આપ્યા. વિશ્વાએ એ કપડાં થેલામાં મૂક્યાં.
“વિશ્વા, મને માફ કરી દે!” કહેતી વૈદેહી વિશ્વાને ભેટી પડી- “તું અમારી ઘણી મદદ કરી રહી છે.”
બંને છૂટાં પડ્યા.
“જમવું છે?” વિશ્વાએ પૂછ્યું.
“ના, તું જમી લે! હું ઝડપથી ઘરે પહોંચું!”
“ગુડ નાઈટ!”
“ગુડ નાઈટ!”
વૈદેહી ઝડપથી દરવાજે પહોંચી. વિશ્વા ખુરશીમા ગોઠવાઈ. વૈદેહી અટકી. વિશ્વા તરફ ફરીને બોલી-
“વિશ્વા, કાલે સવારે આઠ વાગ્યે લેવા આવી જઈશ. તૈયાર રહેજે!”
“સંભાળીને જજે!”
વૈદેહી રૂમની બહાર નીકળી.
દરવાજો બંધ થયો કે તરત જ વિશ્વાએ મોબાઈલ હાથમાં લીધો. કોઈકને ફોન જોડ્યો. અંગ્રેજીમાં બોલી-
“સર, એ રૂમની બહાર નીકળી છે…. હોટેલના મેનેજરને આવજો કહેવા એકાદ મિનિટ રોકાશે પછી હોટેલની બહાર આવશે…. યસ, સર!…. એ નીચે હતી ત્યારે જ તમે મને ફોન કરીને જણાવી દીધું એટલે મેં એ બધો સામાન ઝડપથી એક કબાટમાં સંતાડી દીધો હતો… મારા કપડાનો થેલો જ બહાર રાખ્યો હતો…. એ પણ મેં એને જોવા ન દીધો… હા…. ઓકે, સર!”
વિશ્વાએ બીજો ફોન જોડ્યો. અંગ્રેજીમાં જ વાત થઈ-
“સર, વૈદેહી રૂમમાંથી જતી રહી છે…. હા…. એ કાલે મને લેવા આવશે જ… કાલથી આપણી કાર્યપદ્ધતિ કેવી રહેશે અને આપણે કેવી રીતે સંપર્કમાં રહીશું એ અંગે થોડું આયોજન કરી લઈએ, સર… હા, હું એકલી જ છું…. આવો…”
રૂમ નંબર ૨૦૯માંથી એ માણસ બહાર નીકળ્યો અને ૨૦૭ના દરવાજે આવ્યો. એ માણસ દરવાજે આવ્યો એ પહેલાં જ વિશ્વા દરવાજે પહોંચી ગઈ હતી અને દરવાજો ખોલ્યો હતો. પેલો માણસ ઝડપથી અંદર આવી ગયો. રૂમ નંબર ૨૦૯માં હમણાં જ રહેવા આવેલા બેમાંનો એક માણસ વિશ્વાના રૂમાં આવ્યો અને બીજો હોટેલની બહાર એક બાઈક પર બેઠો હતો, વૈદેહી બહાર નીકળે એની રાહ જોતો હતો.
અલબત્ત, વૈદેહીને આ બધી હિલચાલની જરાય જાણ નહોતી. અમુક મહિનાઓ પછી તેને આ બધું જાણવા મળ્યું હતું. પણ ત્યાં સુધીમાં તો ઘણું બધું બની ગયું હતું.
આ લોકો ઈન્ડિયન સિક્રેટ સર્વિસ એજન્સીના એજન્ટ્સ હોય કે પછી અન્ય કોઈ લોકો, વિશ્વા એકલી નહોતી….
વૈદેહી ઘરે પહોંચી.
એક બાઈક સવાર સોસાયટીના ગેટ સુધી તેની પાછળ પાછળ આવ્યો હતો. વૈદેહી ગભરાઈ ગઈ હતી. ઘરે પહોંચી ત્યારે તેને ટાઢક થઈ હતી.
બીજા દિવસે સવારે વૈદેહી વિશ્વાને ઉમંગભેર તેડી આવી હતી. રસ્તામાં વૈદેહિએ વિશ્વાને કહ્યું હતું-
“તને લેવા આવતી હતી ત્યારે ડરતી હતી પણ હવે તું સાથે છે એટલે જરાત બીક નથી લાગતી.”
વિશ્વા ઘરે પહોંચી….. ઘરે?
તેણે વિનયકુમારના ઘરમાં રહેવાનું હતું. ઘર તો વિનયકુમારનું અને વીણાબેનનું હતું, વિશ્વા માટે તો એ ફક્ત એ મકાન જ હતું. પણ એ નિઃસંતાન દંપતીએ વિશ્વાને દીકરી તરીકે ઘરમાં આવકારી હતી. આતંકવાદીઓના ભયને ઉંબરા બહાર જ રાખીને વીણાબેને વિશ્વાને ઉમળકાભેર આખુંય ‘ઘર’ દેખાડ્યું હતું. વિશ્વાને મને તો આ મકાન તેનાં મિશન માટે એક ‘સેફ હાઉસ’ માત્ર હતું, મિશન પૂરું કરીને જ્યાંથી તે ચાલી જશે.
આખુંય ઘર જોઈને બેઠકખંડમાં પાછા આવ્યા ત્યારે વિશ્વાએ પૂછ્યું-
“મને કયો રૂમ આપવાના છો?”
“અરે, આખુંય ઘર તારું જ છે, બેટા!” વીણાબેને કહ્યું.
*****
વિનયકાકાના મુખેથી એકધારી વહેતી વાત અટકી. તેઓ જરા થાક્યા છે અને છતના ખૂણા પર નજર સ્થિર કરીને વિચારમગ્ન થયા છે. વિશ્વા નામની દીકરીના ગૃહપ્રવેશ વખતે અનુભવેલો આનંદ તેમને ભૂતકાળની એ ક્ષણોમાં પાછો ખેંચી રહ્યો છે. અમુક દિવસો માટે તેમને દીકરી મળી હતી, એવી દીકરી કે જે તેમને પિતા નહોતી માનતી.
સવારના પોણા ચાર થયા છે. વૈદેહીના ઘરનાં બેઠકખંડમાં અમે બેઠાં છીએ. પ્રયોગશાળામાંથી બહાર આવ્યો કે તરત જ મને વિનયકાકા મળી ગયા હતા. અત્યાર સુધીના રહસ્યોનું અનાવરણ થવાની આશા સાથે હું તેમની વાત સાંભળી રહ્યો છું. વિનયકાકાએ આ ચાળીસ મિનિટ જે કંઈ સંભળાવ્યું એ મારા અનુમાનમાં જ નહોતું. મને હતું કે કથા ભમરાહથી શરૂ થશે. કલ્પના જ નહોતી કે અમદાવાદમાં આટલું બધું બન્યું હશે. આખીય ગડભાંજના મૂળીયા તો બહુ પહેલેથી નખાઈ ગયા હતા.
હું કામળો ઓઢીને બેઠો છું. ચાળીસ મિનિટ હું સંપૂર્ણ મૌન હતો. હોઠની તબિયત માટે એ ફાયદારૂપ છે. છેલ્લી દશ મિનિટથી પીઠ પરના જખમમાં અને ડાબા હાથની ટચલી આંગળીમાં સણકા આવવા લાગ્યા છે. ફાનસનો પ્રકાશ સાવ આછો થઈ ગયો છે. તેની બેટરીમાં સંગ્રહાયેલી ઊર્જા ખૂટવાના આરે છે.
વિનયકાકાએ ચાળીસ મિનિટ કથા કરી પણ મારા એકેય પ્રશ્નનો જવાબ તેમાંથી મળ્યો નથી. હા, વિશ્વાને કારણે પ્રશ્નો વધ્યા છે. પણ એ પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં થઈ જશે! વિનયકાકાએ જે કંઈ જણાવ્યું એ ખૂબ જ મહત્વનું છે. આ આખીય વિટંબણાના મૂળ સુધી પહોંચવા માટે આ બધું જાણવું અનિવાર્ય છે. વિશ્વા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય કે, વિશ્વા અત્યારે ક્યાં છે? અમદાવાદમાં એણે આટલી મહત્વની ભૂમિકા ભજવી તો પછી અત્યારે પણ તે આ ઓપરૅશન સાથે જોડાયેલી હોવી જોઈએ. વિનયકાકા બોલ્યા-
“હું એના પર અસીમ સ્નેહ વરસાવતો હતો. વીણા તો એ ભૂલી જ ગઈ હતી કે અમે નિઃસંતાન છીએ. પણ વિશ્વા હતી કે…. બસ, પથ્થર પર પાણી ઢોળાતું હતું. જરા અમથી પણ ભીંજાતી નહોતી એ.”
વિનયકાકા નીચું જોઈ ગયાં અને જાણે ક્યાંક પાતાળમાં ખોવાઈ ગયા. બોલી બોલીને તેમનું ગળું સૂકાયું હશે. હું તેમના માટે એક ગ્લાસ પાણી લઈ આવ્યો. તેમણે પાણી પીધું.
વિનયકાકા જે સમયની વાત કરી રહ્યા છે એ સમયે હું અમદાવાદમાં જ તો હતો! કોલેજના ત્રીજા વર્ષમાં ભણતો હતો. ગજબ કહેવાય, હું નિરાંતે ભણતો હતો અને એ જ શહેરમાં એવી ખીચડી રંધાઈ રહી હતી જે પંદર મહિના પછી, આજે, મારા જ મોંમાં ઠોંસાઈ રહી છે!
“હવે મને થાક લાગી રહ્યો છે.” વિનયકાકા બોલ્યા- “આગળની વાત તું જ કહી દે!”
મને નવાઈ લાગી. મને ખબર નથી એટલે જ તો મારે વાત સાંભળવાની છે! ધ્યાન ગયું કે વિનયકાકા મારી સામે જોઈને નથી બોલ્યા, મારી પાછળ કોઈક બેઠું છે તેની સામે જોઈને બોલ્યા છે. પીઠનો ઘા દુઃખાય નહિ એ રીતે હું પાછળ ફર્યો. કોઈ નથી!
“અહીં છું, વેદ!” વૈદેહી બોલી.
અવાજ પાછળથી આવ્યો છે. હું વિનયકાકા સામે ફર્યો. વૈદેહી તેમની બાજુમાં બેઠી છે. મેં કહ્યું-
“કાકા, તમારી શોધ તમે વૈદેહી પર ઍપ્લાય કરી?”
“કરવી પડી.” તેમણે કહ્યું- “એ વાત પણ આવશે!”
“એટલે કે, વૈદેહીનું શરીર તરંગ સ્વરૂપે, અકલ્પનીય ગતિથી સ્થાળાંતર કરી શકે છે?”
“હા!” વૈદેહી ઠાવકાઈથી બોલી- “પપ્પાએ અને કાકાએ જે શોધ કરી છે તેનાથી હું સુપર પાવર ધરાવતી માનવ બની ગઈ છું. આઈ એમ ધ રીઅલ સુપર હ્યુમન!”
“તો આતંકવાદીઓ અત્યારે શું શોધી રહ્યા છે?” મેં વૈદેહીના વટને અવગણીને પ્રશ્ન કર્યો.
“મને.” તે બોલી- “મને પકડવાના ફાંફા મારે છે.”
“મ…. મારે આખીય વાત સાંભળવી પડશે!” મેં કહ્યું- “આ રીતે તો કંઈ સ્પષ્ટ નહિ થાય.”
“આ બધી માથાકૂટમા તું કેમ આટલો હેરાન થયો, દીકરા?” વિનયકાકાએ પૂછ્યું- “તને હજી સુધી એ સ્પષ્ટ નથી કે આ બધું ચાલી શું રહ્યું છે! તું અમારો સંબંધી પણ નથી કે અમને મદદ કરવા માટે જીવના જોખમે દોડ્યો આવે.”
“કાકા, આપણી વચ્ચે માનવત્વનો સંબંધ છે!” મારાથી બોલાઈ ગયું.
“તું ખૂબ સારો છોકરો છે, બેટા!” તેઓ ભાવભીના સ્વરે બોલ્યા.
વૈદેહીએ અને વિનયકાકાએ વાત શરૂ કરી. હવે વૈદેહી વાત કરી રહી છે, વચ્ચે ખૂટતી વાતો વિનયકાકા ઉમેરી રહ્યા છે.
સવારના ચાર વાગ્યા છે. ઘરનાં તમામ બારી-બારણા બંધ કરીને અમે બેઠાં છીએ. ભમરાહ હજી નિંદ્રામાં છે. અરે, વેદાંતભાઈના ઘરે પણ સૌ સૂતાં જ હશે ને? તેમનાંમાંનું કોઈ અમુક સમય માટે પણ જાગ્યું હશે તો મારી ગેરહાજરીની જાણ તેમને થઈ ગઈ હશે. અત્યારે એ પ્રશ્ન અગત્યનો નથી. અગત્યનો પ્રશ્ન એ છે કે વૃંદા જીવતી હશે ને? મને અત્યારે કહેવાઈ રહેલી વાર્તામાં વૃંદા વિશે વધુ માહિતી મળી શકશે?
પોણા પાંચ સુધી વૈદેહી અને વિનયકાકા એમનો ભયાનક ભૂતકાળ મારી સમક્ષ રજૂ કરતાં રહ્યા. વિશ્વા ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ ઘટનાઓની સ્પષ્ટતા થઈ ગઈ છે, અમુક સિવાય! મારા મોટાભાગના પ્રશ્નોના જવાબ મળી ગયા છે.
ઈન્ટરવલ પછી તેમની અડધી રહેલી વાત આગળ વધવા લાગી……
*****
વિશ્વા ઘરમાં આવી ત્યારથી સૌને ઘણી નિરાંત થઈ હતી. બધાંને તેના પર આંધળો વિશ્વાસ હતો. ત હતી પણ એવી કાબેલ. આટલી નાની ઉંમરે તેણે કંઈ કેટલાંય ખાટાં-મીઠાં-તીખાં અનુભવો કરેલા. હા, વિશ્વા વૈદેહીથી એકાદ વર્ષ નાની હતી. સૌને વિશ્વાના બાળપણ વિશે ભારોભાર કુતૂહલ હતું. તેના બાળપણ વિશે સૌ કોઈ તેને પૂછી પૂછીને થાક્યા હતાં પણ હરામ જો તો એક શબ્દ પણ બોલી હોય તો. એક અઠવાડીયાંમાં તેણે બંને પરિવારો વિશે પૂરી માહિતી મેળવી લીધી હતી. એ પછી તેણે બંને વિજ્ઞાનીઓ સાથે તેમની શોધ વિશે ચર્ચાઓ શરૂ કરી હતી. બંને વિજ્ઞાનીઓએ વિશ્વાને ‘એ ટુ ઝેડ’ માહિતી આપી દીધી હતી. એ ભારેખમ વિજ્ઞાન વિશ્વા સમજી શકી હતી. વિનયકુમાર અને વીણાબેન વિશ્વાને પોતાની દીકરી જ સમજતાં અને એટલે જ તેની પ્રતિભા જોઈને તેઓ ગદ્ગદિત થતાં.
વિશ્વાના આગમનને એક મહિનો પૂરો થયો હતો. હવે બંને ઘરમાં વિશ્વાનું શાસન ચાલતું. વિશ્વાએ બંને વિજ્ઞાનીઓને તેમની શોધ વિશે ઘરની બહાર એક શબ્દ પણ બોલવાની મનાઈ ફરમાવી હતી. પરિવારજનોએ નોંધ્યું હતું કે વિશ્વાને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સિવાય પણ એકાદ ભાષા આવડે છે. દિવસમાં એકાદ વખત તે ફોન પર કોઈકની સાથે એ ભાષામાં વાતો કરતી.
આ જ સમયમાં એક એવી ઘટના બની કે આ પ્રવાહની દિશા બદલાઈ ગઈ. એ ઘટના વિશે વિશ્વા સિવાય સૌ કોઈ અજાણ હતા. જો કોઈને એ ઘટનાની જાણ એ જ સમયે થઈ ગઈ હોત તો આજે પરિસ્થિતિ તદ્દન અલગ જ હોત. બહુ પાછળથી વૈદેહીએ એ ઘટનાની વાર્તા અવની પાસેથી સાંભળેલી…
વૈદેહી સંગીતશાળામાં જતી ત્યારે વિશ્વા તેની સાથે જતી. શસ્ત્રીય સંગીતનો એ વર્ગ ત્રણ કલાક ચાલે. વિશ્વાએ એનો સમય વૈદેહી પાસેથી જાણી લીધેલો. વૈદેહી વર્ગમાં જાય એટલે વિશ્વા એક્ટિવા લઈને નીકળી પડે. વર્ગ પૂરો થવાની પંદરેક મિનિટ પહેલાં પાછી આવી જાય. વૈદેહીને તો એમ જ કે વિશ્વા બહાર ક્યાંક બેસતી હશે. વિશ્વા કોઈ એક સાયન્સ કોલેજના ગાર્ડનમાં કે તેનાં ગેટની આજુબાજુ કોઈક સારી જગ્યા શોધીને બેસતી. બીજા દિવસે તે બીજી કોઈ કોલેજની આજુબાજુ જગ્યા શોધતી.
એક દિવસ વિશ્વા એક સાયન્સ કોલેજના ગેટની પાસેના એક બગીચામાં બેઠી હતી. તે એવો બાંકડો શોધીને બેઠી હતી કે જેથી ગેટમાંથી આવતાં-જતાં વિદ્યાર્થીઓ પર નજર રાખી શકાય. અડધો કલાક એમ જ વીત્યો. વિશ્વા બેઠી હતી તે બાંકડા પર એક છોકરી બેઠી. વિશ્વાએ તેને જોઈ. ઉંમરમાં તે વિશ્વા કરતાં મોટી હતી વિશ્વા કરતાં વધુ દેખાવડી પણ. તે ધીમાં અવાજે એક જૂનું ગીત ગણગણી રહી હતી- નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા…. પિયા પિયા રટ કે મેં તો હો ગઈ રે બાંવરિયા…
વિશ્વાએ તેના પર ખાસ ધ્યાન ન આપ્યું. તેણે ગીત ગણગણવાનું ચાલું રાખ્યું. ગીતના શબ્દોમાં તેણે જરા ફેરફાર કર્યો- કોલેજ કોલેજ દ્વારે દ્વારે ઢૂંઢે તું સાંવરિયા….
વિશ્વાએ તેની સામે જોયું. તેણે વિશ્વા સામે નજર કર્યા વિના ગીતનું મુખડું પૂરું કર્યું- વેદ વેદ રટ કે તું તો હો ગઈ રે બાંવરિયા….
વિશ્વાથી ઊભા થઈ જવાયું. તે પેલીની સામે આવીને ઊભી રહી. એણે વિશ્વા સામે જોયું મલકી-
“અરે, ઊભી કેમ થઈ ગઈ” બાજુમાં હાથ મૂકીને તે બોલી- “બેસ… મૅર્વિના! ચાલ, ગીત પૂરું કરીએ… આઈ થી અખિયોં મેં લે કર ક્યા ક્યા સપને પ્યાર કે… જાતી હું દો આંસું લે કર આશાએં સબ હાર કે…. પલ પલ મનવા રોયે, છલકે નૈનોં કી ગગરિયા… કોલેજ કોલેજ દ્વારે-”
“કોણ છે તું?” વિશ્વા હજી ઊભી હતી.
“અવની.”
(ક્રમશઃ)